તમે જ્યારે નાના મોટા ધન કુબેર બની જ જાવ પછી સ્વાભાવિક છે કે ચોખ્ખી હવા, ઉકરડા વગરનું શહેર અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી જગ્યાએ જઇને રહેવાનું તમે પસંદ કરો

ચિરંતના ભટ્ટ
ભારતીયો આખી દુનિયામાં ફેલાયેલા છે. ડાયસ્પોરા એટલે કે પોતાના વતનથી બીજા દેશમાં ગોઠવાયા હોય એવા લોકોના આંકડાની યાદીમાં ભારતીયો અવ્વલ નંબર પર છે. 19 મિલિયનથી વધુ ભારતીયો અન્ય રાષ્ટ્રોમાં રહી રહ્યા છે. તાજેતરમાં હેન્લી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2024 બહાર પડ્યો અને તેમાં જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતને 4,300 મિલિયોનર્સ એટલે કે લાખોપતિઓની ખોટ જવાની છે. ના, ના એવું નથી કે એ બધા ગરીબ થઇ જવાના છે, પણ આ ધનિકો ભારત છોડીને બીજા દેશમાં ગોઠવાઇ જવાના છે. ગયા વર્ષે 5,100 મિલિયોનર્સે ભારતને અલવિદા કહીને બીજા રાષ્ટ્રને અપનાવ્યું હતું અને તેની સરખામણીએ આ આંકડો ઓછો છે પણ મુદ્દો એ છે કે હાઇ-નેટ વર્થ ધરાવતા લોકો જે પોતાના જન્મનો દેશ છોડીને બીજા દેશમાં સ્થળાંતર કરતા હોય તેની યાદીમાં ભારતીયો ચીન અને યુનાઇટેડ કિંગ્ડમ પછી ત્રીજા ક્રમાંકે છે. વિદેશ ગોઠવાઇ જવાના મોહને મામલે ભારત પછી મેક્સિકો, રશિયા, ચીન, સિરિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોનું નામ છે. ભારતીય ધનિકો પોતાનું વતન છોડીને વિદેશ ગોઠવાય છે તેની પાછળ મોટે ભાગે રાજકીય ભૌગોલિક તણાવ, આર્થિક અચોકસાઇ અને સામાજિક અસ્થિરતા જેવાં કારણો કામ કરી જાય છે.
વળી અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનાં સપનાં સેવાય અને સાચાં પડે એ માટે જે થાય એ બધું કરે પણ ખરા પણ છેલ્લા કેટલાક સમયથી લાખોપતિઓની પહેલી પસંદ બન્યું છે દુબઇ. ભારતના લખપતિઓને દુબઇની દુનિયા માફક આવી ગઇ છે. વળી એવું ય નથી કે તેઓ અહીંથી-ભારતમાંથી પોતાના બિસ્તરાં પોટલાં ઊંચકીને ઘર-મિલકત વેચીને જતાં રહે છે. તેઓ એક પગ તો અહીં પણ રાખે જ છે. ભારતમાં પોતાનું ઘર, બિઝનેસનો અમુક હિસ્સો રાખવાનું એ લોકો ચૂકતાં નથી. ગયા વર્ષે દુબઇનું માર્કેટ ભારતીયોને કારણે 35 હજાર 500 કરોડ રૂપિયા કમાયું છે. દુબઇમાં પોતાનું ઘર લેનારા લોકોમાંથી ચાળીસ ટકા ભારતીય હતા. બાકીના 40 ટકામાં એવા ભારતીયો હતા જે પહેલેથી જ દુબઇમાં વસેલા છે અને બાકી વિશ્વના બીજા દેશોમાં વસેલા 20 ટકા ભારતીયોએ પણ દુબઇમાં પ્રોપર્ટી ખરીદી. વળી દુબઇમાં પ્રોપર્ટી ખરીદવાની તાકાત ધરાવનારાઓમાં દિલ્હી-એન.સી.આર., અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને પંજાબના લોકોની સંખ્યા વધારે છે. દક્ષિણ ભારતીયો દુબઇ જાય છે ખરાં પણ તેઓ ત્યાં નોકરી કરવાના ઇરાદાથી જતા હોય છે કારણ કે લાખોપતિ દક્ષિણ ભારતીયો તો કૉલેજનું ભણતર પણ વિદેશમાં પૂરું કરીને પછી વિદેશી ટેક જાયન્ટ્સમાં લીડરશીપ પૉઝીશન પર ગોઠવાઇ જતા હોય છે.
