ગુજરાતી સ્ત્રીઓને મણિબે’ન કે’વાનો ચીલો ક્યારે સરૂ થેઈલો ઓહે તે તો ની’ ખબર પણ અમારા અનાવલા તો વાતે વાતે પેલેથી જ મણિ, તું ની’ હમજે ! એમ બોલતા જ. મણિ એટલે બા. અજી બી’ એમના મનમાં તો ઑય જ કે મણિ તો કાંઈ જાણે ની’ ને હમજે ની’! ધીરૂભાઈ દેસાઈ સુપ્રિમ કોર્ટમાં જજ હતા ને તેમણે મને એક વાર પૂછેલું કે બકુલાબહેન, તમને તમારો દીકરો કહે કે નહીં કે મમ્મી, તને આ ન સમજાય! મણિ, તું ની’ હમજે !
એમની વાત તો જાણે હાચી, એખલો પોયરો જ હું કામ, પોઈતરા બી’ કે’ઈ કે દાદી તને ની’ હમજાય! આખી જમાત જ એમ હમજે કે આપણામાં તો જાણે તો અક્કલ જ ની’ મલે!
ને ખાસ તો અમણાં અમણાં આ ઈલેક્ટ્રોનિક મીડિયા ચાલુ થીયું ને પછી તો આપણે હપૂચાં આઉટડેટેડ! પણ આ મણિ કાચી માયા ની’મલે! મને વરી આથમાં પેલું હું કે’ ય કે રાઈટર્સ ક્રેમ્પ થીયું તે લખાતું જ બંધ થેઈ ગીયું. અવે દાક્તર કુરેશી કે’ય કે આને ને પેલાને (એક્સપર્ટ ડોક્ટરો) બતાવો એટલે બતાઈવું. તિયારે (૮-૯ વરહ પર) વલહાડમાં એમ.આર.આઈ.ની સગવડ ની’ મલે એટલે આપણે તો હુરત હુધી લાંબા થવું પડતું! અવે તો ‘પરમ ક્લિનિક’ આઈવું એટલે વલહાડની બા’ર ની’ જવું પડે. તે મારો પોયરો પૂછે કે મમ્મી તને હું થીયું ? મેં કે’યુ કે રાઈટર્સ ક્રેમ્પ! એટલે એ તો અહવા લાઈગો ને મને કે’ઈકે તું દાક્તર છે કે તને હમજ પડે! મનમાં તો કે’તો જ ઓહે કે મણિ, તું ની’ હમજે! પછી આપણે અક્કલ ખાતે ઉધાર કરીને હુરતમાં મોટા દાક્તરને બતાવી આઈવા, તાં જ એમ.આર.આઈ. હો કરાઈવું ને છેલ્લે એક્સપર્ટે કે’ઈ દીધું કે તમને રાઈટર્સ ક્રેમ્પ છે. પચા પચા (પચાસ) ટકા ચાન્સ છે હારા થવાના! પછી આ મણિ કાંઈ ગાંઠે કે ? મેં તો મારા પોઈરાને કે’યું કે ઉં દાક્તર ની’ મલે પણ આટલી અલામણ પછી બી’ રિપોર્ટ તો એ જ આઈવો કે રાઈટર્સ ક્રેમ્પ! પછી ફિજિયોથેરેપી બેરેપી કઈરા કરું, પણ લખાયબખાય ની’! જો કે મારા પોયરાએ જ મને ‘આઈપેડ’ લાવી આઈપું ને કે’ઈ કે મમ્મી આ હીખી જા, તને બો’ હારું પડહે! એમ તો એ જાણે કે એની મણિબા તો ઉશિયાર છે! ને આ મણિ અવે અડહઠ વરહે બરાબર આઈપેડ વાપરવા માંડી, ગુજરાતી ટાઈપ બી’ કરું ને નવું નવું હીખી બી’ ખરી! અવે આ મણિને ૭૪ પૂરું ચાલે!
તો મણિની આવી કથાવટ તો ઘરઘરની! ઉં ખાસ ભાઠલી બોલીમાં વાત કરું એટલે લોક હમજે કે આ મણિને કાંઈ આવડતું ની’ ઓહે! ઇંગ્લિસ તો ની’ જ! એક વાર મારે ઘરને ઓટલે પેલા મોડર્ન ફેરિયા ઇંગ્લિસ ડિક્સનરી ને ચોપડા વેચવા આવે ને તે આવેલાં. બે પોયરાં ને એક પોરી ઉતાં. મને જોઈને કે’ કે આન્ટી, ઘરમાં કોઈ છે કે? એને બોલાવો તો અમે આ બુક્સ વિશે સમજાવીએ! મે કે’ યુ કે મને જ હમજાવો ની’! તાં હુધીમાં તો ઉં હમજી ગેઈલી કે આ લોકો આપણને મણિ હમજે છે! પછી બણગાં ફૂંકવાનું ગમતું ની ઉતું તે છતાં મે કે’યું કે બે’ન, મેં છે ને તે મૃણાલિની સારાભાઈની અંગ્રેજી આત્મકથાનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. થોડીક કવિતા ને બીજા લેખોનો પણ અનુવાદ કરેલા છે. પછી એ લોકોનું ચટપપટર બંધ થીયું! સારી વાત એ હતી કે એ લોકો માટે મૃણાલિની બહેનનું નામ જાણીતું હતું!
આ મણિ એમ કે’વા માંગે કે બદ્ધી જ મણિ બદ્ધું હમજતી ઑય, પણ કોણ માથાફોડ કરે! મને એમ થાય કે આપણે જો મણિલાલને કે’વું ઑય તો ખાનગીમાં કે’વું પડે કે ભાઈ, તમે ની’ હમજો ને આ લોકો આપણને આલતાચાલતા કે’ઈ જાય! તે તમને મારા જેવા અનુભવ ખરા કે જેમાં એમ હાંભરવાનું આવે કે બા, તું ની’ હમજે!
તસવીર સૌજન્ય : જિજ્ઞેશ પટેલ
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ–ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


યશ ચોપરા નવા નવા મુંબઈ આવ્યા ત્યારની વાત. મોટા ભાઈ બી.આર. ચોપરા ફિલ્મોમાં જામી ગયા હતા. બે ભાઈઓ વચ્ચે ઉંમરનું ખાસ્સું અંતર. તેમણે લાડથી યશને પૂછ્યું, ‘બોલ, કોને મળવું છે? રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ – તું કહે તેની સાથે મુલાકાત ગોઠવી આપું.’ યશ બોલ્યા, ‘તો મારે એક કવિને મળવું છે. નામ સાહિર લુધિયાનવી.’ યશ લુધિયાણા અને લાહોરમાં રહેલા, સાહિરની આગઝરતી કલમની ત્યાં જબરદસ્ત લોકપ્રિયતા હતી. એક રચનાએ તો એવો ઝંઝાવાત સર્જેલો કે યુવાન યશ બીજી કોઈ સેલિબ્રિટીને નહીં, સાહિરને મળવા માગતા હતા. આ સાહિરનો જન્મદિન 8 માર્ચના ગયો. આ જ દિવસે મહિલા દિન પણ હતો. સ્ત્રીના મનને અને એની પીડાને સાહિર જેટલું ભાગ્યે જ કોઈ સમજી શક્યું છે.
અમૃતા પ્રીતમના ઉલ્લેખ વિના સાહિરની કહાણી અધૂરી રહે. આ બંનેની પહેલી મુલાકાત 1944માં એક મુશાયરમાં થઈ હતી. સાહિરનો ઓટોગ્રાફ લેવા અમૃતાએ હથેળી લંબાવી અને સાહિરે પોતાની કલમની શાહી અંગૂઠા પર લગાડી અંગૂઠો અમૃતાની હથેળી પર છાપી દીધો. વરસતા વરસાદમાં સાથે ભરાયેલાં થોડાં પગલાં બંનેને નજીક લાવી ગયાં. પંજાબીમાં કાવ્યો લખતી અમૃતા પરિણીત હતી. પ્રીતમસિંહ સાથેનું લગ્નજીવન સુખી નહોતું. મુલાકાતો થતી રહી, પણ બંને વચ્ચે એક અકળ મૌન છવાયેલું રહેતું. સાહિરના ગયા પછી અમૃતા તેની અર્ધી પીધેલી સિગારેટને ફરી પી લેતી અને સાહિરનો સ્પર્શ અનુભવતી. અમૃતા સગર્ભા થઈ ત્યારે બાળક સાહિર જેવું હોય એમ ઇચ્છતી. સાહિરે જાણ્યું ત્યારે હસી પડ્યા, ‘વેરી પુઅર ચોઈસ’. આ દીકરો મોટો થયો ત્યારે પૂછ્યું, ‘મા, હું સાહિર અંકલનો દીકરો છું?’ અમૃતાએ કહ્યું, ‘એવું હોત તો મને ખૂબ ગમત, બેટા! પણ એમ નથી.’
