
હેમન્તકુમાર શાહ
એક જમાનો હતો કે જ્યારે રાષ્ટ્રપતિ ગૂજરાત વિદ્યાપીઠના જન્મદિન ૧૮ ઓક્ટોબરના રોજ જ પદવીદાન સમારંભ માટે આવતા હતા. હવે આ સંઘી જમાનો છે કે જ્યારે રાષ્ટ્રપતિની અનુકૂળ તારીખે વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ યોજાય છે!
આમે ય હિંદુ પરંપરાનું ઢોલ પીટતા સંઘીઓને ગાંધીની અને તેમની વિદ્યાપીઠની પરંપરાની ખબર કેવી રીતે હોય, અને હોય તો પણ શા માટે રાખવી હોય?
મહાત્મા ગાંધીએ ૧૯૨૦માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તેઓ પોતે જ હતા. ગાંધીની હત્યા પછી સરદાર પટેલ તેના કુલપતિ થયેલા. સરદારના અવસાન પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ તેના કુલપતિ થયેલા. તેઓ ૧૯૬૩માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ પદ પર રહ્યા.
વિદ્યાપીઠના પદવીદાન સમારંભની તારીખ એટલે ૧૮ ઓક્ટોબર. તેનો પોતાનો સ્થાપના દિન. તે દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદ હાજર જ હોય વિદ્યાપીઠમાં. રાજેન્દ્ર પ્રસાદ એ તારીખને અનુકૂળ થતા હતા, એમને અનુકૂળ તારીખે કંઈ પદવીદાન સમારંભ થતો નહોતો.
રાજેન્દ્ર પ્રસાદના અવસાન પછી મોરારજી દેસાઈ તેના કુલપતિ થયેલા. તેઓ બહુ મોટા રાજકીય નેતા હતા જ. પણ તેઓ પણ ૧૮ ઓક્ટોબર કોઈ દિવસ ચૂક્યા નહોતા. તેમને અનુકૂળ તારીખે પદવીદાન સમારંભ થતો નહોતો, તેઓ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થતા હતા.
મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન થયા. તો પણ તેમણે ૧૮ ઓક્ટોબર જ પકડી રાખી હતી. એટલું જ નહીં પણ તેમણે ૧૮ ઓક્ટોબર અગાઉ એક સપ્તાહ સુધી વિદ્યાપીઠમાં રહેવાની પરંપરા ઊભી કરેલી એ પણ ચાલુ રાખેલી, વડા પ્રધાન થયા તો પણ.
વળી, મોરારજી દેસાઈ વડા પ્રધાન નહોતા રહ્યા ત્યારે એક વાર રાષ્ટ્રપતિ ઝૈલસિંહને ૧૮ ઓક્ટોબરના રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવેલા. ઝૈલસિંહ પણ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થયેલા. એમને અનુકૂળ દિવસે પદવીદાન સમારંભ ગોઠવાયો નહોતો.
હવે આજે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ ગોઠવાયો છે કારણ કે આજની તારીખ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અનુકૂળ છે!
ગાંધીની વિદ્યાપીઠ અંદરની જ ભાંગફોડ અને કાવતરાંને પરિણામે જે વિચારધારા ગાંધીની હત્યાનું કારણ બની હતી તે વિચારધારાનાં મૂળ જેમનામાં છે તેવા સંઘીઓના ‘સજીવ’ હાથમાં ગઈ પછી એ કેટલી નિર્જીવ અને સત્તાપરક થઈ ગઈ એનો આ નમૂનો છે. વિદ્યાપીઠ કોઈ દિવસ સત્તાને નમી નહોતી, સત્તા જ વિદ્યાપીઠને નમતી આવી હતી. હવે અત્યારે એનાથી તદ્દન ઊંધું થઈ રહ્યું છે.
ગાંધીએ વિદ્યાપીઠની સ્થાપના વખતે એમ કહેલું કે “જો કોઈ વણિકપુત્ર કરી શકે તો મેં આ ઋષિકાર્ય કર્યું છે.” કોને એ યાદ આવે?
(૧૩ વર્ષ સુધી વિદ્યાપીઠનો વિદ્યાર્થી, અને પિતા દશરથલાલ શાહ, કે જેમણે જિંદગીનાં ૬૩ વર્ષ વિદ્યાપીઠને સમર્પિત કરેલાં.)
તા.૧૧-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર