
જન્મદિને, કરોના સમયે, ડિસેમ્બર 28, 2020
શિખરિણી
મહામારીના આ દિવસ ગણતા માસ નીકળ્યા,
હજી લાગે છે કે વરસ વધુ એકાદ ગણવું,
મને મોટી ચિંતા નિશ દિન થતી, કેમ જીવશું,
સખી, સંગે સંગે, જીવન જીવવું છે હજી ઘણું.
હજી તારી સાથે નગર ભમવા દૂર દૂરના
ઉષા સંધ્યા કેરાં કિરણ ગૂંથવાં, ભાત ભરવી
અમાસી રાત્રે સૌ ઉડુગણ તણી, ને ઘણી ઘણી
સખી, ગોષ્ઠિ મીઠી કરવી તુજ સાથે નયનથી.
હજી બાકી કૈં કૈં, ઘણું ઘણું, સખી, સાથ જીવવું,
હતાં જોયાં સ્વપ્નો સહજીવન દામ્પત્ય સુખનાં,
હતો કલ્પ્યો જે કૈં રતિ મદન ઉલ્લાસ પ્રણયે,
મળ્યું જે કૈં તેથી નથી જ નથી સંતોષ હૃદયે.
કરોનાનો કાળો સમય અણધાર્યો નકી, છતાં
સખી, તારી સાથે જીવવું મરવું એ અફર છે.
![]()


અમારા પરમ મિત્ર અને સુરેશ જોષી વર્તુંળના એક રત્ન સુનીલ કોઠારીનું ગઈ કાલે ૨૭મી ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન થયું. ભારતે એક તેજસ્વી વિદ્વાન અને સન્નિષ્ઠ નૃત્ય-સમીક્ષક તેમ જ ઇતિહાસકાર ગુમાવ્યો. ૧૯૩૩માં જન્મ, મૃત્યુ ૨૦૨૦, ૮૭ વર્ષનું આયુષ્ય.
હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે નૃત્યકલા વિશે વ્યાખ્યાન માટે બોલાવેલા. મને કહે – હું મારી નૃત્યકાર છોકરીઓને લઈને આવીશ. મેં કહેલું, સુનીલભાઈ, આ તો ગામડું છે. તો કહે, ભલે ને મશ્કરીઓ કરે, બીજું શું કરશે. અને વડોદરાની મ્યુઝિક કૉલેજની ચારેક વિદ્યાર્થિનીઓ વડે મુદ્રાઓ અને અંગભંગિઓના લાઇવ દૃષ્ટાન્તો સાથે સરસ વ્યાખ્યાન કરેલું. મશ્કરી કરનારા હશે પણ સદ્ વિદ્યાના પ્રતાપે સ્તબ્ધ બલકે શાણા થઈને જોતા-સાંભળતા હતા.