કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
કદાચ
કોરોનાની રસી તો
શોધાશે,
બંધાઈ છે આશા,
કિંતુ આ ગરીબીના રોગની
રસી
કદી શોધાશે ખરી ?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
વતન જવા નીકળી પડેલા શ્રમિકોની તસવીરો ઘણા લોકોને અતિશયોક્તિપૂર્ણ લાગી શકે છે. પ્રકૃતિના પ્રેમમાં ગળાડૂબ મધ્યમ વર્ગ કોરોનાકાળનો સકારાત્મક પક્ષ જોઈ રહ્યો છે. પક્ષીઓનો કલરવ, સ્વચ્છ હવા, આકાશમાં સ્પષ્ટ દેખાતા તારા અને શુદ્વ નદીઓ એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ તેના અસલી મિજાજમાં પાછી ફરી રહી છે. ગુવાહાટીના માર્ગો પર ટહેલાતાં હાથીઓનાં ઝુંડ માણસ અને પ્રાણીઓની બરાબરીના સંકેત આપે છે.
જો તમને પણ આ બધુ રોમાંચિત કરી રહ્યું હોય તો જરા આ ઘટના વિશે પણ જાણી લો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી 191 પ્રોજેક્ટને પર્યાવરણીય પરવાનગી આપી દીધી છેઃ ન કોઈ સુનાવણી, ન કોઈ વકીલ, ન કોઈ દલીલ. ત્રીજા પક્ષને સાંભળવાની તો તસદી પણ ન લેવાઈ. કારણ એવું અપાયું કે ઝડપી વિકાસ માટે ઝડપી નિર્ણય જરૂરી છે.
એક ઉદાહરણ જોઈએ. ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલતે આસામની નૂમાલીગઢ રિફાઈનરીને જંગલની જમીન પર બનેલી તેની દીવાલનો કેટલોક હિસ્સો તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. જંગલની જમીનનો પહેલો હક જાનવરોનો છે. પરંતુ હાથીઓની અવરજવરને રોકવા રિફાઈનરીએ એક મોટી દીવાલ ઊભી કરી દીધી હતી. તેના એક હિસ્સાને હાથીઓની અવરજવર માટે ખુલ્લો કરવા દેશની સર્વોચ્ચ અદાલતને આદેશ કરવો પડ્યો હતો ! પરંતુ હવે પર્યાવરણ મંત્રાલયે જ આ રિફાઈનરીને ત્રણ ગણી જમીન આપી દીધી છે. પહેલાં તો રિફાઈનરીએ હાથીઓનો રસ્તો જ બંધ કર્યો હતો. હવે તેમનું ત્યાં ટકવું જ મુશ્કેલ થઈ જશે !
આ હાથીઓએ તો રાષ્ટ્રીય વન્યજીવોને લગતા બોર્ડથી ચેતવાની જરૂર છે, જેણે આસામમાં જ આવેલા દેહિંગ પટકઈ હાથી અભયારણ્યમાં કોલસાની ખાણને મંજૂરી આપી દીધી. આ મૂંગાં પ્રાણીઓની ચિંતા કરતા પર્યાવરણ કાર્યકર્તાઓ ત્યારે લૉક ડાઉનને કારણે ઘરમાં બંધ હતા. લૉક ડાઉનનો ફાયદો ઉઠાવીને પર્યાવરણ મંત્રાલય એ સાબિત કરવા માગે છે કે વિકાસ ન અટકવો જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેકટને પર્યાવરણીય મંજૂરી અપાય તે પહેલાં નિષ્ણતોનું જૂથ તેની તપાસ કરે છે. આ સમિતિમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ ક્લીઅરન્સ (NBDC), ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી (AFC) અને એક્સપર્ટ અપ્રેઝલ કમિટીના સભ્યો હોય છે. પર્યાવરણીય મંજૂરી આપતાં પહેલાં આ તજ્જ્ઞ સમિતિ સંબંધિત લોકોના મંતવ્યો માંગે છે અને સ્થળતપાસ કરે છે. સમગ્ર યોજનાનો પર્યાવરણીય અભ્યાસ કરાય છે. પરંતુ હવે આ પ્રક્રિયાને અભરાઈએ ચઢાવીને મંજૂરીઓ અપાઈ રહી છે.
