Opinion Magazine
Number of visits: 9483422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૂસકાંની દિવાલ

નયના પટેલ|Opinion - Short Stories|15 November 2013

[‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર નયનાબહેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબહેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર(યુનાઇટેડ કિંગ્ડમ)માં રહેતાં નયનાબહેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના “ગુજરાત સમાચાર”માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યાં છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને “ગુજરાત સમાચાર”માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું.  – તંત્રી ‘રીડગુજરાતી’.]

•

શાંત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની જીભ ન ઉપડી. નવ મહિનાનાં રોશનને છાતીએ લગાડી એણે અબુને ખુદા-હાફીઝ કહ્યું તો ખરું પરંતુ અંતર ફફડતું જ રહ્યું ….. ફફડતું જ રહ્યું !

અને અબુના ગયાને ચાર દિવસ પણ નહોતા થયા અને એક રાત્રે અબુ સાથે હજ કરવા ગયેલા એના ભત્રીજા રહેમાનનો ફોન આવ્યો. નવ મહિનાનાં રોશનને છાતીનું અમૃત પીવડાવતી ગુલશનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એનાં દૂધ સાથે એ ચૂકેલી ધડકન હંમેશ માટે રોશનના માસૂમ હૃદયનાં એક ખૂણામાં સૂમસામ જગ્યા બનાવી ચૂપચાપ પડી રહી છે. અને એણે એને દુનિયાથી અલિપ્ત બનાવી દીધો છે. હજની ભીડમાં અબુને અસ્થમાનો ભયંકર હુમલો આવ્યો અને … અને શ્વાસ લેવા તડપતાં અબુનો પંપ શોધીને એને રહેમાન આપે તે પહેલા તો એ બેભાન થઈ ગયો … અને પછી બીજી મદદ મળે ત્યાં સુધીમાં તો ….. ખેલ ખલાસ થઈ ગયો. રહેમાને એ ખબર ગુલશનને આપ્યા. એ સમાચાર એના કાનના પડદા સુધી જ પહોંચ્યા. સમજની સીડી ચઢીને દિલ સુધી જતાં તો એને મહિનાઓ લાગ્યા !

એક દિવસ પવનના તોફાનમાં પાછળના ગાર્ડનની ફેન્સ તૂટી ગઈ. મનમાં થયું, ‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે …..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી હોય તેમ અબુનું અવસાન ખાબક્યું ! રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ … સાચ્ચે જ અબુ હવે નથી ! અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો ! ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી ! અબુ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો ! અંદર ખડકાતા જતાં ખંડેરને સંતાડીને મોઢા ઉપર ખુમારી પાથરીને આંખના રતન માટે મા અને અબ્બા બન્ને બનવા માટે કટીબદ્ધ બનવું પડ્યું. એ તો સારું છે કે યુ.કે.માં રહે છે એટલે કોઈની સામે નથી હાથ લંબાવવો પડ્યો કે નથી કોઈનું અહેસાન ઉઠાવવું પડ્યું !

અબુનાં ગયા પછી તરત જ થોડા દિવસમાં દેશમાં રહેતા એનાં બધા સગાં-સંબંધીઓ તરફથી અબુના નાના ભાઈ ફર્દીન સાથે નિકાહ પઢી લેવા માટે દબાણ વધવા માંડ્યું. એ મક્કમ રહી. ન તો માના કસમ એને ચળાવી શક્યા કે ન તો એના સાસુ-સસરાનાં ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ પીગળાવી શક્યા ! એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજી થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઊલટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં ! પરંતુ પરિણામ શું આવ્યું ? કામિનીને ધર્મપરિવર્તન કરાવવાની જીદ લઈ બેઠેલાં સાસુ-સસરાને કોઈ સમજાવી ન શક્યું. કામિનીનાં મમ્મી-પપ્પા પણ મુસ્લિમ સાથે દીકરીનાં લગ્ન કરાવવા તૈયાર ન થયાં અને એક દિવસ કામિનીને તેના મમ્મી-પપ્પાએ કોઈ એન.આર.આઈ. સાથે લગ્ન કરાવી, પરદેશની કોઈ અંધારી ગુફામાં ધકેલી દીધી. ફર્દીને પણ એની ફોઈની દીકરી સાથે અનિચ્છાએ લગ્ન કરી લીધા ને આજે એ વાતને 18-18 વર્ષના વ્હાણા વાયા !

