Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 30

દીપક મહેતા|Opinion - Opinion|8 February 2020

‘હેમ જડેલા હીરા’ જેવી પારસી કોમના નબીરાની ભેટ

કાવસજી જહાંગીર કોનવોકેશન હોલ

આ વાત છે ૧૮મી સદીની પહેલી વીસીની. એ વખતે તો ક્યાં ખોબા જેવડું નવસારી, ક્યાં ખાબોચિયા જેવું મુંબઈ અને ક્યાં દરિયાપારનું દૂર દેશાવરનું ચીન. એ જમાનામાં આ ત્રણ વચ્ચે સીધો સંબંધ હતો એમ કોઈ કહે તો માનવામાં ન આવે. પણ હકીકત છે કે એવો સંબંધ હતો. ૧૭૧૩માં જન્મેલા હિરજી જીવણજી રેડીમની ફકત ચાર વરસની ઉંમરે કુટુંબ સાથે ૧૭૧૭માં નવસારીથી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને નાનાંમોટાં કામ કર્યાં. પણ તેમને ભણકારા સંભળાતા હતા દરિયાપારના દેશના. ૧૭૫૬માં ઉપડ્યા ચીન. દરિયાઈ રસ્તે ચીન જનારા એવણ પહેલા પારસી, પહેલા ગુજરાતી, પહેલા હિન્દુસ્તાની. તેમણે જ શરૂ કર્યો હિન્દુસ્તાન અને ચીન વચ્ચેનો વેપાર. તેમાં મુખ્ય તો અફીણનો વેપાર. આ વેપાર માટે તેમણે ‘હોર્નબી’ અને ‘રોયલ શાર્લટ’ નામનાં બે વહાણ ખરીદેલાં. પછી તો એ વેપારને પરિણામે કેટલાયે પારસીઓ એ જમાનામાં લખપતિ થઈ ગયા. હિરજીભાઈ પાંચ વખત ચીન આવ્યા-ગયા. અને અઢળક કમાયા. મુંબઈમાં પુષ્કળ જમીન ખરીદી. ધીરધારનો ધંધો પણ શરૂ કર્યો અને ખૂબ વિકસાવ્યો. કોઈ અડધી રાતે પણ પૈસા લેવા આવે તો હિરજીભાઈ પાસે રોકડા તૈયાર જ હોય. એટલે લોકો તેમને ‘રેડીમની’ તરીકે ઓળખવા લાગ્યા. પછી તો તેમની અટક જ પડી ‘રેડીમની.’

સર કાવસજી જહાંગીર રેડીમની

આ હિરજીભાઈના એક વંશજ તે સર કાવસજી જહાંગીર રેડીમની. જન્મ ૧૮૧૨ના મે મહિનાની ૨૪મી તારીખે મુંબઈમાં કાવસજી પટેલના મહોલ્લામાં આવેલા એમના મમાવા દાદીશેઠના ઘરમાં થયો હતો. કોટ વિસ્તારમાં આવેલી સાર્જન્ટ સાઈકલ્સની સ્કૂલમાં થોડોઘણો અભ્યાસ. ૧૫ વરસની ઉંમરે ડંકન ગીબ એન્ડ કંપનીમાં ગોડાઉન કીપર તરીકે નોકરી શરૂ કરી. દસ વરસ પછી, ૧૮૩૭માં મુંબઈની બે યુરોપિયન કંપનીના ‘ગેરંટી બ્રોકર’ બન્યા. ૧૮૪૬થી તેમણે પોતાનો વેપાર-ધંધો શરૂ કર્યો. વેપારીઓ અને મુંબઈના લોકોની ખૂબ ચાહના મેળવી. ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ સરકારે આ દેશમાં પહેલી વાર ઇન્કમ ટેક્સ દાખલ કર્યો. પહેલા ફાઈનાન્સ મિનિસ્ટર જેમ્સ વિલ્સને આ માટેનો ખરડો રજૂ કર્યો. એ જ વરસના જુલાઈની ૨૪મી તારીખે ગવર્નર જનરલે તેને મંજૂરી આપી. આ નવા વેરાનો લોકોએ, ખાસ કરીને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો. ૧૮૬૬માં મુંબઈ સરકારે કાવસજીની નિમણૂક મુંબઈના ઇન્કમ ટેક્સ કમિશનર તરીકે કરી. મુંબઈના વેપારીઓ સાથે કાવસજીના મીઠા સંબંધો. તેમણે વેપારીઓને સમજાવ્યા, પટાવ્યા. પરિણામે સરકારે ધારી નહોતી તેટલી આવક આ નવા ટેક્સમાંથી થઈ.

