યુવાનને શરમાવે એવો ઉત્સાહથી થનગનતો એક મોજીલો માણસ આમ અચાનક જીવનલીલા સંકેલી ચાલતો થાય એ માની નથી શકાતું.

અરવિંદભાઈ ગડા
ફેસબૂકના માધ્યમથી કેટલાંક સરસ લોકોની સાથે મૈત્રી બંધાઈ ને પછી પાંગરી છે એમાંના એક અરવિંદભાઈ ગડા. મૂળ આધોઈના એટલે વાગડમાં થતી નાની નાની પ્રવૃત્તિઓની નોંધ લે ને એમાં રસ લઈ ટેકો કરે. રાપર કોલેજના ખૂણે બેસી જે થોડું થોડું મથ્યા કરીએ એની તેઓ નોંધ લે. પ્રિયને પત્ર નામની એક સરસ પ્રવૃત્તિ શરૂ કરેલી ને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ માટે પત્ર લખી મોકલવાની ટહેલ મિત્રોને કરેલી, ત્યારે સૌથી પહેલા અરવિંદભાઈએ પત્ર લખી મોકલેલો. પછી તો નીલપર આપણા ઘરે પણ આવી ગયા. મિત્રોને પણ લાવ્યા. મુંબઈ મારું વ્યાખ્યાન હોય તો મિત્રમંડળ સાથે આવી જાય. એક વખત તો એમના ઘરે બધાને ભેગા કરી મેળાવડો જમાવેલો. બહુ મજા કરેલી. રાપર કોલેજના વિદ્યાર્થીઓ સાથેના અનુબંધની વાતોમાં બધાને બહુ જ રસ પડેલો. ઘરે થયેલી વાતોથી પેટ ન ભરાયું હોય તેમ છેક બોરીવલી સુધી અમને મુકવા આવેલા. મુંબઈમાં કોઈ આટલો સમય આપે એની વાતો કરીએ તો કોઈ માને નહિ, પણ અરવિંદભાઈની તો આ જ રીત.
એમના આખા વર્તુળને સાહિત્યની દુનિયા સાથે જોડવામાં એમનો સિંહફાળો. એમનું ભાવક હૃદય મને ખેંચનારું સૌથી મોટું પરિબળ. ‘કુંવરબાઈનું મામેરું’ની વાત સાંભળતાં ભીંજાતું એમનું હૈયું એમની આંખોમાં વર્તાઈ આવે. ભણવામાં નબળા વિદ્યાર્થીઓને પ્રેમ કરીએ તો એ રાજી થાય ને એમ કહે કે કોઈકે તો નાપાસ બાળકોની નિશાળ ચલાવવી પડશે ને ! મારા એક વિદ્યાર્થી માટે અંગત મિત્રોને ટહેલ મુકેલી એમાં એક હાકલે એમણે 50,000 જેટલી મોટી રકમ મોકલી આપેલી, ને પોતાનું નામ પણ આપવાની ના પાડેલી. આપણી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘને પણ સમયાંતરે વગર કહ્યે મદદ મોકલે. મારાં વ્યાખ્યાન સાંભળી વખાણ કરવાવાળા તો ઘણા મળે પણ આ એવા સ્વજન કે મારી ભૂલો સુધારે ને જાત માટે હું ક્યારેક નબળું વિધાન કરું તો મને એમ કરતાં પણ અટકાવે એવા કલ્યાણમિત્ર.
પોતે સરસ વાંચે, વિચારે, લખે અને બોલે પણ સરસ. હમણાં જીવનગોષ્ઠિમાં તેઓ વાત કરવા રાજી થયેલા ને યુવાશિબિરમાં પણ આવવાના હતા. તબિયતના કારણે શિબિરમાં ન જોડાઈ શક્યા પણ શરીફાબહેન વિજળીવાળાનો લાભ ભચાઉની દીકરીઓને મળે એ માટે એમણે બહેનનું ત્યાં વ્યાખ્યાન ગોઠવ્યું. પોતે ખાસ મુંબઈથી બે દિવસ માટે કચ્છ આવ્યા. એ અમારી છેલ્લી મુલાકાત બની રહેશે એવી તો કલ્પના જ ક્યાં હોય ? શરીફાબહેનને લેવા પોતે નીલપર આવ્યા, બધા સાથે મજાની વાતો કરી. બહેન સાથે મને અને મુસ્કાનને પણ લઈ ગયા. આખે રસ્તે મજાની વાતો થઈ. અમે ભચાઉ ઉતરી બસમાં જતા રહીશું એમ કહ્યું, પણ માને તો અરવિંદભાઈ શાના ? અમને ભચાઉમાં રોક્યા, સાથે જમાડ્યા ને ખાસ અંજાર મુકવાની વ્યવસ્થા ગોઠવી આપી. આખા રસ્તે એમના ગાડી ચાલક ભાઈ રમજાનભાઈ એમના ગુણગાન કરતા રહ્યા. નાના મોટા સૌના હૈયે વસેલા અરવિંદભાઈ હૈયામાં કાયમની જગ્યા મેળવીને ખુદ સરકી ગયા.
પર્યુષણ પર્વમાં ઘરે આવવાનું એમણે કહેલું. બોરીવલી હોવા છતાં મારાથી જવાયું નહિ. ૧૭મી ઓગસ્ટની વરસાદી સાંજની એ મુલાકાત છેલ્લી બની રહી. આજની વરસાદી બપોરે દિલીપભાઈએ એમના આવા ગળે ન ઉતરે એવા સમાચાર આપ્યા.
અરવિંદભાઈ, તમે તો બધાને પોતપોતાને સ્થાને પહોંચાડી ઘરે જનારા માણસ, આમ અધવચ્ચે છોડી જનાર તમે ન હો .. સાવ આમ હાથતાળી દઈને થતું રહેવાનું ? હજી કેટલા ય મેળાવડા કરવાના બાકી રહ્યા ! તમારા આધોઈ ગામમાં જે દેરાસર તમે બંધાવ્યું છે એના પ્રાંગણમાં તમને ગમતાં ભગવાનનાં સ્તવન ગાવાનાં બાકી છે ને બીજું પણ ઘણું ઘણું ! જીવન રમતને અધવચ્ચે છોડી તમે આમ જતા રહો તો આ અંચાઈની ફરિયાદ અમારે કોની પાસે કરવી ?
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર