સંસદનું બજેટ સત્ર તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શરૂ થયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના આગલા દિવસે જ કોરોના મહામારી આંતરરાષ્ટ્રીય ચિંતાની બાબત હોવાની જાહેરાત કરી હતી. સંસદનું બજેટ સત્ર ૨ એપ્રિલ સુધી ચાલુ રહેવાનું હતું. પરંતુ માર્ચ ૨૩ના રોજ અનિશ્ચિતકાળ સુધી તે મોકૂફ રખાયું છે અને તેને જીવંત કરવાના કોઈ લક્ષણો દેખાતાં નથી.
મહામારીના આ કટોકટી સમયમાં અન્ય દેશોની સંસદોએ શું કર્યું તે જાણવા જેવું છે. બ્રિટન, કેનેડા, યુરોપિયન સંસદે પોતાની સંસદીય પ્રક્રિયામાં ફેરફાર કરી વર્ચ્યુઅલ સત્રો યોજવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક સભ્યો ગૃહમાં હાજર રહે છે અને કેટલાક સભ્યો વીડિયો કોન્ફરન્સથી ભાગ લે છે. દૂર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જેથી વૈધાનિક કામકાજ કોઈ પણ જાતના અવરોધ વગર ચાલુ રહે. ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ, ચીલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સૌથી વધારે અસરગ્રસ્ત સ્પેનમાં પણ ધારાકીય કામકાજ ચાલુ રહ્યું છે. માલદીવમાં પણ આ જ રીતે સંસદની બેઠકો યોજાઈ હતી. માલદીવની સંસદ અધ્યક્ષ મહંમદ નશીદે કહ્યું, "લોકપ્રતિનિધિત્વ કરતી કોઈ સંસદ આ કટોકટી દરમિયાન પણ પોતાનું કામ રોકી શકે નહીં. લોકશાહી સંસ્થાઓએ પોતાનું કામકાજ ચાલુ રાખવું જોઈએ."
ભારતમાં આ વલણ વિશે કોઈ પ્રતિભાવ જોવા મળતો નથી. માર્ચ ૨૪થી સંસદગૃહ ભૂતિયા નગર જેવું ભાસે છે. સંસદસત્ર રદ્દ કરવાનો નિર્ણય ભારતની સંસદીય પ્રણાલિકાઓ વિરુદ્ધ છે. ૧૯૬૨માં ચીન સાથેના તેમ જ ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન આપણી સંસદની બેઠકો યોજાઈ હતી. ૨૦૦૧માં સંસદ પર હુમલો થવાના બનાવના બીજા દિવસે પણ સંસદસત્ર ચાલુ રહ્યું હતું. ભારતમાં સંસદીય સમિતિઓની બેઠકો આ રીતે યોજાઈ રહી છે. દા.ત. પગાર અને ભથ્થાઓ પરની સંસદીય સમિતિની બેઠક તારીખ ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ યોજાઈ હતી અને સાંસદોને મતદાર ક્ષેત્ર તેમ જ કચેરી ભથ્થામાં ૩૦ ટકા ઘટાડાની ભલામણ કરી હતી. જો આ રીતે સંસદસભ્યો ઑનલાઇન બેઠક યોજી શકતા હોય તો ચુંટાયેલા પ્રતિનિધિઓએ ધારાકીય કામકાજ ચાલુ રાખવા શા માટે મળવું ન જોઈએ?
સંસદની ભૂમિકા
બંધારણસભાએ સંસદની ભૂમિકા વિશે બરાબર વિચાર કર્યો હતો. સંસદીય પ્રથામાં કારોબારી (પ્રધાનમંડળ) સંસદને જવાબદાર છે. દરરોજ અથવા સમયાંતરે કારોબારીના કાર્યોની ચકાસણી થઈ શકે છે. પ્રશ્નોતરી, ઠરાવો, અવિશ્વાસ પ્રસ્તાવ અને ચર્ચા તેના સાધનો છે, ઉપરાંત વિવિધ સંસદીય સમિતિઓ પણ કારોબારી કાર્યોની સમીક્ષા કરે છે. દર પાંચ વર્ષે યોજાતી સામાન્ય ચૂંટણી સમયે પણ લોકપ્રતિનિધિનાં કાર્યોની સમીક્ષા થાય છે. ૧૯૭૭માં જનતાએ ઇન્દિરા ગાંધીને ઘેર અને ૧૯૮૦માં પુન: સત્તા સ્થાને બેસાડ્યાં હતાં. રાજ્યસભાની ભૂમિકા બહુ સ્પષ્ટ છે. લોકસભા ઉતાવળથી કોઈ કાનૂન પસાર કરવા ઈચ્છતી હોય ત્યારે રાજ્યસભા તેના પર રોક લગાવે છે. લોકસભાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું કામ તેનું છે. આમ સંસદનું કામ કારોબારીને નિયંત્રણમાં રાખવાનું છે. પોતાના મતદારો વતી સાંસદોએ આ કામગીરી બજાવવાની હોય છે. પરંતુ સંસદ જ કામ કરતાં અટકી જાય તો શું થાય? આ કટોકટીના સમયમાં કામગીરી પૂરી પાડવામાં નિષ્ફળ જવા ઉપરાંત, કારોબારીને મનફાવે તેમ કામ કરવાનો છૂટો દોર મળી જાય છે. કારોબારીની જવાબદારી જેવું કંઈ રહ્યું જ નહીં, કારણ કે કોઈ પ્રશ્ન પૂછનાર નથી, કોઈ ઠરાવ લાવનાર નથી કે કોઈ ચર્ચામાં ભાગ લેનાર નથી.
કારોબારોની જવાબદારી નક્કી કરવામાં બીજા અંગોની પણ સહભાગિતા છે. દા.ત. સ્વતંત્ર ન્યાયતંત્રના ચૂકાદો, કાયદાનું શાસન, ઑડિટર જનરલ, ચૂંટણી પંચ, માનવ અધિકાર પંચ, તકેદારી પંચ, લોકપાલ વગેરે પણ કારોબારીના કામોની સમીક્ષા કરે છે અને તેને જવાબદાર ઠરાવે છે. ઉપરાંત મીડિયા અને નાગરિક સમાજના બુદ્ધિજીવીઓ પણ સરકારી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. કમનસીબે આજે આ સંસ્થાઓ ધીમે ધીમે નિષ્પ્રાણ થવા લાગી છે. ઇન્દિરા ગાંધીએ જે રીતે લોકશાહી સંસ્થાઓને ટુંપો આપવા પ્રયાસ કર્યો તે રીતે નહીં, પરંતુ ૨૦૧૪ બાદ ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે આ સંસ્થાઓનું હીર હણી લેવા પ્રયાસ થઈ રહ્યો છે. તેના કારણે મોટા ભાગની બાબતોમાં કારોબારીનું એકહથ્થુ શાસન થઈ રહ્યું છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. દા.ત. વિરોધ પક્ષના નેતાને માન્યતા ન આપવી, કેટલાક ખરડાઓ 'નાણાં ખરડા' તરીકે રજૂ કરવા કે જેથી રાજ્યસભાની સંમતિની જરૂર ન રહે. સંસદને આ રીતે આંતરવાનો પ્રયાસ છતાં, અન્ય સંસ્થાઓ પાસેથી આપણે શું તેમની ઉત્તમ કામગીરીની અપેક્ષાઓ ન રાખી શકીએ?
આપણા ન્યાયતંત્ર માટે આપણને ગૌરવ છે. કટોકટી દરમિયાન કેટલાક વિવાદો જરૂર થયા હતા. તો પણ દેશના લોકોને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા રહેલી છે. પરંતુ આજના સમયમાં ન્યાયતંત્ર અપેક્ષાએ નિષ્ફળ રહ્યું છે. આજે જ્યારે સંસદની કામગીરી સ્થગિત થઈ ગઈ છે ત્યારે કાશ્મીરનો દરજ્જો, નાગરિકત્વ કાનૂનમાં સુધારો, રાજદ્રોહ કલમનો દુરુપયોગ, ઇલેક્ટોરલ બોન્ડ જેવા મુદ્દાઓની કાયદેસરતા ચકાસવાનું શ્રેષ્ઠ માધ્યમ ન્યાયતંત્ર છે. પરંતુ આ તમામ મુદ્દાઓ અમુક કારણોસર સુનાવણી માટે હાથ ધરાતા નથી. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવાના બદલે કારોબારી સમિતિને સોંપ્યો છે. કારોબારીના નિર્ણય વિરુદ્ધ કારોબારી સમિતિ નિર્ણય કેવી રીતે લઈ શકે? આવા કોઈ પણ મુદ્દાની ચર્ચા થઇ રહી નથી.
જે અન્ય સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે તમામ સંસ્થાઓ શાંત છે. લોકપાલની કામગીરી ક્યાં ય દેખાતી નથી. શ્રમિકોની દર્દનાક સ્થિતિમાં માનવ અધિકાર પંચ નિષ્ક્રિય રહ્યું છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. કર્ણાટકમાં સરકાર ગબડાવતી વખતે તત્કાલીન મુખ્ય પ્રધાનનાં સગાંઓને ત્યાં દરોડા પડાવ્યા. રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાન ગેહલોતનાં સગાંઓને આ રીતે હેરાન કરાયાં. ચૂંટણી કમિશનર લવાસાએ નરેન્દ્ર મોદીએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો અભિપ્રાય આપતા તેમને, તેમની પત્ની અને પુત્રને આવકવેરા વિભાગની નોટિસો મળી. વિશ્વવિદ્યાલયોનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ક્યાંક વિદ્યાર્થીઓ તો ક્યાંક શિક્ષકોની વિરોધ કરવા બદલ આડેધડ ધરપકડ કરાઈ રહી છે. નાગરિક સમાજનો અવાજ દબાવવા વ્યવસ્થિત કોશિશ થઈ રહી છે. હાલ માત્ર સરકાર કામ કરી રહી છે. તેના પર નિયંત્રણ રાખનારી કે વિરોધ કરનાર તમામ સંસ્થાઓ કે નાગરિક સમાજનો અવાજ દબાઈ રહ્યો છે. આ સ્થિતિમાં આપણા માટે એક જ ઉપાય બચ્યો છે કે આપણા માટે અને ભાવિ પેઢી માટે બોલતા રહેવાનું છે. જો આપણે તેમાં નિષ્ફળ જઈશું તો અનિયંત્રિત કારોબારી આપણા પર હાવી થઈ જશે અને તેના અકલ્પનીય પરિણામો આવવાની સંભાવના છે. લોકશાહી મૂલ્યોની પુનઃસ્થાપના માટે આ જરૂરી છે.
ભાવાનુવાદઃ અશ્વિનકુમાર ન. કારીઆ, સૌજન્યઃ સ્ક્રોલ.ઇન
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 04-05