તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.
અન્ડરવેરને ખીસું.
મારા પિતાજી હમ્મેશ દરજી પાસે ખાસ અન્ડરવેર સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.
પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તે ય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર? – આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?
હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.
અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.
દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.
કાળી મજૂરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!
અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?
માનવતાના બે સામસામા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.
કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.
એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!
……
બે સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાં ય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની, એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.
કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.
અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ (ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની – કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!
આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?
e.mail : surpad2017@gmail.com