ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતાં બનાવવા જોઈતાં.’

ગુરુ દત્ત
દાદી પ્રાર્થના કરતાં હોય અને એ કિશોર દીવાના પ્રકાશમાં આંગળીઓ હલાવી ભીંત પર આકારો રચે. ત્યારે તેને કે કોઈને ખબર ન હતી કે સમયની દીવાલ પર એની છબી કાયમ માટે અંકિત થઈ જશે.
મૂળ નામ વસંત. બાળપણમાં અકસ્માત થયો, એક સાધુના સૂચનથી નામ બદલી ગુરુદત્ત રાખ્યું – ગુરુદત્ત પદુકોણ. આ નામ સમયાંતરે ગુરુ નામ અને દત્ત અટક હોય એ રીતે ફિલ્મ-ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું. ગુરુ દત્તની અગ્નિશિખા જેવી સર્જકતા, ચકિત કરી મૂકનારાં સર્જનો, બેચેન વ્યક્તિત્વ અને કરુણ અંતનો કલ્પનાની કે વાસ્તવની દુનિયામાં કોઈ જોટો નથી. 9 જુલાઈ 2025ના દિવસે તેમનો સોમો જન્મદિન છે.
જન્મ બેંગલોરમાં, શિક્ષણ કોલકાતામાં. બંગાળી સંસ્કૃતિ જીવનમાં વણાઈ ગઈ. શ્યામ બેનેગલના કાકા અને ગુરુ દત્તના મામા બાલકૃષ્ણ બેનેગલના એક ચિત્ર પરથી કિશોર ગુરુએ ‘સપેરા’ નૃત્ય બનાવ્યું અને ઈનામ પણ મેળવ્યું. પિતા ખૂબ વાંચતાં. ગુરુ અઠંગ વાચક બન્યા. આર્થિક સ્થિતિને લીધે કોલેજ ન જઈ શક્યા, સોળ વર્ષની ઉંમરે 20 રૂપિયાના પગારથી કોલકાતાની લીવર બ્રધર્સની ફેક્ટરીમાં ટેલિફોન ઓપરેટર બન્યા.
મોકો મળતાં ગુરુ દત્તે અલમોડા જઈ ઉદય શંકરની નૃત્ય એકેડમીમાં તાલીમ લીધી. પાંચ વર્ષ માટે સ્કોલરશીપ પણ મળી. વિશ્વયુદ્ધને લીધે એકેડમી બંધ થતાં ગુરુ દત્ત મુંબઈ આવ્યા અને ત્રણ વર્ષ માટે પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર તરીકે નોકરી લીધી. પછીથી કંપનીમાં અભિનેતા અને સહાયક દિગ્દર્શક પણ બન્યા. થોડો વખત ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ માટે ટૂંકી વાર્તાઓ લખી.
પ્રભાતમાં દેવ આનંદ અને રહેમાન સાથે દોસ્તી થઈ જે જીવનભર ટકી. ત્યારે દેવ આનંદ સાથે થયેલા કરાર પ્રમાણે તેણે દેવ આનંદની પ્રોડક્શન કંપની નવકેતન હેઠળ ‘બાઝી'(1951)નું દિગ્દર્શન કર્યું. બીજે વર્ષે ‘જાલ’ આવી. આ બંને અને ત્યાર પછીની કેટલીક ફિલ્મો 40-50ના દાયકાની ‘ફિલ્મ નોઈર’ શૈલીથી પ્રેરિત હતી. નૈતિક રીતે અસ્પષ્ટ એવો નાયક, અપરાધ, સાયરન અને છાયા-પ્રકાશની યોજના એ આ શૈલીની વિશેષતાઓ છે. હિન્દી ફિલ્મોમાં નોઈર શૈલીની ફિલ્મો લાવનાર ગુરુદત્ત પહેલા હતા.
દર્શકોની નાડ પારખતાં તેને આવડતું. ‘બાઝી’, ‘જાલ’, ‘મિ. એન્ડ મિસીસ 55’ અને ‘સી.આઇ.ડી.’ની સફળતા પછી ગુરુ દત્તે પોતાનામાં રહેલા કલાકારને બહાર કાઢ્યો અને સાહસિક-જોખમી વિષયોને મેદાન આપ્યું. સંતોષ ન થાય તો પ્રોજેક્ટને અભેરાઈ પર ચડાવતા તેને વાર લાગતી નહીં. ગુરુ દત્તે કુલ 8 હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી 1957ની ‘પ્યાસા’, 1959ની ‘કાગઝ કે ફૂલ’ અને 1962ની ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની આંતરરાષ્ટ્રીય ઓળખ છે.