ધનિક ભારતીયોમાં દુબઈ, સિંગાપોર અને લંડન જેવા શહેરોમાં પોતાનાં કામને લગતી એક ફેમિલી ઑફિસ સેટ કરવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને ધનિક પરિવારની ત્રીજી પેઢી, જે અત્યારે પોતાની ત્રીસીમાં હોય તેમને વિદેશની ઑફિસ ગોઠવાય એમાં રસ હોય છે. આમ થવાનું સીધું કારણ એ છે કે તેઓ પોતે વિદેશમાં ભણ્યા હોય અને પછી ‘પપ્પા’નો બિઝનેસ સંભાળવાના હોય એટલે તેમને વિદેશમાં બિઝનેસનો કાર્યભાર સંભાળવાનું વધારે માફક આવતું હોય છે. વળી આવું કરવા પાછળ કરણ જોહરની ધનિકોને દર્શાવતી ફિલ્મો જેવા કોઇ ઇમોશનલ કે ફેન્સી કારણો નથી હોતા. એ લોકો ભારતીય ટેક્સેશન અને નિયમોની જવાબદારીથી પોતાની મિલકતને, નાણાંકીય ભંડોળને બચાવવા માગતા હોય છે. વળી વિદેશમાં ઑફિસ હોય એટલે ત્યાંના માર્કેટ્સ સાથે કામ પાર પાડવું સરળ થાય અને ભૌગોલિક રીતે બિઝનેસને વિસ્તારવો હોય તો પણ સહેલું પડે. વળી બિઝનેસ અને રોકાણમાં વિવિધતા લાવવી હોય, તેને ડાયવર્સિફાય કરવો હોય તો પણ વિદેશમાં ઑફિસ હોય તો તે સરળતાથી થઇ શકે છે. આમ પણ જ્યારે પારિવારિક વ્યવસાય હોય ત્યારે અંદાજે 800 કરોડ જેટલા એસેટ્સ હોય ત્યારે પણ તેને વિદેશમાં ખાનગી મિલકત જ ગણવામાં આવે છે – એવી મિલકત કે સેટ-અપ જે પરિવારનાં સંપત્તિ અને રોકાણ સંભાળે છે.
ધનિક ભારતીયોને ઘર આંગણે કરવેરાને મામલે જેટલી સ્પષ્ટતા જોઇએ છે તેટલી નથી મળતી એને કારણે તેઓ વિદેશની વાટ પકડતાં હોય છે એવું વિધાન તો કાઁગ્રેસના નેતા જયરામ રમેશે પણ કર્યું હતું. ભારતીયોને વિદેશમાં સલામતી અને સુરક્ષા, આર્થિક ચિંતાઓ, ટેક્સ અને નિવૃત્તિ પછીની લાઇફસ્ટાઇલ, કામ વિસ્તારવાની નવી તક, ત્યાંનું ચોખ્ખું વાતાવરણ, પોતાની આગલી પેઢી માટે શિક્ષણની તક, સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અને સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ જેવી બાબતો સૌથી વધુ આકર્ષે છે.
ભારતમાં લાખોપતિની સંખ્યા જોઇએ તો 1 મિલિયન કે તેનાથી વધુ એવી રોકાણ કરી શકાય તેવી લિક્વિડ આવક ધરાવતા હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલની સંખ્યા 3,26,400 જેટલી છે. લાખોપતિઓની સંખ્યા ધરાવતા રાષ્ટ્રોની યાદીમાં ભારત 10માં સ્થાને છે. જો કે એક અવલોકન એ પણ છે કે ભારત વસ્તીને મામલે ચીન કરતાં આગળ હોવા છતાં દર વર્ષે વતન છોડીને જનારા લાખોપતિઓની સંખ્યાને મામલે ભારત ચીન કરતાં 30 ટકા પાછળ છે. ભારતમાં વસ્તી વધી રહી છે તેની સાથે લાખોપતિઓની સંખ્યા પણ વધશે જ એવું માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે. કરોડપતિને મામલે ભારત ત્રીજા ક્રમાંકે છે, આપણે ત્યાં 120 કરોડપતિઓ છે.
તમે જ્યારે નાના મોટા ધન કુબેર બની જ જાવ પછી સ્વાભાવિક છે કે ચોખ્ખી હવા, ઉકરડા વગરનું શહેર અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી જગ્યાએ જઇને રહેવાનું તમે પસંદ કરો. યુ.એ.ઇ. એટલે કે દુબઇ પર આ ધન કુબેરોની સૌથી વધુ મહેર છે કારણ કે ત્યાં આવક વેરો શૂન્ય છે, ગોલ્ડન વિઝા, લક્ઝરી લાઇફ સ્ટાઇલની સાથે લોકેશનનો ફાયદો તો ખરો જ. દુબઈ માત્ર ભારતીયો નહીં પણ રશિયા, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ધનિકોમાં પણ લોકપ્રિય છે. દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ પ્રિમિયમ વિકલ્પો છે તો ધંધાને મામલે રોકાણકારલક્ષી વ્યવસ્થા છે તો મોટી ઔદ્યોગિક જાહેરાતો સાથે રોકાણ કરીને નાગરિકત્વ મેળવી શકાય છે. આ જોતાં ભારતીય ખાનગી બેંક્સ પણ દુબઈમાં પોતાના વ્યવસાય અને વ્યવસ્થાને વિસ્તારી રહી છે. દુબઈ તરફથી પણ પરિવર્તનો થઇ રહ્યા છે. જેમ કે ત્યાં અપરણિત યુગલો સાથે રહી શકે એ બાબતને કાયદાકીય માન્યતા અપાઇ છે, કામના દિવસો સોમથી શુક્ર કરાયા છે, બહારની કંપનીઓને ત્યાં કામ ચાલુ કરવા માટે ફરજિયાત લોકલ ભાગીદારની જરૂર પડે એવા નિયમો દૂર કરવા જેવા ઘણા બદલાવ કર્યા છે.
દુબઈ ઉપરાંત અન્ય દેશોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની સગવડ હોય છે એટલે કે અમુક રકમનું રોકાણ જે તે દેશમાં કરો એટલે તમને ત્યાંનું નાગરિકત્વ મળી જાય. આવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં પોર્ટુગલનો ગોલ્ડન રેસિડન્સ પરમિટ પ્રોગ્રામ, ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, સ્પેઇનનો રેસિડન્સ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અને માલ્ટાનો સિટિઝનશીપ બાય નેચરલાઇઝેશન ફોર એક્સેપ્શનલ સર્વિસ બાય ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ પ્રોગ્રામ ધનિકોમાં જાણીતી પસંદગીઓ છે. વળી કરેબિયનમાં, એન્ટિગુઆ અને બારબુઆ સહિત ગ્રેનેડાની આવી સ્કિમ્સ ભારતીયોને ખૂબ આકર્ષે છે.
જ્યારે લાખોપતિ પોતાનો દેશ છોડે છે ત્યારે તે પોતાની મિલકતનો સારો એવો હિસ્સો પણ પોતાની સાથે લઇ જાય છે જે દેશના આર્થિક ભંડોળમાં ગાબડું પાડે છે. તેમના રોકાણની દિશા બદલાય એટલે આપણા અર્થતંત્ર, સ્ટૉક માર્કેટ પર પણ તેની અસર પડે. વળી લાખોપતિના બિઝનેસને કારણે મધ્યમવર્ગ માટે રોજગારીની તકો ખડી થતી હોય છે પણ તેઓ બીજા દેશમાં જાય એટલે આપણે એ પણ ખોઇ બેસીએ. લાખોપતિઓ બીજા દેશમાં જઇને નોકરીની તકો ખડી કરે, પોતાની સંપત્તિથી વિદેશમાં રોકાણ કરી ત્યાંના અર્થતંત્રને મજબૂત બનાવે ત્યારે આપણે તેમનો વાંક ન કાઢી શકીએ કારણ કે તેમની નાણાંની કોથળી ખાલી કરાવતી ત્યાં તંત્રની ગેરવ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના ફેલાવાને આપણે રોકી નથી શકતા.
બાય ધી વેઃ
2011ના વર્ષથી અત્યાર સુધીમાં 16 લાખ ભારતીયોએ પોતાનું ભારતીય નાગરિકત્વ જતું કર્યું છે. જો કે લાખોપતિઓની વાત અલગ છે પણ ત્યાં જઇને કામ કરી પોતાના ઘરે – વતનમાં રકમ મોકલનારા ઉચ્ચ મધ્યમ વર્ગિય, મધ્યમ વર્ગિય ભારતીયોની સંખ્યા પણ મોટી છે. કામ માટે બીજા દેશમાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા ક્યારે ય ઘટી જ નથી. ફરી જો ધનિકોના વતન છોડવા અંગે વાત કરીએ તો કરોડો રૂપિયાની કાર લઇને ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રસ્તે નીકળનારા ધનિક માણસને પોતાના લોકેશન પર પહોંચવામાં જ્યારે ટ્રાફિકને કારણે ચાર કલાક થતા હોય, ખાડામાં મોંઘીદાટ કારનો કચ્ચરઘાણ વળતો હોય ત્યારે તે એટલા જ સમયમાં તેને દુબઈ લઇ જનારી ફ્લાઇટમાં બેસીને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં તેને પોતાની ફેન્સી ઑફિસમાં પહોંચાડનારી જિંદગી વધારે પસંદ કરશે એ સ્વાભાવિક છે
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2024