
રવીન્દ્ર પારેખ
2024ની લોકસભા ચૂંટણી વખતે ભા.જ.પ.ને ટક્કર આપવા વિપક્ષો એક થયા અને ‘ઇન્ડિયા’ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું. ગઠબંધનથી ભા.જ.પ.ને તો બહુ વાંધો ન આવ્યો, પણ ત્રીજી વખત પૂર્ણ બહુમતની સરકાર રચવાનું ભા.જ.પ.નું સપનું વહેંત છેટું રહી ગયું. ઇન્ડિયા ગઠબંધનની એટલી અસર તો પડી જ ! ભા.જ.પે. પણ સરકાર રચવા નીતીશકુમાર અને એન. ચંદ્રબાબુ નાયડુનો ખભો લેવો પડ્યો. ‘ઇન્ડિયા’ ગઠબંધનથી એટલું થયું કે સંસદમાં વિપક્ષનો અવાજ આછો હતો તે એટલો બુલંદ થયો કે સરકાર ઈચ્છે તો પણ તેની ઉપેક્ષા ન કરી શકે. 5 ફેબ્રુઆરી, 2025ને રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે ને 8મીએ મત ગણતરી છે. અગાઉ દિલ્હીમાં આપની સરકાર બે વખત પૂરી ક્ષમતાથી આવી ચૂકી છે, એટલે હવે તે ન આવે એ માટે ભા.જ.પે. એડીચોટીનું જોર લગાવ્યું છે. એ જ રીતે આપની અને ભા.જ.પ.ની સરકાર ન આવે એટલે કાઁગ્રેસ પણ એ બંનેની સામે પડી છે, તો તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એન.સી.પી. (શરદ પવાર), સમાજવાદી પાર્ટી આપનાં સમર્થનમાં ઊભી છે. આમ તો તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષોનાં સમર્થનથી આપને બહુ ફેર પડે એમ નથી, પણ ઇન્ડિયા ગઠબંધનના આ પક્ષો કાઁગ્રેસ સાથે નથી એટલું તો બહાર આવ્યું જ છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભામાં કાઁગ્રેસનો પનો ટૂંકો પડ્યો છે, બીજી તરફ આપ પાર્ટી દિલ્હી વિધાનસભામાં (70માંથી) 2015માં 67 અને 2020માં 63 સીટ પર વિજયી નીવડી હતી. એ ઉપરાંત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ગયે વર્ષે ભા.જ.પ. અને કાઁગ્રેસને હારનો સ્વાદ આપે ચખાડ્યો હતો, એ પરથી પણ કાઁગ્રેસે સમજી લેવું જોઈએ કે તેનું તેજ ઓસરતું જાય છે.
ઇન્ડિયા ગઠબંધનમાં 26 પાર્ટીઓ જોડાઈ હતી, જેમાં કાઁગ્રેસ ઉપરાંત આપ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કાઁગ્રેસ સહિત અન્ય પક્ષોનો સમાવેશ થાય છે. જે પક્ષો ઇન્ડિયા ગઠબંધનમાં 2024ની લોકસભા ચૂંટણી વખતે સાથે હતા તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સામસામે છે. કાઁગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે હવે આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ નથી. રાહુલ ગાંધીએ તો કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરખાવીને સ્પષ્ટ કર્યું કે બંનેમાં બહુ ફરક નથી. કાઁગ્રેસે ત્યાં સુધી કહ્યું કે ભા.જ.પ. અને આપની નિષ્ફળતાને કારણે દિલ્હી અપરાધની પણ રાજધાની બની છે. તો, આમ આદમી પાર્ટી પણ ચૂપ રહે એમ નથી, તેના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલે પણ ચોપડાવ્યું કે કાઁગ્રેસ અને ભા.જ.પ.ની જુગલબંધી ચાલી રહી છે ને રાહુલ ગાંધી કાઁગ્રેસને બચાવવા મથે છે, પણ પોતે દેશને બચાવવાની કોશિશ કરે છે.
બાકી હતું તે કાઁગ્રેસનાં નવાં મુખ્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ ગાંધીએ રોકડું કર્યું કે આપણે હવે ભા.જ.પ., આર.એસ.એસ. અને ખુદ ઇન્ડિયા સ્ટેટ (ભારત દેશ) સામે લડી રહ્યા છીએ. દેખીતું છે કે ભા.જ.પ. આટલું સાંભળીને બેસી ન રહે. ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. નડ્ડાએ છુપાયેલું સત્ય બહાર આવ્યું એમ કહ્યું તો, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પૂછ્યું કે રાહુલ ગાંધી ભા.જ.પ., આર.એસ.એસ. અને ઇન્ડિયા સ્ટેટ સામે જ પડ્યા છે, તો તેઓ હાથમાં બંધારણની નકલ કેમ રાખે છે? એ જ રીતે કાઁગ્રેસ પણ પાણીમાંથી પોરાં કાઢતી રહે છે. એ તો કાઢે, પણ જે સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધનનાં છે તે પણ તો એકબીજાને નહોર ભરાવતા રહે છે. આવું હોય ત્યાં ગઠબંધનનો મૂળ વિચાર – ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખવાનો – કઈ રીતે ફળીભૂત થાય તે સમજાતું નથી.
વધારામાં આપ પર ભા.જ.પે. FIR દાખલ કરીને તેનું જોર ધીમું પાડવાની કોશિશ કરી છે. આપનાં આતિશી પર, પ્રચારમાં સરકારી ગાડી વાપરવાનો આરોપ છે. ચૂંટણી નજીક આવશે, તેમ તેમ ઇન્ડિયા ગઠબંધનના કાઁગ્રેસ અને આપ વચ્ચે ખેંચાતાણી વધવાની છે એ નક્કી છે. સામસામે આરોપો મૂકવાથી જનતાનું તો કરમુક્ત મનોરંજન જ થાય છે, બાકી પાણી વલોવવાથી કૈં સિદ્ધ થતું નથી તે તો નાનું છોકરું ય જાણે છે. વિચિત્રતા એ છે કે ઇન્ડિયા ગઠબંધનને નામે એક થયેલા વિપક્ષો હવે અંદરોઅંદર સ્પર્ધામાં શત્રુતા જ વધારી રહ્યા છે. તો, તૃણમૂલ કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં કાઁગ્રેસની સાથે હતી, તે હવે આપની સાથે છે. એટલું છે કે કોઈને જ સિદ્ધાંત, આદર્શ કે નીતિ જોડે બહુ લેવાદેવા નથી, એટલે કોણ કેટલું ઉઘાડું પડે છે એ જ જોવાનું રહે છે. એમ લાગે છે આ 26 વિપક્ષો 2024ની લોકસભાની ચૂંટણી પૂરતા જ સાથે હતા ને એ ચૂંટણી પૂરી થતાં જ જાણે લક્ષ્ય પૂરું થયું ને દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતાંમાં તો સ્પર્ધક થઈ ઊઠ્યા.
એથી જ કદાચ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કહેવું પડ્યું કે ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું જ જરૂરી હતું, તો હવે તેનું વિસર્જન કરી દેવું જોઈએ. કાઁગ્રેસે એની આગેવાની લીધી હતી, પણ ઇન્ડિયા ગઠબંધનની એક મીટિંગ બોલાવવાની તસ્દી પણ લેવામાં આવી નથી. ‘ઇન્ડિયા’નો આટલો વહેલો રકાસ થશે એવું કમ સે કમ એમાં જોડાયેલા પક્ષોએ તો ધાર્યું નહીં જ હોય. ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડનો પડઘો મુંબઈના સંજય રાઉત સુધી પડ્યો છે. શિવસેના (યુ.બી.ટી. – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉતે એલાન કર્યું છે કે મુંબઈ અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના (યુ.બી.ટી.) એકલી જ લડશે. ઇન્ડિયા ગઠબંધન ચાલુ રહેશે કે બંધ થશે, તેની કોઈ સ્પષ્ટતા નથી. મીટિંગ બોલાવીને તે ચાલુ રહેશે કે બંધ થશે તેનો ખુલાસો પણ થવો જોઈએ. એ કેવી કરુણતા છે કે ભા.જ.પ.ની સામે પડેલું ‘ઇન્ડિયા’ ભા.જ.પ.ની સામે તો છે જ પણ, સાથી પક્ષો પણ એકબીજાની સામે પડ્યા છે ને એથી ભા.જ.પ.ને હરાવવાનો સંકલ્પ અભરાઇ પર ચડી ગયો હોય તેવું લાગે છે.
ઓમર અબ્દુલ્લાની ઇન્ડિયા ગઠબંધનને વિસર્જિત કરવાની વાત એટલે આવી હતી કે દિલ્હીમાં આપ અને કાઁગ્રેસ વચ્ચે તડ પડતી અનુભવાઈ હતી. વિપક્ષોમાં પણ પાછા વિપક્ષો સર્જાય તો એનો અર્થ એ કે વિપક્ષી એકતા જોખમમાં છે. ખરેખર તો સાથે ઊભેલા વિપક્ષો સામે આવી ગયા છે ને એકતા જેવું ખાસ રહ્યું નથી. આવું હોય ત્યારે ભેદભાવ ભૂલીને એકતાને વધુ મજબૂત કરવાની રહે અથવા એમ લાગે કે વિપક્ષો એક રહી શકે એમ જ નથી તો ગઠબંધન પર ચોકડી મારી દેવી જોઈએ. કાઁગ્રેસે એ યાદ રાખવું જોઈએ કે ‘ઇન્ડિયા’નાં નેજા હેઠળ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ છે. એમાં હરિયાણા એટલે બાદ રહ્યું કારણ, કાઁગ્રેસે આમ આદમી સાથે મળીને ચૂંટણી લડવાનો નન્નો ભણ્યો હતો. એ ખરું કે કાઁગ્રેસે દિલ્હીમાં વર્ષો સુધી પોતાની રાજનીતિક જમીન પર શાસન કર્યું છે, એટલે અહીં પણ એ આપ સાથે ન બેસે ને ઢીલ દેખાડીને એવું તો ન જ કરે કે થોડી ઘણી બચેલી જમીન પણ ખોવાનો વારો આવે. કાઁગ્રેસ એવી જમીન ખોઈ પણ ચૂકી છે. એ પણ છે કે ઇન્ડિયાના ઘણા પક્ષો કાઁગ્રેસની વોટ બેન્ક આંચકીને બેઠા છે. એ પક્ષો જો કાઁગ્રેસ તરફ ઉદાર થવા જાય તો પોતાની વોટ બેન્ક ગુમાવે જે એક કાળે કાઁગ્રેસ પાસેથી તેમણે જ આંચકી હતી.
એક બાબત સ્પષ્ટ છે કે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો કુદરતી રીતે સાથે આવ્યા નથી. તેમનામાં કશુંક સામાન્ય હોય તો એ જ કે એ સૌ ભા.જ.પ.ને હરાવવા નજીક આવ્યા હતા. કોઈ નીતિગત સ્પષ્ટતા ન હોવાને કારણે તેમને સાથે રાખનારું કોઈ પરિબળ જ નથી. એવું ભવિષ્યમાં પણ કૈં હોય એવું લાગતું નથી. એ સ્થિતિમાં તે આપોઆપ જ એકતા સાધી રહે એવું શક્ય જ નથી. ભૂતકાળમાં મોરચાને નામે વિપક્ષોની સાથે આવવાની કોશિશો થઈ જ છે, પણ નેતૃત્વ કરનાર પક્ષનું પ્રભુત્વ ન હોવાને કારણે તે ઝાઝું ટક્યા નથી. લોકસભાની 2024ની ચૂંટણીમાં ભા.જ.પ.ને હરાવવા વિપક્ષો એક તો થયા, પણ સત્તા પર તો ભા.જ.પ.નું જ આવવાનું થયું, એટલે હવે દિલ્હીમાં ફરી સૌ પોતપોતાનો કક્કો ખરો કરવા મેદાને પડ્યા છે, પણ એમાં ભા.જ.પ.ને બહુ ફેર પડે એમ નથી. હા, વિપક્ષો એકબીજાના વિપક્ષોની જેમ ઊભરી રહ્યા છે એ ખરું ને એનો લાભ લેવાનું ભા.જ.પ. ચૂકે એટલું ભોળપણ તો તેનામાં ક્યારે ય ન હતું …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2025
![]()



ગાંધીજીના વ્યક્તિત્વનું ઘડતર એક અતિ રસપ્રદ વિષય છે. ચીવટ, ચોકસાઈ, આગ્રહ, બાહ્યાન્તર સ્વચ્છતા, પવિત્રતા, ભલાઈ એમને વારસામાં મળ્યાં હતાં. ગુજરાતની સંસ્કૃતિના લાક્ષણિક સદ્ગુણો-ઊંડી વ્યવહાર-બુદ્ધિ (Common-Sense), સમાધાનવૃત્તિ, અહિંસાવૃત્તિ, કર્મશીલતા – એમનામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. જાણે ગુજરાતની હજાર વર્ષની સંસ્કૃતિએ ગાંધીરૂપે માનવદેહ ધારણ કર્યો હતો!
