Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 28

દીપક મહેતા|Opinion - Opinion|26 January 2020

સિત્તેર વરસ પહેલાંનો એ દિવસ

ગળામાં ગીત હતું : વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા

હૈયામાં હામ હતી : વો સુબહ કભી તો આયેગી

ભગવાનદાસકાકાને એ દિવસ બરાબર યાદ છે. ૭૦ વર્ષ પહેલાંનો એ દિવસ. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦. એ એક દિવસ જ નહિ, એ આખું અઠવાડિયું મુંબઈ હિલોળે ચડ્યું હતું. રેશનમાં દાણોપાણી લેવા માટેની લાંબી લાઈનો થોડા દિવસ માટે અલોપ થઈ ગઈ હતી. એને બદલે સાંજ પડ્યે કોટ વિસ્તારમાં જતી ટ્રામ અને બસનાં સ્ટોપ પર લાંબી લાઈનો લાગતી હતી. કારણ? કારણ કોટ વિસ્તારનાં કેટલાંયે મકાનો ૨૫, ૨૬ અને ૨૭મીની રાતે રોશનીથી ઝળહળવાનાં હતાં, પહેલી વાર. પણ જે માનવમેદની ઊમટી હતી તેને લઈ જવાનું એકલી ટ્રામ કે બસનું ગજું નહોતું. એટલે ખટારાઓ ભરી ભરીને લોકો એ રોશની જોવા જઈ રહ્યા હતા. ચાલના ભાડૂતો એક ખટારામાં ઠાંસી ઠાંસીને ભરાયા હતા. તો સુખી કુટુંબના બે-પાંચ પડોશીઓ પોતાને માટે અલગ ટ્રક ભાડે કરીને જતા હતા. તેમાં બેસવા માટે ગાદલાં પાથરેલાં હતાં, ખાવાપીવાની વાનગીઓ સાથે રાખી હતી. તો વળી કેટલાક લાઉડ સ્પીકર પર દેશભક્તિનાં ગીતો વગાડતા હતા. પોતાની પાસે જે સૌથી સારાં કપડાં હોય તે સૌએ પહેર્યાં હતાં. મુંબઈના રસ્તાઓ પર ફુગ્ગા, ફરફરિયાં, પિપૂડાં, કાગળના ઝંડા વેચનારા ફેરિયાઓ ઊમટી પડ્યા હતા. તેમની પાસેથી હઠ કરીને ખરીદેલાં પિપૂડાં બાળકો જોર જોરથી વગાડતાં હતાં. તો વળી કેટલાક ખટારામાં ભૂતકાળને યાદ કરીને આઝાદીની લડત દરમ્યાન ગવાતાં ગીતો બહેનો ગાતી હતી : ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.’ તો કેટલાયે લોકો પગપાળા રોશની જોવા અને પહેલો પ્રજાસત્તાક દિવસ ઉજવવા નીકળી પડ્યા હતા. તેમનાં ટોળેટોળાં ચર્ચ ગેટ અને વી.ટી. સ્ટેશનોની બહાર ઠલવાઈ રહ્યાં હતાં.

 

૧૯૪૭માં આઝાદી આવી ત્યારે પણ આનંદ તો હતો જ લોકોમાં, પણ ઉત્સાહ જરા મોળો પડી ગયો હતો. કારણ દેશના ભાગલા, તેને કારણે થયેલી સામૂહિક હિજરત, હિજરતીઓ ઉપર થયેલા અત્યાચાર, આઝાદીના ઉત્સવથી દૂર દૂર ગાંધીજીનું નોવાખલી જઈ રહેવું. વળી ઓગસ્ટ એટલે તો મુંબઈ માટે ભર ચોમાસાના દિવસો. પણ એનું સાટું પહેલા પ્રજાસત્તાક દિવસે લોકોએ જાણે વાળવાનું નક્કી કર્યું હતું. એ વખતે હજી ટ્યૂબ લાઈટ આવી નહોતી. ઘણા લોકોએ ઘરની બહાર સાદા કે રંગીન બલ્બનાં તોરણ બાંધ્યાં હતાં. કેટલાંયે ઘરોની બહાર ત્રિરંગો ફરકતો હતો. હજી પ્લાસ્ટિકનું ચલણ થયું નહોતું એટલે બાળકો કાગળના ઝંડા હાથમાં લઈને ફરતા હતા. આ વરસથી નિશાળોમાં દર વર્ષે એક નવી છુટ્ટી ઉમેરાશે એનો આનંદ હતો. ગિરગામ, કાલબાદેવીની બજારો, ઝવેરી બજાર, દાણા બજાર, લુહાર ચાલની ઇલેક્ટ્રિક સામાનની બજાર, બીજી નાની-મોટી બજારો વેપારીઓએ શણગારી હતી. કેટલીક બજારોના રસ્તા પર ફૂલનાં, કે વાંસની રંગીન ટોપલીઓનાં, કે તાંબા-પિત્તળનાં વાસણોનાં દરવાજા-કમાન ઊભાં કર્યાં હતાં. કેટલીયે દુકાનોની બહાર રંગોળી પૂરીને ગાંધીજી, નેહરુ, સરદાર, નેતાજી, જેવા દેશનેતાઓનાં ચિત્રો તૈયાર કર્યાં હતાં. રોશની જોવા આવનારાઓ માટે ઠેર ઠેર પીવાનાં પાણીની વ્યવસ્થા કરી હતી. કારણ પીવાનું પાણી પ્લાસ્ટિકની બાટલીઓમાં વેચાય એવી તો ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી.

મુંબઈ મ્યુનિસિપાલિટીનું વડું મથક, વિક્ટોરિયા ટર્મિનસ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ), ત્યાંથી ફ્લોરા ફાઉન્ટન સુધીનાં કેટલાંયે મકાનો, મ્યુઝિયમ, રાજાબાઈ ટાવર, ગેટવે ઓફ ઇન્ડિયા, અને બીજાં કેટલાંયે જાહેર અને ખાનગી મકાનો ત્રણ રાત રોશનીથી ઝળહળતાં હતાં. મુંબઈમાં આવું પહેલી વાર બન્યું હતું. પણ પહેલી રાતે – ૨૫મીની રાતે ગમ્મત થઈ. રોશની જોવા કેટલા લોકો આવશે, રાતના કેટલા વાગ્યા સુધી આવશે એની કોઈને ખબર નહોતી. એટલે નક્કી થયું કે જ્યારે લોકોનાં ટોળાં આછાં અને ઓછાં થાય ત્યારે સૌથી પહેલાં રાજાબાઈ ટાવરની રોશની બંધ થશે, અને એ બંધ થઈ છે એમ જોયા પછી બીજાં બધાં મકાનોની રોશની બંધ થશે. પણ થયું એવું કે રાજાબાઈ ટાવરના રખેવાળને આવી ગઈ ઊંઘ. એટલે એ ટાવરની રોશની બહુ મોડે સુધી ચાલુ રહી, અને એટલે બધાં મકાનો વહેલી સવાર સુધી ઝળહળતાં રહ્યાં. રોશની ચાલુ રહે ત્યાં સુધી પોલીસ દળ ફરજ પર રહેશે એવું ઠરાવાયું હતું. એટલે વહેલી સવાર સુધી કોટ વિસ્તારમાં પોલીસો ફરજ બજાવતા રહ્યા. અલબત્ત, એ વખતે આતંકવાદ જેવો તો કોઈએ શબ્દ પણ સાંભળ્યો નહોતો, એટલે પોલીસો પણ લોકોના આનંદમાં સહભાગી થઈને ફરજ બજાવતા હતા. નહોતા ક્યાં ય મેટલ ડિટેક્ટર કે નહોતા સી.સી.ટી.વી. કેમેરા. લોકોને અને પોલીસને એકબીજા પર વિશ્વાસ હતો. ત્રણ રાત લોકોની ભીડ રહી હોવા છતાં ઘણા લોકો રોશની જોઈ શક્યા નહોતા, એટલે તેમની સગવડ ખાતર ચોથી રાતે પણ સરકારી મકાનો પર રોશની કરવામાં આવી હતી. જો કે કેટલાક ખાનગી મકાનોએ આમ કર્યું નહોતું.

મુંબઈના પહેલા મુખ્ય પ્રધાન બી.જી. ખેર

આજે આપણે જેને ચીફ મિનિસ્ટર – મુખ્ય મંત્રી – કહીએ છીએ તે એ વખતે પ્રાઈમ મિનિસ્ટર – વડા પ્રધાન તરીકે ઓળખાતા. રાજ્યો ત્યારે પ્રાંત તરીકે ઓળખાતાં અને દરેક પ્રાંતમાં એક વડો પ્રધાન હતો. આજનાં મહારાષ્ટ્ર, ગુજરાત, અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ પ્રાંતમાં થતો હતો. પહેલા પ્રજાસતાક દિવસે બી.જી. ખેર મુંબઈ પ્રાન્તના ‘વડા પ્રધાન’ હતા. ૧૮૮૮ના ઓગસ્ટની ૨૪મી તારીખે રત્નાગીરીમાં જન્મ. વ્યવસાયે વકીલ. પૂના અને મુંબઈમાં અભ્યાસ. મણિલાલ નાણાવટી સાથે મળીને ૧૯૧૮માં મણિલાલ, ખેર એન્ડ કંપની નામની લો-ફર્મ શરૂ કરી. ૧૯૨૨થી રાજકારણમાં રસ લેતા થયા. બ્રિટિશ શાસન દરમ્યાન ૧૯૩૭થી ૧૯૩૯ સુધી તેઓ મુંબઈ પ્રાન્તના ‘વડા પ્રધાન’ બન્યા હતા. ૧૯૪૬માં તેઓ ફરી એ પદે આવ્યા. ૧૯૫૭ના માર્ચની ૮મી તારીખે તેમનું અવસાન થયું. અગાઉ જે લિટલ ગિબ્સ રોડ તરીકે ઓળખાતો હતો તેને પછીથી બી.જી. ખેરનું નામ આપવામાં આવ્યું. વાંદરા(ઇસ્ટ)માં અનુસૂચિત જાતિના લોકોને વસવાટ માટે તેમણે જગ્યા ફાળવી હતી તે આજે ‘ખેર વાડી’ તરીકે ઓળખાય છે. મુંબઈ યુનિવર્સિટીના કાલીના કેમ્પસમાં એક મકાન સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું છે.

મુંબઈના પહેલા ગવર્નર રાજા મહારાજ સિંહ

અને પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈ પ્રાંતના ગવર્નર હતા રાજા મહારાજ સિંહ. ૧૯૪૭માં દેશને આઝાદી મળી ત્યારે ૫૦૦ કરતાં વધારે દેશી રાજ્યો હયાત હતાં. અંગ્રેજો ગયા પછી કાયદાની દૃષ્ટિએ તેમાંનું દરેક રાજય ‘સાર્વભૌમ’ બન્યું હતું. પોતે હિન્દુસ્તાન સાથે જોડાવું, પાકિસ્તાન સાથે જોડાવું કે દેશી રાજ્ય તરીકે અલગ રહેવું એ નક્કી કરવાનો હક્ક જતાં જતાં અંગ્રેજો દેશી રાજ્યોને આપતા ગયા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુએ એક પછી એક દેશી રાજ્યને ભારત સાથે ભેળવ્યું. કેટલાક રાજવીઓએ અગમચેતી વાપરીને લગભગ સ્વેચ્છાએ ભારતમાં ભળી જવાનું સ્વીકાર્યું હતું. તેમની આવી ખેલદિલીને ધ્યાનમાં રાખીને સરકારે તેમાંના કેટલાકની નિમણૂક એક યા બીજા પ્રાંતના ગવર્નર તરીકે કરી હતી. કપૂરથાલાનું દેશી રાજ્ય ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે જ ભારતમાં ભળી ગયું હતું. રાજા મહારાજ સિંહ હતા તેના રાજવી કુટુંબના નબીરા. તેમનો જન્મ ૧૮૭૮ના મે મહિનાની ૧૭મી તારીખે, અવસાન ૧૯૫૯ના જૂનની છઠ્ઠી તારીખે. ઓક્સફર્ડમાં ભણીને એમ.એ. થયા, કાયદાની ડિગ્રી મેળવી, ૧૯૦૨માં મિડલ ટેમ્પલના બારના સભ્ય બન્યા. પણ પછી હિન્દુસ્તાન આવી સરકારી નોકરી સ્વીકારી. યુનાઈટેડ પ્રોવિન્સ(આજનું ઉત્તરપ્રદેશ)ના ડેપ્યુટી કલેકટર બન્યા, લખનૌ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા, થોડો વખત કશ્મીરના ‘પ્રાઈમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ મુંબઈ પ્રાંતના ગવર્નર હતા. તેઓ ગવર્નર હતા ત્યારે મુંબઈના ગવર્નર હાઉસમાં એક અદ્વિતીય ઘટના બની હતી. કોમનવેલ્થની ટીમ અને ગવર્નરની ટીમ વચ્ચેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રાજભવનમાં રમાઈ હતી. અને ગવર્નરની ટીમના કેપ્ટન હતા ૭૨ વર્ષની ઉંમરના રાજા મહારાજ સિંહ. તેઓ ઘણાં વર્ષોથી ક્રિકેટ રમતા હતા, પણ આ એમની પહેલી અને છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. સૌથી મોટી ઉંમરે પહેલી વાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમવા માટે તેમનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં દાખલ થયેલું છે.

યુવાન વયે ક્રિકેટ રમતા રાજા મહારાજ સિંહ

પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈમાં યોજાયેલ ધ્વજવંદન અને પરેડમાં ગવર્નર રાજા મહારાજ સિંહે સલામી લીધી હતી અને બી.જી. ખેર અને તેમના પ્રધાન મંડળના સભ્યો હાજર હતા. પરેડમાં મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડે ભાગ લીધો હતો. આ પ્રસંગે પણ લોકોની મેદની ઊમટી હતી. જો કે મુખ્ય સમાંરભ તો નવી દિલ્હીમાં યોજાયો હતો. ઇન્ડોનેશિયાના પ્રમુખ ડો. સુકર્ણો મુખ્ય મહેમાન હતા અને દેશના પહેલા પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદે ધ્વજવંદન કર્યું હતું અને લશ્કરના જવાનોની સલામી ઝીલી હતી. એ વખતે સમાચાર માટેનાં બે જ સાધનો હતાં – છાપાં અને રેડિયો. છાપાં તો બીજે દિવસે સવારે સમાચાર આપે, પણ ઓલ ઇન્ડિયા રેડિયો (પછીનું નામ આકાશવાણી) પરથી હિન્દી અને અંગ્રેજીમાં દિલ્હીના સમારંભની રનિંગ કોમેન્ટ્રી પ્રસારિત થઈ હતી એ હજારો લોકોએ મુંબઈમાં સાંભળી હતી. અલબત્ત, એ વખતે ટી.વી., મોબાઈ ફોન વગેરે આવ્યાં નહોતાં. અરે, ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ આવ્યા નહોતા. એટલે ઘરના દિવાનખાનામાં ગોઠવેલા મોટા મસ રેડિયો સામે ઘરના લોકો ઉપરાંત અડોશપડોશના લોકો પણ જમા થયા હતા. ફિલ્મ્સ ડિવિઝન દ્વારા દર અઠવાડિયે આગલા અઠવાડિયાના બનાવો અંગે દસ્તાવેજી ચિત્ર તૈયાર થતાં, જે દરેક થિયેટરમાં મુખ્ય ફિલ્મ શરૂ થતાં પહેલાં બતાવવાનું ફરજિયાત હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનું દસ્તાવેજી ચિત્ર જોવા માટે થઈને કેટલાયે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા.

પહેલા પ્રજાસત્તાક દિવસે બહાર પડેલ ચાર ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર

પહેલા પ્રજાસત્તાક દિવસે દેશના ટપાલ ખાતાએ ખાસ ચાર નવી ટિકિટ અને ફર્સ્ટ ડે કવર બહાર પાડ્યાં હતાં. એ ખરીદવા માટે મુંબઈની જી.પી.ઓ. પાસે લોકોની લાંબી લાઈનો દિવસો સુધી જોવા મળી હતી. જો કે પ્રજાસત્તાક ભારતના પહેલવહેલા સિક્કા તે દિવસે નહિ, પણ ૧૯૫૦ના ઓગસ્ટની ૧૫મી તારીખે બહાર પડ્યા હતા. એ વખતે હજી દશાંશ પદ્ધતિનું આજનું ચલણ શરૂ થયું નહોતું. એ શરૂ થયું ૧૯૫૭માં. એટલે પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કા એક રૂપિયો, આઠ આના, ચાર આના, બે આના, એક આનો, અડધો આનો અને એક પૈસાના હતા. અગાઉ ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણી સિક્કા પર જોવા મળતાં તેનું સ્થાન અશોક સ્તંભે લીધું. શરૂઆતમાં રોજિંદા વ્યવહારમાં આ નવા સિક્કા હાથમાં આવતા ત્યારે ઘણા લોકો તેને વાપરવાને બદલે સંભારણા તરીકે સંઘરી રાખતા હતા.

પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કા

પણ મુંબઈગરાની એક ખાસિયત છે. કોઈ પણ બનાવ, ઘટના, પછી એ આનંદનાં હોય કે શોકનાં, તેમાંથી તે તરત બહાર આવી જાય છે, બીજાં કેટલાંક શહેરના લોકોની જેમ મુંબઈગરા તેને લાંબો વખત મમળાવ્યા કરતા નથી, તરત પોતાની રોજિંદી જિંદગી શરૂ કરી દે છે. પહેલો પ્રજાસત્તાક દિવસ ઉમંગ અને ઉત્સાહથી મનાવ્યા પછી તરત મુંબઈગરાઓએ રોજિંદુ જીવન ફરી શરૂ કરી દીધું હતું. એ જ રેશનિંગ માટેની લાઈનો, એ જ કામ પર ટાઈમસર પહોંચવા માટેની દોટ, લગભગ બધી જીવન જરૂરિયાતોની ખેંચનો સામનો, એ જ … પણ મનમાં એક આશા હતી : વો સુબહ કભી તો આયેગી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જાન્યુઆરી 2020

Loading

26 January 2020 admin
← ૮૧ વર્ષનાં ‘વાઈલ્ડ’ વહીદા રહેમાન
લોકશાહીના સાત દાયકાઃ યે કહાં આ ગયે હમ યૂંહી સાથ સાથ ચલતે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved