બાળગીતની કડી જેવું લાગતું મથાળું ભારતના પુખ્ત જ નહીં, રીઢા થઈ ચૂકેલા શાસકોની તથા તેમની શાસનપદ્ધતિની વાસ્તવિકતા દર્શાવે છે. શાસકો ગમે તે પક્ષના હોય, ‘કેગ’ના હમામમાં તો એ બધા દિશાનાં વસ્ત્રો ધારણ કરેલા જ લાગે છે. પરંતુ ફરક ‘કેગ’ના અહેવાલ પછી થતા ઊહાપોહનો અને ઉત્તરદાયિત્વની માગણીનો હોય છે. યુ.પી.એ.ના રાજમાં ‘કેગ’ના અહેવાલ વિશે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી જે ઉત્સાહ દાખવતા હતા, તે કોઈને પણ યાદ આવે. સારી સ્મૃતિ હોય તો એ પણ સાંભરે કે ‘કેગે’ કરેલી કેન્દ્ર સરકારની ટીકા ઉછાળતી વખતે રાજ્ય સરકાર વિશેની ‘કેગ’ની ટિપ્પણી તે કેવી બેશરમીથી ગાલીચા તળે સંતાડતા હતા.
હવે તો ગુજરાતમાં તે જ કેન્દ્રમાં, કેન્દ્રમાં તે જ ગુજરાતમાં. એટલે ‘કેગ’ના અહેવાલોમાં થયેલી સરકારી કાર્યપદ્ધતિની ટીકા અને તેમાં ઉજાગર થયેલી ગેરરીતિઓ અંગે બે જ પ્રતિભાવ રહે છેઃ ઉપેક્ષા અને ઢાંકપિછોડો. ‘કેગ’ના અહેવાલમાંથી જ નાગરિકોને (અલબત્ત, જાણવું હોય તો) ખબર પડે કે રાફેલ સોદામાં થયેલી ટૅક્નોલોજી ટ્રાન્સફરની શરત પળાઈ નથી. એટલે કે ફ્રાન્સે હજુ એ વિમાનોની ટૅક્નોલોજીને લગતી જાણકારી ભારતના ડિફૅન્સ એન્ડ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનને આપી નથી. ‘કેગ’ના અહેવાલમાંથી જાણવા મળતી સૌથી ગંભીર માહિતી એ છે કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી. પેટે મળેલી રૂ. ૪૨,૨૭૨ કરોડની રકમ સંસદમાં આપેલી બાંહેધરી મુજબ વાપરી નથી. આ સરકાર સંસદીય પ્રક્રિયાઓને કેવી રીતે લે છે એ તો સૌ જાણે છે, પણ ‘કેગ’ના અહેવાલથી સંસદીય પ્રક્રિયા ઉપરાંત આર્થિક નીતિરીતિ અંગેની તેની બદદાનત પણ સ્પષ્ટ થાય છે. ‘કેગ’ના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આ નાણાં રાજ્ય સરકારોને આપવાને બદલે કોન્સોલિડેટેડ ફંડ ઑફ ઇન્ડિયામાં રાખી મૂક્યાં, જે સરકારને ખાધ ઓછી બતાવવામાં કામ લાગ્યાં. નાણાં મંત્રાલયે એવો બચાવ કર્યો છે કે જી.એસ.ટી.ના વળતરની રસીદોનો હિસાબ મેળવવામાં સમય લાગે તેને નાણાં બીજે વાળી લીધાં ન કહેવાય. પરંતુ સરકારની મથરાવટી જાણનાર કોઈના ગળે આ બચાવ ઊતરે તેમ નથી.
‘કેગ’ના અહેવાલમાં સરકારી શાળાઓમાં શૌચાલયની સુવિધાનું પણ અસલી ચિત્ર મળે છે. કેન્દ્ર સરકારનાં સાત જાહેર સાહસોએ આ શૌચાલયો બાંધવા માટે નાણાં આપ્યાં હતાં, પણ શૌચમુક્ત ભારત અને સ્વચ્છતા અભિયાનનાં ઢોલનગારાં વગાડનારી સરકારના રાજમાં ૪૦ ટકા સરકારી શાળાઓમાં શૌચાલયો છે જ નહીં અથવા અડધાંપડધાં બંધાયેલાં છે અથવા વપરાતાં નથી. ૭૨ ટકા શૌચાલયોમાં પાણી જ નથી.
પાણી તો વિપક્ષોમાં પણ ક્યાં છે? એટલે કેટલાંક પ્રસાર માધ્યમોમાં થતા થોડા ઊહાપોહને બાદ કરતાં ‘કેગ’ના અહેવાલ પછી પણ તે સરકારને હચમચાવી શકતા નથી.
e.mail : uakothari@gmail,com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 01
![]()


ભારતની કોઈ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ નથી. જો એવું કંઈ હોય તો, ભા.જ.પ.ના વર્ષ ૨૦૧૪ના ઢંઢેરામાં વપરાયેલા ‘ઇન્ડિયા ફર્સ્ટ’ અને ૨૦૧૯ના ઢંઢેરામાં વપરાયેલા ‘નેશન ફર્સ્ટ’ શબ્દને સમજવાનો પ્રયાસ કરી શકાય. પરંતુ આ બંનેનો અર્થ શું છે, તેનો ખુલાસો ભા.જ.પે. કર્યો નથી.
ઇંદિરા ગાંધીની વડા પ્રધાન તરીકેની વૉશિંગ્ટન યાત્રાની પૂર્વસંધ્યાએ અમેરિકાસ્થિત ભારતીય રાજદૂતને અમેરિકાના પ્રમુખ લિન્ડડન બી. જૉન્સને પ્રશ્ન કર્યો હતો, ‘તમારાં વડાં પ્રધાનને કેવું સંબોધન ગમશે? શ્રીમતી ગાંધી? કે મેડમ પ્રાઇમ મિનિસ્ટર?’ રાજદૂતે આ પ્રશ્ન નવી દિલ્હી મોકલી આપ્યો અને વડાં પ્રધાને જવાબ આપ્યો કે ‘મારા કેબિનેટ પ્રધાનો મને સામાન્ય રીતે ‘સર’ કહીને સંબોધે છે.’