ગુજરાત અને કેરળમાં અંધશ્રદ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ આપણે હજુ ય વહેમ અને અંધશ્રદ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે.
ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રદ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.
મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રદ્ધા નાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કાઁગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો. મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઊભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો. નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રદ્ધા નાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રદ્ધાને જ આવરી લે છે. તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઊભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.
રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રદ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઇન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રદ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રદ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી. શાયદ એટલે જ ગુજરાતની ભા.જ.પ. સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિદ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રદ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી !
હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રદ્ધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રદ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.
ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રદ્ધા નહીં પણ હોય. કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રદ્ધા નાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ. જનજાગ્રતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.
ધાર્મિક અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રદ્ધા નાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રદ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રદ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે. પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રદ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.
‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રદ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રદ્ધાના સમર્થક હોવું નથી. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રદ્ધા નાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.
થોડાં વરસો પૂર્વે ઉત્તર પ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તર પ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રદ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો. મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા. આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રદ્ધા વહેલી ભાગે.
અંધશ્રદ્ધા નાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દૃષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા (ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા. તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદ્દત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે અને જાહેરજીવનમાં ભાગ્યે જ દેખા દે છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખો જીમ્મી કાર્ટર, બીલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ, બરાક ઓબામા હજુ હયાત છે, પણ તમે તેમના ચહેરા કે રાજકીય નિવેદન ભાગ્યે જ જોયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પ આમાં અપવાદ છે. પહેલી વાત તો એ કે તેમણે પ્રમુખપદની ગઈ ચૂંટણીમાં તેમના થયેલા પરાજયને હજુ સુધી સ્વીકાર્યો નથી અને હજુ પણ કહે છે કે ચૂંટણીમાં રમત રમાઈ હતી અને તેમના વિજયને છીનવી લઈને તેમને પરાજિત કરવામાં આવ્યા હતા. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનની પ્રમુખ તરીકેની સોગંદવિધિમાં ભાગ નહોતો લીધો, કહો કે બહિષ્કાર કર્યો હતો અને એવું અમેરિકન લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું. અત્યારે તેઓ સતત તેમના રિપબ્લિકન પક્ષમાં ધરાર કેન્દ્રસ્થાને રહેવા ઉધામા કરી રહ્યા છે અને પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગે છે. સાધારણ રીતે પ્રમુખપદની પહેલી મુદ્દત પછી પરાજીત થનાર પ્રમુખ બીજીવાર ઉમેદવારી નથી કરતા. જીમ્મી કાર્ટર આનું હયાત ઉદાહરણ છે. તેઓ તેમના પોતાના પક્ષના પ્રમુખપદના હરીફ ઉમેદવાર વિષે એવું બોલે છે જેવું સભ્ય માણસ વિરોધ પક્ષના નેતા વિષે પણ ન બોલે. પણ એવા તેમના સંસ્કાર છે ત્યાં કોઈ શું કરે!
કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળખંડમાં શિક્ષણ ઉપેક્ષિત બને કે નિષ્ફળ જાય ત્યારે પેઢીઓની અવદશા થાય છે. અનેક દેશોના ઇતિહાસ આ બાબતની શાખ પૂરે છે. આમ છતાં, ઘણા દેશોની સરકારોએ ક્યારેક ક્યારેક કે વારંવાર, શિક્ષણની અવદશા ઇરાદાપૂર્વક સર્જી છે. હિટલર અને મુસોલિની, સ્ટાલિન અને માઓ, રશિયાની ઝારશાહી અને સામ્રાજ્યવાદી દેશોની ગુલામ દેશોમાં ઊભી કરાયેલી વ્યવસ્થા, દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ કે આર્જેન્ટિના આ બધે જ શિક્ષણના નામે પેઢીઓની માનસિકતાને પછાત બનાવી દેવાના પ્રયાસો થયા છે. આનાં પરિણામો પણ આ બધા જ દેશોએ અને ઘણી વાર આખા વિશ્વે ભોગવ્યાં છે. સ્ટાલિનના સામ્યવાદ હેઠળ સમગ્ર પૂર્વ યુરોપ-૧૯૧૭થી ૧૯૯૧ સુધી – એટલે કે ચુંમોત્તેર વરસ સુધી રગદોળાઈ ગયું. પશ્ચિમ યુરોપ અને રશિયા વચ્ચેના હાલના યુક્રેનના સંઘર્ષ દ્વારા જોઈ શકાય છે કે વૈચારિક સ્વતંત્રતાની અસર કેટલા યોજનો દૂર સુધી પહોંચી શકે છે. જે યુક્રેનને ત્રણ જદિવસમાં મસળી નાંખવા માગતા રશિયાને આઠ-આઠ મહિનાના યુદ્ધ પછી મોંઢામાં તરણું લેવાનો વારો આવ્યો છે. પશ્ચિમ યુરોપમાં વિચાર, વાણી, વર્તન અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, જ્યારે રશિયામાં ઝારશાહીથી માંડીને આજ સુધી એ દિવસ આવ્યો જ નહીં. રશિયાના સોવિયત સંઘના સ્તાલિન યુગમાં સ્વતંત્ર રીતે બોલનાર – વિચારનારની ઉપર કેવા અત્યાચારો થતા તે જાણવા સોલ્ઝેનિત્સિનનું પુસ્તક, ‘ગુલાગ આર્કિપિલેગો’ વાંચવું રહ્યું.