
રમેશ ઓઝા
અનધિતકૃત રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીય નાગરિકોને અમેરિકાએ પાછા મોકલ્યા તેની તસ્વીરો અને વીડિયો ક્લિપ્સ તમે જોઈ હશે અને એક દેશપ્રેમી ભારતીય તરીકે પીડા પણ અનુભવી હશે. હાથમાં હાથકડી અને પગમાં બેડી. સ્ત્રીઓ અને બાળકો સાથે પણ કોઈ માણસાઈપૂર્વકનો વહેવાર નહીં અને ઉપરથી તેમને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ એક દેશથી બીજા દેશમાં ગુનેગારોની હેરફેર માટે લશ્કરી વિમાનનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ગુનેગારે સંબંધીત દેશમાં તે દેશની સુરક્ષાને હાનિ પહોંચે એવો ગંભીર ગુનો કર્યો હોય. જેમ કે યુદ્ધકેદીઓ હોય, જાસૂસો હોય, વગેરે. ઘરઆંગણે બેકારીથી બચવા માટે જો કોઈ પેટ ભરવા બીજા દેશમાં પ્રવેશે તો એ ગુનો જરૂર બને છે, પણ એવો ગુનો નથી બનતો કે તેને હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવવામાં આવે. સૌથી મોટું અપમાન તો એ હતું કે અમેરિકન વહીવટીતંત્રે તેણે કરેલા માનવતાવિરોધી કૃત્યની ફિલ્મ ઉતારી અને રીલીઝ કરી. એમ બતાવવા માટે કે જો અમેરિકા આવશો તો આવા હાલ થશે.
આ ખિન્ન કરી મૂકનારી ઘટના છે અને એનાથી પણ વધારે હ્રદયવિદારક વાત એ છે કે ભારત સરકાર અસંમતીનો એક શબ્દ પણ બોલી શકી નથી. એટલું પણ નથી બોલી શકી કે અનધિકૃતપણે પ્રવેશેલા લોકોને પાછા મોકલવાનો અમેરિકાને અધિકાર છે, પણ એમાં માનવીય ગૌરવ જળવાઈ રહેવું જોઈએ. તેઓ અમેરિકા અમેરિકાવિરોધી પ્રવૃત્તિ કરવા માટે નહોતા ગયા. એની જગ્યાએ વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદના બન્ને ગૃહોમાં વાહિયાત નિવેદન કરીને ઊલટો અમેરિકાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગેરકાયદે બીજા દેશમાં પ્રવેશવું એ ગુનો છે અને અમેરિકા ૨૦૦૯ની સાલથી અનધિકૃત રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલી રહ્યું છે. તેમણે પાછા મોકલવામાં આવેલા ભારતીયોના સાલવાર આંકડા આપ્યા હતા. અરે ભાઈ, કોઈએ એમ નહોતું કહ્યું કે અમેરિકાએ અનધિકૃત ભારતીયોને પોતાને ત્યાં વસાવવા જોઈએ, લોકોએ માત્ર એટલું જ કહ્યું હતું કે અમેરિકાએ અમાનવીય કૃત્ય કરીને ભારતનું અપમાન કર્યું છે તેની ભારતે નિંદા કરવી જોઈએ. જયશંકરે અમેરિકાના કૃત્યની નિંદા તો દૂરની વાત છે, નારાજગી પણ પ્રગટ નહોતી કરી. શું આ પહેલાં અનધિકૃત વસાહતીઓને હાથકડી અને પગમાં બેડી પહેરાવવામાં આવી હતી? તેની ફિલ્મ ઉતારીને રિલીઝ કરવામાં આવી હતી? જયશંકરે આનો પણ ખુલાસો નહોતો કર્યો.
અહીં બીજા દેશોની વાત કરવી જોઈએ. અમેરિકાએ કેવળ ભારતીય નાગરિકોને પાછા નથી મોકલ્યા. કોલંબિયા, બ્રાઝીલ, મેક્સિકો, હોન્ડુરસ, ગ્વાટેમાલા અને પેરુના નાગરિકોને પણ પાછા મોકલ્યા છે. એ બધા દેશોએ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં અમેરિકાના વલણની ટીકા કરી હતી. કોલંબિયાએ તો અમેરિકન લશ્કરી વિમાનને પોતાને ત્યાં ઉતરવા પણ નહોતાં દીધાં. તેના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું હતું કે તમે તમારાં લશ્કરી વિમાનને પાછાં બોલાવો. અમે અમારાં ઉતારુ વિમાનોને મોકલશું અને અમારા નાગરિકોને સ્વમાનભેર પાછા લઈ આવશું. તેઓ અધમ કૃત્યના ગુણાગાર નથી કે આવી રીતે અપમાન કરો! આવી જ રીતે બ્રાઝીલે અમેરિકન લશ્કરી વિમાનને પોતાને ત્યાં ઉતરવા નહોતું દીધું. બીજા દેશોએ અમેરિકાની અમાનવીયતાની આકરી ટીકા કરી હતી.
પણ વિશ્વગુરુ ચૂપ છે. જો કે આ પેટર્નથી હવે આપણે અજાણ નથી. ભક્તો પણ હવે આ સમજતા થયા છે. આપણે મહાન હોવાની મોટીમોટી વાતો કરવાની, પણ જો પૂછડી કારસામાં આવે તો મોઢું ફેરવી લેવાનું અને હોઠ સીવી લેવાના. ચીને કબજે કરેલી ભારતની ભૂમિ વિષે સવાલ કરો, જો કોઈ જવાબ મળે તો કહેજો. ઊલટું પ્રશ્ન પૂછનારને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. કુંભના મેળામાં બનેલી દુર્ઘટના વખતે ગોદી મીડિયા સત્ય છૂપાવીને અને કોઈ મોટી ઘટના બની જ નથી એમ કહીને સરકારને મદદ કરતા હતા. સાવ ધરાતલ વિનાની ફેંકાફેંકી કરો અને નકરું સત્ય સામે આવે તો મોઢું ફેરવી લો અને હોઠ સીવી લો. આમાં નથી મર્દાનગી કે નથી માણસાઈ. આ દેશની પ્રજા સાથેની છેતરપિંડી છે.
માત્ર પાંચ કરોડની વસ્તી ધરાવતો કોલંબિયા દેશ અમેરિકન લશ્કરી વિમાનને પાછાં મોકલે અને પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવતો દેશ મુડદલની જેમ વર્તે અને અમેરિકાનો બચાવ કરે! જીગર છાતીમાં હોય છે, જીવ્હામાં નથી હોતી. આપણા શાસકો જીવ્હાજીગર ધરાવે છે. તમને ખબર છે? ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનના અખાતમાં ઈરાન સાથે મળીને ભારત દ્વારા વિકસાવવામાં આવતા ચાહબાહ બંદરને મળતી સહાય બંધ કરી દીધી છે. ચીન પાકિસ્તાન સાથે મળીને ઓમાનના અખાતમાં ગ્વાડર બંદર વિકસાવી રહ્યું છે તેના જવાબમાં ઈરાન અને ભારતે તેની નજીકમાં ઈરાનની ભૂમિ પર આ બંદર વિકસાવવાનું શરૂ કર્યું હતું જેમાં અમેરિકાની મદદ હતી. એક રીતની ત્રીપક્ષીય સમજુતીને અમેરિકાએ બારોબાર તોડી નાખી અને ભારતને જાણ પણ કરવામાં નહોતી આવી. તમને આ વાતની જાણ છે? ક્યાંથી હોય ગોદી મીડિયા મેનેજ કરે છે. આ બાજુ હંમેશ મુજબ જીવ્હા બહાદુરો મોઢું ફેરવી લે છે.
કોઈ તમાચો મારે અને આપણે જો ગાલ પંપાળીએ, ગુસ્સે થઈએ, સામા થઈએ, ફરિયાદ કરીએ, કોઈની મદદ માગીએ તો દુનિયાની નજરમાં ભૂંડા લાગીએ માટે મૂંગા રહેવું અને તમાચો ખાઈ લેવો એવી વર્તમાન શાસકોની વિદેશનીતિ છે. તેઓ એ નથી સમજતા કે તમાચો પડતો પણ દુનિયાએ જોયો છે. એ પછી તો દુનિયાને પણ ખબર પડી જાય કે આ ભાઈ શરમના માર્યા સહન કરી લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ આ જ વાતનો લાભ લઈ રહ્યા છે. માત્ર પાંચ કરોડની વસ્તી ધરાવતું કોલંબિયા લાલ ડોળો કરે અને વિમાન પાછાં આવી જાય અને ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશનું અપમાન કરવામ આવે, કારણ કે તેમને ખબર છે કે જીવ્હા બહાદુર શરમના માર્યા અપમાન સહન કરી લેવાના છે.
અમેરિકાએ પાછા મોકલેલા અનધિકૃત ભારતીયોના જે આંકડા વિદેશ પ્રધાને સંસદમાં રજૂ કર્યા છે તે રસપ્રદ છે. સૌથી વધુ દેશનિકાલ ૨૦૧૬માં ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી થવા લાગ્યો અને એમાં પણ ભારતીયોનો સૌથી વધુ દેશનિકાલ ૨૦૧૯ની સાલમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને અમદાવાદ બોલાવીને ટ્રમ્પ માટે પ્રચાર કર્યો ત્યારે થયો હતો. ૨૦૦૯થી અત્યાર સુધીમાં સૌથી વધુ. તેમને ખબર છે તમાચો મારશો તો શરમના માર્યા ઉંહકારો પણ નહીં કરે. આવા મિત્રો મળે તો પછી જોઈએ શું!
અને છેલ્લી વાત. આટલા બધા ભારતીયો ભારત છોડીને વિદેશમાં શા માટે જાય છે? કારણ કે ભારતમાં રોજગાર નથી. યુવાનો ખેતર વેચીને અને જીવનું જોખમ ખેડીને જાય છે. ‘ડંકી’ ફિલ્મ જોઇ લો. મોટીમોટી વાતો કરવાથી વાસ્તવિકતા નથી બદલાતી, વાસ્તવિકતા સ્વીકારો તો વાસ્તવિકતા બદલાય. વાસ્તવિકતાને વર્તમાન સાથે સંબંધ છે અને વર્તમાનથી આ લોકો ભાગે છે. માટે ઔરંગઝેબ ખપનો છે. બે દિવસ પહેલાં ફોર્બ્સ મેગેઝીને વિશ્વના સૌથી શક્તિશાળી દસ દેશોની એક યાદી બહાર પાડી છે. એ દસ દેશોમાં ભારત નથી. ભારત ૧૨માં ક્રમે છે. પણ વિશ્વના શક્તિશાળી દસ દેશોમાં ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા સ્થાન ધરાવે છે. આ દેશ કેવડા છે અને કેટલી વસ્તી ધરાવે છે એ ગૂગલ પર જઇને જોઈ લેજો. ફરી એકવાર ગાંઠે બાંધી લો : વાસ્તવિકતા સ્વીકારો તો જ વાસ્તવિકતા બદલાય.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2025