Opinion Magazine
Number of visits: 9504394
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૨૧ની ઑસ્કર વિજેતા ફિલ્મ ‘નોમૅડલૅન્ડ’ : રસ્તા પર શાંતિની ખોજ

રૂપાલી બર્ક|Opinion - Opinion|28 June 2021

“Home — is it just a word or is it something that you carry within you?”

                                                                                             (Dialogue from the film)

“ઘર — એ માત્ર એક શબ્દ છે કે એ ચીજ છે જે આપણી અંદર  લઈને ફરીએ છીએ?”

                                                                                                      (ફિલ્મનો એક સંવાદ)

‘વિચરતા’ માટેનો અંગ્રેજી શબ્દ ‘નોમૅડ’ ગ્રીક ભાષામાંથી, લૅટિન વાટે, ફ્રેન્ચ મારફતે, ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજીમાં આવ્યો. એનો મૂળભૂત અર્થ છે — પોતાના પશુધન માટે ઘાસચારાની શોધમાં વિચરતા રહેતા લોકો. માનવ ઇતિહાસના આરંભિક કાળમાં મનુષ્યો ‘hunter-gatherers’ (શિકાર અને કુદરતી ખાદ્ય પદાર્થો પર નભતા) હતા એટલે એમને એક સ્થળથી બીજે સ્થળ વિચરતા રહેવું પડતું. આ કારણથી એમનાં રહેવાસો કામચલાઉ હતાં. ખેતી અસ્તિત્ત્વમાં આવી પછી માનવો સ્થાયી થયાં, જમીનના માલિકો બન્યાં અને કાયમી રહેવાસો તરફ વળ્યાં. હવે જે લોકો વ્યવસાયે પશુપાલકો, વગેરે હતાં એમને સ્થાયી વસવાટ અનુકૂળ ના હોય, એ વિચરતા રહ્યાં અને વિચરતા કહેવાયા. આજે પણ વિશ્વ આખામાં આવી વિચરતી જાતિઓ છે. સામાન્યત: જેમને અંગ્રેજીમાં ‘gypsies’, ગુજરાતીમાં સામાન્ય પ્રયોગમાં ‘રખડું’ કહે છે એના કરતાં —વિનયન શબ્દકોષ English-Gujarati Dictionary (revised edition, Siddharth Narhari Bhatt)માં જેમને ‘અસ્થિરવાસી’, ‘યાયાવર’ કે ‘વણજારા’ કહે છે કે હિન્દીમાં ‘घूमंतु’ અથવા ‘खानाबदोश’ તરીકે ઓળખીએ છીએ. આપણી આજુબાજુ નજર કરીએ તો આવા સેંકડો વિચરતા સમુદાયો જણાશે. એમની કરુણાંતિકા એ છે કે એમને આર્થિક-સામાજિક દૃષ્ટિએ નીચા ગણવામાં આવે છે અને એમને પારાવાર ભૌતિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે. અભ્યાસ, અર્થોપાર્જન, સારવાર, વિહાર, વગેરે કારણોથી ઘરથી દૂર રહેનારને હંગામી ધોરણે આવી હાલાકીનો અનુભવ થયો જ હોય એટલે કલ્પના કરવી અઘરી નથી.

‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કહેવાયું છે, એ શું જેમને કાયમી ઘર હોય એના માટે જ? શહેરોમાં થોકબંધ લોકો બ્રિજ નીચે, ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, રૅનબસેરામાં રહે છે એ જ એમનો પૃથ્વીનો છેડો ને? અરે, પિયર છોડીને સાસરે જતી યુવતીને મન ઘર કયું હોતું હશે? સમાજ ઠેરવે કે પરણ્યા પછી પતિનું ઘર એ જ ઘર પરંતુ દીકરીના હૃદયમાં પતિ અને પિતા બન્નેનાં ઘર વસેલા હોય છે. સંસાર ત્યાગ કરનારા સાધુ-સાધ્વીઓ માટે પૃથ્વીનો છેડો કયો? અનાથ આશ્રમ અને તરછોડાયેલી નારીઓ માટેની સંસ્થાઓમાં રહેતા, જેલમાં જન્મટીપની સજા કાપતા કેદીઓ, યુદ્ધ કે હવામાન પરિવર્તન કે કુદરતી હોનારતો, વગેરેને કારણે બનેલા વિસ્થાપિતો અને શરણાર્થીઓ — આ બધાં માટે ઘર એ કયું હશે? અમુક વ્યક્તિઓ ‘બૅક-પૅકર્ઝ’ બનીને વિશ્વ ખૂંદી વળે છે. એમને અનંત મુસાફર બનીને જ જીવવું પસંદ છે. વળી, ડાયસ્પૉરા સમાજો સંદર્ભે ‘ઘર’ની સમજમાં અનેક પાસાઓ ઉમેરાય છે. એટલે એમ કહી શકાય કે ઘરનો અર્થ સાપેક્ષ છે.

આ પશ્ચાદભૂ સાથે ફિલ્મ ‘નોમૅડલૅન્ડ’ના સંદર્ભે ‘નોમૅડ’ના એક નવા, આધુનિક સમુદાય વિશે જાણીએ. અમૅરિકામાં રસ્તા, રેલવે અને ખુલ્લી જગ્યાઓમાં એકલા કે સમૂહમાં રહેતાં લોકોની એક છૂપી વસ્તી છે. આવા એક સૌથી મોટા સમુદાયમાં ૩ મિલિયન નોમૅડ્સ છે જે પોતાનાં ગાડી-ઘર (motorhomes) અથવા મનોરંજન વાહનો (recreational vehicles — RVs)માં આખા દેશમાં ફરતાં રહે છે. આવા RV ધારકોના ૯૦% લોકો ૫૫ વર્ષથી વધુ આયુના છે. ફિલ્મમાં આ વાસ્તવને આબેહૂબ દર્શાવવામાં દિગ્દર્શક સફળ રહ્યાં છે.

૨૦૨૧ના એક નહીં પણ ત્રણ ઑસ્કર અવૉર્ડ મેળવનારી ફિલ્મ નોમૅડલૅન્ડ જીવનમાં સ્થિરતા, સ્થાયીપણા, ઘર-સંપત્તિની માલિકી, ચાર દિવાલની સુરક્ષા, ઘર-મકાન સાથે જોડાયેલી સમૃદ્ધિ – મોભાની આપણી ઘણી બધી સ્થાપિત માન્યતાઓ અને ખ્યાલોને ઉપરતળે કરીને મૂકી દે છે. ઍકૅડૅમી અવૉર્ડઝ ઉપરાંત ડાયરૅક્ટર્ઝ ગિલ્ડ ઑફ અમૅરિકા, ધ ગોલ્ડન ગ્લોબ, BAFTA જેવા અનેક પ્રતિષ્ઠિત અવોર્ડઝથી ફિલ્મને નવાજવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક ક્લોઈ ઝાઓ શ્રેષ્ઠ ડાયરૅક્ટરનો અવૉર્ડ મેળવનાર પ્રથમ ઍશિયન ડાયસ્પૉરા, ચીની મહિલા ફિલ્મ-મૅકર છે (first woman of colour).

આ નાયિકાપ્રધાન ફિલ્મ જૅસિકા બ્રુડરના ૨૦૧૭માં પ્રકાશિત પુસ્તક ‘નોમૅડલૅન્ડ : સરવાઈવિંગ અમૅરિકા ઈન ધ ટ્વૅન્ટી ફર્સ્ટ સૅન્ચ્યુરી’ પર આધારિત છે અને મંદીના યુગમાં પશ્ચિમ અમૅરિકાના વૅનમાં રહેતા લોકોના સમુદાયની ગાથા છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે શીટરૉકની માંગ ઘટી જવાથી યુ. એસ. જિપ્સમને ૮૮ વર્ષો બાદ નૅવાડાના ઍમ્પાયર સ્થિત એમનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો. ઍમ્પાયરનો ઝીપ કોડ 89405 નાબૂદ કરવામાં આવે છે એટલે નકશા પરથી એનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જાય છે. ऐसा भी हो सकता है, ऐसा भी होता है?! પળવારમાં સ્થળ હતું ના હતું થઈ જાય છે. તો પછી વ્યક્તિ સ્થાયી (sedantary) મટી વિચરતું (non-sedantary) બની જાય એમાં શી નવાઈ.