આજે એનો દીકરો રોશન એના શહેરથી દૂર આવેલી યુનિવર્સિટીમાં જવાનો હતો ! ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે ! પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર …. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારે ય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલા ય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહેશે ! પતિ વગરનો ખાલીપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલીપો કેમ કરી વેંઢારાશે ? દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલી ય વાર ઇચ્છવા છતાં ય ક્યારે ય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી ! આજે પણ એ જ મથામણ ! ગુલશનની અબુનાં મૃત્યુના સમાચાર વખતે ચૂકી ગયેલી ધડકન જાણે રોશનની અંદર અવ્યક્ત ડૂસકું બનીને થીજી ગઈ છે !

અને રોશન ગયો !
એક દિવસ …. બે દિવસ … ધીમે ધીમે સરકતાં સમયે ગુલશનને થાબડી થાબડીને શાંત કરવા માડી. રોશનને રોજ સાંજે ફોન કરવાનો પ્યારભર્યો હૂકમ હવે નિયમ બની ગયો છે. હવે ગુલશન દરેક સાંજની રાહ જુએ છે ! રોશનનો ફોન આવે પછી જ ખાવાનું એને ગળે ઊતરે છે. રોશનને પણ એનો અહેસાસ છે. એટલે છ વાગ્યે કે એ અચૂક ફોન કરે. આમ તો શાંત અને ઓછાબોલા દીકરાની રોજની પ્રવૃત્તિ વિશે પૂછીને, શું ખાવાનો છે તે જાણવા ગુલશન સવાલ પૂછે તેનો ટૂંકો જવાબ મેળવીને એ ખુશ થાય છે. પછી કાંઈ ખાસ વાત કરવાની રહેતી નથી.

પછી તો યુનિવર્સિટીની ત્રણ નાની-મોટી રજાઓમાં રોશન ઘરે આવ્યો. ગુલશને ચૂપચાપ એનામાં થયેલા ફેરફારો નોંધ્યા. પહેલા કરતાં થોડો – માત્ર થોડો – પણ ખૂલ્યો છે. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારે કોઈ પણ મિત્ર ન ધરાવતો રોશન ઘણીવાર હવે એના યુનિવર્સિટીનાં મિત્રોને ફોન કરે છે. એ લોકોનાં ફોન આવે છે. ગુલશનને ખૂબ સારું લાગ્યું. એની ગંભીરતા ઓછી થતાં હવે ક્યારેક એવી કોઈ વાત નીકળે ત્યારે મા સામે ધીમું ધીમું મલકે છે. હાશ … ! ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચુપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો રહ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ! ઘણીવાર ગુલશન ઇચ્છતી કે બાળ સહજ તોફાન કરે, જીદ કરે, કામના-નકામના સવાલો પૂછી એનું માથું ખાય …. પણ એવું ક્યારે ય બન્યું નહીં. પરંતુ હવે રહી રહીને દીકરાની અંદર થતાં આ ફેરફારથી ગુલશન ખૂબ ખુશ છે. રોશન ભણવામાં હોંશિયાર હતો જ પરંતુ હવે એને એનો મનપસંદ વિષય પોલિટિક્સ અને હિસ્ટ્રી મળતાં સોળે કળાએ ખીલવા માંડ્યો છે. ઇંગ્લેન્ડનું રાજકારણ ભણતાં ભણતાં ભારત અને પાકિસ્તાનના રાજકારણનો અભ્યાસ પણ વખત મળ્યે કરે છે.

થોડા સમયથી ગુલશનને રોશન થોડો મુરઝાયેલો કે કોઈ વિચારમાં ખોવાયેલો લાગ્યા કરે છે. એક રજામાં આવેલા રોશનને ગુલશને બને એટલું સહજ રહી પૂછી જ લીધું :
‘બેટા, ઑલરાઈટ છે ને ?’ 
‘અં …. હા, કેમ એમ પૂછે છે, મા ?’
 ‘હમણાંથી કેમ થોડો થાકેલો અને વિચારોમાં હોય તેવું મને લાગ્યા કરે છે ?’ થોડીવાર ચૂપ રહી તે ઊઠીને ઉપર એના રૂમમાં ગયો. એક ફોટો લઈને પાછો આવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ગુલશન સામે ધરી દીધો. કોઈ બોલકી આંખોવાળી છોકરીનો ફોટો હતો. ગુલશને આશ્ચર્ય, ઉત્કંઠા, આનંદ, ચિંતાની ભેળસેળ લાગણીભરી આંખોથી રોશન સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું ! 
‘આ ઈશા છે, મા. મારી સાથે ભણે છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ !’
 ગુલશન સાચે જ ખુશ થઈ ઊઠી અને એ વાતને આગળ લંબાવવા પૂછ્યું, ‘અને …..?’ 
થોડીવાર શાંત રહી, વિચારોને ગોઠવીને એણે કહ્યું : 
‘મા, મને ખબર છે કે તું હંમેશની જેમ મારી બધી જ ઇચ્છા, લાગણીઓને બે હાથે આવકારીશ જ.’ 
‘તને મારામાં આટલો વિશ્વાસ છે તો પછી તમારી ગાડી ક્યાં અટકી ?’
છત તરફ તાકીને આંતરિક સંઘર્ષને કઈ રીતે વાચા આપવી તે મનમાં ગોઠવી બોલ્યો, ‘મા, ઈશા ધર્મપરિવર્તન કરાવવા તૈયાર નથી !’ ગુલશન 20 વર્ષ પાછળ જતી રહી ….. ફરી ફર્દીનની કહાણી દોહરાવાની કે શું ?

‘જો બેટા, મને વાંધો નથી. ભલે ને એ એનો મઝહબ પાળે !’
 રોશન થોડીવાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, આવી વાતમાં ઉતાવળ કરવા હું નથી માગતો. આ તો તેં મને પૂછ્યું એટલે ખુલાસો કર્યો.’ કહી કોઈ કામ અંગે બહાર જતો રહ્યો. રોજનાં કામ કરતાં કરતાં ગુલશનના હાથ અટકી જતા હતાં. આંખો મીંચીને અલ્લાહને કોઈ સાચો રસ્તો કાઢવા વિનવતી રહી. પછી તો તે યુનિવર્સિટીમાં ગયો ત્યાં સુધી એ કંઈ બોલ્યો નહીં અને ગુલશને પણ કંઈ પૂછ્યું નહીં. એને ખાતરી છે કે એનો દીકરો જે કાંઈ કરશે તે યોગ્ય જ કરશે એટલે એ વાત કરે નહીં ત્યાં સુધી ચૂપ રહેવા જ ધાર્યું.

એક દિવસ એ નમાજ પઢીને હજુ ઊભી જ થઈ ત્યાં ફોનની રીંગ વાગી. એની જાનપહેચાનમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેનાં ફોન આવે. ફોનની સ્ક્રીન ઉપર અજાણ્યાનો નંબર જોઈને નવાઈ સાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈનો મીઠો અવાજ આવ્યો,
‘હલ્લો, આપ રોશનનાં મમ છો ?’ 
‘હા બેટા, આપ કોણ ? ’
 ‘હું …. હું ઈશા … રોશનની ફ્રેન્ડ.’ 
‘હા, રોશને આ વખતે અહીં આવ્યો ત્યારે વાત કરી હતી. બોલ બેટા …..’ 
‘એક મિનિટ, હું તમને શું કહીને બોલાવું ? માસી કે …..’
 ‘તારે મોઢે જે કાંઈ સાંભળીશ તે મને ગમશે.’
 ‘ઓ.કે. તો માસી, અમે જો લગ્ન કરીએ તો મારે શું ફરજિયાત ધર્મપરિવર્તન કરવું જ પડે ?’ 
‘રોશને તને શું કહ્યું ?’
 ‘રોશન કહે છે કે એ એના મઝહબ વિરુદ્ધ જવા નથી માગતો.’
 ‘તારા મમ્મી-પપ્પા શું માને છે, બેટા ?’ 
‘ઓફકોર્સ માસી, તેમને ધર્મપરિવર્તન ન જ ગમે એ સ્વાભાવિક છે.’ 
‘મને લાગે છે કે આપણે સૌએ સાથે મળીને આ વાત પર વિચાર કરવો જોઈએ, તને શું લાગે છે?’ 
થોડા અચકાટ સાથે તે બોલી, ‘માસી, સાચું કહું તો મારા પપ્પાએ તો મુસ્લિમ સાથે લગ્નનો વિચાર કરવાની જ ના પાડી દીધી છે. મારી મમ કાંઈ બોલી નથી પરંતુ એ વાત મેં ઘરમાં કરી ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. અને એટલે જ મને એને સામે મોઢે પૂછવાની હિંમત નથી થતી.’ 
‘હં બેટા, તારી મમ સાથે હું વાત કરી જોઉં તો કેમ ?’ 
‘માસી, અજાણતા પણ તમારું કોઈ અપમાન કરી નાંખે તે મને ન જ ગમે અને મારી મમની ઉદાસી જોઈ એવું થવાનો મને ડર છે ! મને સાચે જ ખબર નથી પડતી, માસી !’

થોડીવાર બન્ને છેડે ચુપકીદી. પછી ગુલશને કહ્યું, ‘બેટા, તને મારામાં વિશ્વાસ છે ને !’ 
‘માસી એટલે તો રોશન પાસેથી ફોન લઈ મેં તમને ફોન જોડ્યો …. મને પૂરેપૂરો વિશ્વાસ છે.’
 ‘તો પછી મને તારી મમનું નામ કહે અને ફોન નંબર આપ. હું વિચારીને એમની સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે એક મા બીજી માની વેદના સમજશે અને સ્ત્રી તરીકે પણ અમે એકબીજાને કદાચ સારી રીતે સમજી શકીશું એની મને ખાતરી છે.’
‘ઓ.કે. માસી. મારો ફોન નંબર આ …. છે … અને મારી મમનું નામ કામિની છે.’
ગુલશનનાં હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો ! ‘તમે ભરૂચ તરફના …’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે …’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી ! આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ ! વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે … – હાય, શું ઇતિહાસ પાછો દોહરાશે ? આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાં ય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું ! પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્ત્વ ધરાવે છે ! શું કરું … શું ન કરું …ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં ! જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી ! રોશન ઈસ્લામ ધર્મ પાળતો જરૂર હતો પરંતુ એ વિશે આટલા મજબૂત વિચારો ધરાવતો હશે તે ઈશાની વાત પરથી ખબર પડી. ખેર, જે હોય તે વિચારીને ગુલશને સાંજે જ્યારે રોશનનો ફોન આવ્યો ત્યારે ઈશા સાથે થયેલી વાત ટૂંકમાં કહી. એ વિશે એના વિચારો પૂછ્યા.

‘મા, મેં આની પર ખૂબ વિચાર કર્યો અને અહીં યુનિવર્સિટીમાં ઈસ્લામિક ગૃપ છે તેમના વિચારો પણ જાણ્યા. ટૂંકમાં મને લાગે છે કે આપણા મઝહબ મુજબ ઈશાએ જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મપરિવર્તન કરવું જ રહ્યું.’
ગુલશન રોશનના આ વિચારો સાંભળી ચોંકી ઊઠી !
‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં ?’ 
‘મા, ઈશાએ એક જ વખત તારી સાથે વાત કરી અને તને એના પક્ષમાં લઈ લીધી ? તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે ?’
‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા ! તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે ?’
‘જો મા, એક વાત સમજી લેજે કે આ બાબતમાં હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ અને સામે છેડે ફોન મુકાઈ ગયો. ગુલશન થરથરી ગઈ ! રોશન યુનિવર્સિટીમાં ગયો તે વખતે ફરી ઉઠેલા પેલા ફડફડાટે આકાર લેવા માડ્યો છે તેનો એને ખ્યાલ આવી ગયો.

મનને મક્કમ કરી એણે ઈશાની મમને ફોન જોડ્યો. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તે કામિનીને એણે ક્યારે ય જોઈ નહોતી. માત્ર નામ અને ફર્દિનની આંખમાં એના પ્રત્યેનો પ્રેમ જ વાંચ્યો હતો. એ જ વ્યક્તિ તો નહીં હોયના ધ્રાસકા સાથે કોઈ ફોન ઉપાડે તેની રાહ જોતી રહી. ફોન બંધ થવાની તૈયારીમાં હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો.
‘હલ્લો, કોણ બોલો છો?’ કોઈ સ્ત્રીનો જ અવાજ સાંભળી ગુલશનને થોડી શાંતિ વળી.
‘હલ્લો, આપ જ કામિનીબેન ?’ 
‘હા, મેં તમને ન ઓળખ્યાં !’ 
‘હું તમારી દીકરી ઈશાનાં ફ્રેન્ડ રોશનની મા છું.’
ગુલશનનાં ત્રણ-ચાર વખતના હેલ્લો … હેલ્લો …. પછી કામિનીબેન બોલ્યાં, ‘જુઓ બેન, આ વિષયમાં હું કાંઈ બોલી શકું તેમ નથી. મારા પતિએ નિર્ણય લઈ લીધો છે અને અમારા ઘરમાં એમનો નિર્ણય જ આખરી માનવા માટે અમે સૌ ટેવાઈ ગયા છીએ.’ 
‘તમે મારી વાત શાંતિથી સાંભળો, બેન. હું તમારો નિર્ણય બદલવાનું નથી કહેતી. હું માત્ર ઇચ્છું છું કે આ વિષે થોડી ચર્ચા-વિચારણા કરવી જોઇએ એમ તમને નથી લાગતું ? આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણાં બાળકો-આપણાં હૃદયનાં ટૂકડાં છે !’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં કઈ તરફનાં ?’ 
‘મારું પિયર ભરૂચ તરફ અને સાસરું વડોદરા. અને તમે ?’ 
‘અમે પણ ભરૂચના.’ મનના ધડકારને માંડ માંડ કાબૂમાં રાખી ઉમેર્યું, ‘બેન, હું ફર્દીનની ભાભી થાઉં !’ સામે છેડેથી ફોન કપાઈ ગયો.