ચર્ચગેટ સ્ટ્રીટમાંનું કાવસજીનું મકાન

બીજી બાજુ, વધતી જતી સંપત્તિનો ઉપયોગ કાવસજી લોકોને ઉપયોગી થાય તેવાં કામો માટે કરવા લાગ્યા. સુરતમાં એક હોસ્પિટલ બાંધવા માટે ૧૮૫૭માં તેમણે ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. પણ તે બાંધવાનો ખર્ચ ૭૧૯૦૨ રૂપિયા જેટલો થયો હતો અને તે બધો જ કાવસજીએ ઉપાડી લીધો હતો. તેમણે મુંબઈ ઇલાકામાં હોસ્પિટલો બાંધી, અનાથાશ્રમો શરૂ કર્યા, મુંબઈમાં ઠેર ઠેર પીવાના પાણી માટેના ‘ફાઉન્ટન’ શરૂ કર્યા. અરે, છેક લંડનના રિજન્ટસ પાર્કમાં પણ એવો એક ફુવારો બંધાવ્યો. વળી તેમની સખાવતો જાતિ કે ધર્મના ભેદભાવ વગરની હતી. હિંદુઓ, પારસીઓની સંસ્થાઓને તો તેમણે દાન આપ્યાં જ, પણ કેથોલિક અને પ્રેસબિટેરિયન મિશનનાં કામો માટે પણ દાન આપ્યાં.

મલબાર હિલ પરનું રેડીમની હાઉસ

૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે પાસે ૧૭ વર્ષ સુધી પોતાનું મકાન નહોતું. બીજા ઘણાની જેમ આ વાત કાવસજીને પણ ખૂંચતી હતી. એટલે તેમણે યુનિવર્સિટીનું મકાન બાંધવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવાની સરકારને ઓફર કરી. પણ તેમણે એક શરત એવી મૂકી હતી કે આ મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહીં. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ મહાબળેશ્વરથી ૧૮૬૩ના એપ્રિલની ૩૦મી તારીખે કાવસજીને એક પત્ર લખીને આ દરખાસ્ત માટે આભાર માન્યો, પણ સાથોસાથ જણાવ્યું કે આ કામ માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ એવી શરત સ્વીકારી શકાય તેમ નથી, કારણ ભવિષ્યમાં જેમ જેમ યુનિવર્સિટીનો વિકાસ થતો જશે તેમ તેમ નવાં મકાન બાંધવાં પડશે અને તે માટે નવાં દાન પણ લેવાં પડે. એટલે આ રીતે સરકાર પોતાના હાથ બાંધી આપી શકે નહિ. એટલે આવી શરત અંગે આગ્રહ ન રાખવા મારી સલાહ છે. અને કાવસજીએ ગવર્નરની વાત માનીને એ શરત રદ્દ કરી. ગવર્નરનું આ પગલું કેટલું ડહાપણ અને દૂરંદેશીભર્યું હતું તેની સાબિતી થોડા જ વખતમાં મળી ગઈ. કારણ પ્રેમચંદ રાયચંદે ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લાઈબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાની ઓફર કરતો પત્ર મુંબઈ સરકારના ચીફ સેક્રેટરીને લખ્યો. આ દરખાસ્ત તો સ્વીકારાઈ, પણ પોતે આપેલી રકમથી પ્રેમચંદભાઈને સંતોષ નહોતો એટલે લાઈબ્રેરીના મકાન સાથે એક ટાવર બાંધવા માટે બીજા બે લાખ રૂપિયાનું દાન પણ આપ્યું.

આપણી આજકાલની સરકારોનું કામ જ ગોકળ ગાયની ગતિએ ચાલે છે એવું નથી. ૧૯મી સદીની બ્રિટિશ સરકારનું કામ પણ ઘણી વખત એ રીતે ચાલતું. સર કાવસજી જહાંગીરે દાનની પૂરી રકમ આપી દીધી. સરકારે આભાર માની લીધો. એક પછી એક દિવસ, મહિના વીતવા લાગ્યા. પણ યુનિવર્સટીના મકાનનું બાંધકામ શરૂ થવાની કોઈ નિશાની દેખાતી નહોતી. હવે બાર્ટલ ફ્રેરે ગવર્નર પણ નહોતા રહ્યા. તેમની જગ્યાએ આવ્યા હતા સર વેસે ફિટઝિરાલ્ડ. એટલે કાવસજીએ નવા ગવર્નરને પત્ર લખ્યો. તેમાં લખ્યું કે આ વાત લખવા માટે મને માફ કરશો, પણ સરકારનું કામ એટલું તો ધીમેથી ચાલે છે કે મદગળ હાથીઓ તેને ધક્કો મારે તો પણ તે ચસકવાનું નામ લેતું નથી. સરકારને ઢંઢોળી શકો એવા આપ એક જ છો, અને આ પત્ર મેં દાન આપ્યું છે એટલે નથી લખતો, પણ યુનિવર્સિટીનું મકાન વહેલી તકે બંધાય એ લોકોના હિતમાં છે એટલે લખું છું. ગવર્નરની ઓફિસ તરફથી જવાબ તો મળ્યો, પણ તુમારશાહી, ગોળ-ગોળ. હવે કાવસજી છંછેડાયા. ૧૮૬૭ના જૂનની ત્રીજી તારીખે તેમણે યુનિવર્સિટીના એક્ટિંગ રજિસ્ટ્રારને પત્ર લખીને જણાવ્યું કે મેં ૧૮૬૩ના ઓગસ્ટની ૯મી તારીખે એક લાખ રૂપિયા યુનિવર્સિટીને આપ્યા છે, પણ ચાર વરસ પછી ય મકાનનું બાંધકામ શરૂ થયું નથી. એટલે આ પત્ર મળ્યેથી મેં આપેલી એક લાખ રૂપિયાની રકમ સરકારી ધોરણ પ્રમાણેના વાર્ષિક પાંચ ટકાના વ્યાજ સાથે મને વહેલામાં વહેલે તકે પાછી મોકલી દેવા વિનંતી. એટલે પછી સરકાર સફાળી જાગી. લંડન સાથે લખાપટ્ટી કરી.

