નમસ્કાર, સાહેબ !

રવીન્દ્ર પારેખ
મુખ્ય મંત્રી હતા ત્યારે તમને રૂબરૂ અને પત્રથી મળવાનું થયું હતું, તેનું મને સુખદ સ્મરણ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નર્મદ જે ભાષામાં લખતો હતો તે ગુજરાતીનો વિભાગ જ ન હતો, પણ આપણા પ્રયત્નથી 2012માં તે વિભાગ થયો ને અત્યારે તે સક્રિય છે તેનો આનંદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જેને રાષ્ટ્રભાષાની ઓળખ મળી છે ને જે દેવલોકની ભાષા ગણાઈ છે, તે હિન્દી અને સંસ્કૃતનો વિભાગ નર્મદ યુનિવર્સિટીમાં નથી. હવે તો ગુજરાતનો શિક્ષણ વિભાગ અરાજકતાનું બીજું નામ છે, એ સ્થિતિમાં હિન્દી કે સંસ્કૃતનો વિભાગ નર્મદ યુનિવર્સિટીમાં થાય તે અશક્યવત છે, છતાં, મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે અંગત રસ લઈને હિન્દી કે સંસ્કૃતનો વિભાગ શરૂ કરાવો તો આ યુનિવર્સિટી ભાષા બાબતે સમૃદ્ધ બને.
અત્યારે પ્રવેશોત્સવની મોસમ છે. એ પ્રવેશોત્સવ ઓછો અને ‘વેશો’ત્સવ વધારે છે. ઠેર ઠેર પ્રવેશોત્સવનો દેખાડો થાય છે. એમાં જીવ નથી. જે બાળકો માટે એ થાય છે, એ મોટે ભાગે પડદા પાછળ રહે છે અને ખરેખર તો એ નેતાઓ, રાજકારણીઓ, અધિકારીઓનો પ્રવેશોત્સવ જ બની રહે છે. આ ઉત્સવ આચારનું નહીં, પણ પ્રચારનું નિમિત્ત બની ગયો છે. તમે પ્રવેશોત્સવની 2003માં શરૂઆત કરાવી, તેનો હેતુ તો શાળામાં નામાંકન વધે ને એ નેતાઓના ઉત્સવ પ્રવેશથી શક્ય પણ હતું, પણ પછી હેતુફેર થયો ને એ શિક્ષણનો ઓછો ને નેતાઓનો ઉત્સવ જ બની ગયો. આ નેતાઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોય તો ય ધૂળ નાખી, પણ એવું પણ ખાસ નથી. બીજું, કે પ્રવેશોત્સવમાં શિક્ષણ શાસ્ત્રીઓ, પત્રકારો, લેખકો, કલાકારોને પણ સાથે રખાય તો પ્રવેશોત્સવની શોભા વધે, પણ એવું ય જોવા મળતું નથી. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સાહિત્ય, સંગીત અને કલાનુ શિક્ષણ પામે જ છે, તો રાજકારણીઓની સાથે એ પણ હોય તે અપેક્ષિત છે.
પ્રવેશોત્સવમાં પણ બે પ્રકારના પ્રતિભાવો મળે છે. જેમ કે, નેતાઓ પ્રવેશોત્સવ કરાવે છે, તો તેમાં શિક્ષણ અને સરકારનાં ગુણગાન ગવાતાં હોય છે, તો બીજી તરફ વાલીઓ, શિક્ષકોનો અસંતોષ પણ સપાટી પર આવી જાય છે. કોઈ મંત્રી હોય તો તે પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઓળખાવે છે ને એ જ રીતે ક્યાંક ધારાસભ્યો, રાજકીય નેતાઓ પ્રવેશોત્સવનું ઉજવણું કરતાં હોય છે, પણ એ પછી સ્કૂલો રામભરોસે ચાલતી હોય છે. ભાગ્યે જ કોઈ નેતા કે મંત્રી એ સ્કૂલની ચિંતા કરતાં હોય છે. શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ એમની કદમબોશી કરી રહે છે કે પ્રવેશોત્સવ પૂરો થઈ જાય છે. સ્કૂલોમાં શિક્ષકો છે કે પૂરતા વર્ગો છે એની વાત લગભગ થતી નથી. 2017થી શિક્ષકોની અછત ચાલી આવે છે, પણ તેનો ઉકેલ આવતો નથી. આખો શિક્ષણ વિભાગ ફિક્સ પગારે થોડી ઘણી ભરતી કરે છે, પણ કાયમી શિક્ષકોની ભરતી લગભગ થતી નથી. જાહેરાતો થતી રહે છે, પણ શિક્ષકો વર્ગમાં દેખાતા નથી. આચાર્યો કારકૂન થઈને રહી ગયા છે, જે ડેટા પૂરો પાડવામાંથી કે પરિપત્રોના જવાબો આપવામાંથી જ ઊંચા નથી આવતા. એ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો ચૂંટણી, રસીકરણ જેવાં કામોમાં રોકી રખાતા હોય તો સવાલ એ છે કે શિક્ષક વર્ગમાં ભણાવે ક્યારે? આ સ્થિતિ હોય ત્યારે શિક્ષણ નીતિ જૂની હોય કે નવી, શો ફરક પડે છે?
સરકારી શાળાઓમાં 12,000 શિક્ષકો ને 700 આચાર્યોની ઘટ હોય, કેટલી ય સ્કૂલો એક જ શિક્ષકથી ચાલતી હોય કે કેટલીક સ્કૂલોમાં વર્ગો જ ન હોય કે પતરાંના શેડમાં કે ઝાડ નીચે સ્કૂલ ચાલતી હોય ત્યાં ભણતર કેવુંક હશે તે સમજી શકાય એવું છે. ગુજરાતમાં જ 1,600 સ્કૂલો એવી છે, જ્યાં એકથી બીજો શિક્ષક નથી. 1,456 સ્કૂલો એવી છે જેને પૂરતા વર્ગો નથી. હળવદનાં કેદારિયામાં 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે કુલ ત્રણ જ રૂમ છે. ડોળાસા નજીકના લેરકા ગામે પ્રવેશોત્સવ વખતે જ છતના પોપડા ખરી પડતાં બે બાળકીઓને ઈજા થઈ. છત તાજી જ રીપેર કરાઈ હતી ને સ્કૂલ તો 10 જ વર્ષ જૂની છે, છતાં આ થયું એનો અર્થ જ એ કે હોજરી બીજા કોઇની જ ભરાઈ છે.
તાજી વિગતો મુજબ દેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે ને સૌથી ઓછા શિક્ષકો પણ ગુજરાતમાં જ છે. શિક્ષકો, સાધનોની અછતને પગલે ભચાઉ, દયાપરની શાળામાં પ્રવેશોત્સવનો જ બહિષ્કાર કરવામાં આવ્યો. આ મામલે વાલીઓ પણ ઉશ્કેરાયા ને પ્રવેશોત્સવમાં એક પણ વિદ્યાર્થીને શાળાએ ન મોકલીને વિરોધ કરવામાં આવ્યો. એ પરથી પણ સરકારે સમજી લેવાનું રહે કે આવા તાયફાથી લાંબું ચાલવાનું નથી. સાચું તો એ છે કે ભણતર બાજુ પર રહી ગયું છે ને ઈતર પ્રવૃત્તિઓ જ વધી પડી છે. તાપી જિલ્લાની પેલાડબુહારીની એક સ્કૂલમાં ધોરણ 8નાં વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં બાદબાકીના દાખલા કલેકટરે પૂછ્યા, તો તે ન આવડ્યા. સાહેબે તો દાખલા શીખવ્યા, પણ શિક્ષકોને ઠપકાર્યા પણ ખરા. વિદ્યાર્થીઓ કે શિક્ષકો જવાબદાર હશે, પણ હકીકત એ છે કે વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવી શકે એ વાતાવરણ કે મોકળાશ જ ન હોય, તો ઉત્તમ પરિણામોની આશા રાખવાનું કારણ જ કયું બચે છે?
સુરતના લિંબાયતમાં સરકારી કોલેજ શરૂ કરવાની જાહેરાત થઈ. હવે કોલેજ શરૂ કરવા જમીન, મકાન ને અન્ય સગવડો જોઈએ, પણ સરકારને એવું છે કે કોલેજ તો જમીન મકાન વગર પણ શરૂ થઈ શકે. સારું છે કે વિધાનસભાનું મકાન વિધાનસભા માટે છે, નહીં તો વગર મકાને વિધાનસભા ચલાવવાનો રેકોર્ડ સરકારને નામે ચડે. લિંબાયત કોલેજ પણ સ્કૂલો ખાલી કરાવીને ચલાવવાની વાત છે. એમાં ભોગ તો સ્કૂલના વિદ્યાર્થીઓનો લેવાઈ રહ્યો છે. કોલેજ હવે સુમન સ્કૂલમાં ચાલે છે ને સ્કૂલના 8,000 વિદ્યાર્થીઓને ભણાવવાનો સવાલ તો ઊભો જ છે. કોલેજને મકાન તો શું, બેન્ચ પણ સ્કૂલોની લેવી પડી હોય, તો સવાલ એ થાય કે ગુજરાત એટલું બધું હાથે પગે આવી ગયું છે કે તેણે આવી હાલતમાં કોલેજ, સ્કૂલો ચલાવવી પડે?
નવી શિક્ષણ નીતિ, 2020 મોટે ઉપાડે દાખલ તો કરી દેવાઈ, પણ તે લાગુ કરવા માટેની પાયાની વ્યવસ્થા ન હોય, તો એ નીતિ નથી, અનીતિ છે. બંધારણે દેશના 6થી 14 વર્ષનાં બાળકોને મફત શિક્ષણનો અધિકાર આપેલો છે, પણ હજારો બાળકો શિક્ષણથી વંચિત રહે એ સ્થિતિ છે. પૂરતી સાધન સામગ્રીના અભાવમાં આ જ ઉંમરનાં બાળકો શિક્ષણ મેળવી શકતાં નથી કે અડધેથી ભણવાનું છોડી દે છે. સરકારી સ્કૂલોમાં અભાવ અને ખાનગી સ્કૂલોમાં ‘ભાવ’ની વચ્ચે શિક્ષણ અટવાઈ ગયું છે. હકીકત એ છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યાનું આપણે કૂટીએ છીએ, પણ 2023-2024માં સરકારી શાળાઓમાં પ્રવેશ 1.30 લાખ ઘટ્યા છે ને ખાનગી સ્કૂલોમાં 1.20 લાખ વધ્યા છે. રોકડી વાત તો એ છે કે 33 લાખથી વધુ બાળકો શાળાએ જ જવા પામ્યાં નથી. એક તરફ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધ્યાની વાતો કરીએ છીએ, પણ પાયાના શિક્ષણને મામલે આપણે ‘પ્રાથમિક’ કક્ષાએ જ રહી ગયા છીએ. ગુજરાતના શિક્ષણ વિભાગની ભારોભાર ઉદાસીનતાનું જ આ પરિણામ છે.
ગુજરાતની ભયાનક ઉદાસીનતાનો બીજો નમૂનો તે વાતો અને જાહેરાતો કરીને થોડા વખત પછી ફરી એ જ વાતો ને જાહેરાતો સાવ અજાણ હોય તેમ કરવાનો છે. તાજેતરમાં જ એવી જાહેરાત થઈ કે કંપનીઓને જે ટેલન્ટ જોઈએ તે હવે સ્કૂલ લેવલથી જ તૈયાર કરાશે. સ્કૂલો સ્વતંત્રતા પહેલાં પણ હતી. કંપનીઓ પણ આજે આવી એવું નથી, તો ટેલન્ટ તૈયાર કરવાનું હવે સૂઝે છે, આટલાં વર્ષની આઝાદી પછી? આવાં નાટકો અનેક સ્તરે ચાલે છે. શિક્ષકો આવી રહ્યા છે, આવી રહ્યા છે, એનું તૂત વર્ષોથી ચાલે છે, પણ જાહેરાતોથી વાત આગળ વધતી નથી. રાજ્ય સરકારો નિષ્ફળતાઓ ઢાંકવા રૂપાળાં નામોથી કામ કાઢે છે. મધ્ય પ્રદેશમાં બેરોજગારો માટે રોજગારી તો ઊભી ન કરી શકાઈ, પણ તેને માટે ‘આકાંક્ષી’ જેવો શબ્દ શોધવામાં આવ્યો. તે એટલે કે બેરોજગારોને સારું લાગે. બેરોજગારો સાથેની આ ગંદી મજાક છે. બેરોજગારને બદલે કોઈ ‘આકાંક્ષી’ કહે તેથી બેરોજગારી નાબૂદ થઈ જાય એમ છે? છેલ્લાં બે વર્ષમાં બેરોજગારોની સંખ્યા માત્ર મધ્ય પ્રદેશમાં જ 29 લાખ પર પહોંચી છે, તે ‘આકાંક્ષી’નું સ્ટિકર લગાવવાથી ઘટે એમ છે? શતરંજી નીચે કચરો સંતાડવાથી કચરો તો કચરો જ રહે છે, તે સરકારને સમજાવવું પડે એ દારુણ દરિદ્રતાનો નમૂનો છે.
આદરણીય મોદી સાહેબ, ગુજરાતનું શિક્ષણ ખાડે નહીં, પણ અખાડે ગયું છે ને તેને માટે આખેઆખો શિક્ષણ વિભાગ નખશિખ જવાબદાર છે. પ્રજાને પાળેલી રાખવાનું કે ભક્ત બનાવી રાખવાનું કોઈ ષડયંત્ર ન હોય તો તમામ સ્તરે તળિયાઝાટક ફેરફારની જરૂર છે. એક સમયે ગુજરાત શિક્ષણને મામલે દેશ આખા માટે અનુકરણીય હતું, તે આજે અન્ય રાજ્યોની અનુકરણ કરવા જેવી સ્થિતિમાં પણ નથી તે દુ:ખદ છે.
વધારે શું કહું? કુશળ હશો. આભાર સહ –
રવીન્દ્ર પારેખનાં વંદન
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જૂન 2025