કોરોનાને મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું છે ને બીજા ક્રમે રહેલા બ્રાઝિલને તે પાછળ ધકેલીને આગળ આવ્યું છે. બ્રાઝિલ ૪૦ લાખ કેસોની સાથે વિશ્વમાં બીજા ક્રમે હતું તેને ૪૧ લાખ કેસોની આગેવાની સાથે ભારતે પછાડ્યું છે ને થોડા જ સમયમાં અમેરિકાને પણ પાછળ ધકેલીને ભારત વિશ્વ વિજેતા બને તો નવાઈ નહીં ! વિશ્વભરમાં મૃતકોની સંખ્યા નવ લાખ નજીક પહોંચી છે ને એવું લાગતું નથી કે ભવિષ્યમાં આ આંકડાઓ ઘટે. જે ઝડપ અત્યારે ભારતની છે એમાં તે વિશ્વવિક્રમ કરે એવા પૂરતા સંજોગો છે. સિત્તેર હજાર લોકોએ અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.
દેશના આરોગ્યમંત્રી કોણ છે તે આરોગ્યમંત્રી સિવાય બધાં જ જાણે છે. એમને યાદ અપાવવું જોઈએ કે સાહેબ, તમે આરોગ્ય મંત્રી છો અને દેશ મંતરાઈ રહ્યો છે, તો જરા જાગો. દેશમાં આરોગ્યમંત્રી છે કે નહીં, તેની ખબર જ નથી પડતી, પણ આરોગ્ય મંત્રાલય ને આરોગ્ય સેતુ એપ તો છે જ. એટલાથી કોરોના કાબૂમાં આવી જશે એવું સરકાર માને છે. આરોગ્ય મંત્રાલય આંકડાઓ બહાર પાડે છે ને કાળજી રાખે છે કે તેના આંકડાઓ મીડિયાથી વધે નહીં, ભલે પછી તેની ગતિ વિશ્વવિક્રમ કરવા તરફની હોય.
દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રની સ્થિતિ સૌથી ખરાબ છે ને એ મામલે કેન્દ્ર સરકાર ચિંતિત છે. છેલ્લા ચોવીસ ક્લાકમાં આ ત્રણ રાજ્યોમાં મોત ૫૨ ટકા ને સક્રિય કેસો ૪૬ ટકા ૬ સપ્ટેમ્બરે નોંધાયા છે. ગઈ ૭ ઓગસ્ટે કેસોની સંખ્યા ૨૦ લાખની હતી, તે એક મહિનામાં બીજા ૨૧ લાખને આંબી ગઈ ગઈ છે. કેન્દ્રે જે તે રાજ્યોને પગલાં લેવાનું કહીને ફરજ બજાવી લીધી છે, કેમ જાણે રાજ્યોને તો અક્કલ જ નથી કે તેણે પગલાં પણ લેવાં જોઈએ ! જો કે દેશની બધી જ સરકારો હાથ ઊંચા કરી દેવામાં કે હાથ ખંખેરી નાખવામાં સફળ છે એટલે ‘કૃષ્ણએ કરવું હોય તે કરે …’ એ પંક્તિ બદલીને ‘કોરોનાએ કરવું હોય તે કરે …’ ગાઈને જ સંતોષ માની લે છે.
સરકારે પ્રજા પાસે થાળી વગડાવીને કે દીવા પેટાવડાવીને કોરોના ભગાડવાની કોશિશ તો કરી, પણ કોરોનાને આંખકાન નથી. એને થાળી દીવા દેખાયાં જ નહીં. હવે સરકારને આંખકાન ન હોય તેમ તે વર્તે છે ને કોરોના તેની જરા ય શરમ રાખ્યા વગર આગળ વધી રહ્યો છે ને લોકો ખરાબ રીતે મરી રહ્યાં છે.
સરકાર અત્યારે અર્થતંત્રની ચિંતામાં છે. તે વ્યવહાર પૂર્વવત કરવામાં પડી છે. ઉદ્યોગધંધા ચાલે તો દેશ બેઠો થાય એ સાચું છે, પણ લોકોને મરવા તો છોડી ન દેવાયને ! સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધાં છે ને આ મૂર્ખ પ્રજા પોતાની કાળજી લેવામાં માનતી નથી એટલે સંક્રમણ વધ્યું છે. સરકાર જેટલી જ પ્રજા પણ જવાબદાર છે. ધર્મકર્મ, લગ્ન, મરણ અને રાજકારણને નામે પ્રજા ગમે ત્યાં ટોળું વળી જાય છે. એક તરફ ટોળે વળવાની બંધી છે ને બીજી તરફ પ્રજા સમર્થનમાં કે વિરોધમાં વાવટા ફરકાવતી હાજર થઈ જાય છે. આટલી નવરી પ્રજા કોઈ દેશમાં નથી. રાજકારણીઓ પોતે મંદિરોમાં ને સભાઓમાં તેમણે ઠરાવેલા નિયમોનું પાલન ઓછું જ કરે છે. રાજનેતાઓ, અભિનેતાઓ, ડોકટરો કે સામાન્ય પ્રજાની કોરોનાએ શરમ રાખી નથી તે હવે તો બધાંને સમજાવું જ જોઈએ, પણ નથી સમજાતું તે હકીકત છે.
માત્ર સુરતનો જ દાખલો લઈએ તો એવો એક્કે વર્ગ બાકી નથી જે કોરોનાની જાળમાં ના ફસાયો હોય. એનો અર્થ એ કે કોઈ વર્ગ કોરોના અંગે કાળજી લેવાને મામલે સભાન નથી. ડોક્ટર, નર્સ, શિક્ષક, બેન્કર, લારીવાળા, કરિયાણાના, કાપડના વેપારીઓ, રસોઈયા, પોલીસ, ડ્રાઈવર એમ કોઈ કહેતા કોઈ વર્ગ કોરોનાની અસરથી બાકાત નથી. મતલબ કે માસ્ક કે ૬ ફૂટનું અંતર જાળવવાની વાત પ્રજાએ પાળી નથી અથવા તો બહાર પાડેલા નિયમોમાં હજી કંઈ ખૂટે છે. આવું હોય તો સરકારે નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. માસ્ક ન પહેરનારાઓને ભારે દંડ કરવાનું ઠરાવ્યું ત્યારથી પ્રજા માસ્ક પહેરતી તો થઈ છે, પણ લગ્ન કે સમર્થન-વિરોધનાં ટોળામાં કોઈ નિયમ પળાતો નથી.
છેલ્લા અનલોકમાં ૧૦૦ માણસો ભેગાં થવાની છૂટ અપાઈ છે. જો ખબર હોય કે નિયમો પળાતા નથી, સ્કૂલો, કોલેજો, થિયેટરો બંધ હોય તો સો માણસોની છૂટ શું કામ આપવી જોઈએ? એનાથી સરકારે શું વિશેષ સિદ્ધ કરવું છે? ખરેખર તો ૧૪૪મી આખા દેશમાં લાગુ કરવી જોઈએ. જો આ ઠીક ન લાગતું હોય તો સ્કૂલો, કોલેજો નિયમો અને શરતોને આધીન ચાલુ કરી દેવી જોઈએ. સાધનોને અભાવે નગરમાં પણ ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ છે ને શિક્ષણ આપવા પૂરતું અપાય છે ત્યારે જે વિસ્તારોમાં નેટ, મોબાઈલની સુવિધાઓ જ નથી એવાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી દેવાનો વાંધો ન હોવો જોઈએ, કારણ ઓનલાઈન શિક્ષણ એમને તો મળવાનું જ નથી ને સરકાર એમના સુધી પહોંચવાની પણ નથી ત્યારે એ વિસ્તારો શિક્ષણથી શું કામ વંચિત રહેવાં જોઈએ? આજ સુધી સરકાર ઓનલાઈન શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકી નથી ને હવે જ્યારે આર્થિક મુશ્કેલીઓ વધી છે ત્યારે પહોંચે એવું લાગતું પણ નથી તો જ્યાં સંક્રમણ નથી એવા વિસ્તારોમાં શિક્ષણ શરૂ કરવામાં કશું ખોટું નથી.
ખાનગી સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોએ ફી ઘટાડવાની માણસાઈ દાખવી છે તો કેટલીક સ્કૂલોએ સંગીત, ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓની ફીની ઉઘરાણીઓ પણ કાઢી છે. એક પણ ચિત્ર દોરાયું નથી કે એક પણ વર્ગ સંગીતનો થયો નથી તેની ફી માંગતાં થોડી પણ શરમ ન લાગે? વાલીઓ એનો વિરોધ ન કરે તો શું કરે? ખાનગી સ્કૂલના શિક્ષકોની સ્થિતિ દયનીય છે. કેટલીક સ્કૂલોની સ્થિતિ સારી ન હોય ને તે શિક્ષકોને વેતન ન ચૂકવી શકે તે સમજી શકાય એમ છે, પણ કેટલી ય ખાનગી સ્કૂલો એવી છે જે તગડી ફી એડવાન્સમાં ઉઘરાવીને મોટું બેલન્સ રાખીને, હોજરી તર કરીને બેઠી છે. આ આખો નફાનો જ ધંધો હતો. એ જેમ જેમ ફી આવતી હતી તેમ તેમ પગાર ચૂકવતી હતી એવું ન હતું. એવી સ્કૂલો શિક્ષકને પગાર ન ચૂકવે એ પાપ છે ને સરકારે એવી સ્કૂલોના શિક્ષકોની જવાબદારી ઉપાડીને તેમને વેતન મળે તે જોવું જોઈએ. શિક્ષણમંત્રી પોતે આ મામલો ઉકેલે એવી એમને વિનંતી છે. એ સાચું છે કે બધે સરકાર પહોંચી ન શકે, પણ એની પાસે છે એવી વ્યવસ્થા બીજા કોઈ પાસે નથી જ, એ સ્થિતિમાં એમની પાસે નહીં તો બીજા કોની પાસે મદદનો હાથ લંબાવી શકાય?
પ્રમાણમાં આરોગ્ય સેવાઓ ઠીક ઠીક ચાલી છે, પણ એમાં ઘણી કાળજી લેવાની જરૂર છે. ડોકટરો બે પ્રકારના જોવા મળે છે. એક એવો વર્ગ છે જે જીવને જોખમે દરદીને સાજો કરવા મથે છે. એમને વંદન જ કરવાં ઘટે. બીજો વર્ગ એવો છે જે કોઈ પણ રીતે પૈસા બનાવવા માંગે છે. ગંભીર પ્રકારનાં હૃદયનાં ઓપરેશનોની ફી નથી હોતી એનાથી અનેકગણી વધારે ફી કોરોનાના દરદી પાસેથી લેવાય છે. તેમાં જો દરદીનું મૃત્યુ થયું તો બિલ ન ભરાય ત્યાં સુધી લાશ પણ સંબંધીઓને સોંપવામાં આવતી નથી. સંબંધીઓ સ્વજન ગુમાવે છે તેનું દુખ હોય તેમાં બિલની પઠાણી ઉઘરાણી માણસાઈ વગરની છે. આજે જ્યારે ખાસ આવક જ નથી રહી ત્યારે આવી ઉઘરાણીઓ લાજ-શરમ વગરની છે ને આવી બાબતો પર સરકારે તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.
બનવું તો એવું જોઈએ કે કોરોના પોઝિટિવ નીકળે કે તેની તમામ સારવારની જવાબદારી સરકાર ઉપાડી લે અથવા તો મામૂલી ફીથી રોગીની સારવાર થવી જોઈએ. આવકનાં સાધનો ખાસ રહ્યાં ન હોય એવી સ્થિતિમાં દરદી પાસેથી લાખો રૂપિયા પડાવવામાં માણસાઈ નથી.
જો કોરોના વકરતો જ જતો હોય ને નક્કી કરવામાં આવેલા નિયમોથી સારાં પરિણામો મેળવી ન શકાતાં હોય તો નિયમો અંગે ફેર વિચારણા કરવાની રહે. કમસે કમ ચારથી વધુના જાહેરમાં મળવા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને કમસે કમ તબીબી અને શૈક્ષણિક સેવાઓ અંગે વધુ માનવીય પ્રયત્નો થાય તે જોવાવું જોઈએ. જોવાશે?
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2020