સોશ્યલ મીડિયાએ રાજકારણનાં ખેલની વ્યૂહરચના બદલી નાખી છે, લોકો સુધી પહોંચવા માટે વપરાતા આ માધ્યમ, લોકોનાં મન બદલવા અને ડહોળવા સુદ્ધાં ઉપયોગમાં લેવાય છે
ગયા અઠવાડિયે વડાપ્રધાને જાહેરાત કરી કે પોતે સોશ્યલ મીડિયાનો ત્યાગ કરશે અને પછી ભારે હોબાળો થયો. તેમનું આ વિધાન ચર્ચાનો વિષય બની ગયું અને એ પણ સોશ્યલ મીડિયા પર! અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પછી જો કોઇ રાજકારણી સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફૉલો થતું હોય તો તે નરેન્દ્ર મોદી છે. મોદીનાં 5 કરોડ 33 લાખથી વધારે ફૉલોઅર્સ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનાં 7 કરોડ 32 લાખ ફૉલોઅર્સ છે. વડાપ્રધાન પોતે 2,372 લોકોને ફૉલો કરે છે. ફેસબૂક પેજ પર તેમનાં 4 કરોડ, 47 લાખ 33 હજાર લાઇક્સ છે જ્યારે 4 કરોડ 46 લાખ 10 હજાર 232 ફૉલોઅર્સ છે. ઇનસ્ટા પર તેમને ફૉલો કરનારાનો આંકડો 52 લાખ છે.
યુનિવર્સિટી ઑફ મિશીગન સ્કૂલ ઑફ ઇન્ફર્મેશનનાં એક પ્રાધ્યાપકે રાજકીય સ્તરેથી રાષ્ટ્રીય સ્તર સુધી નરેન્દ્ર મોદીની સોશ્યલ મીડિયા મુસાફરીનું વિગતવાર અવલોકન કર્યું છે. તેમના મતે ૨૦૧૩ સુધી આ હાજરી મર્યાદિત હતી અને પછી તેમાં પરિવર્તન આવ્યું. પહેલાં તો મોદીનાં ટ્વિટ્સ ગુજરાતને લગતા વિષયો અને મુદ્દાઓમાં જ મર્યાદિત હતા. ૨૦૧૩નાં જૂનમાં અડવાણીનાં આશીર્વાદ માંગતા ટ્વિટ્સ આવ્યા. આ ટ્વિટ્સનાં પડદા પાછળ મોદીની વડાપ્રધાન પદ માટેની ઉમેદવારીની જાહેરાત થનગની રહી હતી. જૂલાઇ ૨૦૧૩માં અલગ અલગ રાજ્યો અંગે ટ્વિટ્સ આવી ચૂક્યા હતા તો પોતે કયા રાષ્ટ્રીય નેતાઓને મળ્યા છે તેની જાહેરાત પણ મોદીના ટ્વિટ્સમાં આવવા માંડી. જલદી જ નરેન્દ્ર મોદી તે વખતે સૌથી વધુ ફૉલો થતા શશી થરૂરથી આગળ નીકળી ગયા. ભા.જ.પા.ના આઇ.ટી. સેલની ચર્ચા થવા માંડી અને સોશ્યલ પ્લેટફોર્મ્સ પર તેની કામગીરી પણ દેખાવા માંડી. કટ્ટરવાદ, આકરા વલણો, ભગવા રાજકારણની વિરુદ્ધ લખતા મીડિયાને પ્રેસ્ટીટ્યૂટનું નામ આપવું વગેરે ચાલ્યું તો યુ.પી.એ. સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચાર પણ આ સોશ્યલ મીડિયા દ્વારા સતત લખાયું. જો કે જ્યારે જ્યારે બેરોજગારી, મંદી, કોમી તાણ જેવી બાબતો પર ચર્ચા થઇ ત્યારે બીજી તરફથી મૌન સેવાયું. વડાપ્રધાનની સોશ્યલ મીડિયા છોડવાની જાહેરાત અને પછી પોતાના એકાઉન્ટ મહિલાઓને સોંપવાની વાતની આખી નાટકીય ગોઠવણને જે રીતે પ્રતિસાદ મળ્યો તે જ દર્શાવે છે કે રાજકીય અને સામાજિક પાસાંને હાથવગા રાખવામાં વડાપ્રધાન અને તેમની આઈ.ટી. ટીમ કેટલું બધું કૌશલ્ય ધરાવે છે.