ફિલ્મની નાયિકા ફર્નને (અભિનેત્રી ફ્રાન્સિસ મૅકડૉરમન્ડ જેમને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ઑસ્કર એનાયત થયો છે.) પોતાના પતિના મૃત્યુ બાદ ફેક્ટરીએ આપેલું નિવાસસ્થાન ખાલી કરવું પડે છે. તે વૅન લઈને નીકળી પડે છે પરંતુ બીજા ઘરની શોધમાં નહીં, નોમૅડ તરીકે જીવન જીવવા, રસ્તા પર શાંતિની શોધ કરવા, પોતાની એકલતા વચ્ચે સમુદાયની મધ્યે સમય વિતાવવાનો અનુભવ કરવા. સામાન્ય રીતે ઘરવિહોણાં વ્યક્તિ/ઓને બિચારા બાપડા માની દયા કરવામાં આવે છે. ‘નોમૅડલૅન્ડ’માં ઘરવિહોણા હોવું પસંદગીનો વિષય છે. એમાં અનોખું ગૌરવ છે. Out of the box thinking and living. જાણે કે ઈંટ-ચુનાના ઘરનો પર્યાય પૈડાવાળી ગાડીનું ઘર બને છે. An alternative way of living. એક નવીન, રોમાંચક અને પ્રતિકૂળ સંજોગોમાં અનુકૂળ જીવનરીતિ. સ્થાયી મકાનના રખરખાવ, સુશોભન, સુરક્ષા પાછળની ખર્ચાળ જીવનશૈલી સામે minimalistic livingના મંત્રને યથાર્થ કરતી જીવનશૈલી. બીબાંઢાળ કરતાં સાવ અલગ. The road less travelled.

સ્થાયી વસવાટને જ જીવનની યોગ્ય રીતિ માનતા બહુમતિ લોકોનું પ્રતિનિધિત્વ કરતી ફર્નની જૂની પાડોશી બ્રૅન્ડી જે ફિલ્મના એક સીનમાં ફર્ન સુપર માર્કૅટમાં નોકરી કરતી હોય છે ત્યાં નાતાલના સમયે એની બે દીકરીઓ સાથે ખરીદી કરવા આવે છે. બ્રૅન્ડી ફર્નને પૂછે છે:

Brendy: Are you still doing the van thing? (વૅનમાં રહેવાનું તુચ્છ માનવામાં આવે છે.)

Fern :  Ya. I’m parked over at the Desert Rose R.V. Park.

જ્યારે બ્રૅન્ડીની નાની દીકરી મૅકૅન્ઝી પૂછે છે :

Mackenzie : My mom says you are homeless, is that true?

Fern :  I am not homeless, just houseless.

ફર્નનો જવાબ ‘ઘર’ (home) અને ‘મકાન’ (house) વચ્ચેનો ભેદ દર્શાવે છે જેને સમજવામાં મનુષ્યો ઘણી વખત થાપ ખાતા હોય છે. આવો સંવાદ ફર્ન અને એના બનેવી વચ્ચે થાય છે :

ફર્ન : આવું કેવું કે પોસાતું ના હોય એવું ઘર ખરીદવા તમે લોકોને એમની આખી જિંદગીની કમાણીનું રોકાણ કરી દેવું કરવાનું પ્રોત્સાહન આપો છો.

જ્યોર્જ : અમારા કામ વિશેનો તારો આ દૃષ્ટીકોણ બહુ સંકુચિત છે. બધું ફગાવીને રસ્તા પર નીકળી પડવું અમને પોસાય એમ નથી.

ફર્ન : ઓહ, તને એવું લાગે છે કે હું બધું ફગાવીને રસ્તા પર નીકળી પડી છું?

ચર્ચા ઉગ્ર થતી રોકવા ફર્નની બહેન કહે છે, “સાચું કહું, મને લાગે છે કે નોમૅડ્સ જે કરી રહ્યાં છે તે અગ્રગામીઓ કરતાં જુદું નથી. એટલે ફર્ન મહાન અમૅરિકન પરંપરાનો હિસ્સો છે. આ મોટી બાબત છે.” અંગ્રેજીમાં કહે  છે એમ ‘to come back full circle.’

ફૂટપાથ પર પ્લાસ્ટિક બાંધીને ભલે નહીંવત સામગ્રી સાથે પરંતુ ભરપૂર હૂંફ અને આનંદથી જીવતાં લોકોને નિરખતાં જ ખ્યાલ આવી જાય છે, મીઠી ઇર્ષા પણ આવી જાય. આ તો માનવ સંસ્કૃતિ વિકસતી ગઈ એમ સ્થાયીકરણ સાથે મહત્ત્વ જોડાતું ગયું અને માલિકી સ્થાપિત કરવા પુરુષોએ ‘મિલ્કત’ ઊભી કરી. આથી ‘જર, જમીન અને જોરુ, એ ત્રણ કજિયાના છોરું’ એ કહેવતની પુરુષની મહત્ત્વાકાંક્ષા અને સ્પર્ધાભાવના સંદર્ભે ફેરતપાસ કરવી પડે. દિવાલો અને વાડ અને બાદમાં સીમાઓ અસ્તિત્ત્વમાં નહોતી આવી ત્યારે આખી પૃથ્વી માનવોનું ઘર હતી. એક વખત જ્યારે ફર્નની વૅન બગડી જાય છે અને એ મિકૅનિક પાસે જાય છે તો મિકૅનિક સલાહ આપે છે કે સમી કરવામાં આટલો મોટો ખર્ચ કરવા કરતા નવી લઈ લો. ત્યારે ફર્ન કહે છે, “તમે નહીં સમજી શકો. હું એમાં રહું છું. એ મારું ઘર છે.” ફર્નનું ઘર હરતુંફરતું છે. વિહરવાની, વિચરવાની એને આઝાદી છે. ફર્નને એની બહેન ડૉલી એમની સાથે રહેવાનું સૂચન કરે છે ત્યારે ફર્ન કહે છે, “હું અહીં નહીં રહી શકું, આ ઓરડામાં નહીં જીવી શકું, આ પલંગ પર મને ઊંઘ નહીં આવે.” બન્ને બહેનો વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે ફર્ન કહે છે, “જો આ જ કારણે મારે અહીં નથી રહેવું.” એક છત નીચે સંઘર્ષમાં કે અણબનાવ સાથે જીવવા કરતાં નોમૅડનું જીવન શું ખોટું?

 જુઓને, ફિલ્મનું શિર્ષક જ કેટલું બધું કહી આપે છે. ‘નોમૅડલૅન્ડ’ — વિચરતા જનની ભૂમિ! સ્થાવર મિલ્કતવાળાની તો સીમિત ભૂમિ હોય છે. પૈડાવાળા જંગમ ઘર ધરાવનાર માટે ભૂમિ અસીમ છે. રણ, જંગલ, મેદાન, પહાડ, નદી, દરિયો. આ બધાં કુદરતી સ્થળોના નયનરમણીય પૅનરૅમિક શોટ્સ માટે ફિલ્મના સિનેમૅટોગ્રાફર જોશુઆ જેમ્સ રિજર્ડ્ઝની પીઠ થાબડવી પડે.

જેમ આપણે ઘર resaleમાં ખરીદીએ અને આપણી મરજી મુજબ ફેરફાર કરાવીએ એમ જ બીજા પાસેથી ખરીદેલી વૅનમાં ફર્ન પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરાવે છે. ફર્ને વાપરેલી સ્ત્રીની કોઠાસૂઝથી લિન્ડા મૅ ખૂબ પ્રભાવિત થાય છે. લિન્ડા ફર્નને પૂછે છે અને ફર્ન ગૌરવભેર સ્મિત સાથે જવાબ આપે છે :

Linda : What did you name your van?

Fern :  Vanguard (લશ્કરની મોખરાની ટૂકડી)

Linda : Oh, that is very strong.

Fern :  She is. Mmm … (ફર્ન વૅન માટે સ્ત્રીવાચક સર્વનામ વાપરે છે એ નોંધવા જેવું છે.)

પહેલાના વખતમાં પોતાના ઘરને ખૂબ વહાલથી નામ આપવાની પ્રથા હતી. અત્યારે ખૂબ પ્રચલિત વર્ટિકલ લિવિંગમાં આને અવકાશ નથી આને હવે ગેટેડ સોસાયટીઝમાં ઘરની ઓળખ એનો નંબર બની ગયો છે એટલે નવી પેઢીના કેટલાયને આ વાતનો ખ્યાલ નહીં હોય.

પતિના ફિશીંગ બૉક્સને ડ્રોઅરમાં ફેરવી ફર્ન પોતાની લાગણીઓ સાથે જોડાયેલો કિંમતી સામાન સાચવે છે. ફર્ન ગ્રૅજ્યુઍટ થઈ એ નિમિત્તે એના પિતાએ યાર્ડ સેલ્સમાંથી સુંદર ચાઈના માટીની ડિશીસનો સૅટ એને ભેટ આપેલો. એના પરની ડિઝાઈનને લીધે ફર્ને ‘ઑટમ લીફ’ નામ આપેલું. ડી.ઍચ. લૉરૅન્સની નવલકથા ‘સન્સ ઍન્ડ લવર્ઝ’માં મિસિઝ મૉરૅલ પોતાના લાડકા દીકરા પૉલ માટે પરવડતી ના હોવા છતા કૉર્નફ્લાવરની ડિઝાઈનવાળી મોંઘી ડિશ ખરીદે છે અને બન્ને હરકાય છે તે ઘટના સ્મૃતિમાં ઝબૂકી આવે છે. સમય જતા એકએક કરીને ડિશ તૂટતી ગઈ. ગણીને એક-બે બચી. ફિલ્મમાં આગળ જતાં ફર્નને મદદ કરતી વખતે કાર્ટન નીચેથી ખુલ્લો છે એનો ખ્યાલ ડેવને ન રહેતા એમાંથી ડીશ પડીને તૂટી જાય છે, ત્યારે ફર્ન જે રીતે ડેવને ચાલ્યા જવાનું કહે છે એ દૃશ્ય હૃદયસ્પર્શી છે. સ્વજનોની સ્મૃતિઓ સાથે જોડાયેલી ચીજવસ્તુઓ માત્ર ચીજવસ્તુઓ રહેતી નથી, જીવતાં સંવેદનો હોય છે. પિતાની સ્મૃતિ સાથે જોડાયેલી ડિશ નહીં પરંતુ પોતાનું હૃદય ભાંગી ગયાનો અનુભવ ફર્નને થાય છે. આ જ બાબત ફિલ્મના આરંભમાં દર્શકને સ્પર્શી જાય એવા એક સીનમાં સામાન પૅક કરતી વખતે ફર્નના હાથમાં એના પતિનું જૅકૅટ આવે છે ત્યારે એને છાતીએ ચાંપીને ચુંબન કરે છે. પણ પછી એક જ ક્ષણમાં મન મક્કમ બનાવી સ્વસ્થતાપૂર્વક મક્કમતાથી નીકળી પડે છે. પોતે જ પોતાનો સહારો. આખી ફિલ્મમાં પુરુષના (કદાચ એના પતિના) વસ્ત્રોમાં સજ્જ અને પુરુષ જેવા જ ટૂંકા વાળમાં એક નજરે પુરુષ જેવી દેખાતી ફર્નના ચહેરા પર અને આંખોમાં નાજુક સંવેદન ઉપસે છે તે અભિનેત્રીની ઉત્કૃષ્ટ અદાકારીનો નમૂનો બની રહે છે. સમગ્ર ફિલ્મમાં ફર્નની માફક શૅન્કી અને લિન્ડાના પાત્રો સમબુદ્ધિ / સ્થિતપ્રજ્ઞ વ્યક્તિઓ / મહિલાઓ તરીકે પ્રેક્ષકના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે.

ફિલ્મમાં બીજા પાત્રોનો અભિનય પણ કાબીલેદાદ છે. મોટા ભાગના નોમૅડ્સના પાત્રોમાં  અસલી નોમૅડ્સ જ લીધા છે.  આ પાત્રો દ્વારા પણ જીવનના અનેક પાસાઓ ખૂબ સંવેદનશીલતાથી વણી લીધા છે. સંવાદો ખૂબ ઊંડાણ ધરાવે છે અને ઘણી વખત તત્ત્વજ્ઞાનની કક્ષાએ પહોંચે છે. એનો શ્રેય સ્ક્રીન પ્લે લખનાર દિગ્દર્શક અને પુસ્તકની લેખિકા બન્નેને આપવો રહ્યો. ઉદાહરણ તરીકે લિન્ડા સાથેની વાતચીતમાં ફર્નને જાણવા મળે છે કે એને ૬૨ વર્ષની ઉંમરે આત્મહત્યા કરવાનો વિચાર આવેલો, પણ એને બે પ્યારા કૂતરા માટે થઈને એણે વિચાર માંડી વાળેલો. એને ભાન થયું કે પોતાની સાથે આવો ક્રૂર વ્યવહાર ન કરાય. લિન્ડાએ પોતાનું સોશ્યલ સિક્યૉરિટી બૅનિફિટ ઑનલાઇન ચૅક કર્યું — $૫૫૦/-. બાર વર્ષની ઉંમરે લિન્ડાએ કામ શરૂ કરેલું બે દીકરીઓને મોટી કરવા. એના માનવામાં ના આવ્યું કે આખી જિંદગીની મહેનતનું વળતર માત્ર આટલું જ. એવામાં એને બૉબ વૅલ્ઝના સોંઘા RV Living વિશે ઑનલાઇન જાણકારી મળી આવી. RVમાં મુસાફરી કરીને જીવી શકાય. વધારાનો ફાયદો એ કે મોટી ઉંમરે કામ કરવું ના પડે.

ફર્ન અને લિન્ડાની સાથીદારી પણ પ્રેરણાદાયક છે. ઉંમર કે પરિસ્થિતિના બાધ વિના બન્ને પ્રૌઢાઓ ઉત્સાહ અને ખંતથી નોકરી કરી સ્વાવલંબી જીવન વિતાવે છે. ફર્ન નોકરી માગવા જાય છે ત્યારે કહે છે, “મારે કામની જરૂર છે. મને કામ ગમે છે.” મોટા ભાગની સ્ત્રીઓ જે વાતવાતમાં હિંમત હારી જાય છે કે પડકાર ઝીલવામાં કાચી પડે છે એમને આમાંથી ઘણું શીખવાનું છે. જ્યારે બન્ને છૂટા પડે છે ત્યારે લિન્ડા એને ઍરિઝૉનાની બી.ઍલ.ઍમ. (BLM — Bureau of Land Management) જમીન પર RTR (Rubber Tramp Rendevous — bootcamp for beginner nomads)ની માહિતી આપી, ઇચ્છા થાય તો ત્યાં આવવાનું સૂચન કરે છે.  RTR એટલે મદદની જરૂર હોય એવા લોકો માટેની સપોર્ટ સીસ્ટમ. થોડા સમય બાદ ફર્ન ફરતાં ફરતાં ત્યાં પહોંચે છે. બૉબ વૅલ્સ જૂથને સંબોધી રહ્યાં હોય છે. ફર્ન રસપૂર્વક બૉબનું સંબોધન સાંભળે છે:

બૉબ : … દુ:ખની વાત તો એ છે કે આપણે ડૉલરનો જુલ્મ, બજારનો જુલ્મ ના કેવળ સ્વીકારીએ છીએ પરંતુ એને આલિંગીએ છીએ. ડૉલરના જુલ્મની ધૂસરી સહર્ષ ઉઠાવીને આખી જિંદગી કાઢી નાખીએ છીએ. અનુરૂપતાની દૃષ્ટિએ મને જે ઉદાહરણ સૂઝે છે તે મજૂરી માટે વપરાતા ઘોડાનું છે. એવો ઘોડો જે મૃત્યુ સુધી મજૂરી કરવા તૈયાર છે અને ત્યારબાદ પોતાની રીતે ખોરાક મેળવવા મેદાનોમાં છોડી મુકાય છે. આપણામાંના કેટલાં ય જોડે આમ જ બને છે. જો સમાજ આપણને તગેડી મૂકે છે, મેદાનોમાં છોડી દે છે તો આપણે એકઠા મળીને એકબીજાંની સંભાળ લેવી રહી. માટે આ બધી વ્યવસ્થા ઊભી કરી છે.

મને ચોખ્ખું દેખાય છે કે ટાઈટૅનિક ડૂબી રહી છે. આર્થિક સમય બદલાય રહ્યો છે. તેથી મારો ઉદ્દેશ લાઈફબોટ તૈયાર કરીને જેટલા લોકોને બચાવી શકાય એટલા બચાવવા છે.

રાત્રે કૅમ્પફાયર આગળ પોતાની કહાનીઓ કહેતા અમુક નોમૅડ્સને સાંભળી ફર્નને પોતાના સંજોગો અને નિર્ણય સંબંધી સમર્થન મળે છે. વિયેતનામના એક પશુચિકિત્સક કહે છે : “હું PTSD (Post Traumatic Stress Disorder)થી પીડાઉં છું. હું મોટો ઘોંઘાટ, ભીડભાડ, ફટાક્ડા ખમી નથી શકતો … અહીં હું ચેનથી જીવી શકું છું.” એક મહિલા કહે છે : “મેં મારા દાદા, પપ્પા અને મમ્મીને કહ્યું કે આપણે એક RV લઈને આખો દેશ ફરવો જોઈએ. તુરંત બાદ મારા માતાપિતા બન્ને કૅન્સરથી એકબીજાંથી ત્રણ અઠવાડિયાના અંતરે મૃત્યુ પામ્યાં. મેં વૅન-ડ્વૅલિંગ (van-dwelling) પર બૉબ વૅલ્સના વીડિયો જોયા અને અઢી વર્ષ પૂર્વે મારી સ્વસ્થતા યાત્રા શરૂ કરી.”

અન્ય એક મહિલા કહે : “મેં કૉર્પૉરૅટ અમૅરિકા માટે ૨૦ વર્ષ કામ કર્યું. મારો મિત્ર પણ એ જ કંપનીમાં કામ કરતો હતો. લીવર ફેલ્યર થયા બાદ એ હૉસપીસમાં હતો ત્યારે H.R.એ એને નિવૃત્તિનો પ્રસ્તાવ મોકલ્યો. ૧૦ દિવસ બાદ એ મૃત્યુ પામ્યો. એણે ખરીદેલી સ્પીડબોટ એના ગૅરૅજમાં જ રહી ગઈ. એ જોઈ મેં નક્કી કર્યું કે મારે જીવનનો આવો અંત નથી જોઈતો કે નિવૃત્તિ બાદ માણવાની સ્પીડબોટ વપરાયા વિનાની રહી જાય. મેં રાજીનામું આપી દીધું ને અહીં આવી ગઇ.” આ જુબાનીઓ સાંભળીને બૉબના મિશનનો અર્થ બરાબર સમજાઈ જાય છે. બૉબએ ફર્નને પોતાની કહાની સંભળાવેલી : “આજે મારા દીકરાનો ૩૩મો જન્મદિન હોત. એણે પોતાનો જીવ લઈ લીધેલો. હું વિચારતો કે એ જીવતો નથી રહ્યો તો હું કેવી રીતે જીવતો રહી શકું? મારી પાસે એનો કોઈ ઉત્તર નહોતો … પછી મને અહેસાસ થયો કે લોકોને મદદ કરીને, લોકોની સેવા કરીને હું એને ખરી શ્રદ્ધાંજલી આપી શકું .…”

આખી ફિલ્મ દરમ્યાન ફર્નનો બોલાયેલો એકેએક શબ્દ અને વર્તન-વ્યવહાર એની ઋજુતા, નિસ્પૃહતા અને પતિ ખોયા બાદ સ્થાયી વસવાટ ત્યજી વિચરતા રહીને પ્રકૃતિ સાથે ઐક્ય સાધવાની તીવ્ર ઝંખના વર્તાતી રહે છે. ફિલ્મના પ્રથમ શૉટમાં ફર્ન વૅન લઈને નીકળી પડે છે અને છેલ્લાં શૉટમાં પણ વૅનમાં નીકળી પડે છે. સામે અનંત રસ્તો. અજાણ્યા ગંતવ્ય ભણી પરંતુ મુક્તિ ભણી દોડતો.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ : ૧૯૪૮માં ઈમીગ્રેશન ઍન્ડ નૅચરલાઈઝેશન સર્વિસના એક ઈન્ટૅરોગેટરને જવાબ આપતા ચાર્લી ચૅપલિને કહ્યું હતું, “અન્યોની માફક હું પણ મારી જાતને એટલો જ અમૅરિકાનો નાગરિક માનું છું અને મને આ મહાન દેશ માટે મોટો પ્રેમ છે … પરંતુ હું કોઈ એક ખાસ દેશને જ વરેલો હોઉ એમ જણાતું નથી. મને લાગે છે હું વિશ્વનો નાગરિક છું. મને થાય છે કે એક દિવસ આવશે જ્યારે બધાં અવરોધો મટી જશે અને લોકો વિશ્વ આખામાં આવજા કરી શકશે અને કોઈ પણ દેશનો હિસ્સો બની શકશે. મને નાગરિકતાના સંદર્ભમાં હંમેશાં આમ લાગ્યું છે.”

~

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

28 June 2021 admin
← સ્વિસ બૅંક ફરતે જેટલું રહસ્ય ખડું કરવામાં આવે છે, તેની વાસ્તવિકતા એટલી પેચીદી નથી
સારાસાર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved