ઇંદિરા ગાંધીની વડા પ્રધાન તરીકેની વૉશિંગ્ટન યાત્રાની પૂર્વસંધ્યાએ અમેરિકાસ્થિત ભારતીય રાજદૂતને અમેરિકાના પ્રમુખ લિન્ડડન બી. જૉન્સને પ્રશ્ન કર્યો હતો, ‘તમારાં વડાં પ્રધાનને કેવું સંબોધન ગમશે? શ્રીમતી ગાંધી? કે મેડમ પ્રાઇમ મિનિસ્ટર?’ રાજદૂતે આ પ્રશ્ન નવી દિલ્હી મોકલી આપ્યો અને વડાં પ્રધાને જવાબ આપ્યો કે ‘મારા કેબિનેટ પ્રધાનો મને સામાન્ય રીતે ‘સર’ કહીને સંબોધે છે.’
ગયા સપ્તાહે ભાગ્યે જ જોવા મળતી એક ટી.વી. ચેનલ પર ભાગ્યે જ જોવા મળતો કાર્યક્રમ જી.ડી.પી.ના ખતરનાક આંકડા વિશેનો હતો. ચર્ચામાં એક તબકકે સમાજવાદી પક્ષના એક પ્રવકતાએ ભારતીય જનતા પક્ષના પ્રવકતાને પૂછી કાઢ્યું, ‘કેન્દ્રના કૃષિપ્રધાન કોણ છે?’ જે ક્ષેત્રમાં મોટા ભાગના નાગરિકો કામ કરતા હોય અથવા જેની સાથે સંકળાયેલા હોય, તેના પ્રધાન વિશે શાસક પક્ષના પ્રવકતાને ખબર જ હોવી જોઈએ કે નહીં? પણ કેન્દ્રમાં સત્તાધારી ભા.જ.પ.ના પ્રવકતાને ખબર ન હતી કે દેશના કૃષિપ્રધાન કોણ છે! કરુણ હકીકત એ છે કે તેમને તે જાણવાનું જરૂરી લાગ્યું ન હતું. ૧૯૭૦ના દાયકામાં કૉન્ગ્રેસીઓ માટે ‘ઇંદિરા! ઇંદિરા! ઇંદિરા!’માં જ બધું સમાપ્ત થઈ જતું હતું. આજે ભા.જ.પ.ના સભ્યો માટે ‘મોદી! મોદી! મોદી!’માં જ બધું પૂરું થઈ જાય છે.
૨૦૧૩-૧૪ના શિયાળામાં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની ઉમેદવારી માટેની ઝુંબેશ શરૂ કરી ત્યારે તેમનો મુખ્ય સૂર એ હતો કે ‘અત્યારનું શાસન નબળું છે. હું મજબૂત છું.’ વાત સાચી હતી. પોતાના શાસનની બીજી મુદ્દતમાં ડો. મનમોહન સિંઘની ગાંધીની (પરિવાર) ભકિત માઝા મૂકતી હતી. તે અનિર્ણયના કેદી હતા. તે કહેતા કે વડા પ્રધાનપદ માટે રાહુલ ગાંધી જ શ્રેષ્ઠ છે. હકીકત એ હતી કે રાજીવ-સોનિયાના પુત્ર હોવા સિવાય રાહુલમાં વડા પ્રધાનની બીજી કોઇ લાયકાત ન હતી. એ તકનો લાભ લઇ નરેન્દ્ર મોદીએ પોતાની છપ્પન ઇંચની છાતીનો પ્રચાર ચાલુ કરી દીધો. તે ભારતને જેવી જરૂર હતી એવા મજબૂત, અત્યંત મજબૂત બનશે, તેમનો દાવો હતો. એ દાવા સાથે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪ની ચૂંટણી જીતી ગયા, પણ તેમની મજબૂતીની છાપ વડા પ્રધાન તરીકેની તેમની ફરજ બજાવવામાં કામ લાગી?
દેશ સમક્ષ આવતી રહેલી એક પછી એક કટોકટી અને તેમાં વડા પ્રધાનની ભૂમિકા જોતાં, એ સવાલનો જવાબ છેઃ ના. આમાંની મોટા ભાગની કટોકટી એકહથ્થુતામાંથી – પોતાની ધોરાજી હાંકવામાંથી પેદા થઈ હતી! મંત્રીમંડળ, અમલદારશાહી અને ખુદ રાષ્ટ્ર એક વ્યકિતના આપખુદ નિર્ણયને કારણે બાનમાં પકડાયાં. કેબિનેટ પદ્ધતિથી કામ થતું હોય ત્યાં વડા પ્રધાનના વડપણ હેઠળ પ્રધાનો પોતે સંબંધિત નિર્ણય બદલ જવાબદાર ગણાય. એ આદર્શ છે, પણ વ્યવહારમાં નરેન્દ્ર મોદીની પ્રથમ મુદ્દત દરમિયાન કોઈ પણ મંત્રીને કોઈ જાતની સ્વાયત્તતા મળી નહીં. અરે, વડા પ્રધાને એકપક્ષી રીતે નકકી કરેલી મોટી અને મહત્ત્વની આર્થિક નીતિઓ અંગે ખુદ નાણાં પ્રધાન અંધારામાં હતા. ભારતીયો મુસીબતમાં હતા ત્યારે બાહોશ અને હોંશિયાર રાજકારણી તરીકે પંકાયેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વીટર પર તેમને ટેકો આપીને સંતોષ માનવો પડ્યો હતો. વડા પ્રધાન તરીકેની મોદીની બીજી વારની મુદ્દતમાં માત્ર ગૃહ મંત્રાલયને આંશિક સ્વાયત્તતા છે. બીજા કોઈ ખાતાને એ લાગુ પડતી નથી.
તમામ મહત્ત્વની નીતિઓ વડા પ્રધાનના કાર્યાલયમાં ઘડાય છે અને અમલ માટે બહાર પડે છે. બંધુ સમુંસૂતરું પાર ઊતરે તો યશ ખાટવા વડા પ્રધાન તૈયાર છે જ, નહીં તો વિપક્ષી શાસન હેઠળની રાજ્ય સરકારો, નેહરુની ઉદારમતવાદિતા, શહેરી નકસલવાદીઓ અને છેલ્લે બન્યું છે તેમ ખુદ ભગવાનને દોષ દઈ દેવામાં આવે છે. ભારતીય જનતા પક્ષના પહેલા વડા પ્રધાન અટલબિહારી વાજપેયી આવા આપખુદ ન હતા. તેમના પ્રધાનો અડવાણી, યશવંત સિંહા, મુરલી મનોહર જોષી, જશવંત સિંઘ, પ્રમોદ મહાજન, અરુણ શૌરી, સુષ્મા સ્વરાજ વગેરે સૌ પોતપોતાના કામમાં સ્વાયત્તતા ભોગવતાં હતાં. ભા.જ.પ.ના ન હોય તેવા પ્રધાનો જયોર્જ ફર્નાન્ડીઝ અને મમતા બેનરજીને પણ કામ કરવાની મોકળાશ હતી. સલાહમસલતથી કામ કરવાની કુનેહને કારણે વાજપેયી શાસને આર્થિક બાબતો, સંરક્ષણની સજ્જતા વગેરે જેવાં કેટલાંક સૌથી મહત્ત્વનાં ક્ષેત્રોમાં મોદીના ભારત કરતાં વધુ સારી કામગીરી કરી હતી.
અગાઉ નહેરુ પણ સરદાર પટેલ, સી. રાજગોપાલાચારી, રાજકુમારી અમૃતકૌર, મૌલાના આઝાદ વગેરે સાથે સલાહમસલતથી કામ કરતા હતા. ૧૯૫૨માં નેહરુની વડા પ્રધાનપદની બીજી મુદ્દત શરૂ થઇ હતી, તે વખતે સરદાર પટેલ હયાત ન હતા, ડૉ. આંબેડકરે સરકાર છોડી દીધી હતી. મૌલાના આઝાદ અને અમૃતકૌર હતાં, જ્યારે રાજાજી જેવા શકિતશાળી કૉન્ગ્રેસીઓ રાજ્યોમાં સત્તાધારી પદ પર હતા. નેહરુને તેમના વિશે ખાસ્સું માન હતું.
નેહરુની સત્તાકાળની બીજી મુદ્દત પહેલી મુદ્દત જેટલી અસરકારક ન હતી. તેમ સાવ સિદ્ધિ વગરની પણ ન હતી. શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ મળી હતી પણ મુદ્દતનું છેલ્લું વર્ષ તેમના માટે અને દેશને માટે નિરાશાજનક રહ્યું. નેહરુની સમકક્ષ ગણાતા મોટા ભાગના નેતાઓ ગુજરી ગયા હતા અથવા વિરોધ પક્ષમાં ચાલ્યા ગયા હતા. નેહરુને પૂછનાર, સલાહ આપનાર કે વિરોધ કરનાર ભાગ્યે જ કોઈ રહ્યું. જે કોઈ હતા તે નહેરુથી નાની ઉંમરના હતા. પરિણામે ૧૯૫૯માં કેરળની ચૂંટાયેલી સરકારને બરતરફ કરવા જેવા અને ૧૯૬૨માં ચીનના હાથે લપડાક ખાવા જેવા ભયંકર ભૂલભરેલા બનાવ બન્યા.
ઇંદિરા ગાંધીની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પ્રધાનો પાસેથી સંપૂર્ણ શરણાગતિ માંગે છે અને આ પ્રધાનો ઝૂકવાનું કહેતાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે – વડાપ્રધાનની આરતી ઉતારે છે. વાજપેયીએ કે નેહરુએ પોતાના પ્રધાનો પાસેથી આવી કલ્પના નહીં કરી હોય.
નરેન્દ્ર મોદીની જાહેર છાપ એક આપખુદ તરીકેની ઉપસી છે. પણ તેમની અંગત છાપ તેની સાથે મેળ ખાય છે? ૫૬ ઇંચની છાતીવાળા બંકાએ પત્રકારો સમક્ષ આવવામાં શા માટે ડરવું જોઇએ? છ-છ વર્ષથી તેમણે એક પણ પત્રકાર પરિષદ બોલાવી છે, જેમાં પત્રકારો પૂછે અને તેઓ તેના બેધડક જવાબ આપે? મોદી પક્ષ પર, પ્રધાનમંડળ પર અને સરકાર પર છવાઈ જવા જેટલા મજબૂત તો છે જ. નહીં તો મગજમાં આવેલી ધૂન પ્રમાણે ઘડાયેલી નોટબંધી અને બેદરકારીથી બનેલી જી.એસ.ટી. નીતિ કેવી રીતે અમલમાં આવે? કોરોના મહામારીના પ્રારંભમાં લૉક ડાઉન કેવી રીતે થાય? કોઇ બુદ્ધિશાળીએ તેમને સલાહ જ નહીં આપી? ના, એવા લોકોને અવગણવામાં આવ્યા. ચીન સાથેનાં મોદીનાં વ્યવહારની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ભારતની પારંપરિક તટસ્થતાની પણ કિંમત ચૂકવવી પડતી હોય છે.
મોદીએ, હા, મજબૂત વડા પ્રધાન મોદીએ દેશના અર્થતંત્રનું સત્યાનાશ કાઢયું છે અને છિન્નભિન્ન થતા સામાજિક તાણાવાણા પર વધુ પ્રહાર કર્યા છે. વિશ્વમાં ભારતની આબરૂના લીરેલીરા ઊડી રહ્યા છે. કોરોના આપણા દેશમાં આવ્યો તે પહેલાં દેશનું ધનોતપનોત નીકળી રહ્યું હતું. પોતાની બીજી મુદ્દતમાં મનમોહન સિંઘ નબળા વડાપ્રધાન હતા. દેશે તેની પણ કિંમત ચૂકવી હતી અને જેઓે આશા રાખતા હતા કે નિર્ણાયક અને મજબૂત મનોબળવાળા વડા પ્રધાનથી દેશનો ઉદ્ધાર થશે, તેમને પણ હવે જવાબ મળી ગયો છે. નબળા વડા પ્રધાન દેશ માટે જોખમી છે, તો વધુ પડતા મજબૂત વડાપ્રધાન દેશ માટે વધુ જોખમી છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 02-03