ચોતરફ ચાલ્યા કરે છે કોઈ નાટક, જોઈ લ્યો
આ નથી અવસર પરંતુ ઘોર પાતક, જોઈ લ્યો
પાદપ્રક્ષાલન કે ધ્વજ ફરકાવવાના કર્મકાંડ
આંખ ફાડીને ઊભી જનતા અવાચક, જોઈ લ્યો
ફૂટતી સરકાર કો ગુમડાની માફક ગોબરી
ઠેકઠેકાણે પડ્યા છે ઘાવ બાધક, જોઈ લ્યો
મૂળથી તે ટોચ લગ વ્યાપી ગયો છે જે સડો
વૈદ્ય સૌ ચાલી ગયા, આવ્યા પ્રચારક, જોઈ લ્યો
સાવ ભોળા બાપડા ને લાગણીશીલ આપણે
કે હવે બનવાનું છે થોડા વિચારક, જોઈ લ્યો
એક નીરો આગ વખતે મગ્ન ખુદના મોહમાં
બિનસલામત આ યુવાનો, ક્યાં છે શાસક ?? જોઈ લ્યો ..
![]()


અંગ્રેજીમાં શબ્દ છે, ‘ઍડિટર’. એના સાથીને ‘કોઍડિટર’ કહેવાય છે. એમનું કામ ઍડિટોરિયલ ડિસિશન લેવું તે છે – એટલે કે, લેખકો તરફથી મળેલાં લખાણો વિશે સ્વીકાર્ય કે અસ્વીકાર્યના નિર્ણય કરવા. પ્રકાશનયોગ્ય લાગે તે લખાણને સુધારવામાં આવે, કાપકૂપ થાય અને છેલ્લે લેખકને જણાવાય. ફર્સ્ટ ડિસિશન હોય, સૅકન્ડ ડિસિશન પણ હોય; ઍડિટરે ઘણો શ્રમ લેવાનો હોય છે.
ગયા સપ્તાહે એક અંગ્રેજી શબ્દ બહુ ચર્ચામાં હતો; ફ્રિન્જ એલિમેન્ટ. ભારતીય જનતા પાર્ટીની (ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવકતા નવીન કુમાર જિંદલે મહમ્મદ પૈગંબરને લઈને એક ટીપ્પણી કરી હતી. તેથી મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં મુસ્લિમ રાષ્ટ્રોમાં બહુ વિરોધ ઊઠ્યો હતો. તેના પગલે ભા.જ.પે. બંને પ્રવક્તાને પક્ષમાંથી પાણીચું પકડાવ્યું હતું. તે વખતે, કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે, ભા.જ.પ.ના લેટરપેડ પર લખાયેલું એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, સૂચિત ટીપ્પણી ભારત સરકારનો મત નથી અને તે “ફ્રિન્જ એલિમેન્ટ”(નૂપુર શર્મા અને નવીન જિંદલ)ના વિચારો છે.