એ આવકાર્ય છે કે વિસ્તૃત મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓમાં ગુજરાતના સાત મંત્રીઓ છે. અમિત શાહ તો ગૃહ મંત્રી હતા જ તેમને વધારાનું સહકાર ખાતું સોંપાયું છે. એમનો સહકારી સંસ્થાઓને કેવો સહકાર મળે છે તે જોવાનું રહે. એસ. જયશંકર વિદેશ મંત્રી છે જ, પણ પુરુષોત્તમ રૂપાલા રાજ્ય મંત્રી હતા, તેમને મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરીનો હવાલો સોંપી કેબિનેટમાં સ્થાન અપાયું છે તો મનસુખ માંડવિયાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું ફાળવાયું છે, એટલું જ નહીં, કેમિકલ અને ફર્ટિલાઇઝર્સનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. 1995માં શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શરૂઆત કરીને ત્રણ વખત સુરતના સાંસદ તરીકે ચૂંટાનાર દર્શના જરદોશને ટેક્સટાઇલ અને રેલવેના રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાયાં છે તે સુરત માટે ગૌરવની વાત છે. તેઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગથી પરિચિત છે ને વખતોવખત કોરોના કાળમાં તેના પ્રશ્નો વિષે સક્રિયતા પણ દાખવી ચૂક્યાં છે, એટલે તેમની પસંદગી યોગ્ય થઈ લાગે છે. સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત વર્ષોથી ચાલે છે, પણ અત્યારે તો તે વર્લ્ડમાં કોઈ ક્લાસ ન હોય એવું જ છે, ઈચ્છીએ કે દર્શના જરદોશ રેલવે સાથે સંકળાયાં છે તો એ દિશામાં પણ કૈં થાય. ટૂંકમાં, તેમની પાસેથી અપેક્ષાઓ હવે વધી છે. આ ઉપરાંત ગુજરાતના ડો. મહેન્દ્ર મુંજપરાને મહિલા અને બાળવિકાસ તથા આયુષના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે તો દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના દૂરસંચાર મંત્રી બનાવાયા છે. આ ફેરફારો આકસ્મિક નથી, પણ ચોક્કસ ગણતરીને આભારી છે. આવતે વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ આવી રહી છે એટલે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અનુક્રમે આઠ અને સાત મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવાયા છે. અપના દળના અનુપ્રિયા પટેલનો વાણિજ્ય અને ઉદ્યોગના રાજ્ય મંત્રી તરીકેનો સમાવેશ પણ મહત્ત્વનો છે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષી એકતા થઈ નથી, એ સ્થિતિમાં અનુપ્રિયાનો મંત્રીમંડળમાં સમાવેશ ઉત્તર પ્રદેશનો ચૂંટણી જંગ જીતવાનો એક પ્રયત્ન હોઈ શકે છે. કેન્દ્રીય મશીનરી કામે લગાડવા છતાં પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ના હાથમાંથી ગયું જ. એનું પુનરાવર્તન ઉત્તર.પ્રદેશમાં ન થાય તેનો પૂરતો વિચાર મંત્રીમંડળનાં વિસ્તરણ વખતે કરાયો લાગે છે. રાજયોની ચૂંટણીઓ જીતવાનું ગણતરીપૂર્વક્નું આયોજન કરવાની સાથે જ મંત્રીમંડળમાં 25 રાજ્યોનું પ્રતિનિધિત્વ થયું છે તેમાં પણ બધાંને રાજી રાખવાનો પ્રયત્ન જણાઈ આવે છે.

courtesy : Manjul, the cartoonist
મંત્રીમંડળમાં 43 મંત્રીઓએ શપથ લીધા જેમાં 15 કેબિનેટ કક્ષાના તો 28 રાજ્યકક્ષાના છે. આ ઉપરાંત મંત્રીમંડળ પર હવે અભણ કે વૃદ્ધ મંત્રીઓનો ચાર્જ મૂકી શકાય એમ નથી, કારણ કુલ 78 મંત્રીઓમાંથી 68 મંત્રીઓ પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ છે ને તેમાંના કેટલાક તો ડોકટર, વકીલ, એન્જિનિયર છે તો કેટલાક પીએચ.ડીની ડિગ્રીઓ પણ ધરાવે છે. વિસ્તરણમાં 36 નવા ચહેરાઓ ઉમેરાયા છે જેમાંના 7 એકલા ઉત્તર પ્રદેશના છે. એ સાથે જ ઉત્તર પ્રદેશના જ કુલ 16 મંત્રીઓ થયા છે. લોકસભા સીટની દૃષ્ટિએ ગુજરાતની 26 લોકસભા સીટ છે જ્યાંથી 7 મંત્રીઓ આવ્યા છે એ રીતે વધુ ટકાવારી ગુજરાતની ગણાય. અગાઉ સૌથી ઓછી ઉંમર(38)ના મંત્રીનો યશ સ્મૃતિ ઈરાનીને મળેલો. એ સ્થિતિ બદલાઈ છે અને સૌથી ઓછી ઉંમર(35)ના મંત્રીનો યશ નિશીથ પ્રમાણિકને મળ્યો છે. આમ તો 14 મંત્રીઓ એવા છે જે 50થી ઓછી ઉંમર ધરાવે છે એ જોતાં ઉંમરનો રેશિયો અગાઉ 59.80 હતો તે 58 થતાં લગભગ બે ટકા ઘટ્યો છે. વર્તમાન કેબિનેટમાં 89.50 ટકા મંત્રીઓ કરોડપતિ છે, જેમાં સૌથી વધુ સંપત્તિ (379 કરોડ) નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે છે, તો સૌથી ઓછી સંપત્તિ (6.42 લાખ) પ્રતિમા ભૌમિક પાસે છે. એ રીતે 2019નો કરોડપતિ મંત્રીઓનો રેશિયો પણ 91 પરથી દોઢ ટકા ઘટ્યો છે. કેબિનેટમાં 11 મંત્રીઓ મહિલાઓ છે જે 9 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓનાં પ્રતિનિધિત્વ ઉપરાંત જ્ઞાતિ સમીકરણનો પણ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 27 ઓ.બી.સી., બાર દલિત અને 8 આદિવાસી મંત્રીઓ છે એટલે એમ લાગે છે કે આ વખતે તમામ જાતિ-વર્ગને સંતોષ થાય એવું મંત્રીમંડળ રચાયું છે.
એ પણ સારું થયું કે ડો. હર્ષવર્ધન પાસેથી આરોગ્યખાતું આંચકી લેવાયું, કારણ કોરોના મહામારીમાં બીજી લહેર વખતની તેમની ઉદાસીનતા આંખે ઊડીને વળગે તેવી હતી. આ ઉપરાંત 216 કરોડ ડોઝ રસીના ઉપલબ્ધ થવાની વાત કરીને એમણે 135 કરોડ ડોઝ જ ઉપલબ્ધ થવાની વાત કરી એ ઠીક ન થયું. 81 કરોડ ડોઝ ઓછા થવા પાછળનો તર્ક ગળે ઊતરે તેવો ન હતો. હર્ષવર્ધન આ રીતે બીજી વખત પડતા મૂકાયા છે તે સૂચક છે. હવે આરોગ્ય ખાતું મનસુખ માંડવિયાને સોંપાયું છે એટલે તેમની સામે પણ પડકાર તો છે જ. ત્રીજી લહેર આવી તો તેમની કામગીરીની કસોટી થાય તો નવાઈ નહીં. પેટ્રોલિયમ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી લઈને હરદીપસિંહ પૂરીને અપાયું છે. ઈંધણના ભાવ મનસ્વી રીતે વધતા રહ્યા છે ને ધર્મેન્દ્ર પ્રધાને તો સાફ કહ્યું પણ હતું કે ઈંધણના ભાવ ઘટાડવાનો સરકારનો ઇરાદો નથી. એ ધર્મેન્દ્ર પ્રધાન નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી બન્યા છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ હતા, તેમની પાસેથી શિક્ષણ મંત્રાલય લઈ લેવાયું છે, એ પરથી એમ લાગે છે કે નવી શિક્ષણનીતિમાં વડા પ્રધાનનું યોગદાન જ કદાચ સૌથી વધુ છે. એ જો પોખરિયાલની જ નીપજ હોત તો શિક્ષણખાતું તેમની પાસેથી લેવાયું ન હોત. જો કે, પોખરિયાલે રાજીનામું આપવા પાછળ નબળાં સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે. એ સાચું હોય તો શિક્ષણખાતું છોડવાનું વાજબી લેખાય. તેમનું ખાતું ધર્મેન્દ્ર પ્રધાન પાસે આવ્યું છે ને નવી શિક્ષણનીતિ લાગુ થવા જઈ જ રહી છે, તો તેમને ભાગે બહુ કામ કદાચ નહીં આવે એમ બને, પણ તેમણે છોડેલું પેટ્રોલિયમ ખાતું હરદીપસિંહની કસોટી કરે એમ બને. જો ઈંધણના ભાવ ઘટાડવામાં સફળ નહીં થાય તો વિપક્ષનો અને જનતાનો સામનો કરવાનો તેમને આવશે. જો કે, છાશવારે ભ્રામક પેકેજો જાહેર કરનારાં અને 75 + સિનિયર્સને રિટર્ન ફાઇલ ન કરવાનું કહીને કરની જવાબદારી ઊભી રાખનારાં નિર્મલા સીતારામનને છેડ્યાં નથી એનું આશ્ચર્ય થાય છે. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર જેવા સિનિયર મંત્રીઓ સહિત કુલ 12 મંત્રીઓના રાજીનામાં પડ્યાં છે એ પરથી એમ લાગે છે કે વડા પ્રધાને મંત્રીઓની કામગીરી પર નજર રાખી છે ને જે મંત્રીઓ નિષ્ક્રિય કે નબળા રહ્યા છે કે વિવાદમાં ફસાયા છે એમને મંત્રીપદ છોડાવ્યું છે. અહીં વડા પ્રધાનનું ખમીર બોલતું હોવાનું કોઈને સંભળાય તો નવાઈ નહીં.

સાચુંખોટું તો વડા પ્રધાન જાણે પણ તેમને વિષે એવું કહેવાય છે કે તેમની અગાઉની સરકારે જે વિદેશી દેવાં બાકી રાખેલાં એ દેવાં ચૂકવવામાં ભાવ વધારો તેમણે ખપમાં લીધો છે. આગલી સરકારે દેવું કરીને કાચું તેલ ખરીદ્યું ને ઈંધણના ભાવ વધવા ન દીધા, ઉપરથી 2,50,000 કરોડની લોન લીધી જેનું દર વર્ષે વ્યાજ 25,000 કરોડ થતું હતું. વડા પ્રધાનના કહેવા મુજબ આગલી સરકારનું દેવું ચૂકવવાની જવાબદારી તેમની સરકાર પર આવી. જો કે 2,50,000 કરોડનું દેવું તેમની સરકારે ચૂકવી દીધું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સંરક્ષણ, રેલવે, વીજળી જેવી ઘણી બાબતો માટેના ખર્ચ હાલની સરકારે ભોગવવાના આવ્યા છે. એ બધો ખર્ચ ઈંધણના ભાવ વધારામાંથી કઢાયો હોવાનું કહેવાય છે. આ બધું વડા પ્રધાનને નામે કોઇકે ચલાવ્યું હોય એ શક્ય છે. આ સાચું માનીએ તો પણ કેટલાક પ્રશ્નો તો રહે જ છે. જેમકે કૉન્ગ્રેસની સરકારે દેવું કરીને ઈંધણના ભાવ વધવા નથી દીધા એ સાચું નથી, કારણ છેલ્લી કૉન્ગ્રેસી સરકારના વખતમાં પણ ઈંધણના ભાવ તો વધ્યા જ છે. એ વખતે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો જ એટલા હતા કે ભાવ વધારવા જ પડે એની સામે લોકડાઉન વખતે ઈંધણના ભાવ તળિયે ગયા ને છતાં ભાવો તો વધતા જ રહ્યા ને તે પણ એવે વખતે જ્યારે લોકો પાસે આવકના કોઈ ઠેકાણાં ન હતાં. એ પણ છે કે સરકાર પાસે આવકનું આ જ એક સાધન હતું એવું ન હતું. બીજી બધી ચીજવસ્તુઓ પર, આવક પર ટેક્સ તો લાગતો જ હતો. એટલે વડા પ્રધાનનું એમ કહેવું કે ઈંધણનો ભાવ વધારો દેવું ચૂકવવામાં ગયો એ યોગ્ય લાગતું નથી. જો દેવું ચૂકવાઈ ગયું હોય તો હવે તો ઈંધણના ભાવ કાબૂમાં આવવા જોઈએ. જોઈએ, હરદીપસિંહ પૂરી તેની સાથે કેવીક બાથ ભીડે છે તે !
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે નોટબંધી, જી.એસ.ટી., 370 નાબૂદી જેવા મોટા નિર્ણયો લીધા છે, વિદેશમાં વિશ્વગુરુની હવા પણ ભારતે ઊભી કરી છે, પણ સાધારણ માણસ સુધી સરકાર ઓછી જ પહોંચી છે તે હકીકત છે. આવકનાં ઠેકાણાં નથી ને દૂધથી માંડીને પેટ્રોલ સુધીની બધી જ વસ્તુઓ મોંઘી છે. પ્રજા લૂંટાયેલી છે ને વધુ લૂંટાઈ રહી છે, આવું હોય ત્યારે સરકાર પાસેથી સાધારણ માણસ ભીખની નહીં, પણ રાહતની આશા તો રાખે. એ રાહત ન થાય તો લૂંટનારા બદલાયા છે ને લૂંટ ચાલુ છે, એમ જ પ્રજાએ માનવાનું રહે. ઈચ્છીએ કે મોટું પ્રધાનમંડળ ખોટું સાબિત ન થાય અને કમસેકમ મત મેળવવા જેટલી ગરજ તો એ રાખે જ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જુલાઈ 2021
![]()


કોરોના કાળમાં, દુનિયાના ૧૦ ધનવાન માણસોની સંપત્તિમાં ૪૫૦ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ રકમ એટલી મોટી છે કે તેની મદદ મળે તો દુનિયાના ગરીબ લોકો કોરોનાના કારણે પાયમાલ થતાં બચી જાય અને વધારામાં તે સૌને વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે. વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી માટે કામ કરતી ૨૦ સખાવતી સંસ્થાઓનાં સંગઠન ઓક્સફામના અહેવાલ પ્રમાણે, મહામારીના આ સમયમાં ભારતના ધનિકોની સંપત્તિમાં પણ ૩૫ ટકાનો વધારો થયો છે. આ ધનવાનો ધારે તો ભારતના ૧૩ કરોડ ગરીબ લોકોને ૯૪ હજાર રૂપિયાનો ચેક આપી શકે.