શ્યામ બેનેગલે કહ્યું છે, ‘ગુરુ દત્તની ફિલ્મો અર્થપૂર્ણ રહેતી. સેટ પર પૂરી તૈયારી સાથે જાય. કેમેરાનો એંગલ, એક એક મુવમેન્ટ પરફેક્ટ જોઈએ. સંતોષ ન થાય ત્યાં સુધી ઓકે ન કહે. “પ્યાસા” માટે પોતે પણ સો કરતાં વધારે રિટેક આપ્યા હતા. ગીતને વાર્તા સાથે જોડી દેવા અને ખાસ રીતે ફિલ્માંકિત કરવામાં ગુરુ દત્ત અજોડ હતા.’ અદ્દભુત લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ માટે જાણીતા ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ ગીતના સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિ કહે છે, ‘ગુરુદત્તને હું “ઓબ્સેસિવ ડિરેક્ટર” કહું. અત્યંત ઊર્જાભર્યા, તીક્ષ્ણ બુદ્ધિ અને કામમાં ઓતપ્રોત. “કાગઝ કે ફૂલ”ના ગીત “વક્ત ને કિયા”ને હું “ક્લાસિક મોમેન્ટ ઑફ સેલ્યુલોઈડ હિસ્ટરી” ગણું છું. આ ગીત નટરાજ સ્ટુડિયોમાં ફિલ્માવ્યું હતું. એક વેન્ટિલેશનમાંથી પ્રકાશ આવતો હતો તેને એક અરીસામાં ઝીલી અમે પ્રકાશકિરણ રચ્યું અને નાટ્યાત્મક અસર આપવા થોડો ધુમાડો ઉમેર્યો.’
ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે, ‘મારા પિતા ક્રિએટિવ રાઇટર બનવા માગતા હતા, ન બની શકયા. એ કારણે એમનામાં કટુતા આવી ગઈ. ગુરુમાં મારા પિતાની સર્જનાત્મકતા અને બેચેની બંને હતાં. ‘પ્યાસા’માં તેણે એક કવિના સંઘર્ષનું આલેખન કર્યું છે એ મારા પિતાના જીવન પર આધારિત છે.’
વિદેશી સિનેમાસ્કોપ ફિલ્મોને જોઈને ગુરુદત્તને પોતાની ફિલ્મોમાં આ નવી ચીજ લાવવી હતી. ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસ’ની ભારત-ઓફિસના મેનેજર મિ. પ્રભુ પાસેથી સાધનો અને લેન્સિઝ મેળવી ગુરુદત્તે સિનેમાસ્કોપમાં બનેલી પહેલી ભારતીય ફિલ્મ બનાવી, ‘કાગઝ કે ફૂલ’. એ ફ્લોપ થઈ. કરોડો રૂપિયાનું નુકસાન થયું. પોતાની સર્જનાત્મક આકાંક્ષાઓના અસ્વીકારનું દુ:ખ એનાથી પણ મોટું હતું. રાજ કપૂરે કહ્યું હતું તેમ ‘કાગઝ કે ફૂલ’ સમય કરતાં ઘણી વહેલી બની હતી. ‘ચૌદહવીં કા ચાંદ’થી આર્થિક ખુવારી સરભર થઈ, પણ એ પછી ગુરુ દત્તે ફિલ્મોનું દિગ્દર્શન ન કર્યું. ‘ચૌદહવીં કા ચાંદ’ના દિગ્દર્શક હતા એમ. સિદ્દિકી અને ‘સાહબ બીબી ઔર ગુલામ’ના અબ્રાર અલવી. ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત’માં અબ્રાર અલવી કહે છે કે આ બંને ફિલ્મોનાં ગીતો ગુરુદત્તે કર્યાં હતાં અને નામ ગમે તેનું હોય એ ફિલ્મો પર ગુરુદત્તનો સઘન સ્પર્શ હતો.’ આ ફિલ્મના રમતિયાળ ગીત ‘ભંવરા બડા નાદાન’ના રેકોર્ડિંગને યાદ કરતાં ગાયિકા આશા ભોંસલે કહે છે, ‘મુઝે યાદ હૈ, દત્ત સાહબ મેરે સામને ખડે હો ગયે ઔર હર એક લફ્ઝકો કૈસે ગાના હૈ વહ મુંહ બના બના કે દિખાને લગે – કિતની કલેરિટી, કિતના પરફેક્શન!’ આ જ ફિલ્મનાં ગીત દત્તે ગયેલાં ગીતોમાં વિરહ, પીડા અને કસક ટોચ પર પહોંચ્યાં હતાં.

ગીતા દત્ત
ગીતા દત્ત આત્મવિશ્વાસભરી એ સફળ સુંદર ગાયિકા અને આ સંઘર્ષરત પ્રતિભાશાળી ફિલ્મમેકર વચ્ચે પ્રેમ તો થવાનો જ હતો. પણ લગ્ન – ત્રણ વર્ષના સંવનન પછી ગીતાના પરિવારના વિરોધ વચ્ચે 1953માં બંને પરણ્યાં. શરૂઆતનાં વર્ષો સુંદર-મધુર હતાં. ત્રણ સંતાનોમાં અરુણનો જન્મદિવસ ગુરુની જેમ 9 જુલાઈએ અને તરુણનો 10 જુલાઈએ આવતો. ગીતા ઊમળકાથી ત્રણેનો જન્મદિન સાથે ઊજવતી. પછી બધું બગડતું ચાલ્યું. છૂટાં પડ્યાં ત્યારે ગુરુદત્ત સફ્ળતાનાં શિખરે હતા, ગીતા દિશાહીન, નિર્ભ્રાંત.
શું ખૂટ્યું હશે આ સુંદર યુગલના જીવનમાં? લગ્ન પછી માત્ર ગુરુદત્તની ફિલ્મોમાં ગાવાનું બંધન ગીતા દત્તને ન ફાવ્યું? પોતે આ બંધન, ત્રણ સંતાનો અને સંસારમાં બદ્ધ હતી અને પતિ નવી પ્રેરણામૂર્તિ વહીદા રહેમાન સાથે પ્રસિદ્ધિનાં સોપાનો ચડતો હતો – આ સ્થિતિ સંભાળી ન શકાઈ? ગુરુ દત્ત ફિલ્મસર્જનમાં જેટલો ઓતપ્રોત હતો, એટલો જ અંગત જીવનમાં અનુશાસનહીન હતો એમ કહેવાય છે તે સાચું હતું? ગમેતેમ, બંને છેક સુધી એકબીજાને ચાહતાં. આત્મહત્યાના બીજા નિષ્ફળ પ્રયત્ન પછી ભાનમાં આવેલા ગુરુદત્તે સૌથી પહેલા ગીતાને યાદ કરી હતી. નસરીન મુન્ની કબીરે ગુરુ દત્તના પત્રોનું પુસ્તક કર્યું છે, ‘યોર્સ, ગુરુ દત્ત.’ આમાંના મોટા ભાગના પત્રો ગીતા પર લખાયેલા છે અને ગુરુ દત્તના મૂડ સ્વિંગ્સ, પ્રેમ, ગુસ્સો, મુંઝવણ અને હતાશાને આલેખે છે. ગીતા અને વહીદા બંનેને ગુમાવ્યા પછી શરાબ, ડિપ્રેશન, એંક્ઝાયટી, સર્જનાત્મક બેચેની અને મેલાન્કોલિક ટેન્ડનસી(ખિન્ન પ્રકૃતિ)એ ભરડો લીધો અને 39 વર્ષના જીવનનો, 18 વર્ષની ફિલ્મકારકિર્દીનો અકાળે અંત આવ્યો.
આ ગાળામાં ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ ગુરુ દત્ત ઘણું કરી શક્યા હોત, પણ તેઓ ખૂબ વહેલા ચાલ્યા ગયા. કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતા બનાવવા જોઈતા.’
‘કાગઝ કે ફૂલ’નો સુરેશ સિંહા કહે છે, ‘એક હાથ સે દેતી હૈ દુનિયા, સૌ હાથોં સે લેતી હૈ, યે ખેલ હૈ કબ સે જારી, બિછડે સભી બારી બારી’ પ્યાસાનો વિજય કહે છે, ‘હમ ગમજદા હૈં લાયેંગે કહાં સે ખુશી કે ગીત, દેંગે વહી જો પાયેંગે ઇસ ઝિંદગી સે હમ’ ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનો ચિત્કાર ‘હાં, હાં, મૈં અલાયદા હૂં’ ગુરુ દત્તનો પોતાનો પણ નથી શું? દુનિયાથી અલગ હોવાની એક કિંમત હોય છે અને એ ચૂકવવી પડે છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 જુલાઈ 2025