પરમ ચેતનાને ઉજાગર કરવાની રાત : મહા શિવરાત્રી
હૈયાને દરબાર
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે उत्सवप्रिय: जना:। ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવ અને તહેવાર પાછળ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય માહાત્મ્ય જોડાયેલાં છે. રોજિંદા અને સતત શ્રમથી માનવજીવન કંટાળા સ્વરૂપ, નિર્જીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ, રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃતતત્ત્વ અથવા સંજીવની છે.
આજે મહા શિવરાત્રી છે. કહેવાય છે કે શિવરાત્રીએ ખગોળીય દ્રષ્ટિએ ગ્રહોની સ્થિતિ એવી રીતે ગોઠવાય છે જેનાથી માનવીય ઉર્જામાં આપોઆપ વૃદ્ધિ થાય છે. આ રાત્રિએ કુદરત મનુષ્યને આધ્યાત્મિકતાની ચરમ સીમાનો અનુભવ કરાવે છે. શિવરાત્રીના જાગરણ ઉજવવાનું કારણ એ જ છે કે જાગ્રત રહો. પરમ ચેતનાને પામવા સજાગ રહો. કેટલા ય શિવભક્તો આખી રાત જાગીને સંગીત-નૃત્ય-ઉમંગમાં તરબોળ થાય છે.
ભારતના તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે ઋતુવિષયક પરિવર્તનની જાણકારી, વાર્તા અને ઇતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાના, સામાજિક તહેવારો લોકોમાં પ્રેમભાવ, સ્નેહ, સામાજિક સેવાઓના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કાકાસાહેબના શબ્દોમાં ફરી કહીએ તો, તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીયે છીએ, વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ, ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરું છે.
મહા શિવરાત્રી એ નકારાત્મકતા પર વિજય મેળવવાનું પર્વ છે. કહેવાય છે કે પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રીએ ભગવાન શંકરનાં ભજનો, શ્લોકો, મંત્રો દ્વારા મહાદેવની આરાધના કરવામાં આવે છે પરંતુ આજે એવી એક રચનાની વાત કરવી છે જેમાં કોઈ ધાર્મિક દ્રષ્ટિકોણ નથી.
હજારો વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય દ્વારા ’આત્મષટ્કમ્’ જે ’નિર્વાણષટ્કમ્’ પણ કહેવાય છે – એની રચના કરવામાં આવી હતી. આજે પણ આ શ્લોકો શ્રોતાઓને મોહિત કરે છે. મનુષ્યને રાગ અને રંગોથી ઉપરના પરિમાણમાં લઈ જાય છે. નિર્વાણષટ્કમનો મૂળ ભાવ વૈરાગ્ય છે. સ્થિતપ્રજ્ઞ અવસ્થા પણ એ કહી શકાય. આ મંત્રગાન આપણા અંતરંગ અસ્તિત્વના ઊંડાણમાં હલચલ પેદા કરી શકે છે. નિર્વાણ એટલે ’નિરાકાર’. પંચતત્ત્વોમાં વિલીન થઈ જવું. ’નિર્વાણષટ્કમ્’ કહે છે – તમારે આ કે તે બનવું નથી. હવે તમે આ અથવા તે બનવા માંગતા નથી, તો તમે શું બનવા માંગો છો? માનવમન આ સમજી શકતું નથી કારણ કે માણસ હંમેશાં કંઈક ને કંઈક તો બનવા માગે જ છે. તો શું એ રિક્તતા છે, શૂન્યતા છે?
મહા શિવરાત્રી મનુષ્યમાં રહેલી શૂન્યતા – જે સમગ્ર સર્જનનો સ્રોત છે – એને અનુભવવાની તક છે. આત્મ જાગૃતિની અવસ્થા છે. શિવ એટલે કલ્યાણ. કહેવાય છે શિવ રાત્રિએ ભગવાન શિવજી ધ્યાનાવસ્થામાં હોય છે. મહા શિવરાત્રીની રાત સૌથી અંધકારમય ગણાય છે. પરિણામે પૃથ્વી પરનાં નકારાત્મક પરિબળોનો પ્રભાવ વધી જવાથી
દરેક મનુષ્યે એના પ્રતિકાર માટે આખી રાત ધ્યાન – મંત્રોપાસના દ્વારા શિવની આરાધના કરવાની હોય છે. એટલે જ આ રાત જાગરણની નહીં જાગ્રત થવાની રાત છે. આ જાગૃતિ આપણા વેદ-ઉપનિષદ અને ભગવદ્દ ગીતામાં સરસ રીતે સમજાવાઈ છે. ’આત્મષટ્કમ્’માં પણ એ અત્યંત સહજ રીતે કહેવાઈ છે.
એક કથા મુજબ, ’આત્મષટ્કમ્’ના રચયિતા આદિ ગુરુ શંકરાચાર્ય બાલ્યાવસ્થામાં જ માતાની અનુમતિથી સન્યાસી બની સતગુરુની શોધમાં નીકળી પડ્યા હતા. ગુરુની શોધમાં ચાલતાં ચાલતાં નર્મદા તટે પહોંચ્યા. એ વખતે નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. બાળ શંકરાચાર્યને નદી પાર કરવાની હતી. બાળ શંકરે કમંડળ આગળ ધર્યું અને આશ્ચર્યજનક રીતે પૂરનું બધું પાણી કમંડળમાં સમાઈ ગયું. નદી પાર કરીને શંકરાચાર્યે કમંડળનું પાણી ફરીથી નર્મદામાં નાંખી દીધું તો નદી ફરીથી ઉછળવા લાગી. આ દ્રશ્ય ત્યાં બેઠેલા ઋષિ ગોવિંદ ભગવત્પાદે કૌતુકવશ જોયું. એમણે બાળકને પૂછ્યું કે, "તું કોણ છે?" એનો ઉત્તર બાલ શંકરાચાર્યે છ શ્લોકોના પદ્ય સ્વરૂપે આપ્યો જે ’આત્મષટ્કમ્’ અથવા ’નિર્વાણષટ્કમ્’ તરીકે ઓળખાયો.
અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોનો પછીથી ખૂબ પ્રચાર કરનારા શંકરાચાર્યના આ છ શ્લોકોમાં આ જ સિદ્ધાંતોની ઝલક છે. શંકરાચાર્યનો ઉત્તર સાંભળીને ઋષિ સમજી ગયા કે જ્ઞાન આપવા માટે આ બાળક યોગ્ય છે અને શંકરને એમણે પોતાનો શિષ્ય બનાવી લીધો હતો.
આદિ ગુરુ શંકરાચાર્યે રચેલું ’આત્મષટ્કમ્’ ગૂઢ છતાં સરળ છે. મૂળ સંસ્કૃતમાં રચાયેલા આત્મષટ્કમ્નો ગુજરાતી અનુવાદ સાહિત્યકાર-લેખક જયન્ત પંડ્યાએ બહુ સરળ – સહજ ભાષામાં કર્યો છે. મારી ધારણા મુજબ ગુજરાતી ભાષામાં આ એક માત્ર અનુવાદ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે કાલિદાસકૃત ’મેઘદૂત’ અને ગ્રીક કવિ હોમર કૃત મહાકાવ્ય ’ઈલિયડ’ના સમશ્લોકી અનુવાદ કરનાર જયન્ત પંડ્યાને આ અધાર્મિક રચના અનુવાદ માટે શ્રેષ્ઠ લાગી હશે.
અમારા ઘરમાં પહેલેથી માનવ ધર્મને જ પ્રાથમિકતા આપવામાં આવી છે. ધર્મને અમે સૂક્ષ્મ અર્થમાં જ સમજ્યો છે. ઈશ્વરને કુદરત સ્વરૂપે જ પૂજ્યા છે. અંધશ્રદ્ધા અને ખોટાં રીત-રિવાજોને સ્થાને સત્કર્મને જ પ્રાધાન્ય અપાતું જોયું છે. એટલે આજના આ મહાપર્વે આ ઉત્તમ કૃતિ વાચકો સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ. આમે ય વેદ-ઉપનિષદ-ગીતાના શ્લોકો અને શાસ્ત્રોક્ત શિવસ્તુતિઓ અમને વિશેષ આકર્ષે છે. આપણા આલા દરજ્જાના સ્વરકાર-ગાયક આશિત દેસાઈના કંઠે આ સ્તુતિઓ સાંભળવી એ લહાવો છે. વાગ્ગેયકાર નિનુ મઝુમદાર રચિત અદ્દભુત ગીત સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ: પણ ઉત્તમ શિવસ્તુતિ છે. ઉદય મઝુમદાર એ સરસ પ્રસ્તુત કરે છે. પરંતુ, આજની રચના સાહિત્યિક કૃતિઓથી સાવ અલગ છે, એટલે જ એનું મહત્ત્વ વધી જાય છે. ’આત્મષટ્કમ્’ સંસ્કૃતમાં પંડિત સંજીવ અભ્યંકર સહિત અનેક કલાકારોએ ગાયું છે. ગુજરાતીમાં પિતાશ્રી જયન્ત પંડ્યાએ શિખરિણી છંદમાં શીખવ્યું હતું પરંતુ, પ્રયોગરૂપે એમના સંગીતપ્રેમી પુત્ર અસીમ પંડ્યાએ રાગ બૈરાગીમાં સ્વરબદ્ધ કર્યું અને યુવા કલાકાર રિષભ કાપડિયાએ રાગ બૈરાગીમાં જ ગાયું છે. ઉત્તમ શબ્દો અને સવારના ધીર ગંભીર રાગ બૈરાગીમાં તો આ રચના નિખરી ઊઠે છે છતાં કોઈ સિદ્ધહસ્ત સંગીતકાર આ ગુજરાતી ’આત્મષટ્કમ્’ સ્વરબદ્ધ કરે તો અનેક ગુજરાતીઓ એ આસાનીથી સમજીને ગાઈ શકે. એ રીતે આ કૃતિ કોઈ ગુજરાતી સ્વરકારના ઈન્તજારમાં છે.
https://www.youtube.com/watch?v=xkp5gSb3-NU
’આત્મષટ્કમ્’ને સ્થૂળ અર્થમાં જોઈએ તો એનો અર્થ એ છે કે ચિદાનંદ રૂપે પરમાત્મા શિવ જ સર્વત્ર વિદ્યમાન છે. પરંતુ સૂક્ષ્મ સાર એ છે કે હું સુખ-દુ:ખ નથી, હું પાપ-પુણ્ય નથી કે નથી લોભ-મોહ. પરમ આનંદ સ્વરૂપે હું માત્ર કલ્યાણકારી આત્મા છું. દરેક પંક્તિએ એમાં ગૂઢ અર્થ સમાયેલો છે. મનુષ્ય આ શ્લોકોનું મનન-ચિંતન હંમેશાં કરે તો આધ્યાત્મિક પથ ઉપર એ અવશ્ય આગળ વધી શકે છે.
સદગુરુ કહેતા હોય છે કે આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ-ફરીએ છીએ એ જ આનંદ છે. યોગ-સાધના-અધ્યાત્મ મનુષ્યને આંતરિક સ્તરે જાગૃત કરીને પરમ તત્ત્વ સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. એ સ્થિતિ ચિદાનંદ રૂપે શિવોહમ્ની સ્થિતિ છે. મહા શિવરાત્રીએ આવી પરમ ચેતના અને પરમ આનંદ સૌમાં જાગ્રત થાય એવી અભ્યર્થના.
————-
ન હું ચિત્ત બુદ્ધિ મનસ્ કે અહં ના
નથી કાન જિહ્વા ન હું નેત્ર નાક
ન આકાશ ભૂમિ ન વાયુ ન અગ્નિ
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
ન હું પ્રાણ સંજ્ઞા, ન પંચાનિલો હું
નહીં સપ્તધાતુ, ન વા પંચકોશ
ન વાણી ન પાણિ પદો કે ઉપસ્થ
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
ન હું રાગ-દ્વેષ, ન વા લોભ, મોહ
ન ઈર્ષા મને કે, મદે ના હું મત્ત,
નહીં ધર્મ, અર્થ, નહીં કામ, મોક્ષ
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
ન હું પાપ, પુણ્ય, નથી સુખ દુ:ખ
નહીં મંત્ર, તીર્થ, નહીં યજ્ઞ, વેદ
નથી ભોજ્ય, ભોક્તા, ન વા ભોજને હું
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
નહીં મૃત્યુ શંકા, નથી જાતિભેદ
નથી માત-તાત, ન જન્મ્યો કદીય
નથી બંધુ, મિત્ર, ગુરુ કે ન શિષ્ય
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
નિરાકાર છું હું અને નિર્વિકલ્પ
વિભુ છું સદા વ્યાપ્ત સર્વત્ર છું હું
રહું છું સમત્વે, નથી બંધ મુક્તિ
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
• રચયિતા : આદિ શંકરાચાર્ય • અનુવાદ : જયન્ત પંડ્યા
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 માર્ચ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686584
![]()


રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા : કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની પુત્રીની સ્વતંત્રતા અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય ’કોઈક’ની વેદી ઉપર હોમી દે છે?