કીકીનો રંગ
ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ
રાત
રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ
કશું સમજાય નહીં
ખોબા જેટલું ય ઉલેચાય નહીં
અચાનક હાથ આવ્યો કટકો
અંધાર નીતરતો અંધારાનો કકડો
e.mail : umlomjs@gmail.com
કીકીનો રંગ
ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ
રાત
રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ
કશું સમજાય નહીં
ખોબા જેટલું ય ઉલેચાય નહીં
અચાનક હાથ આવ્યો કટકો
અંધાર નીતરતો અંધારાનો કકડો
ચંદુ મહેરિયા
ગુવાહાટી હાઈકોર્ટે અસમ સરકારના બાળલગ્ન કરનાર-કરાવનાર પુરુષોની ધરપકડનાં આકરાં પગલાં પર લગામ મૂકી છે. કોર્ટે કહ્યું છે કે પોલીસના આ પગલાંથી લોકોના અંગત જીવનમાં તબાહી સર્જાઈ છે. આ એવો ગુનો નથી કે જેમાં ધરપકડ કરીને જ તપાસ થઈ શકે. કોર્ટ સમક્ષ જામીનની ગુહાર લગાવેલા આરોપીઓને જામીન પર મુક્ત કર્યા પછી સરકારની આક્રમકતા ઓછી થયાનું જણાય છે.
ફેબ્રુઆરી ૨૦૨૩ના મધ્ય સુધીમાં અસમ પોલીસે બાળલગ્નના ગુના સબબ ૪,૨૨૫ કેસો દાખલ કરી ૩,૦૩૧ લોકોની ધરપકડ કરી હતી. અસમની ૩.૧૦ કરોડની વસ્તીમાં લગભગ ૩૪ ટકા મુસ્લિમ છે. બાળલગ્નની કુપ્રથાનું પ્રમાણ મુસ્લિમોમાં સવિશેષ છે, એ ખરું પણ પોલીસે ધરપકડ કરેલા લોકોમાં તો ૯૦ ટકા મુસ્લિમો હોઈ બાળલગ્ન અટકાવવા માટેની સરકારની સક્રિયતાની સરાહના કરનારા પણ ધરપકડોની ટીકા કરે છે. પોલીસે જેમના પર કેસો દાખલ કર્યા છે તેમના પર બાળલગ્ન પ્રતિબંધક ધારો, પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ) અને ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુના નોંધાયા છે. વડી અદાલતે પોલીસના આરોપોને વાજબી રીતે ‘વિચિત્ર’ ગણાવ્યા છે.
હિંદુઓ જેને સંસ્કાર માને છે અને મુસ્લિમો જેને કરાર ગણે છે તે લગ્નની સરકારે વય નક્કી કરી છે. પુરુષની ૨૧ અને મહિલાની ૧૮ વરસની ઉંમર સરકારે લગ્ન માટે ઠેરવી છે. આ ઉંમર કરતાં ઓછી ઉંમરે કરેલાં લગ્ન બાળલગ્ન ગણાય છે. આવા લગ્નો ગેરકાયદે અને અમાન્ય તો છે જ ગુનો પણ છે અને કાયદામાં તેની સજા પણ નિર્ધારિત કરી છે.
યૂનિસેફના ચાઈલ્ડ મેરેજ-પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં બાળલગ્નમાં ભારતનું સ્થાન બાંગલાદેશ પછીનું એટલે કે બીજું છે. ભારતમાં વરસે પંદર લાખ છોકરીઓનાં બાળલગ્ન થાય છે. વિશ્વની કુલ બાળવધૂઓનો ત્રીજો ભાગ ભારતમાં છે. આઝાદીના પંચોતેર વરસ અને ૧૯૨૯માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયાના સવા નવ દાયકા પછી પણ હજુ બાળલગ્નની કુરીતિ ગઈ નથી.
દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૭ જિલ્લાને આવરી લેતા ૨૦૧૯થી ૨૦૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનું તારણ છે કે બાળલગ્નની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩ ટકા છે. સર્વેક્ષણ હેઠળના વરસો દરમિયાના ૨૫ ટકા મહિલાઓ અને ૧૫ ટકા પુરુષોના લગ્ન કાયદેસરની લગ્નવય પૂર્વે અર્થાત્ બાળલગ્ન થયેલાં હતા. દેશના આઠ રાજ્યોમાં મહિલાઓનાં બાળલગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતું. સમાજ સુધારાની ભૂમિ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૪૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા હતા. હાલમાં જ્યાં બાળલગ્નનો સવાલ વિવાદમાં છે તે અસમમાં ૩૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા છે અને તે રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ બાળલગ્નના આઠ રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. એકવીસ વરસની લગ્નવય પૂર્વે બાળલગ્ન કરતાં પુરુષો સૌથી વધુ બિહારમાં, ૨૫ ટકા છે તે પછી માત્ર એક જ ટકાના ઘટાડા સાથે ગુજરાતનો ક્રમ છે ! ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ૨૪ ટકા પુરુષોના બાળલગ્ન થયા છે.
ઘર અને સમાજમાં દીકરીનું નિમ્નસ્થાન અને તેને બોજ ગણવો, જાગ્રતિ અને શિક્ષણનો અભાવ, પ્રચલિત સામાજિક રીત-રિવાજ અને ધાર્મિક-સામાજિક પરંપરા, સામાજિક વ્યવસ્થા, ગરીબી, દીકરીની સલામતીનો સવાલ, સરકાર અને સમાજની આ કુરિવાજને ડામવાની ઈચ્છાશક્તિનો અભાવ કે કાયદાના અમલમાં લાપરવાહી અને પિતૃસત્તા જેવાં કારણોને લીધે આજે પણ બાળલગ્ન થતા રહે છે. બાળલગ્નને સમાજના નિમ્ન વર્ગો કે નિમ્ન જ્ઞાતિનો સવાલ ગણી તેને ગંભીરતાથી લેવામાં આવતો ન હોવાની પણ ફરિયાદ છે..
બાળલગ્નને કારણે બાળપણ છીનવાઈ જાય છે. ભણવા-ખેલવાની ઉંમરે તેમના માથે સમાજિક બેડીઓ અને જવાબદારીઓ નાંખી દેવામાં આવે છે. બાળલગ્નને કારણે નાની ઉંમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે. તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે. કિશોરી માતા પોતાના બાળકની દેખભાળ યોગ્ય રીતે કરી શકતી નથી. તેથી બાળક અશક્ત અને બીમાર રહે છે. બાળલગ્ન બાળ અધિકાર પર તરાપ છે. તેનાથી હિંસા અને યૌનશોષણનું જોખમ રહે છે. વહેલા લગ્નથી શિક્ષણ અધૂરું રહે છે અને રોજગાર ક્ષમતા ઘટે છે. આરોગ્ય, માનસિક વિકાસ અને આનંદપ્રદ જીવન પર મોટી અસર પડે છે.
બાળલગ્નને કારણે ગરીબીમાં વધારો થાય છે અને માતા તથા બાળક કુપોષણનો ભોગ બને છે. સરવાળે વ્યક્તિ અને સરકારનો આરોગ્યખર્ચ વધે છે. તે સૌથી નકારાત્મક આર્થિક અસર છે. બાળલગ્નથી સામાજિક પછાતપણું અકબંધ રહે છે અને સમાજનો વિકાસ થંભે છે. શિક્ષણ છોડવાને કારણે શિક્ષણનો દર ઘટે છે તથા શાળા છોડવાનું પ્રમાણ વધે છે. સ્ત્રી-પુરુષ સમાનતાનો બંધારણીય અધિકાર અવરોધાય છે. મહિલાઓના અધિકારો અને તેમનું જાગ્રતિકરણ પાછળ ધકેલાય છે.
શહેરી-શિક્ષિત કેરિયર ઓરિએન્ટેડ વુમન મોટી ઉંમરે લગ્ન કરે છે કે કારકિર્દીના ભોગે લગ્ન જ કરતી નથી એ આજના કથિત ભદ્ર વર્ગને મૂંઝવતો પ્રશ્ન છે. તો દેશમાં વરસે સરેરાશ ચોથા ભાગના લગ્નો લગ્નવય પૂર્વે થાય છે. આ બંને વિરોધાભાસી વાસ્તવિકતામાંથી માર્ગ કાઢવાનો છે. છેક બ્રિટિશ સત્તાના સમયે રાજારામ મોહન રાય અને બીજા સમાજસુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. દીર્ઘ ડાબેરી શાસન અને પ્રગતિશીલતા છતાં સૌથી વધુ બાળલગ્ન પશ્ચિમ બંગાળમાં થતા હોય સમાજસુધારાની દિશામાં આપણે કેવી ઊંધી ગતિ કરી છે તે દર્શાવે છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ બાળલગ્નોનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ૨૦૦૫-૦૬માં ૪૭.૪ ટકા બાળલગ્નો, ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૬.૮ ટકા થતાં દસ વરસોમાં ચોખ્ખો ૨૦.૬ ટકાનો ઘટાડો થયો છે. તેનું એક કારણ વધેલું શહેરીકરણ કે ગરીબોના શહેરી સ્થળાંતરને કારણે વધેલી શિક્ષણની તકો છે. દેશના ૨૫થી ૪૯ વરસના અશિક્ષિત મહિલાની સરેરાશ લગ્નવય ૧૭.૧ વરસ છે પરંતુ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલા એ જ વયના મહિલાઓની સરેરાશ લગ્નવય ૨૨.૮ વરસ છે .એટલે મહિલા શિક્ષણ બાળલગ્નનો રામબાણ ઈલાજ બની શકે છે.
કોરોના મહામારી, તાળાબંધી અને તેને કારણે વધેલી ગરીબી-બેરોજગારીએ બાળલગ્નનું પ્રમાણ વધાર્યું છે. માર્ચ-૨૦૨૨માં સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦માં બાળલગ્ન વધ્યાં છે. ૨૦૧૬માં બાળલગ્નોના કેસો ૩૨૬ હતા જે ૨૦૨૦માં સવા બેગણા વધીને ૭૮૫ થયા હતા. એટલે શિક્ષણ ઉપરાંત ગરીબી-બેકારી નાબૂદી, સમાજસુધારો અને જાગ્રતિ પણ જરૂરી છે. બાળલગ્નમુક્ત ગામથી બાળલગ્નમુક્ત ભારત અભિયાનો સરકારી-બિનસરકારી સ્તરે ચાલે છે. તેને વધુ મજબૂત બનાવવાના છે. માત્ર કાયદાના દંડૂકાથી આ સમસ્યા હલ થવાની નથી. બાળલગ્નની સામાજિક માન્યતા અને સ્વીકાર્યતા પર તીવ્ર પ્રહાર કરવો જ પડશે.
રવીન્દ્ર પારેખ
ડાંગની મહિલાઓ વન વિભાગનાં નાહરી કેન્દ્રથી આત્મનિર્ભર બની એવા સમાચાર 21મી માર્ચે આવ્યા એ જાણીને આનંદ થયો. તે એટલે પણ કે 21મી માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ હતો. ડાંગના વઘઇ ખાતે વનવિભાગ દ્વારા પુરસ્કૃત, આ નાહરી કેન્દ્ર 2018થી શરૂ કરવામાં આવ્યું. તેનો હેતુ પ્રવાસીઓને શુદ્ધ અને સાત્ત્વિક ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવવાનો હતો. છે. નાહરી કેન્દ્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ કેન્દ્રને લીધે મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે ને બારેક વનવાસી મહિલાઓ નાહરી કેન્દ્રમાં જોડાઈને આજીવિકા મેળવી રહી છે. આ મહિલાઓ ડાંગી ભોજન પીરસે છે અને વનવાસી ભોજનનો આનંદ પ્રવાસીઓ આ કેન્દ્ર પર જઈને મેળવે છે. ડાંગ જિલ્લો ઓર્ગેનિક જાહેર થયેલો છે, ત્યારે આ જિલ્લાની ભોજન સામગ્રીની વિશેષ ઓળખ ઊભી થઈ છે ને તેનું પ્રવાસીઓમાં આકર્ષણ પણ ઊભું થયું છે. અહીંનો ઓર્ગેનિક ખોરાક શુદ્ધ અને સાત્ત્વિક હોવાને કારણે ઘણા ઓર્ડરો કેન્દ્રને મળે છે ને એને લીધે અનેક મહિલાઓને રોજગારી મળતી થઈ છે. આ કેન્દ્રમાં ડાંગી થાળી ઉપરાંત નાગલીના પાપડ, વાંસનું અથાણું, નાગલીમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ વગેરે વેચીને પણ આવક ઊભી કરવામાં આવે છે. એ આવક ધિરાણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. નફાના દસ ટકા વન વિભાગને ચૂકવાય છે. આવું અન્ય વન ક્ષેત્રમાં પણ થતું હશે ને ત્યાંની સ્ત્રીઓ પણ આર્થિક રીતે સદ્ધર બનતી હશે. આ બધું જંગલોને આભારી છે. એને બદલે એમ ખબર પડે કે જંગલો વેચી દેવાય છે તો સવાલ એ થાય કે જે વેચી રહ્યા છે તે જંગલી છે કે જે વનમાં સદીઓથી રહે છે તે જંગલી છે? આ એવા લોકો છે જે ઓછામાંથી પણ ઓછું મેળવે છે. અછત જ એમની છત છે, એ છત છીનવાય ને બીજાને સોંપાય એમાં કુદરતી ન્યાય નથી. ભૂખ્યાંને ભૂખ્યાં રખાય ને ભરેલાંને ભરાય એ વિકાસ નથી, અન્યાય છે. આ ન થવું જોઈએ, પણ તે થાય છે ને શરમજનક રીતે થાય છે. કેવી રીતે તે જોઈએ.
એક સમય હતો જ્યારે આપણી ખેતી પૂર્ણપણે ઓર્ગેનિક હતી. એ હતું કે આર્થિક સગવડો ઓછી હોવાને કારણે પાક ઓછો લેવાતો હતો, સાધનો ઓછાં હતાં ને વરસાદ પર જ આધાર રહેતો હતો. એમાં સુધારાઓ જરૂરી હતા, પણ પછી વધુ પાક લેવાની લ્હાયમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો ને આજે તો એની એટલી આડઅસરો છે કે ફરી એકવાર આપણે ઓર્ગેનિક ફૂડનો મહિમા કરતાં થયાં છીએ. ઓર્ગેનિક જાણે આયાત થયું હોય તેમ આપણે અભિભૂત થઇએ છીએ. એમાં કોઈ શક નથી કે કેમિકલ કોઈક રીતે તો તેની અસરો છોડે જ છે, પણ આપણે અભિભૂત રહેવા ટેવાયેલા હોવાને કારણે મોડું સમજીએ છે. અત્યારે આપણે વિકાસ માટે મરણિયાં થયાં છીએ. જ્યાંને ત્યાં બધે વિકાસ, વિકાસ થઈ રહ્યું છે. વિકાસની જરા પણ ના નથી, પણ ક્યાંક તો કોઈ મર્યાદા નક્કી કરવી પડશેને ! ગમે એટલું વિકસીએ તો પણ ચામડીની બહાર તો જવાવાનું ને જીવાવાનું નથી. એવી જ રીતે વિકસીને પાકિસ્તાનમાં કે ચીનમાં પણ નીકળાવાનું નથી. ક્યાંક તો અટકવું પડશેને ! પણ અત્યારે આખો દેશ અટકવાના મૂડમાં નથી. બધા જ હૈસો હૈસો કરીને વિકસવા મથી રહ્યા છે. એમાં ગુજરાત પણ પાછળ નથી. ગુજરાત પણ વિકાસને નામે વહાણ હંકારી રહ્યું છે, પણ તે હલેસાં રેતીમાં મારતું હોય એવું વધારે લાગે છે. આપણે સૌથી વધુ વિકાસ ઉદ્યોગોનો / ઉદ્યોગોમાં માનીએ છીએ. ઉદ્યોગો વિકસે તેની પણ ના નથી, પણ તે પર્યાવરણને ભોગે થતો હોય તો ક્ષમ્ય નથી.