કાવસજીના દાનમાંથી ઊભી થયેલી પાંચ સંસ્થાઓ : મુંબઈની આંખની હોસ્પિટલ, રીજન્ટ પાર્કનો ફુવારો, પૂનાની કોલેજ, બોમ્બે જિમખાના, સુરત સિવિલ હોસ્પીટલ

અને છેવટે ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે ચાન્સેલર સર ફિટઝિરાલ્ડે યુનિવર્સિટીના મકાનનો શિલારોપણ વિધિ કર્યો. એ સમારંભ માટે બપોરના ત્રણ વાગ્યાથી વિદ્યાર્થીઓ અને લોકો સભાસ્થળે બાંધેલા માંડવામાં આવવા લાગ્યા. ચાર વાગે સેનેટના સભ્યો આવ્યા. બરાબર સાડા ચાર વાગ્યે મુખ્ય મહેમાનને લઈને ગવર્નર આવી પહોંચ્યા. મુખ્ય મહેમાન હતા ઓનરેબલ અર્લ ઓફ મેયો. એ વખતે હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે તેમની નિમણૂક થઈ ચૂકી હતી, પણ હજી તેમણે એ હોદ્દો સંભાળ્યો નહોતો. વાઈસ ચાન્સેલર રેવરંડ જોન વિલ્સને સ્વાગતનું ભાષણ કર્યું. સર કાવસજી જહાંગીર અને પ્રેમચંદ રાયચંદનો તથા બીજા દાતાઓનો તેમણે ખાસ આભાર માન્યો. મુખ્ય મહેમાને તેમના ભાષણમાં કહ્યું કે મને ખાતરી છે કે પશ્ચિમ ભારતના લોકો માટે આ યુનિવર્સિટી આધુનિક જ્ઞાનના દરવાજા ખોલી આપશે. અને એ સમારંભ રંગેચંગે પૂરો થયો. પણ આજની મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસના ખૂણેખૂણામાં તમે ફરી વળો તો પણ એ દિવસે જેનો ન્યાસ કરવામાં આવ્યો તે શિલા તમને ક્યાં ય જોવા નહિ મળે. કેમ? કારણ, ત્યાં હોય તો મળે ને? જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસ થયો હતો એ જગ્યાએ પછીથી યુનિવર્સિટીનું મકાન બંધાયું જ નથી. સરકારી તંત્રની રીતિનીતિ હંમેશાં અકળ હોય છે. જે જગ્યાએ શિલાન્યાસ થયો એ જગ્યા પછીથી સરકારે બોમ્બે હાઈકોર્ટનું મકાન બાંધવા માટે ફાળવી દીધી, અને એ જગ્યાએ આજે પણ બોમ્બે હાઈકોર્ટનું મકાન ઊભું છે! એ જગ્યાએ ક્યાંક દટાઈને પેલો પથ્થર પડ્યો હશે. પછીથી મૂળ જગ્યાની બાજુનો એક વધુ મોટો પ્લોટ સરકારે યુનિવર્સિટીને ફાળવ્યો. શરૂઆતમાં સેનેટે આ સ્થળ-બદલીનો વિરોધ કર્યો, પણ સત્તા આગળ કોનું શાણપણ ચાલ્યું છે? છેવટે ૧૮૭૦ના જૂનની ૧૬મી તારીખે યુનિવર્સિટીએ નીચી મૂંડી કરી નવી જગ્યા સ્વીકારી લીધી. એ વખતે તેણે સરકાર સમક્ષ કેટલીક શરતો મૂકી હતી અને સરકારે તે સ્વીકારી પણ હતી. પણ વખત જતાં સરકાર એ શરતોને ઘોળીને પી ગઈ. આપેલાં વચન પાળે તો એ સરકાર શાની?

કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ

ફરી કેટલોક વખત લંડનના આર્ચિટેક્ટ સાથે લખાપટ્ટીમાં ગયો. પછી અંદાજિત ખર્ચ બહુ વધુ હોવાથી તે ઘટાડવા માટે સ્થાનિક જાણકારો સાથેની વાટાઘાટમાં સમય ગયો. પણ છેવટે ૧૮૭૪ના નવેમ્બરમાં સેનેટ હોલ(આજનો કોનવોકેશન હોલ)નું બાંધકામ પૂરું થયું. ૧૮૭૫ના માર્ચની ચોથી તારીખે મળેલી સેનેટની બેઠકમાં સર્વાનુમતે આ હોલનું નામ ‘સર કાવસજી જહાંગીર હોલ’ રાખવાનું ઠરાવાયું. પછીથી હોલના પ્રવેશ દ્વાર પાસે સર કાવસજી જહાંગીરનું આરસનું આદમકદ પૂતળું પણ મૂકવામાં આવ્યું. પણ રાજાબાઈ ટાવર અને આ હોલનું ઉદ્ઘાટન એક સાથે કરવાનું નક્કી થયું હતું, એટલે બંનેનું ઉદ્ઘાટન છેક ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે થયું હતું. પણ એ દિવસ જોવા માટે સર કાવસજી જહાંગીર હયાત નહોતા. કારણ ૧૮૭૮ના જુલાઈની ૧૯મી તારીખે તેઓ લાંબી માંદગી પછી બેહસ્તનશીન થયા હતા. એ વખતે આ હોલ અને રાજાબાઈ ટાવર મુંબઈ શહેરનાં ‘રત્નો’ તરીકે ઓળખાતા હતા. વચમાં કેટલાંક વર્ષો આ બંને ઇમારતોની હાલત કથળી ગઈ હતી. પણ પછીથી સારા એવા ખર્ચ અને પરિશ્રમથી તેને ફરીથી મૂળની ભવ્યતા અને સુંદરતા પાછી મળી છે.

ભાયખલામાં આવેલું એલ્ફિન્સ્ટન કોલેજનું જૂનું મકાન

એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત ટાઉન હોલમાં થઈ હતી. તેનું અલાયદું મકાન બાંધવા માટે પણ સર કાવસજી જહાંગીરે બે લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પણ આ મકાન તે હાલનું કાળા ઘોડા નજીક આવેલું મકાન નહિ, પણ એ મકાન ભાયખલામાં બંધાયું હતું અને ૧૮૭૧ના ફેબ્રુઆરીની વીસમી તારીખથી કોલેજે તે વાપરવાનું શરૂ કર્યું હતું. ૧૮૮૮માં કાળા ઘોડા નજીક આવેલું હાલનું મકાન બંધાયું ત્યાં સુધી કોલેજ ત્યાં જ કામ કરતી હતી. આ ઉપરાંત પૂનામાં એન્જિનિયરીંગ કોલેજ બાંધવા માટે ૫૦ હજાર રૂપિયા અને હોસ્પિટલ બાંધવા માટે અને સુરતમાં કોલેજ બાંધવા માટે, અને બીજાં અનેક નાનાંમોટાં દાન કાવસજીએ કર્યાં હતાં. તેમની હયાતિ દરમ્યાન તેમણે કરેલી સખાવતોનો કુલ આંકડો સાડા સત્તર લાખ રૂપિયા જેટલો થાય છે જે એ વખતે અધધધ રકમ ગણાય.

હિન્દુસ્તાનની વસતિમાં પારસીઓની સંખ્યા ચપટી જેટલી. પણ આ કોમના નબીરાઓની સખાવત ઢગલા જેવડી, ત્યારે પણ, અને આજે પણ. કવીશ્વર દલપતરામે સાચું જ કહ્યું છે :

છે આગેવાન સખાવતમાં, વિખ્યાતી ચીન વિલાયતમાં,
સઘળે શુભ કામ સહાયતમાં, સુણ સાહેલી.
વળી ધર્મધુરંધર ધીરા છે, સર્વે વાતે તે શૂરા છે,
એ તો હેમ જડેલા હીરા છે, સુણ સાહેલી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2020

Loading

8 February 2020 admin
← સી.એ.એ., ગાંધીવિચાર, શિક્ષણ જેવા વિષયો પરનાં, સર્જન, સંશોધન અનુવાદનાં નોંધપાત્ર પુસ્તકોનો ફાલ
નેતાઓ જાણે ન જાણે ભારતીયો તેમનો નાગરિક ધર્મ જાણે છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved