ભારતમાં પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા. એ પછી બીજા યુરોપિયનો પણ આવ્યા અને અંગ્રેજો સૌથી છેલ્લા આવ્યા. કયો અંગ્રેજ સૌથી પહેલા ભારતમાં આવ્યો હતો તે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ એમ માનવામાં આવે છે કે થોમસ સ્ટીફેન્સ ભારતમાં પગ મૂકનાર પહેલો અંગ્રેજ મિશનરી હતો. તે સન ૧૫૭૯માં રહ્યો હતો અને ૪૦ વરસ ભારતમાં રહ્યો હતો. એ પછી મહારાણી એલિઝાબેથનો પત્ર લઈને ત્રણ અંગ્રેજ અકબરના દરબારમાં આવ્યા હતા અને ભારતમાં ધંધો કરવા દેવાની વિનંતી કરી હતી. સન ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને જહાંગીરે ૧૬૦૮માં સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી હતી. ચરોતર નજીક હોવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભનો ધંધો તમાકુનો હતો અને તે સુરતથી થતો હતો. હિંદી ભાષામાં તમાકુ માટે પ્રચલિત શબ્દ ‘સૂરતી’ છે એ આ કારણે.
પોર્ટુગીઝો અને અંગ્રેજોમાં ફરક એ હતો કે અંગ્રેજોએ મુખ્યત્વે ધ્યાન ધંધા પર કેન્દ્રિત કર્યું હતું અને ધર્માંતરણ અને ભારતના પ્રદેશો પર કબજો કરવામાં શરૂઆતના સમયમાં ખાસ કોઈ રસ નહોતો લીધો. બીજી બાજુ પોર્ટુગીઝો વધારે ધર્મઝનૂની હતા, આક્રમક હતા અને ભારતીય પ્રજા પર ધર્મને લઈને અત્યાચારો પણ કર્યા હતા. આ ઉપરાંત વ્યાપાર અને પ્રદેશો પર કબજો કરવાની બાબતમાં પણ એટલા જ ક્રૂર અને આક્રમક હતા. અંગ્રેજોના આવા સલુકાઇભર્યા વર્તનને કારણે તેમને પોતાની જગ્યા બનાવવામાં અનુકૂળતા મળી હતી. જેમ કે બંગાળના સૂબેદારનો એક અંગ્રેજ તબીબે ઈલાજ કર્યો એનાથી ખુશ થઈને સૂબેદારે અંગ્રેજોને હુગલીમાં કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી. ઈ.સ. ૧૬૯૦માં અંગ્રેજોએ કલકત્તામાં ફોર્ટ વિલિયમનો કિલ્લો બાંધ્યો હતો.
હવે, એટલે ૧૬મી સદી પૂરી થતા સુધીમાં અંગ્રેજોને એમ લાગવા માંડ્યું કે જો ચાલાકીપૂર્વક ડગલાં માંડવામાં આવે તો ભારતની ભૂમિ પર પણ કબજો કરી શકાય એમ છે અને જો એમ બને તો વેપારને નામે ભારતની પ્રજાનું શોષણ કરી શકાય. અંગ્રેજોના નસીબે તરત જ ૧૭૦૭ની સાલમાં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને મુઘલ સલ્તનત કમજોર પડવા લાગી. આમ તો ઔરંગઝેબની હયાતીમાં જ મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું હતું અને તેનું કારણ એ હતું કે ઔરંગઝેબે તેના જીવનનાં છેલ્લા લગભગ ૨૫ વરસ દિલ્હીથી દૂર મરાઠાઓની પાછળ પડવામાં દક્ષિણમાં વિતાવ્યાં હતાં. કેન્દ્રીય શાસનના અભાવે અંદરથી ખોખલું થઈ ગયેલું મુઘલ સામ્રાજ્ય ઝડપથી પડી ભાંગવા લાગ્યું હતું.
સૂબાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા એથી કેન્દ્ર હજુ વધુ નબળું પડ્યું હતું, પણ એનો લાભ અંગ્રેજો લે એને હજુ વાર હતી. મુઘલ સામ્રાજ્યના પતનનો લાભ પૂનાના પેશ્વાઓએ લીધો હતો. ધીરેધીરે તેમણે સૂબાઓ પર આક્રમણ કરીને તેનો કબજો લીધો હતો અને ૧૭૫૦ સુધીમાં લગભગ અડધા કરતાં વધુ ભારત પર પૂનાના બ્રાહ્મણ પેશ્વાઓનો કબજો હતો. આ આશ્ચર્ય એ વાતનું છે કે તેમને રાજ કરતા આવડ્યું નહીં. જીતેલા પ્રદેશોમાં દરેક જગ્યાએ પેશ્વાઓ વાર્ષિક આવકનો ચોથો ભાગ લઈને પરાજીત સૂબાને રાજ કરવા દેતા હતા અથવા મરાઠા સરદારોને નવા સૂબા તરીકે બેસાડવામાં આવતા હતા. તેઓ બધા ટેકનિકલી પેશ્વાઓને અધીન હતા, પરંતુ વ્યવહારમાં સ્વતંત્ર હતા. આ વ્યવસ્થાને સરંજામશાહી તરીકે ઓળખવામાં આવે છે. જો પેશ્વાઓએ જીતેલા પ્રદેશોને ભેળવીને સામ્રાજ્ય વિસ્તાર્યું હોત અને એક જગ્યાએથી કેન્દ્રીય શાસન કર્યું હોત તો ભારતનો ઇતિહાસ જુદો હોત. આ સારો હોત કે નરસો એ જુદો પ્રશ્ન છે, પણ એટલું નક્કી કે અંગ્રેજો ભારત પર કબજો કરવામાં ફાવ્યા ન હોત અથવા તેમાં ખૂબ સમય લાગ્યો હોત.
‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ નામનાં પુસ્તકના લેખક રામધારી સિંહ દિનકરે એક મહત્ત્વનો સવાલ કર્યો છે. તેમણે કહ્યું છે કે ૧૨મી સદીમાં મુસ્લિમ આક્રમણકારોને સિંધુથી ઢાકા સુધીની ભારતની ભૂમિ પર કબજો કરતા એક દાયકો માંડ લાગ્યો હતો, જ્યારે અંગ્રેજોને ભારત પર કબજો કરવા માટે કુલ ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી. આમ કેમ થયું તેનો તેમણે પોતે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રશ્ન રસપ્રદ છે. આનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે અને એ પછી પણ અંગ્રેજો પાસે એવડું મોટું અંગ્રેજ લશ્કર નહોતું કે તે દાયકા-બે દાયકામાં આવડા મોટા ભારત દેશ પર કબજો કરી શકે. મુસ્લિમ આક્રમણકારો ભારતના નજીકના દેશોમાંથી આવતા હતા જયારે અંગ્રેજો પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હતા. એ સમયે તેમની કુલ સંખ્યા ભારતમાં એકાદ હજાર માંડ હશે.
મહત્ત્વનું એ નથી કે અંગ્રેજોએ ભારત પર કબજો કરવા ૧૧૧ લડાઈઓ લડવી પડી હતી, મહત્ત્વનું એ છે કે પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા એકાદ હજાર અંગ્રેજોએ થાક્યા વિના ૧૧૧ લડાઈઓ લડીને પણ ભારતનો કબજો કર્યો હતો અને એ પણ સો વરસમાં. આને માટે તેમણે ભારતીય શાસકોને આપસમાં લડાવ્યા હતા, કોઈ એકને મદદ કરી હતી, એ લડતના શિરપાવરૂપે ત્રીજા શાસક સામેની અંગ્રેજોની લડાઈમાં જેને મદદ કરી હતી તેની પાસેથી વળતી મદદ માગી હતી અને તેમણે ધીરે ધીરે ભારતીય પ્રજાનું અંગ્રેજ સૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું વગેરે. ટૂંકમાં એકાદ હજાર વિદેશીઓએ ભારતીય સૈનિક અને ભારતીય શાસકોની મદદથી ભારત કબજે કર્યું હતું.
મહત્ત્વ એ વાતનું છે કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!
અંગ્રેજોને સો વરસના સમયગાળામાં ૧૧૧ લડાઈઓ લડવી પડી એનું કારણ એ હતું કે ઔરંગઝેબના અવસાન પછી ભારતમાં ફ્રી ફૉર ઑલ જેવી સ્થિતિ હતી. દરેકને એમ લાગતું હતું કે પૂરી તાકાત લગાવીને વધુમાં વધુ પ્રદેશ કબજે કરી શકાય એમ છે. એમાં મરાઠાઓ હતા, મુઘલ સામ્રાજ્ય સામે બળવો કરનારા સૂબાઓ હતા અને વ્યવસાયી લૂંટારા પણ હતા. ભૂમિ કબજે કરવાની હોડ હતી જેમાં રાજકાજના ધોરણસરના કોઈ નિયમો જ નહોતા. રાષ્ટ્રીયતા અને વતન જેવી કોઈ ચીજ નહોતી. અરાજકતા એવી હતી કે કોઈ કોઈનું મિત્ર નહોતું અને કોઈનું દુશ્મન નહોતું. આની વચ્ચે અંગ્રેજોએ પોતાની જગ્યા બનાવવાની હતી અને મૈત્રી તેમ જ વિશ્વાસઘાતના માર્ગે ૧૧૧ લડાઈઓ લડીને ભારત કબજે કર્યું હતું.
મુસ્લિમ આક્રમણકારો વિશેનો જે પ્રશ્ન આપણને ૧૨મી અને ૧૩મી સદીમાં થવો જોઈતો હતો અને અંગ્રેજોની સફળતા વિશેનો જે પ્રશ્ન આપણને ૧૮મી સદીમાં થવો જોઈતો હતો એ બન્ને પ્રશ્ન આપણને ૧૯મી સદીમાં થયા હતા. એ પણ અંગ્રેજો થકી. પહેલો પ્રશ્ન તેમણે લખેલા ઇતિહાસ દ્વારા અને બીજો પ્રશ્ન અંગ્રેજોએ ભારતીય પ્રજામાં આણેલી જાગૃતિ દ્વારા. હિંદુઓને મુસલમાનોએ હરાવ્યા અને ભારતીયોને અંગ્રેજોએ છેતર્યા અને લૂંટ્યા. આ બેમાંથી કયો ઘાવ મોટો અને દૂઝણો? દેખીતી રીતે અંગ્રેજોએ ખાસ પ્રકારે ઇતિહાસ લખીને પહેલો ઘાવ ખોતરીને દુઝતો કર્યો હતો કે જેથી બીજા ઘાવ તરફ નજર ન જાય. આજે પણ કહેવાતા રાષ્ટ્રવાદી દેશભક્તોમાં આ માનસિકતા કાયમ છે. મુસલમાનો સામેનો પરાજય તેમને વધારે ચચરે છે, અંગ્રેજોએ બેવકૂફ બનાવીને ગુલામ બનાવ્યા એનો તેઓ ચચરાટ અનુભવતા નથી. માટે તો તેમણે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો.
એના બાપે તારા બાપને માર્યો હતો એમ કહીને અંગ્રેજોએ ભારત પર રાજ કર્યું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જાન્યુઆરી 2020