આમજનતાને દોરવાને માટે, એમની પ્રવૃત્તિઓમાં સળંગસૂત્રતા આણવા માટે સ્વદેશપ્રેમી ત્યાગવૃત્તિવાળા સમર્થ નેતાઓની જરૂર હતી. એ માટે ગાંધીજીએ જ્યાં જ્યાં સત્ત્વ જોયું ત્યાં ત્યાં, પોતાના વ્યક્તિત્વના પ્રભાવે, પોતાના પ્રેમના બળે તેને આકર્ષ્યું અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યયજ્ઞમાં નિયોજ્યું. વ્યક્તિની શક્તિ અને મર્યાદાની એ અચૂક પરીક્ષા કરતા, અને સૌને બરાબર ઘટતું – સાહિત્યપ્રેમીને રાષ્ટ્રીય સાહિત્યનિર્માણનું, વ્યવસ્થાનિપુણને ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયસંસ્થાઓના સંચાલનનું, સેવાપ્રેમીને અસ્પૃશ્યાદિ જાતિઓના સમુદ્ધારનું—કામ સોંપતા. જ્યાં ગૂંચવણ પડે, વિસંવાદ કે ઘર્ષણ થાય, ત્યાં એમની અમોઘ પ્રેમશકિત બધું બરાબર કરી દેતી. આથી જ ભારતનાં નરરત્નોના એ સૂત્રસ્થાને હતા.
ગાંધીજીએ ભારતનો આત્મા જાગ્રત કર્યો એનું એક શુભ પરિણામ એ થયું કે, ભારતીય સંસ્કૃતિ માટે સ્વાભિમાનની ભાવનાને વેગ મળ્યો. ઓગણીસમી સદીના અંતભાગથી ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનનો પ્રારંભ તો થયો જ હતો. યુરોપીય સંસ્કૃતિના પ્રથમ આઘાતે જેમાં કેવળ હીન તત્ત્વો જ જણાતાં હતાં તે ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે મહાશાળા, શાળાઓમાં સંસ્કૃતનો વ્યાપક અભ્યાસ થવાથી, યુરોપીય વિદ્વાનોના સંસ્કૃત સાહિત્ય અને ભારતીય તત્ત્વજ્ઞાન માટેના આદરનું આપણને ભાન થવાથી, અને સંસ્કૃતિપ્રેમી વિદ્વાનોના ઉદ્બોધનોથી, તત્ત્વોથી સભર, ગૌરવવંત લાગવા માંડી હતી. ગાંધીજીએ રાજકીય પ્રવૃત્તિની સાથે ભારતીય સંસ્કૃતિનુ રક્ષણ અને પુનરુજ્જીવન જોડી દીધું, ભરતીય સંસ્કૃતિની ઉપાસનાને રાજકીય ઉત્થાનનું પ્રતીક બનાવી દીધી, એથી ભારતીય સંસ્કૃતિ સત્વર પુન: પ્રતિષ્ઠા પામી. ગાંધીજીએ આપણું રાષ્ટ્રીય સ્વમાન જાગ્રત કરીને આપણું પ્રાચીન સંસ્કારધન કેટલું મૂલ્યવાન છે એ બતાવી પશ્ચિમના અંધ સંસ્કારદાસત્વમાંથી દેશને મુક્ત કર્યો. એ રીતે ભારતીય ભાષાઓ, ભારતીય પોશાક, ભારતીય જીવનપ્રણાલી, એ સર્વ ફરી આદરણીય મનાયા. પણ સાથે સાથે જ હિંદુ ધર્મ અને ભારતીય જીવનના ઘણાં અંગોને ગાધીજીએ સંસ્કારી લીધા. હિંદુ ધર્મમાં રહેલાં સત્ય, માનવપ્રેમ, અહિંસા, સેવા, અપરિગ્રહ, સ્વાશ્રય વગેરે સનાતન તત્ત્વોને એમણે વિકસાવ્યા, અને સાંપ્રદાયિકતા, અસ્પૃશ્યતા આદિ અનિષ્ટોને એમણે દૂર કરવાના પ્રયત્નો કર્યાં. એમણે આપેલા સત્ય અને અહિંસાનાં નવાં મૂલ્યો ભારતે જેટલે અંશે પચાવ્યાં, તેટલે અંશે રાષ્ટ્રનું આધ્યાત્મિક સત્ત્વ વધ્યું.
એમના અનુયાયીગણે—સદ્દગત મહાદેવભાઈ, કાકાસાહેબ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા અને અન્ય વિદ્વાનોએ, અને વિદ્યાપીઠની અસર તળે આવેલી આખી નવલોહિયા યુવાન લેખકોની પેઢીએ આ દિશામાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મણાં રાખી નથી. આ લેખકોના ગંભીર વાઙમય સર્જને લલિત સાહિત્યસર્જનની સમતુલા જાળવી છે. પરિણામે આજે હિંદની ભાષાઓમાં ગદ્ય પરત્વે ગુજરાતીનું સ્થાન જો મોખરે હોય તો તેનો યશ મહદંશે ગાંધીજીને છે.
ગોવર્ધનરામની કલાનું એમનું મૂલ્યાંકન મિતાક્ષરી છતાં કેવું સંગીન છે! “(સરસ્વતીચંદ્રના) પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાં ય નથી. બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે. ત્રીજામાં એમની કળા ઊડી ગઈ, અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું!”
આવો જ મંજુલ ધ્વનિ મિસ એસ્થર ફેરિંગને લખેલા નાના પત્રમાં શ્રવણે પડે છે :
સત્ય અને અહિંસા, પ્રેમ અને સેવા, સ્વાશ્રય અને અપરિગ્રહ—એ નવાં મૂલ્યો એમણે સ્વીકાર્યાં, જીવનમાં ઉતાર્યાં, અને રાષ્ટ્રની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રયોજ્યાં. એમની પ્રજ્ઞા ઘણી સતેજ હતી. જીવનની ઘણી બાબતોમાં એમનાં જ્ઞાનનું ઊંડાણ અને વ્યાપકતા આશ્ચર્ય પમાડે તેવાં હતાં. પણ એમના નૈતિક જીવનની ભવ્યતા અને મહત્તા તો વર્ણનાતીત હતી. એ નૈતિક બળે એમને સર્વત્ર વિજય અપાવ્યો, અને એમના આદર્શોને એમના જીવનકાળમાં સિદ્ધ કર્યા. રાષ્ટ્રને એમણે આપેલાં નવાં મૂલ્યોની પાછળ કેટલી બધી ક્રાન્તદૃષ્ટિ હતી, એમણે રાજકીય જીવનમાં સ્થાપેલી અહિંસાની મહત્તા કેટલી વાસ્તવિક હતી, એ આજે (1972) ચીન અને બ્રહ્મદેશના હાલ જોતાં સ્વયંસ્પષ્ટ જણાય છે. અહિંસા અને પ્રેમ જેવી સાત્ત્વિક વૃત્તિઓનાં ફળ મોડાં, પણ ચિરસ્થાયી અને કલ્યાણકર; ભય અને હિંસાનું પરિણામ તાત્કાલિક પણ ક્ષણજીવી અને અંતે વિનાશકર. એ આજે હવે પ્રતીત નથી થતું શું?