કોરોનાકાળમાં પર્યાવરણ મંત્રાલયની વિવિધ સ્થાયી સમિતિઓ વિભાગની પ્રસ્થાપિત નીતિ અનુસરવાને બદલે આર્થિક લાભની દૃષ્ટિએ જ યોજનાઓને જુએ છે. બ્રહ્મપુત્રા નદી પર સી-પ્લેન એરપોર્ટ બનાવવાની વાત હોય કે, ઉત્તરાખંડમાં યમુના નદી પર લખવાડ-વ્યાસી બંધ પરિયોજના માટે બિનોગ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીની સાથેની 768 હેક્ટર જમીન પર પથરાયેલા જંગલનો સફાયો કરવાની મંજૂરીનો નિર્ણય, સરકાર વન અને પર્યાવરણ પ્રત્યે અસંવેદનશીલ હોવાના પુરાવા સતત આપી રહી છે. તાલાબીરામાં કોલસાથી વીજળી ઉત્પાદન અને ખાણકામ વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે. હવે તેમને અંધારામાં રાખી પ્લાન્ટને મંજૂરી આપી દેવાઈ છે. પર્યાવરણ વિભાગે અભયારણ્ય અને વાઘ માટે અનામત રાખેલા તમામ વિસ્તારમાંથી નીકળતા હાઇવે, ટ્રાન્સમિશન લાઇન, રેલવે લાઇનના પ્રોજેક્ટને પણ પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. કેટલી પરિયોજના માત્ર કાગળ પર જ રહે છે. મંત્રાલયની વન સલાહકાર સમિતિએ અરુણાચલ પ્રદેશમાં દિબાંગ નદી પરના એટાલિન જળવિદ્યુત પ્રોજેકટને મંજૂરી આપવા ભલામણ કરી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી ભરપૂર છે. અહીંયા એક ખાસ પ્રજાતિના ચિત્તા અને વાઘ રહે છે. ભારતમાં જોવાં મળતાં પક્ષીઓની અડધા ભાગની પ્રજાતિઓનું આ આશ્રયસ્થાન છે. 2010માં કેન્દ્ર સરકારે જ આ વિસ્તારને સત્તાવાર રીતે જંગલ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ હવે ત્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મજૂરી આપવા માટે સરકાર વિચારી રહી છે.
મંત્રાલયે પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે દૂર કર્યો છે. તેનો મતલબ એમ થયો કે એક વર્ષ માટે નદી, તળાવ, નાળાં અને નહેરોમાં પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ ડુબાડવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું કે (કોરોનાકાળમાં આર્થિક ભીંસમાં મુકાયેલા) મૂર્તિકારોને તેનાથી ફાયદો થશે અને રોજી મળશે, પરંતુ નદી, તળાવોની જે દશા થશે તેનું શું?
એવું નથી કે માત્ર પર્યાવરણ મંત્રાલય જ વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે રઘવાયું થયું છે. લૉક ડાઉન 3 પૂરું થયું, ત્યારે કેન્દ્ર અને રાજ્યની વીડિયો કોન્ફરન્સમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે આગામી કુંભમેળાના કારણે ઋષિકેશ અને હરિદ્વારમાં ખાણકામની મંજૂરીની મુદત જલદીથી લંબાવવી પડશે, જેથી વિકાસ કામો થઇ શકે. રાવત હંમેશાં ઉત્તરાખંડમાં ખાણકામ માટે બહુ ઉત્સાહી અને અધીરા હોય છે. તેમની ઇચ્છા એ પણ છે કે હરિદ્વાર કુંભમેળા દરમિયાન રાજાજી નેશનલ પાર્કનો અમુક ભાગ મેળા માટે ઉપયોગમાં લેવામાં આવે. તેઓ ખુલ્લેઆમ જળવિદ્યુત યોજનાઓની તરફદારી કરે છે. તેમના આશીર્વાદથી જ ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહના વિરોધમાં હાઇડ્રો પાવર કંપનીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
લૉક ડાઉન દરમિયાન પર્યાવરણ મંત્રાલય તકસાધુ અને લાલચુ વેપારીની જેમ વર્ત્યું છે. જે મૂંગા જીવ બોલી નથી શકતા, તેમના વતી પ્રકૃતિ જવાબ આપે છે. આ ધરતી પર બધાનો હક છે એવા સંકેત સતત મળતા રહે છે, પણ આ વાત કેટલાક લોકોના દિમાગમાં કેમેય કરીને ઊતરતી નથી.
