= = = = જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી = = = =
અંગ્રેજીમાં શબ્દ છે, aftermath. કશીક હોનારત ઘટી ગઈ હોય પછી ઘણું બધું બનતું હોય છે. તે પશ્ચાદવર્તી સમયગાળાને આફ્ટરમાથ કહેવાય છે. જેમ કે, ધરતીકમ્પ પછીનો સમયગાળો; જેમ કે, સુનામી પછીનો; જેમ કે, વિશ્વયુદ્ધો પછીનો … એ જ પ્રકારે, કોરોના પછીનો સમયગાળો, આફ્ટરમાથ – કોરોના.
સુજ્ઞજનો વિચારે છે કે કોરોના સમાપ્ત થશે પછી આ દુનિયા કેવી હશે ને તેમાં મનુષ્યજીવન કેવું હશે. દુનિયાભરના ચિન્તકો, સવિશેષે ભવિષ્યવાદી ચિન્તકો, વિચારી રહ્યા છે. રાજનીતિ અને રાજકારણમાં કેવાક બદલાવ આવ્યા હશે … અર્થતન્ત્રના શા હાલ હશે … વેપાર ને નોકરીધંધા કેમના ગોઠવાશે …
જો કે કોરોના ટળે એ પહેલાં દુનિયા કેવી હશે એની કલ્પનાઓ કરવાથી શો લાભ? કસમયનું લાગે છે. કસમયનું એ કારણે કે રસી શોધાયા પછી પણ આ મહામારી પૂર્ણ રૂપેણ સમાપ્ત થશે કે કેમ તે વિશે ખાતરીથી કશું કહી શકાતું નથી.
ઘરમાં, કારમાં ને ઑફિસના એ.સી. રૂમમાં બેસીને ‘આઇયૅમા વૉરિયર’ એમ ફડાકા મારનારા, સારું છે કે હવે ટાઢા પડી ગયા છે. એમાં તે વળી, એ બધા શેના યોદ્ધા? વટ જમાવવા માટેની કૃતક બહાદુરી ! એથી કોરોના ના ડરે. સામે છેડે, મોટી સંખ્યામાં અહીંતહીં મ્હાલતા પ્રજાજનો જુદી જ જાતના વૉરિયર લાગે છે. કશી સાડીબારી વિના કોરોનાની સામે પડેલા છે – માસ્ક નૈં પ્હૅરું – સોશ્યલ ડિસ્ટન્સની ઍસીતૅસી ! – જાતઅલગાવ શી બલા છે ! લાકડાની તલવાર લઈ મૅદાને પડેલા ગાંડિયા બેબાક સિપઇડા જ જોઈ લો ! દેખીતું છે કે આવા બધા લોકો આફ્ટરમાથમાં તો સાવ જ બ્હૅકી જવાના …
આફ્ટરમાથમાં ખરું યુદ્ધ તો જાત સાથે લડવું પડવાનું છે. સૌએ માસ્ક – મ્હૉરાં – પ્હૅરવાની ટેવ પાડવી પડશે. આપણી આસપાસમાં ‘મ્હૉરાં’ પ્હૅરેલા એક-બે તૂંડમિજાજી કે આપોપા મોટા તો હોય જ છે ! એમનાથી બચી શકાશે. બીજાની સ્વતન્ત્રતાને હડપી જવાને બદલે પોતાની એકલતાને ચાહવી જોઈશે. કોઈ અળગા કરે એ પહેલાં જાતે જ થઈ જવું જોઈશે. મનુષ્યજાતિએ જીવન જીવવાની બધી જ રીતો બદલવી જોઈશે. ભૌતિક સુખાકારીને જ લક્ષ્ય કરનારી કહેવાતી પ્રગતિને સ્ટૉપ કરવી પડશે. સમજી-વિચારીને દરેક બાબતે પીછેહઠ કરવી જોઈશે. મને થયું, આ અંગે થોડુંક વિચારીએ તો સંભવ છે કે આફ્ટરમાથના દિવસોમાં નવેસરથી જીવવાની ગતાગમ પડે.
એ વિચારના પ્રારમ્ભે જ મારી સામે ત્રણ શબ્દ આવી ઊભા : સંસ્કૃતિ, કૃતિ અને પ્રકૃતિ : હું એમની વાત કરીને અટકું.
સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે – જેમ કે હિન્દુ પ્રજાની હિન્દુ સંસ્કૃતિ. સંસ્કૃતિના સંવર્ધન કાજે તાજામાજા બાળકને બાળમન્દિરે મોકલીને ક્રમે ક્રમે ઘડીકૂટીને બધી જ સિસ્ટમમાં ફિટ આવે એવો ગુજરાતી હિન્દુ બનાવી મૂકીએ છીએ. સંસ્કૃતિ સિસ્ટમ્સની સિસ્ટમ છે – સુપર સિસ્ટમ. બીજું, સંસ્કૃતિ એક મોઓટી શેતરંજી પણ છે. પ્રજાઓ એની નીચે દમ્ભ, જૂઠાણાં ને વિવિધ પ્રકારના ગંદવાડને છુપાવી શકે છે. જુઓ ને, સત્યમ્ વદ, ધર્મમ્ ચર જેવાં સંસ્કારવર્ધક સુ-વચનોનું પાલન તો કો’ક કો’ક જ કરે છે. કેટલીયે દીવાલો પર એનાં સુશોભિત પાટિયાં લટકતાં જોઈને સમજુ માણસો વ્યંગમાં મલકાતા હોય છે. એ શો-ઑફ્ફ છે. એ વચનો, ખાસ તો, બીજાઓ સામે બોલવા માટેનાં છે. બધા જ બોલતા આવ્યા છે ને તેથી એ ગ્રાન્ડ નૅરેટિવ બનીને સદીઓથી ભારતની હવામાં લ્હૅરાયા કરે છે.
રાજ્ય પણ એક એવું જ નૅરેટિવ છે. એ સર્વજનહિતાય છે, સુચિન્તિત વ્યવસ્થાતન્ત્ર છે. તેમ છતાં, મોટા ભાગના દાખલાઓમાં આપણે જોઈએ છીએ કે હિત તો એના રખેવાળોનું ને વચેટિયાઓનું જ થાય છે. લોકશાહી અપ્રતિમ શાસનપ્રણાલિ છે, પણ પ્રજાને ખૂબ હંફાવે છે. જનસમાજે હરેક વાતે લાંબા સમય લગી તરસવું પડે છે.
માનવકલ્યાણના ધ્યેયને વરેલું ધર્મકારણ પણ એક ગ્રાન્ડ નૅરેટિવ નથી તો શું છે ! પોલાણ કેટલાયે ધર્મોની ઓળખ છે. વ્યક્તિઓ ધાર્મિક હોય છે – પણ પોતાની મરજીથી – સ્વપુરુષાર્થે કરીને ! બાકી, એક પણ ધર્મ પ્રજાસમસ્તને કદી પણ ધાર્મિક નથી બનાવી શક્યો. દરેક ધર્મમાં વિ-ધર્મીઓ હોય જ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધર્મમાત્રને પ્રચારની તેમ જ યેન કેન પ્રકારના નુસખાઓની જરૂર પડી છે. દબાણ અને વટાળ જેવાં ન-ધાર્મિક સાધનોનો આશ્રય કરવો પડ્યો છે.
આપણે જોઈએ છીએ કે કેટલાયે ધીમન્તો તેમ જ શ્રીમન્તો રાજસત્તા અને ધર્મસત્તાની સાનુકૂળ છાયામાં લપાઈને વિધવિધનાં અસંસ્કારી કામો કરે છે. સંસ્કૃતિના વાઘા ઓઢીને આપણી સામે રોજે રોજ ઝૂમ્યા કરે છે. આપણા જીવનમાર્ગને રૂંધે છે. આફ્ટરમાથમાં સંસ્કૃતિ નામની શેતરંજીને ઓળખીને ફગાવી દેવી પડશે અને વાઘાધારીઓથી બચવા હમેશાં સાવધાન રહેવું પડશે. પોતે પણ એવા વાઘા ચડાવ્યા હશે, તો ઉતારી નાખવા જોઈશે.
સંસ્કૃતિ પ્રજાકીય વસ્તુ છે પણ કૃતિ તો વૈયક્તિક આવિષ્કાર છે. મારે જે કરવું કે સરજવું હોય એ હું કરી શકું. એથી રચાય તે મારી સત્તા, તે મારો ધર્મ, તે મારું દત્ત અને તે મારું અર્જિત કે ઉપાર્જિત. એ માટે વ્યક્તિએ પોતાના દરેક કામને એવી તો સર્જકતાથી પાર પાડવાં જોઈશે કે પરિણામે એ એક સુન્દર સુકૃતિ ભાસે અને એથી પોતાને તેમ જ સામાને ક્લેશનો નહીં પણ રસાનન્દનો અનુભવાય, કિંચિત્ જીવનતોષ લાધે.
પ્રકૃતિથી તો કેટલા વેગળા થઈ જવાયું છે ! વન, પહાડ કે નદી દૂર પડે છે, તો છોડો ! પણ આકાશ તો નજરવગું જ છે. ધ્રુવ અને સપ્તર્ષિદર્શન તેમ જ સૂર્ય-ચન્દ્રના દર્શન કાજે કશી તકલીફો નથી. લોક વરસાદ તાપ કે ટાઢની બૂમો બહુ પાડે છે, પણ એમને છ ઋતુઓની ખબર ભાગ્યે જ હોય છે – હેમન્ત – શિશિર – વસન્ત – ગ્રીષ્મ – વર્ષા – શરદ. એમને એ ભેદની પણ જાણ નથી કે આ તાપ શરદનો છે ને ગ્રીષ્મનો નથી. વર્ષાની ટાઢ પોષના શિયાળાની નથી હોતી. અતિવૃષ્ટિ થઈ હોય ને અતિ ઠંડા પવન જોશમાં ફુંકાતા હોય ત્યારે તેવી ટાઢને હિક્કળ કહેવાય છે. પણ એની ખબર કેટલાંને છે?
પુષ્પો સાથે કેવોક છે આપણો લગાવ? છે ખરો? ભલા’દમીઓને ફૉમ નથી કે ગુલાબ ઉપરાન્તનાં કેટલાંયે પુષ્પો છે !
પક્ષીઓ સાથેના અનુબન્ધનું શું? શહેરો છોડીને ચકલીઓ જતી રહી છે પણ ક્યાં ગઈ હશે? કાબર લૅલાં હોલા હજી છે – જો એમના બોલ આ નગરસભ્યતામાં સંભળાય તો. ‘કાગવાસ’ બોલતાંમાં કાગડા ઊતરી આવે, પણ હવે? કૂતરાં રાત્રે જ કેમ વધારે ભસે છે? એમને ખોરાક મળે છે? ક્યાંથી? બિલાડી અને કબૂતરો પણ સફેદ હોય છે. પણ એવું ધૉળું ફટાક કબૂતર કે સફેદ રૂ-ની હોય એવી બિલાડી જવલ્લે જ જોવા મળ છે. પાંચ-છ કુરકુરિયાંની ગમતીલી ગોટમ્ ગોટ જોવાની જે ગમ્મતો હતી તે ક્યાં ગઈ? પોપટ કોણ પાળે છે હવે? પોપટથી મૅના કઈ બાબતે જુદી હોય છે? એ કે એ રૂપાળી નમણીને કાંઠલો ન હોય. પણ તેની જાણ કેટલાંને છે?
જરા વિચારો, કોરોના મનુષ્યોને જ કેમ વળગ્યો? ચકલી કાબર લૅલાં હોલા કે કાગડાને કેમ નહીં? કબૂતર બિલાડી કે કુકરિયાંને કેમ નહીં? કેમ કે એ સૌ પ્રાણીઓ પ્રકૃતિને વશ થઈને જીવે છે. કેમ કે એ સૌ પ્રાણીઓ સવારથી રાત સુધી લ્હૅરમાં જિવાય એવી કૃતિઓ સરજે છે. કેમ કે એમના અસ્તિત્વને તરડેમરડે એવી એમની પાસે કશી સંસ્કૃતિ નથી …
= = =
(September 26, 2020: Ahmedabad)
Courtesy: Google Images.