વાણી સ્વતંત્રતા
સોશિયલ મીડિયા અને સરકારી કાર્યવાહી
ઓપરેશન સિંદૂર પછીના ગાળામાં ન્યાય સંહિતાના સેક્શન 152નો હવાલો આપીને પોલીસે જે પકડાપકડી શરૂ કરી છે એમાં આછીપાતળી ટીકા કે લગાર ભિન્નમત જોયો ન જોયો અને દેશની એકતા,અખંડિતતા તેમ જ સાર્વભૌમત્વ પરના “જોખમ“ની અતિરેકી જિકર કરવામાં આવે છે.

પ્રકાશ ન. શાહ
વાત જો કે હમણેના દિવસોની કરવી છે, પણ શરૂઆત સારુ દસેક વરસ પાછળ જવાનો. ખયાલ છે. ખબર નથી, કેટલા વાચકોને શ્રેયા સિંઘલ કેસનું સ્મરણ હશે. અહીં કેસની વિગત આપવાની ગણતરી અલબત્ત નથી. પણ એણે ત્યારે ડિજિટલ ક્ષેત્રે (સોશિયલ મીડિયામાં) વ્યક્ત થતા વિચારોને મુદ્દો બનાવી ધરાર કેસ ઊભો કરવાની સરકારી / પોલીસ માનસિકતાને અદાલતી રાહે પડકાર આપ્યો હતો. શ્રેયા સિંઘલ વિ.યુનિયન ઓફ ઇન્ડિયા નામે જાણીતા આ કેસનો ચુકાદો 2015માં આવ્યો તે સાથે સર્વોચ્ચ અદાલતે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000માંથી સેક્શન 66 એ ને રદ્દ બાતલ જાહેર કરી હતી. ડિજિટલ ક્ષેત્રે, કહો કે ઓનલાઈન થતાં ટીકાટિપ્પણને ધોરણે લાગેલી જ શિક્ષાત્મક કહેતાં ક્રિમિનલ કારવાઈ કરવાનું વલણ બંધારણની મૂળભૂત અધિકારોને લગતી કલમ 19(2) મુજબ દુરસ્ત નથી એવી ભૂમિકા આ ચુકાદા પાછળ હતી. બંધારણે વાણી સ્વાતંત્ર્ય પર વાજબી મર્યાદા (રીઝનેબલ રિસ્ટ્રિક્શન) હોઈ શકે તે સ્વીકાર્યું છે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર, સોશિયલ મીડિયામાં અગર ઓનલાઈન થતી વાતો ને રજૂઆતમાં પોલીસ હરકતનું વલણ ભાગ્યે જ આવી કોઈ ‘વાજબી મર્યાદા’માં હોય છે. તેથી સર્વોચ્ચ અદાલતે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000માંથી સેકશન 66 એ ને રદ્દ કરવાપણું જોયું હતું.
વ્યાપક ઓનલાઈન ગતિવિધિના સંદર્ભમાં જોતાં આ ચોક્કસ જ એક જળથાળ ઘટના હતી.
ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કર્યાને તરતમાં પચાસ વરસ થવામાં છે ત્યારે એ યાદ કરવું રસપ્રદ થઈ પડશે કે શ્રેયા સિંઘલ ઇંદિરાજીના તત્કાલીન સાથીદારો પૈકી એક એવા હરિભાઉ ગોખલેનાં પ્રપૌત્રી છે. ‘વાજબી મર્યાદા’નો મલાજો ઓળાંડી જઈને જે સરિયામ શેન્સરશાહી ત્યારે ચાલી હતી એના એક સાથી ને સાક્ષીના પરિવારમાંથી આવો લડતમુદ્દો આવે તે આલંકારિક રીતે જેને અઘોષિત કટોકટી કહીએ છીએ એવા આજના દિવસોમાં જરૂર એક સારા સમાચાર છે.
પ્રાસ્તાવિક વચનો કંઈક લંબાઈ ગયાં પણ છેલ્લા પાંચ સાત દિવસ પર કોલકાતા પોલીસે જે ચીલઝડપે હરિયાણાની શર્મિષ્ઠાને ગુડગાંવથી ઊંચકી અને અલીપોર કોર્ટમાં રજૂ કરી શનિવારે તો કસ્ટડી પણ મેળવી લીધી એ આપણે કેવા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ એનું બોલકું નિદર્શન છે. શર્મિષ્ઠાએ ઓપરેશન સિંદૂરના સમર્થનમાં બોલીવુડ કેમ મૌન પેશ આવ્યું એ મતલબની ટીકા કરી હશે તે પરથી બંગાળની પોલીસે એને પકડી હતી.
છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયાનો હવાલો આપીને પકડવાના બનાવો ઉપરાછાપરી નોંધાતા રહ્યા છે. સરકાર / પોલીસ આવી અટકાયતો સબબ ઘણું ખરું ભારતીય ન્યાય સંહિતાના સેકશન 152નો હવાલો આપતી હોય છે – એટલે કે આ ‘ચેષ્ટા’ને કારણે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમ સત્તા જોખમમાં મુકાયાં હોઈ પકડવામાં આવે છે!
શર્મિષ્ઠા પ્રકરણ નિમિત્તે એક વિશેષ મુદ્દો કરું તે પૂર્વ સંભારી લઉં કે ઓપરેશન સિંદૂર પછી દેશભરમાં કુડીબંધ અટકાયતોનો ને જેલ ભેગા કરવાનો અંધાધૂધ દોર ચાલ્યો છે. લગારે અતિશયોક્તિ વગર કહી શકાય કે આવી અટકાયતો બહુધા લઘુમતી પૈકી હોય છે અને તે માટે અપાયેલાં કારણો રાષ્ટ્રવિરોધી, પાકિસ્તાન તરફી, રાજદ્રોહી પ્રકારનાં પરબારાં ઝીંકાતાં હોય છે અને આ માટે અપાતો હવાલો સોશિયલ મીડિયામાંની જે તે પોસ્ટનો હોય છે. મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં જ આ પ્રક્રિયાને આઘાતજનક (‘શોકિંગ’) કહી છે.
વળી શર્મિષ્ઠા નિમિત્તેઃ આવી અટકાયત કરવા સામે દેશમાં વગદાર અવાજો ઊઠ્યા છે તે એક રીતે જરૂર આનંદના સમાચાર લાગે. પણ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કાઁગ્રેસના મમતાનું શાસન છે તે યાદ કરીએ એટલે ભા.જ.પ.ના સુવેન્દ અધિકારીને કે કાઁગ્રેસના કાર્તિ ચિદમ્બરમને અગર આંધ્રના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણને એકદમ શર્મિષ્ઠની સખાતનો ને બંગાળ પોલીસની ટીકાનો મુદ્દો કેમ સૂઝ્યો હશે તે સમજાઈ રહે છે.
કટોકટીની જાહેરાતનાં પચાસ વરસ નિમિત્તે ખાસ કરીને કાઁગ્રેસમુક્ત ભારત (અને કાઁગ્રેસ યુક્ત ભા.જ.પ.)ની રણનીતિ ઇંદિરા અને કાઁગ્રેસને ઝૂડવાની હશે. જો કે, હવે એ દિવસોને સંભારતી વેળાએ ખાસ કરીને વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાને પોતે જે દોર ચલાવ્યો છે એને અંગે જાતતપાસને ધોરણે હિસાબ આપવો રહે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 જૂન 2025