અનુવાદઃ ગૌતમ ડોડિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020
સરકારે રૂ. 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ તો જાહેર કરી દીધું છે. કદાચ હજુ બીજાં પૅકેજ જાહેર થશે. આંકડા વાંચીને તમ્મર ચડી જાય છે; અધધ રૂપિયા ! પણ આ રૂપિયાની મદદ કોઈ બેરોજગાર શ્રમિકોને, હજારો કિલોમીટર પગે ચાલી રહેલા ગરીબોને, વિવશ ખેતમજૂરોને, ભાંગી પડેલ ખેડૂતોને મળવાની છે પૅકેજમાં કોઈ જગ્યાએ પ્રત્યક્ષ મદદ કે રાહતની વાત નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ) મજબૂત બનશે, જેનો આડકતરો લાભ મળશે !
ગણિત એ છે કે આ મદદ કે રાહત છેક નીચે સુધી ગરીબો, શ્રમિકો, ખેતમજૂરો, ખેડૂતો સુધી પર્કોલેટ થશે એટલે કે લાભો છેક નીચે સુધી ઝમશે! આ લોન આધારિત પૅકેજ છે; શ્રમિકો માટે તત્કાળ રાહતની વાત નથી ! લાંબે ગાળે ફાયદાની થિયરી છે. અત્યારે ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે, તેમને મદદ મળવાની નથી ! લૉક ડાઉનમાં સ્થળાંતરિત શ્રમિકો, લારી-ગલ્લાવાળા, ખેતમજૂર-ખેડૂતોએ સૌથી વધુ સહન કર્યું છે. તેમને આત્મનિર્ભરતાનો ઉપદેશ આપવાનો અર્થ ખરો?
2 એપ્રિલ, 2020ના રોજ વિશ્વ બેંક પાસેથી 100 કરોડ ડોલર તથા 15 મે, 2020ના રોજ 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 13 મે, 2020ના રોજ ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક-NDB પાસેથી 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 8 મે, 2020ના રોજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક-AIIBની 50 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. આ બેંકનું વડું મથક ચીનની રાજધાની બેજિંગમાં છે અને ચીનના ભારે નાણાકીય ટેકાથી ચાલતી આ બેંકે ભારતને લોન આપી છે. PMની પ્રશંસા કરનારા કહે છે કે ભારતે ચીનને મહાત કરી દીધું છે ! એક તરફ, વૈશ્વિક સંસ્થાઓ પાસેથી 350 કરોડ ડોલર એટલે કે રૂ. 26,950 કરોડની લોન લીધી છે, બીજી તરફ, આત્મનિર્ભરતાનો માત્ર ઉપદેશ ! હા, ભારતના શ્રમિકો બિલકુલ આત્મનિર્ભર છે; ત્યારે તો પગમાં છાલાં પડી ગયાં છે. તેમના માટે વાહનની વ્યવસ્થા કરવાનું ન સૂઝ્યું અને હવે લોન-પૅકેજ?
આ પહેલાં પણ કેટલાં ય પૅકેજ જાહેર કર્યાં હતાં, હજુ સુધી એના લાભો ઝમીને નીચે સુધી પહોંચ્યા નથી ! છેવાડાના માણસને સીધી મદદ મળે એવી વ્યવસ્થા ન ગોઠવી શકાય? પર્કોલેશનની થિયરી મુજબ ક્યારે રાહત મળે? ક્યારે અંત્યોદય થાય? જીવતો માણસ મરી જાય પછી યોજનાઓ-પૅકેજો શું કામનાં? ઘણા કહે છે, “20 લાખ કરોડનું પૅકેજ સમજવા કોશિશ કરું છું; કંઈ સમજાતું નથી !” હું કહું છું, ”પૅકેજ બહુ જ સરળ છે. એટલું સમજી લો કે તમને કોઈ રાહત મળવાની નથી!” કોરોના મહામારીને નાથવા લૉક ડાઉન કરવાથી દેશ આર્થિક રીતે તૂટી ગયો છે. શ્રમિકો ભૂખે મરી રહ્યા છે. પ્રધાનસેવકે 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું. તેમાંથી ખેડૂતો, શ્રમિકો, લધુઉદ્યોગોને મદદ કરાશે. આખા દેશમાં એક આશાની લહેર ફરી વળી. પરંતુ વળતા દિવસોએ નાણામંત્રીએ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો ત્યારે ખેડૂતો-શ્રમિકો નિરાશ થઈ ગયા ! પ્રત્યક્ષ મદદની વાત જ નથી. રાહત જ નથી. માત્ર લોન ગેરંટીની વાત છે. સૌથી આંચકારૂપ વાત એ છે કે રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી અડધો ખર્ચ તો અગાઉ થઈ ગયેલો, એને ગણતરીમાં લઈ લીધો છે !
20 લાખ કરોડમાં RBIએ અગાઉ 8 લાખ કરોડની રાહતો આપી છે; તેનો સમાવેશ થઈ જાય છે; પરંતુ તેને પૅકેજ કહી શકાય નહીં, તે બેન્કો માટે નાણાનીતિ કહેવાય; રાજકોષીય નીતિ ન કહેવાય. પૅકેજ તો સરકાર ખર્ચ કરે તેને કહેવાય. આમ પ્રધાનસેવકે આંકડાની માયાજાળ ઊભી કરી દેશના ખેડૂતો-શ્રમિકોની મશ્કરી કરી છે — દાઝ્યા ઉપર ડામ અને પડતા ઉપર પાટુની નીતિ અપનાવી છે ! ખેડૂતોની લોન ઉપરનું વ્યાજ અગાઉ બે મહિના માટે માફ કરાયું હતું; હવે વધુ બે મહિના માટે માફ કરવામાં આવ્યું છે — તે પણ માત્ર 3 કરોડ ખેડૂતો માટે, જ્યારે દેશમાં ખેડૂતોની સંખ્યા 11.87 કરોડ છે. કોરોનાસંકટના કારણે ખેડૂતોની સ્થિતિ ભારે ખરાબ થઈ ગઈ છે; ત્યારે તેમનું દેવું માફ કરવાની જરૂર હતી. તેને બદલે માત્ર લોનની વાત છે; નવી લોન લઈ લો અને જૂની લોન ચૂકવો ! ખેડૂતોની હાલત ખરાબ થાય ત્યારે ખેતમજૂરોની દશા બેસી જાય છે. એમના માટે કોઈ રાહત નથી. દેશમાં દોઢ કરોડથી વધુ લારી-ગલ્લાવાળા છે. તે પૈકી માત્ર 50 લાખ લોકોને રૂ. 10,000ની લોન આપવામાં આવશે. મદદ નહી, રાહત નહીં, લોન. રેશનિંગની દુકાનેથી 8 કરોડ સ્થળાંતરિત શ્રમિકોને વધુ બે મહિના સુધી વિના મૂલ્યે અનાજ અપાશે; પરંતુ 2011ની વસતિ ગણતરી મુજબ દેશમાં સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા 13.9 કરોડની હતી; તો બાકીના શ્રમિકો શું કરશે?
નાણામંત્રીએ રૂ. 4.4 લાખ કરોડની ઘોષણા કરી તેમાં 3 લાખ કરોડનો હિસ્સો તો લઘુઉદ્યોગોને લોન આપવામાં વપરાશે. 90,000 કરોડ વીજકંપનીઓ માટે વપરાશે. બાકી 50,000 કરોડ TDSમાં 25 ટકા રાહતમાં વપરાશે. 20 લાખ કરોડમાંથી 70 ટકા ક્યાં વપરાશે તે દર્શાવી દીધું. પૅકેજનાં નાણાની જોગવાઈ કઈ રીતે થશે તે પ્રશ્ન નાણામંત્રીએ ટાળી દીધો ! કોરોનાસંકટમાં પોતાની આજીવિકા ગુમાવનાર અસંઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કોઈ રાહતની જોગવાઈ ન કરી ! પછી ડૅમેજ કંટ્રોલ માટે ‘PM કેર્સ ફંડ’માંથી રૂ. 1,000 કરોડની જોગવાઈની જાહેરાત કરી. ટૂંકમાં, આ પૅકેજને સમજવું બહુ જ સરળ છેઃ ખેડૂતો, શ્રમિકો, ખેતમજૂરો, લારી-ગલ્લાવાળાને રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી એક રૂપિયાની પણ રોકડ રાહત મળવાની નથી !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020