થોડા દિવસ ગુલશને કામિનીબેનનાં ફોનની રાહ જોયા કરી અને એક દિવસ સાચે જ એમનો ફોન આવ્યો. ઉદાસીભર્યા અવાજે એમણે ફર્દીનવાળી વાત ફરી ન ઉખેડવાની વિનંતી કરી અને તેમનાં બાળકો જે નિર્ણય લે તે તેમના પર છોડી દેવા કહ્યું. પરંતુ ગુલશનને લાગે છે કે એ લોકો એક જ દેશ, એક જ પ્રાંતમાંથી આવે છે. યુ.કે.માં પણ એક જ શહેરમાં રહે છે અને મઝહબ અને ખોરાક સિવાય ઘણી બધી વાતોમાં સામ્ય છે તો આટલો યુવાન થઈને પણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું ! બંને જણનું છેલ્લું વર્ષ હતું એટલે તત્કાળ એ વાતને અલ્પવિરામ મળ્યું. એ લોકોની પરીક્ષા પૂરી થઈ પછી ફરી ગુલશને રોશન સાથે એ વાત ઉખેળી. દેશમાં કેટલા ય મુસ્લિમોનાં ઉદાહરણ આપ્યા જેઓએ લગ્ન પછી પણ પત્નીને તેનો જ ધર્મ પાળવા દીધો છે. કેટલા ય વર્ષોથી એના મનમાં ઘોળાતી વાત પણ એણે કહી, ‘બેટા, મારી દૃષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો ….’ 
‘મા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને ?’ ચર્ચાએ ચઢેલા રોશન પણ કમ્મર કસીને ચર્ચામાં ઝંપલાવ્યું.
‘જેમ દરેક નદીને તપાસવી હોય તો તેનાં મૂળમાં જવું જોઈએ, તે જ રીતે દરેક ધર્મ પર વિચાર કરવો હોય તો તે જ્યારે શરૂ થયો તે વખતના સંજોગો અને એ અત્યારના સંજોગો સાથે બંધ બેસે છે કે નહીં તે તપાસવું જરૂરી છે, દીકરા ….’ દીકરાને સમજાવવામાં ગુલશને કાંઈ બાકી ન રાખ્યું. આટલી અસરકારક દલીલનો જવાબ ન મળતાં, ‘મા, તેં લૉ કર્યું હોત તો જરૂર બેરિસ્ટર બની હોત ….’ કહી વાતને ત્યાં જ અટકાવવામાં આવી.

ભલે એણે વાતને ત્યાં અટકાવી દીધી પરંતુ દિલને તળિયેથી અંકુરિત થયેલા પ્રેમને કેમ કરી અટકાવવો તે એને નથી સમજાતું ! ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલદી ફસાતી નથી ! છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી ! એક મનમાંથી દલીલ ઊઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે ?’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્ત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી !’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ! ક્યારેક ઈશાની ધર્મ ન બદલવાની જીદ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ક્યારેક ….. આખરે મનની આ સ્થિતિથી વાજ આવી …. એક દિવસ, જેણે આખી જિંદગી ક્યારે ય જિદ નહોતી કરી, ક્યારે ય જે માનો બોલ ઉથાપ્યો નહોતો તે દીકરો એક માસૂમ છોકરીના કૂણા દિલને ઠેસ મારી, પોતાના પ્યારનું ગળું દબોચી અને પ્યારી માની અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની ડૂસકાંની દિવાલ તોડીને, માના દૂધમાંથી એના અંતરમાં સંઘરાઈ રહેલી પેલી ચૂકેલી ધડકન જેણે એને દુનિયાથી અલિપ્ત કરી નાંખ્યો છે તેને સથવારે !

સૌજન્ય : http://www.readgujarati.com/2012/08/29/duska-diwal/

Loading

15 November 2013 admin
← એક નવજાત શિશુની આરઝૂ
અમારો નેતા →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved