મારુ પુસ્તક “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” પ્રકાશિત હોવાછતાં વણવંચાયેલું રહી ગયું લાગે છે, તેમ “ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ – એક પ્રોફાઇલ” પણ પ્રકાશિત હોવાછતાં અંધારામાં રહી ગયેલું લાગે છે. એના પણ કેટલાક અંશ અહીં રજૂ કરું છું :
ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ —
૨૧ જુલાઇ ઉમાશંકર જોશીનો જન્મદિવસ. ૧૯૧૧-માં જન્મેલા. મને એમનું જ્યારે પણ સ્મરણ થાય, ત્રણ કારણે થાય :
પહેલું તો એ કે, જે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા; જે ભાષા-સાહિત્ય ભવનના ડિરેક્ટર હતા; જે ગુજરાતી વિભાગના તેઓ અધ્યક્ષ હતા; એ સ્થળવિશેષે મેં મારી કારકિર્દીનાં ૪૦-માંથી ૨૭ વર્ષ અધ્યાપન કર્યું. લૅક્ચરર, રીડર, પ્રૉફેસર, હેડ અને પ્રૉફેસર ઇમૅરિટસ સ્વરૂપે સેવાઓ આપી.
બીજું કારણ એવું કે ત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં ‘સુરેશ જોષી’ અને ‘ઉમાશંકર જોશી’ એવી બે યુદ્ધ-છાવણીઓ નક્કી થઇ ગયેલી. જો કે લડી લેવા જેવું સાહિત્ય-યુદ્ધ તો હજી ય ક્યાં લડાયું છે? પરન્તુ ઉમાશંકર વડોદરા જતા ત્યારે સુરશભાઇને મળવાની તક કદી ચૂકતા નહીં.
અમદાવાદવાળા મને ‘સુરેશ જોષીનો માણસ’ ગણે, પરન્તુ ઉમાશંકર સાથેનો મારો-અમારો સમ્બન્ધ ઉત્તરોત્તર ઘર-જેવો થઇ ગયેલો. બાકી, સાહિત્યકારો તો સુ.જો.-ઉ.જો.-ના મનઘડંત ભેદ રચીને કાં તો રાગદ્વેષનો અવારનવાર વિનિમય કરતા’તા અથવા તો મફતમાં મજા લૂંટતા’તા.
બેસતા વર્ષે તો બરાબર, પણ અમે — હું, રશ્મીતા, પૂર્વરાગ અને મદીર — અવારનવાર ઉમાશંકરને ત્યાં મળવા જતાં; અને સાંભળો, તેઓ પણ જ્યારે જ્યારે એમને અનુકૂળ હોય ત્યારે ત્યારે કૅમ્પસમાં અમારે ઘરે આવતા. એક વાર તો અમે એમને મળવા એમને ઘરે ગયેલાં તો જાણ્યું કે અમને મળવા એઓ ક્યારના નીકળી ગયા છે. પાછા જઇને જોયું તો કવિ આંગણામાં ખાટલે બેસી અમારા દીકરાઓ જોડે વાતોએ વળગેલા.
મને યાદ રહી ગયો છે એમણે શાન્તિનિકેતનથી અમને બે વિભાગમાં લખેલો એક ભૂરો આન્તરદેશીય પત્ર. ડાબા વિભાગનો પત્ર મારા અને રશ્મીતા માટે હતો ને જમણા વિભાગનો અમારા દીકરાઓ પૂર્વરાગ અને મદીર માટે હતો. એ પત્રદ્વયની વાતે મને એમનાં સૉનેટદ્વય યાદ આવી ગયાં છે. સૉનેટ કાવ્ય ૧૪ પંક્તિનું હોય છે. ૧૪ સૉનેટની માળા હોય. બે સૉનેટની જોડી હોય. એને સૉનેટદ્વય કહેવાય. ઉમાશંકરે ખૂબ સૉનેટ લખ્યાં અને એમાં માળાઓ છે તેમ જ જોડીઓ પણ છે.
એ સુખ્યાત સૉનેટદ્વયને સંભારું, બે રચનાઓ છે – ‘ગયાં વર્ષો તેમાં’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’. કાવ્યનાયકનું આ વિસ્મય –
‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!’
અને એની આ પ્રાપ્તિ –
’અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો!’
અને, રહ્યાં વર્ષો માટે નાયકે જાતને પાઠવેલો આ આદેશ –
‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?’
ત્રીજું કારણ એ કે કવિ ઉમાશંકર મારા રસનો વિષય રહ્યા છે. કારકિર્દીનાં છેલ્લાં બે વર્ષ હું પ્રોફેસર ઇમૅરિટસ હતો એ અન્વયે મેં એમની પદ્યરચનાનું સઘન અધ્યયન કર્યું હતું. “સમગ્ર કવિતા”-ના પ્રકાશનને બીજે જ વરસે, ૧૯૮૨માં, મેં એમની ‘સમગ્ર કવિતા’-ની એક જુદી જ ઢબની સમીક્ષા કરી છે, જે પુસ્તિકા રૂપે પ્રકાશિત છે, જુઓ, “ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ, એક પ્રોફાઇલ” – સુમન શાહ : ચન્દ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨.
(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર