ચલાવે જેમ ભરવાડો; અહીં ચાલી રહ્યા ઘેટાં !
અને આઝાદીનો લ્હાવો; અહીં મહાલી રહ્યા ઘેટાં !
ચરે વગડો, કરે ઝઘડો; ને જલ્સાથી રતિક્રીડા,
કતારોમાં અદબપૂર્વક અહીં હાલી રહ્યા ઘેટાં !
નજર જ્યાં જ્યાં પડે; ઘેટાં જ જોઉં છું નમાલા સહુ,
મને દિવસ અને રાતો; બહુ સાલી રહ્યા ઘેટાં !
હવે જોઈ નથી શક્તો; આ ઘેટાંઓની વસ્તીઓ,
કસાઈના નગરમાં ફૂલી ને ફાલી રહ્યા ઘેટાં !
કદી એકા’દ ઘેટું એમ પણ બોલ્યું; કે, “ભડવાઓ,
હવે તો સિંહ થાઓ કો’ક; કાં ખાલી રહ્યા ઘેટાં” !
તમે ખુદને તપાસી લો; તમે ઘેટાં ન હો શાયદ,
ઘણાં શખ્સો શોધી શોધી અને ઝાલી રહ્યા ઘેટાં !
નવા કાનૂનનો ડંડો પછાડે જ્યાં જરી ભરવાડ,
કરી મસ્તક ‘પ્રણય’, નીચું – નીચું ઘાલી રહ્યા ઘેટાં !
તા. ૦૯-૦૬-૨૦૨૧
ભરવાડ = આપણને દોરનાર
આપણાં મોટા ભાગના આગેવાનો
નીચું ઘાલવુ = નીચે જોવું (સૌરાષ્ટી બોલીપ્રયોગ
![]()



ગાંધીજીની આધ્યાત્મિક યાત્રામાં રાજકારણ તો એક માત્ર એવું રોડું હતું જે વ્યક્તિને અને આમ પ્રજાને આ મંઝિલ સુધી પહોંચતાં રોકતું હતું. જો દક્ષિણ આફ્રિકામાં ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં ન આવ્યા હોત તો તેઓ એક સામાન્ય બેરિસ્ટરની માફક પોતાના કુટુંબ માટે તગડી આવક મેળવીને સુખેથી જીવતા હોત. અન્યાયી સરકાર પાસેથી ન્યાય મેળવવા તેમને રાજકારણને સ્પર્શ કરવો પડ્યો. ભારત આવ્યા બાદ માનવ અધિકાર મેળવવા અને સામાજિક સુધારા લાવવા રાજકીય ગુલામીમાંથી મુક્તિ અનિવાર્ય બની ગઈ; પરંતુ સમાજના ઉત્થાન માટે રચનાત્મક કાર્યો એ એમની પ્રથમ ચાહતનું ક્ષેત્ર હતું. ‘બાપુ’ કહીને આપણે તેમનો ચરણસ્પર્શ કરતા રહ્યા, મહાત્મા માનીને જયકાર બોલાવતા રહ્યા, પણ તેમના રચનાત્મક અને આધ્યાત્મિક મૂલ્યોને ન તો સમજ્યા, ન અનુસર્યા અને છેવટ એના કટુ ફળ મેળવતા રહ્યા. ભારતની જનતાને રાજકીય ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ફરિશ્તાની ભાળ મળી, એની દોરવણીથી આઝાદી મળી ગઈ. વાત ખતમ. હજુ આજે પણ ફૂલોના ઢગલા નીચે સૂતેલો ગાંધીનો આત્મા આપણે એમને ક્યારે સાચા પરિપેક્ષમાં ઓળખીશું, એની રાહ જુએ છે.