સ્વાયત્તતાના સાચદિલ હિમાયતીને / સુમન શાહ
‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશભાઈ
કુશળ હશો.
‘નિરીક્ષક’ના ૧ જાન્યુઆરી ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચા ‘ખુદની જોગવાઈને સરકાર જ્યારે ચાતરી ગઈ’-ના ઉત્તર રૂપે આ લખાણને પ્રકાશિત કરવા વિનંતિ છે.
ગુજરાતીભાષી કોઈ શિક્ષિત પણ કહેશે કે મારો એ આખો લેખ પરિષદને તેમજ સરકારને સમ્બોધે છે તે માત્ર અને માત્ર સ્વાયત્તતા બાબતે છે, સ્વાયત્તતાની પૂરેપૂરી તરફેણમાં છે. તે માટે તે લેખ લોકમતને મોટું સાધન લેખે છે અને દર્શાવે છે કે લોકમત પ્રગટાવી શકાયો નથી. તે લેખ મૂળે તો એમ કહે છે કે સાત્ત્વિક ચર્ચાને વરેલો આ એક સાહિત્યિક ઝઘડો છે અને તે માટે જાનફિશાનીપૂર્વક લડવું જરૂરી છે. તે લેખ સહાનુભૂતિપૂર્વક તારવે છે કે એ ઝઘડો સરખી રીતે લડી શકાયો નથી, વાતાવરણમાં જાનફિશાનીપૂર્વક લડી શકાય એવું જોમ નથી પ્રગટ્યું. અને તે લેખ એમ સૂચવે છે કે આ પ્રશ્ન સાથે જોડાયેલી પરિષદે ઠરાવોથી આગળ વધીને અને સરકારે ચુપકીદીભરી સ્થગિતતા છોડીને એક એવા ઍક્શનનો આશ્રય કરવો જરૂરી છે જેના પરિણામે સર્વસ્વીકાર્ય ઉકેલ હાથ આવે. લેખની આમાંની એકપણ વાત ચન્દ્રકાન્ત ટોપીવાળાને ધ્યાનપાત્ર નથી લાગી તે એવું કેમ હશે?
હું અકાદમીમાં ગયો ને નીકળી ગયો એ મારી ખુદની સ્વાયત્તતાને આભારી છે એ સમજવા તેઓ તૈયાર નથી. હું મન્તવ્ય અને પ્રતિ-મન્તવ્ય ધરાવવાને સ્વતન્ત્ર છું એ સાદી વાત એમના વિચારજગતમાં ઊતરતી નથી. તેઓ બોલે તે જ અને ત્યારે જ બીજાઓ બોલે તેને જ તેઓ અધિકારસંગત સમજે છે. હું એમને એ પૂછું છું કે સ્વાયત્તતા વિશે બોલવાના મારા અધિકાર વિશે પ્રશ્ન ઉઠાવનાર તમે છો કોણ? હું કોઇ કાળે અમુક માનતો હોઉં ને બીજા કાળે એથી ઊંધું, એ મારી મુક્તતાને ઉવેખીને તેઓ આવો સરમુખત્યારછાપ પ્રશ્ન પૂછે છે તે શા માટે? એમની છે એવી એ જડ-સજજ્ડ સમજમાં જ સ્વાયત્તતાની ભાવ-ભાવનાનો દ્રોહ છે. એમની છે એવી માનસિકતાએ જ આ પ્રશ્નના ઉકેલને રૂંધી રાખ્યો છે.
તર્કમાં બહુ સમજનારા એમને એ તર્ક સમજવાની જરૂરત છે કે સ્વાયત્તતામાં માનતા કે ન માનતા કોઈ સામાન્ય નાગરિકને પણ આ પ્રશ્ન અંગે બોલવાનો અધિકાર છે, અને એ માટે એણે પરિષદના સૂરમાં સૂર મિલાવવાની જરૂર નથી, બલકે અકાદમી સાથે જોડાવાની કે નીકળી જવાની પણ જરૂર નથી. જ્યારે, હું તો માતૃભાષા ગુજરાતીના અધ્યાપક અને લેખક તરીકે ૫૫-૫૬ વર્ષથી જાણીતો છું. ભાષા-સાહિત્ય માટેની મારી ખેવના જાણીતી છે. મારા સ્વાયત્તતા વિશેના એ વિચારોની સરાહનાભરી સ્વસ્થ ચર્ચા કરવાને સ્થાને તેઓ મારી પાત્રતાનો સવાલ કરી મને ટારગેટ બનાવી રહ્યા છે એ હકીકત પાછળનો એમનો આશય મને ચિન્ત્ય ભાસે છે.
એમણે ‘ફતવા’ – શબ્દનું વિવરણ કરેલું કે ‘સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો સંભવિત આલેખ’. એમના એ ક્લિષ્ટ પણ રૂપાળા શબ્દોથી ‘ફતવો’-ના અર્થમાં વાસ્તવમાં કશો ફર્ક નથી પડતો; પણ તેઓ ‘સ્વમાની અને સંવેદનશીલ લેખકો’ જેવો ઘાતક ભેદકારી પ્રકાર પાડે છે તે તો વ્યક્ત થાય જ છે. આ સંદર્ભમાં મેં કહેલું કે ‘સ્વાયત્તતાતરફી એકદમનો ધૈર્યશાળી હોય ને પોતાના સત્ય પર ખડો રહી બસ ઝઝૂમે.’ સ્વાયત્તતાના સાચદિલ હિમાયતીને વિશેનું આ પણ મારું વર્ણનાત્મક મન્તવ્ય જ છે. એ જેટલું સ્પષ્ટ છે એટલું જ તત્ત્વદર્શી અને સમુચિત છે. હું ઉમેરું કે દુનિયાભરના વિદ્વન્મતિઓ સ્વાયત્તતા-વિભાવને એવા ઉચ્ચગ્રાહથી સેવે છે અને તેની હિફાજતનો આગ્રહ રાખે છે. એમાં ‘ફતવા’-નો અને રાજકીય પક્ષો આપે એ ‘આદેશ’નો ધરાર નકાર છે. પણ તેઓ તો આને ‘સૂફીયાણી સલાહ’ જેવું પોતાના તરફથી લેબલ ચૉંટાડે છે ! મને પ્રશ્ન થાય છે કે આટલી સ્પષ્ટ ભાષાને પણ તેઓ વાંચી નથી શકતા તે એવું કેમ?
બાકી મારે ફોડ પાડીને એ પણ દર્શાવવું છે કે મારી વાતમાં સ્વાયત્તતાના મુદ્દા જેટલો જ મહત્તાપૂર્ણ મુદ્દો એ પણ છે કે વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સાવ જ રૂંધાઈ ગયું છે; અને તેના પુનઃઉઘાડ માટે સંલગ્ન સૌ વિચારણા પ્રયોજે એ અંગે મોડું થઇ રહ્યું છે. પણ મારી એ લાગણીની તો એમને કશી પરવા જ નથી! સ્વાયત્તતા વિશેની સમગ્ર ચર્ચામાં મેં કિંચિત્ જે ઍક્શનપરક આગેકદમ વાતો મૂકી છે, જે અનેક વિચારકોને સમુપકારક લાગી છે, તેમાં એમણે સહેજ પણ રસ નથી દાખવ્યો, તે કેમ?
મને એટલું જ સમજાય છે કે કશા પૂર્વગ્રહને કારણે તેઓ શરૂઆતથી જ મારી ‘ભૂમિકા’ શોધવાથી માંડીને ‘સ્વાયત્તતાને મેં હાંસીપાત્ર બનાવી છે’ જેવો મારી માનહાનિ કરતો અતિ વાંધાજનક આક્ષેપ પણ કરી ચૂક્યા છે. અને હવે એમાં આવી બધી ઉભડક ચીજો ચૉંટાડી રહ્યા છે. ટૂંકમાં, તેઓ એવું એવું લખી રહ્યા છે જેના સરવાળે મારી વગોવણી થાય.
લપાલપી કરવા નથી ઇચ્છતા તેને હું જાહેર હિત સંદર્ભે સ્વાસ્થ્યવર્ધક લેખું છું ને એમને એમ કરવું સૂઝ્યું તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
૨૨ જાન્યુઆરી ૨૦૨૦
E-mail : suman.shah@icloud.com
••••••••••
સંસ્થાની સ્વાયત્તતા અને લેખકની સ્વાયત્તતા જુદાં? / રમણ સોની
વાર્તાકાર બિપીન પટેલે ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકનો અસ્વીકાર કર્યો એની પ્રતિક્રિયારૂપે વિષ્ણુ પંડ્યાએ વળી પાછું એમનું જાણીતું તર્કછળ ઉછાળ્યું કે, સ્વાયત્તતા ચૂંટણીદ્વારા જ સંપન્ન થાય તે ખ્યાલ જ ખોટો. લેખક સ્વાયત્ત હોય, સંસ્થા નહીં. (Ahmedabad Mirror, The Times of India: 20th January 2020.)
લેખકનાં સ્વમાન અને ગૌરવ, લેખકો થકી લોકશાહી પ્રણાલીપૂર્વક રચાતી સાહિત્યસંસ્થામાં જ જળવાય, એટલે સંસ્થાની સ્વાયત્તતા અને લેખકની સ્વાયત્તતાને જુદાં શી રીતે પાડી શકાય? – એ વાત લેખકમાન્ય નહીં પણ કેવળ સરકારમાન્ય અધ્યક્ષ ન સમજે એનું કોઈ આશ્ચર્ય ન હોય. પરંતુ, પીડા આપનારું આશ્ચર્ય તો એ છે કે આપણા કેટલાક લેખકજીવો પણ સ્વમાન-ગૌરવને ત્યાજ્ય લેખીને અસ્વાયત્તતા-દૂષિત આ સંસ્થા થકી લાભ મળતા લાભ (?) ભોગવાવ તરફી વળી ગયા છે (‘ત્યાગીને ભોગવી જાણો’!) લેખકમાત્ર જો આ ક્ષુલ્લક લાભ-લોભોમાંથી બહાર નીકળી આવે તો સ્વાયત્તતાના પુનઃસ્થાપનના આંદોલનને વધુ બળ મળે.
૨૦૧૮માં, મારા એક પુસ્તકને મળેલું પારિતોષિક મેં પાછું ઠેલેલું. અકાદમીને મેં ત્યારે લખેલો એ પત્ર આજે પુનઃઆંદોલનના પ્રાસંગિક ઔચિત્યને ટાણે અહીં મૂકું છું.
* * *
રમણ સોની
૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા,
વડોદરા ૩૯૦ ૦૦૭
૨૫ જૂન ૨૦૧૮
પ્રતિ,
શ્રી મહામાત્ર,
ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર
પ્રિય ડૉ. અજયસિંહ ચૌહાણ
તમારો ૧૯ જૂનનો કાર્યાલય-પત્ર મળ્યો. સાહિત્ય અકાદમીએ ૨૦૧૬ના વર્ષનાં હમણાં જાહેર કરેલાં પારિતોષિકોમાં નિબંધ-સ્વરૂપ માટેનું પ્રથમ પારિતોષિક મારા પુસ્તક ‘સાત અંગ, આઠ નંગ, અને-’ માટે મને મળે છે. એ જણાવીને તમે અભિનંદન આપ્યાં છે અને આનંદ વ્યક્ત કર્યો છે. આ પત્રમાં તમે મારી સ્વીકાર-સંમતિ પણ ઇચ્છી છે.
તમારા આનંદ ને અભિનંદન સ્વીકારું છું. પણ અકાકમી અસ્વાયત્ત છે એ સ્થિતિમાં આ પારિતોષિક હું સ્વીકારતો નથી. ક્ષમસ્વ.
કોઈ સાહિત્યસંસ્થાના પ્રવૃત્તિઓ-પ્રકાશનો વગેરે સાથે જોડાવું. પારિતોષિકાદી મળે તો એનો સાદર સ્વીકાર કરવો – એ બધું સામાન્ય સ્થિતિમાં દરેક લેખક માટે ઇષ્ટ અને આનંદપ્રદ હોય, પણ અસ્વાયત્તતાની આ અનુચિત સ્થિતિમાં તો એ બધું ત્યાજ્ય બલકે અપ્રસ્તુત બની રહે એમ હું માનું છું અને એથી આ પારિતોષિકને અસ્વીકારું છું.
તમે વ્યક્ત કરેલાં પ્રેમ અને આનંદ માટે આભારી છું.
સસ્નેહ
રમણ સોની
••••••••
આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ? / નિરંજન ભગત
જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનો આ સન્માન અર્પણ કરવાનો એમનો નિર્ણય અંગેનો પત્ર મળ્યો ત્યારે અન્ય સંદર્ભમાં આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ? એવો પ્રશ્ન થયો હતો. સૌ સાચા લોકશાહી સમાજમાં હોય છે તેમ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રાજ્યના માહિતીખાતાનો એક વિભાગ હોય એવી પરાધીન નહીં પણ સ્વાધીન, સ્વાયત્ત હોવી જોઈએ એવો આ અકાદમીના આરંભથી જ આ બોલનારનો આગ્રહ હતો. અકાદમીના સભ્યો એનાથી અજાણ નહીં હોય એથી પૂર્વોક્ત પત્રમાં આ અકાદમી હવે સ્વાયત્ત છે એવો અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. એમાં પ્રમુખશ્રીએ લખ્યું હતું, ‘ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત થયા પછી આ પહેલું સન્માન છે તે તમે સ્વીકારશો એવી અંગત વિનંતી.’ એટલે સંપૂર્ણ વિગતો માટે અકાદમીનું બંધારણ વાંચ્યું અને અકાદમીની સ્વાયત્તતાની પ્રતીતિ થયા પછી આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ એવો નિર્ણય કર્યો. અને અકાદમીને સ્વીકારપત્રમાં જાણે કે વાક્યોની નીચે લાલ લીટી સાથે લખ્યું, ‘ગુજરાત સાહિત્ય અકાદમી જેવી એક સ્વાયત્ત સંસ્થાએ આ નિર્ણય કર્યો છે એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. આ સંસ્થાના પ્રમુખ – ગુજરાતના એક મોટા ગજાના સર્જકને વરદ્ હસ્તે આ સન્માન અર્પણ થશે એનું નમ્રતાપૂર્વક ગૌરવ કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સધ્ધર થાય અને એના સદ્વિચાર અને આચાર દ્વારા ગુજરાતની સાહિત્ય પ્રત્યેની સંવેદના સમૃદ્ધ થાય અને અંતે આ સન્માન સાર્થક થાય એવી આ અસ્વીકારની ક્ષણે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.’ આજે અહીં સ્વીકારની આ ઔપચારિક વિધિની ક્ષણે એ પ્રાર્થનાનું પુનરુચ્ચારણ કરું છું.
(ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે સન્માન પ્રસંગે વક્તવ્ય, ૨૫ માર્ચ ૧૯૯૪)
તંત્રી : હવે સંમેલન ભણી
ચંદ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહના ભાવ-પ્રતિભાવ પછી, સરવાળે, સારરૂપ કશુંક હસ્તામલકવત્ વરતાતું હોય તો તે એ છે કે સ્વાયત્તતાને મુદ્દે સૌ પોતપોતાની રીતેભાતે હાલ એક પેજ પર છે. આપણા આ બેઉ સજ્જ અગ્રજો જરૂર રાજી થશે કે સ્વાયત્તતાનો સાદ એમના પછીની પેઢીનાઓને તેમ વચલી પેઢીનાઓને સતત સંભળાતો રહ્યો છે. આપણે બિપિન પટેલનો પત્ર પ્રકાશિત કર્યો તે સંદર્ભમાં આગલા વરસનું સ્મરણ રમણ સોનીના પત્ર સાથે ઉત્કટપણે થઈ આવ્યું. રમણ સોનીએ જે યોગ્ય જણાયું તે યથાસમય કર્યું હતું અને તે વિશે કોઈ જાહેરાતની જરૂર જોઈ નહોતી. તંત્રીની વિનંતીથી બંને મિત્રોએ એમના પત્રો જાહેર કર્યા જેથી વ્યાપક વર્તુળોને એ સમજાય કે સ્વાયત્તતાની ચળવળ કોઈ બેત્રણ વ્યક્તિમાં સમેટાઈને રહી ગઈ છે એવું નથી. પાલનપુર પ્રસ્તાવને અનુસરીને સાહિત્ય પરિષદે ૨૩મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સ્વાયત્તતા સંમેલન યોજવાનું જાહેર કર્યું છે. શિક્ષણ અને સાહિત્યની સંસ્થાઓમાં પ્રફુલ્લન પ્રવર્તે એવા ઉચ્ચાશયથી યોજાઈ રહેલા આ સંમેલનમાં સૌ સ્વાયત્તતા પ્રેમીઓ સંકલ્પપૂર્વક સહભાગી બનશે ને? પરિષદે પહેલ કરી છે – કોઈકે તો પહેલ કરવી જ જોઈએ – પણ આ પ્રશ્ન પરિષદ એકલાનો નથી, પરિષદ અને અકાદમી વચ્ચેનો જ માત્ર નથી; સૌ સ્વાયત્તતા ચાહકો અને સત્તાપ્રતિષ્ઠાન વચ્ચેનો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 16 – 17