વન દિન તાજો જ ગયો. એ દિવસે સરકારી જાહેરખબરોમાં જે આંકડા અપાયા છે તે જોવા જેવા છે. આજકાલ તો સૂત્રોની બોલબાલા છે. સૂત્રો આપવાથી કે બોલવાથી જ કામ પૂરું થઈ જાય છે. એટલે સરકારે પણ જાહેરાતમાં સૂત્ર અંગ્રેજીમાં મૂકયું : HEALTHY FORESTS FOR HEALTHY PEOPLE. એ પાછું લીલા રંગમાં. વન લીલું હોયને એટલે. જો કે લીલાશ હવે રંગમાં જ રહી ગઈ હોય તો નવાઈ નહીં. એ જાહેર ખબરમાં ગુજરાતને હરિયાળું બનાવવાની વાત પણ છે. આપણે ક્યાં ક્યાં લીલોતરી કરી મૂકી છે તે સંદર્ભે કહેવાયું છે કે વનની બહારનાં વૃક્ષોમાં 2021 મુજબ 58 ટકાનો વધારો થયો છે. વનની બહાર ચાલુ વર્ષે 18,656 હેક્ટર વિસ્તારમાં 174.86 લાખ રોપાનું વાવેતર થયું છે. આ બધુ વનની બહાર થાય છે, તો એ વાતે આનંદ થાય કે જંગલમાં તો જંગલ સિવાય બધું જ હશે. છેલ્લાં બે વર્ષમાં વન આચ્છાદિત વિસ્તારમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આમ તો આ જાહેરાત છે ને જાહેરાતમાં હોય એટલો વિશ્વાસ આમાં પણ હોય જ ! જો આ સાચું હોય તો એ જ વન દિવસે આ સમાચાર પણ છે.
છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં જુદા જુદા ઔદ્યોગિક સાહસોએ જંગલોની જમીન માંગી, તેમાંની 30 દરખાસ્તો માટે 180.0825 હેક્ટર જંગલની જમીન ફાળવવામાં આવી છે. 2021માં 21 દરખાસ્તો માટે 172.7262 હેક્ટર જમીન ફાળવાઈ ને 2022માં 9 દરખાસ્તો માટે 7.3563 હેક્ટર જંગલોની જમીન ફાળવવામાં આવી. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્યના વન-પર્યાવરણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે આ જંગલ જમીનની સોંપણીના બદલામાં ઉદ્યોગગૃહોએ કુલ 78,71,24,004 રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક ચોરસ મીટરના 437 રૂપિયા ફક્ત. આટલો ઓછો ભાવ તો અંતરિયાળ ગામોની જમીન પેટે પણ વસૂલાતો નથી, પણ વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એમાં 2021માં 77.86 કરોડ અને 2022માં 84.08 લાખ વસૂલાયા છે. વન-પર્યાવરણ મંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી કે 31-12-‘22ની સ્થિતિએ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે તથા તત્કાલીન એસ્સાર સ્ટીલ લિમિટેડે વનખાતાની કુલ 93.67 હેક્ટર જમીન ઉપર દબાણ કર્યું હતું ને એ જમીનનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો. એ જમીન પૈકી 65.73 હેક્ટર જમીનને ભારત સરકારની સંમતિથી 6.93 કરોડ વસૂલીને પરવાનગી આપી દેવાઈ છે, જ્યારે 20.76 હેક્ટરની દરખાસ્તને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ રીતે વનની ભૂમિ હડપીને, પછી દંડથી સમાધાન કરીને માલિકી ઊભી કરવાની યુક્તિ ઉદ્યોગોને કોઠે પડી ગઈ છે ને સરકાર પણ દંડ વસૂલીને ગેરકાયદેસરને કાયદેસર કરી આપે છે. આ કોઈક રીતે નિયંત્રિત થવું જોઈએ.
સામાન્ય રીતે જંગલની જમીન વિકાસ માટે આપવામાં આવતી નથી, પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગોચરની જમીન આપ્યા પછી હવે જંગલની જમીન પર ડોળો ઠર્યો છે. ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા, શહેરીકરણ અને વસ્તી વધારાને કારણે પર્યાવરણની પથારી ફરી ગઈ છે. આ ઉપરાંત વૃક્ષ છેદનનો છેડો આવતો નથી. રાજ્યમાં છેલ્લા દાયકામાં ટ્રી કવર 34.32 ટકા ઘટ્યું છે. આ બધું જોતાં લાગે છે કે આપણે મૂરખ છીએ. એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવોના વાવટા ફરકાવતી રહેતી હોય ને આપણે પણ પાળેલા ટટ્ટુની જેમ ચારે બાજુ વૃક્ષ વૃક્ષ કરી મૂકીએ છીએ, પણ બેઝિક પ્રોબ્લેમ એ છે કે એમાં જીવ હોતો નથી. નરી બનાવટ છે આ. તે એટલે કે વૃક્ષો વાવવાનો પડઘો તો વૃક્ષો કાપવામાં પડતો હોય છે. એમ લાગે છે કે આપણી સાથે ગમ્મત થઈ રહી છે. જો સરકાર જ ઊઠીને ઉદ્યોગોને જંગલની જમીનો ફાળવી દેતી હોય ને પછી પર્યાવરણની જાળવણીની પંચાત કરતી હોય તો તેનાં ચાવવાના ને બતાવવાના જુદા છે એમ માનવું પડે. આમે ય ઉદ્યોગોએ પર્યાવરણના અઢળક પ્રશ્નો ઊભા કર્યા હોય ત્યાં જંગલોની જમીનો સોંપીને સરકાર પર્યાવરણના પ્રશ્નો જ વધારી રહી છે કે બીજું કૈં? ને આ ઉદ્યોગો, જંગલો રહેવા નથી જ દેવાના તે દીવા જેવી ચોખ્ખી વાત છે. વારુ, જે ઉદ્યોગો આ જંગલની જમીન પર ઊગશે તે અનેક પ્રકારનાં પ્રદૂષણ પણ ફેલાવશે ને લીલાશ ખતમ કરશે તે નફામાં. વર્ષોથી જ્યાં વનવાસી પ્રજા જંગલોમાં જીવે છે એમની જમીન જશે ને જે ત્યાં થોડું ઘણું કામકાજને લીધે કમાતાં હતાં તે કમાણી પણ જશે.
શરૂઆતમાં ડાંગનો દાખલો એટલે જ આપ્યો કે વન વિભાગ દ્વારા જે તકો મહિલાઓની રોજગારીની ઊભી થઈ છે તે તકો જંગલો વેચાતાં ઝૂંટવાશે. ઉદ્યોગોને જંગલો વેચવાનો અર્થ પર્યાવરણની ખુલ્લેઆમ થતી હત્યાથી વિશેષ કૈં નથી. વૃક્ષો વાવવાની વાતમાં ભરોસો એટલે નથી, કારણ, વાવીને કરવાનું શું, જો જંગલો તાસકમાં મૂકીને સરકાર જ મામૂલી ભાવના બદલામાં ઉદ્યોગોને સોંપી દેતી હોય તો?
000