સોશ્યલ મીડિયા અને રાજકારણ એક જ સિક્કાની બે બાજુ છે. ટ્રમ્પની જીત પાછળ પણ સોશ્યલ મીડિયાનો બહુ મોટો હાથ છે. સાચી ખોટી, પાયા વગરની માહિતીઓ લોકો સુધી પહોંચાડવામાં તો સોશ્યલ મીડિયાનો ઉપયોગ થાય જ છે પણ લોકોનો દ્રષ્ટિકોણ બદલવામાં, તેમની વિચારસરણી સમજીને તેમના ઝૂકાવની દિશા બદલવામાં પણ સોશ્યલ મીડિયા પ્લેટપોર્મ્સનો ઉપયોગ થાય છે. ડેટા એનાલિટીક્સનાં ઉપયોગ અંગે અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે. યુનિવર્સિટી ઑફ ટોરેન્ટોની સિટિઝન્સ લેબનાં ડાયરેક્ટર રોનાલ્ડ ડેઇબર્ટે આધુનિક રાજકારણમાં સોશ્યલ મીડિયા અંગે કહ્યું છે કે, “નવા પ્રકારનાં ફાસીવાદ પાછળ સોશ્યલ મીડિયાની જવાબદારી અને વાંક છે તેનો અસ્વીકાર શક્ય નથી.” સોશ્યલ મીડિયા એક સમયે લોકશાહીકરણનું માધ્યમ હતું. આવા સંજોગો હતા ત્યારે ઇરાનમાં ‘ગ્રીન મુવમેન્ટ’ થઇ અને રિગ્ડ ઇલેક્શન સામે બળવો પોકારાયો, પછી ઇજિપ્તમાં પણ સોશ્યલ મીડિયાનો કુનેહપૂર્વક ઉપયોગ થયો અને આમ જનતા માટે હકારાત્મક પરિણામ આવ્યા. જો કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ખોટી માહિતી પ્રસરાવવા પણ એટલી જ સિફતથી અને મોટે પાયે થાય છે.
ભારત અને અમેરિકાનાં પ્રમુખો સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર છે તો ચીનમાં તો પશ્ચિમનાં આ બધા સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ છે. ચીનમાં ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, સ્નેપચેટ જેવા બધાં માધ્યમો પર બાન છે અને ત્યાં વીઆઇબો અને વીચેટ જેવા સોશ્યલ મીડિયા વપરાય છે જે તેમનાં રાષ્ટ્રનાં છે. ચીનના પ્રમુખ શી જીનપિંગ ચીનનાં સોશ્યલ મીડિયા પર મર્યાદિત પોસ્ટ કરતા હોય છે, જે મોટે ભાગે ઑફિશ્યિલ બાબતો અંગે જ હોય છે જેને લોકોનો બહોળો પ્રતિસાદ મળે છે. ચીનનાં પ્રમુખનાં હુકમ અનુસાર પ્રો-બેઇજિંગ મેસેજિઝનો પ્રવાહ કે રશિયાના પુતિનની ટીકા પર પ્રતિબંધ મુકાવો જેવું ત્યાંના સોશ્યલ મીડિયા પર ચાલતું રહે છે.
રશિયાના પુતિનની સોશ્યલ મીડિયા પોસ્ટ મોટેભાગે ઑફિશ્યલ બાબતોને લગતી જ હોય છે અને સોશ્યલ મીડિયા પર તેમની છાપ સખત અને પારંપરિક નેતા તરીકે બહુ કાળજીપૂર્વક ઘડવામાં આવી છે. ‘રશિયન ફેસબૂક’ ગણાતા વીકોન્તેક્ટેના નવા માલિક પુતિનનાં અંગત મિત્ર છે અને તેની પર પણ પુતિન વિરોધી કશું પણ ક્યારે ય જોવા નથી મળતું. જોર્ડનની ક્વિન રાનિયાએ જે રીત ઇન્ટરનેટનો ઉપયોગ પોતાના ફિલાન્થ્રોફી અને મહત્ત્વ દર્શાવવા માટે કર્યો તે કારણે તેને જોર્ડનની વર્ચ્યુઅલ ક્વિનની ઓળખાણ મળી. સોશ્યલ મીડિયા પર તેનાં ફૉલોઅર્સ જોર્ડનની વસ્તી કરતાં વધારે છે. લોકો સુધી સર્જનાત્મક રીતે પહોંચવું હોય તો ટેક્નોલૉજી મહત્ત્વની છે તેવું તેનું માનવું છે. દક્ષિણપૂર્વ એશિયાના કમ્બોડિયામાં ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રાઇમ મિનિસ્ટર કાર્યરત એવા હું સેનનાં ફેસબૂક ફૉલોઅર્સની સંખ્યા ૧૦ મિલિયનની આસપાસ છે. ૧૬ મિલિયનની વસ્તીનો દેશ હોય ત્યારે સોશ્યલ મીડિયા પર આટલું ફૉલોઇંગ બહુ મોટી વાત કહેવાય. તેમની અંગત જિંદગીની ઝલક પણ લોકોનો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે, પણ કંબોડિયાના રાજકારણમાં ફેસબૂકનો બહુ મોટો હાથ છે.
નરેન્દ્ર મોદી સૌથી વધુ ટેક સૅવી વડાપ્રધાન છે તે તો સ્વીકારવું જ રહ્યું કારણ કે તે શક્ય એટલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાજરી ધરાવે છે, તે શેરચેટ હોય કે પછી ચીનનું વીઇબો હોય કે ફ્લિકર, પિન્ટરેસ્ટ, લિંક્ડઇન હોય. ટ્રમ્પ પછી કોઇનાં સૌથી વધુ ફૉલોઅર્સ હોય તો તે નરેન્દ્ર મોદીનાં છે જો કે આ બન્ને કરતાં વધુ ફૉલોઅર્સ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના છે, આ આંકડો ૧૧ કરોડની આસપાસ છે. સૌથી વધુ ફૉલો થતા ૨૦ સેલિબ્રિટીઝમાં ઓબામા પહેલા નંબરે છે, ટ્રમ્પ નવમા નંબરે છે અને મોદી ૧૮મા નંબરે છે. આ ત્રણની વચ્ચે લેડી ગાગા, રોનાલ્ડો, ટેલર સ્વિફ્ટ, સેલેના ગોમેઝ વગેરેનાં નામો છે.
જાહેરમાં રાજકારણીની છબી ઘડવામાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો ફાળો રહ્યો છે. સોશ્યલ મીડિયાના યુગ પહેલાં રાજકારણીઓ સુધી પહોંચવું ક્યારેય આટલું સરળ નહોતું. મતદારોનાં અભિપ્રાયો સમજવાથી માંડીને પોતાની વિચારસરણીને સતત ઘુંટ્યા કરવા માટે રાજકારણીઓ માટે સોશ્યલ મીડિયા બહુ જરૂરી પ્લેટફોર્મ રહ્યાં છે. સોશ્યલ મીડિયાના કારણે આવેલા મુખ્ય પરિવર્તનો છે મતદારો સાથે સીધો સંપર્ક, જાહેરાત ન લાગે તે રીતે થતી જાહેરાત, વાઇરલ પહોંચમાં સરળતા, જે પ્રકારનાં વર્ગને ટાર્ગેટ કરવો હોય તે પ્રમાણે સંદેશા કે પોસ્ટ બનાવવા, ફંડ રેઇઝિંગ અને પહોંચનું શક્તિપ્રદર્શન કરવામાં થતી સરળતા. સોશ્યલ મીડિયાએ રાજકારણની આંટીઘુંટી બદલી નાખી છે જે બદલાઇ રહેલા સમીકરણોમાં દેખા દેતી રહે છે.
આ તો વિશ્વનાં નેતાઓની સોશ્યલ મીડિયાની પૉપ્યુલારિટીની વાત થઇ. પરંતુ આ જેટલું દેખાય છે એટલું પારદર્શી અને સરળ નથી. આજે સોશ્યલ મીડિયા પર કોઇ મોટા માથાની બ્રાન્ડ ખડી કરવાની હોય, ચોક્કસ પ્રકારની ઓળખાણ બનાવવાની હોય તો તેને માટે ખાસ એજન્સીઝ કામ કરે છે. એક ટ્વિટ લેખે ૨૬ રૂપિયા લઇને સતત ટ્વિટ કરનારા વ્યવસાયી ટ્વિટર પોસ્ટર્સની કોઇ કમી નથી. ફેસબૂક પેજ પર લાઇક્સ ખરીદી શકાય છે. સોશ્યલ મીડિયાનું લોકશાહીકરણ જેટલું દેખાય છે એટલું છે એવું માનવાની ભૂલ ન કરવી જોઇએ. બધું જેટલું સ્વતંત્ર અને મુક્ત લાગે છે તેટલું જ ‘મેન્યુપલેટેડ’ એટલે કે કોઇનાં હાથમાં દોરીસંચારથી થઇ રહેલી કામગીરી છે.
બાય ધી વેઃ
પબ્લિક ફિગર્સની વાત કરીએ તો ફિલ્મ અને ખેલ વિશ્વનાં જાણીતા ચહેરાઓ માટે પણ સોશ્યલ મીડિયા એક એવું વિશ્વ છે જ્યાં તેઓ સતત પોતાના ‘ચાહકો’ સાથે વાત કરતા રહે છે. અમિતાભ બચ્ચન જેવા મહાનાયક બહુ ચિવટથી પોતાની દરેક પોસ્ટનું નંબરિંગ કરે છે, તેમની પોસ્ટમાં કામથી માંડીને પર્સનલ યાદગીરીઓ શેર થતી રહે છે. શાહરૂખ ખાન દીકરાએ કરેલા ચિત્ર પણ સોશ્યલ મીડિયા પર શેર કરે છે. વિરાટ કોહલી તેનાં ડાયેટની વાત કરે છે તો મોટા ભાગનાં સેલેબ્ઝ પ્રેમનાં એકરારથી માંડીને બાળકનાં જન્મ સુધીની જાહેરાત સોશ્યલ મિડિયાથી જ કરવાનું પસંદ કરે છે. આ બધાં પાછળ એક સીધું કારણ છે કે દરેક પબ્લિક ફિગર જાણે છે કે લોકો વચ્ચે પ્રસ્તુત રહેવું હશે, રેલેવન્ટ રહેવું હશે તો પોતાની હયાતીની નોંધ એક યા બીજી રીતે લેવાતી રહે તેની તકેદારી રાખી પડશે. આમ કરવામાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ બદલાયેલા જમાનામાં અનિવાર્ય બની ચૂક્યાં છે. ટ્રોલ્સ, ધિક્કાર અને ઘૃણાને ગણતરીમાં લઇએ તો આ તમામ પ્લેટફોર્મ્સને અનિવાર્ય અનિષ્ટ કહેવાં પડે એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 માર્ચ 2020