ભારતની અદાલતો અસાધારણ, અને ક્યારેક અજીબોગરીબ, દલીલોની સાક્ષી બને છે. પ્રોપર્ટીથી લઈને પ્રાઇવસી સુધીના તમામ નાના-મોટા અને ખાનગી-સાર્વજનિક વિવાદો પર અદાલતો નિર્ણયો આપતી હોય, તો એવા એવા મુદાઓ અને તર્કો પેશ કરવામાં આવે, કે અદાલતોએ સાચે જ આંખે પાટા બાંધીને, માત્ર કાયદાની ચોપડીનો સહારો લઈને ત્રાજવાં તોળવાં પડે. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બેન્ચે અયોધ્યા વિવાદમાં ન્યાય તોળતી વખતે ૨.૭૭ એકરની વિવાદિત જગ્યા નિર્મોહી અખાડાને ના આપી (કારણ કે જન્મસ્થાન કાનૂની વ્યક્તિ નથી), પણ એક ટ્રસ્ટ મારફતે રામ લલ્લાને આપી (કારણ કે દેવતા કાનૂની વ્યક્તિ છે).
ભારતીય કાનૂનમાં હિંદુ દેવતાને 'ન્યાયિક વ્યક્તિ' ગણવામાં આવે છે, જે અદાલતમાં દાવો માંડી શકે અથવા જેની સામે દાવો માંડી શકાય. સુપ્રીમ કોર્ટે ૬ ઓગસ્ટથી અયોધ્યાનો કેસ સાંભળવાનું ચાલુ કર્યું, ત્યારે ફરિયાદી તરીકે રામ લલ્લા હતા. અન્ય હિંદુ દેવતાઓની માફક, અયોધ્યાના દેવતા – ભગવાન રામનું બાળ સ્વરૂપ – કાનૂનની નજરમાં ચિરસ્થાઈ રીતે સગીર ગણાય છે.
હિંદુ દેવતાને ન્યાયિક વ્યક્તિ ગણવાનો વિચાર વિશિષ્ઠ છે. અયોધ્યાની જમીનની માલિકીનો કેસ અલ્હાબાદ સિવિલ કોર્ટમાંથી હાઈ કોર્ટમાં ગયો, તેના બે વર્ષ પછી, ૧૯૮૯માં રામ લલ્લા પક્ષકાર બન્યા હતા. તે વખતે, અલ્હાબાદ હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલે રામ લલ્લાના અને તેમના ૨.૭૭ એકરના જન્મસ્થાનના 'સખા' (મિત્ર) બનવાની અરજી કરી હતી. અગ્રવાલે ત્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ હતા. ત્યારથી લઈને સગીર રામ લલ્લાના અલગ-અલગ 'સખા' આ કેસ લડતા હતા.
દેવી-દેવતાઓ સામાન્ય મનુષ્યોની જેમ વિચાર-વ્યવહાર નથી કરતા, તો પછી તેઓ સંપત્તિની ફેરબદલ કેવી રીતે કરે? તેનો જવાબ એ છે કે જેમ એક કંપની ન્યાયિક વ્યક્તિ ગણાય છે અને તેના ડાયરેક્ટર કે ટ્રસ્ટી મારફતે સંપત્તિ અર્જિત કરી શકે છે (અને જે કોર્ટમાં ધા નાખી શકે, જેના નામે બેંકમાં ખાતું હોય, જેના નામે જમીનો અને ઇમારતો હોય અને જે કર્મચારીઓને વળતર ચૂકવતી હોય), તેવી રીતે હિંદુ દેવી-દેવતાઓ તેમના પ્રતિનિધિ મારફતે તેના કાનૂની અધિકારોનો ઉપયોગ કરે છે.
હિંદુ દેવી-દેવતા ન્યાયિક વ્યક્તિ કહેવાય કે નહીં, તેના નિર્દેશો બ્રિટિશ શાસનના સમયથી અદાલતો આપતી રહી છે. ૫ જુલાઈ ૧૯૨૧ના રોજ વિદ્યા વરુથી તિર્થ સ્વામીગલ વિરુદ્ધ બાલુસ્વામી અય્યરના કેસમાં બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ અમીર અલીએ લખ્યું હતું, "હિંદુ કાનૂન હેઠળ, હિંદુ પૅન્થિઅનમાં આવતા દેવતાની છબીને ઉચિત રીતે જ, 'ન્યાયિક અસ્તિત્વ' માનવામાં આવી છે, જે ભેટસોગાદ સ્વીકારવા અને સંપત્તિ ધારણ કરવા સક્ષમ છે. (આમાં જે હિંદુ પૅન્થિઅનનો ઉલ્લેખ છે, તે યુરોપિયન વિશેષજ્ઞ એડવર્ડ મૂરના પુસ્તકનું નામ છે. ૧૮૧૦માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં હિંદુ દેવી-દેવતાઓની સમજ આપીને એવું સાબિત કરવાનો પ્રયાસ થયો હતો કે હિંદુ ધર્મ કોઈ આદિમ કાફર ધર્મ નથી, પણ અધ્યાત્મ અને ચિંતનની પરંપરા છે.)
આવો જ એક કેસ ૧૯૨૦માં પ્રિવી કાઉન્સિલમાં લોર્ડ મોઉલ્ટન પાસે અંબાલાવાના પંડારા સંનિધિ વિરુદ્ધ મીનાક્ષીસુંદરેશવારલ દેવસ્થાનમનો આવ્યો હતો, જેમાં લોર્ડે કહ્યું હતું કે ટ્રસ્ટી એ મૂર્તિનો પ્રતિનિધિ છે અને મૂર્તિ ન્યાયિક વ્યક્તિત્વ છે અને અસલી માલિક છે. ૧૯૮૧માં રાધા કાન્તા દેવ વિરુદ્ધ કમિશ્નર ઓફ હિંદુ રિલિજીયસ એન્ડોવમેન્ટમાં સુપ્રીમ કોર્ટે હિંદુ મૂર્તિને ન્યાયિક વ્યક્તિ હોવાનો સ્વીકાર કર્યો હતો. ૨૯ માર્ચ ૨૦૦૦ના રોજ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અમૃતસર વિરુદ્ધ સોમ નાથ દાસ અને બીજાઓના કેસમાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ગુરુદ્વારામાં સ્થાપિત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ન્યાયિક વ્યક્તિ ગણાય.
સબરીમાલામાં રજસ્વાલા સ્ત્રીઓને પ્રવેશ નહીં આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં ન્યાયિક વ્યક્તિની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરી હતી. મંદિર ટ્રસ્ટ વતી એડવોકેટ જે. સાઈ દીપકે એવી દલીલ કરી હતી કે મંદિરના દેવતા, ભગવાન અય્યપા, ન્યાયિક વ્યક્તિ છે, એટલે કોઈ પણ ભારતીય નાગરિકની જેમ, તેમને પણ બંધારણીય અધિકારો છે, જેમાં સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશવા નહીં દેવાનો અને પૂજા નહીં કરવા દેવાનો હક્ક આવી જાય છે.
દીપકે બંધારણની કલમ ૨૧ (જીવનની રક્ષા અને અંગત સ્વતંત્રતા), કલમ ૨૫ (આત્માના અવાજની સ્વતંત્રતા અને વ્યવસાય અને ધર્મની સ્વતંત્રતા) અને કલમ ૨૬ ( ધાર્મિક બાબતોની સ્વતંત્રતા) હેઠળ દલીલ કરતાં કહ્યું હતું કે, ભગવાન અય્યપાને તેમની ચિરસ્થાઈ બ્રહ્મચારી અવસ્થા જાળવી રાખવાનો અધિકાર છે.

આ દલીલને ખારીજ કરતાં ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે મૂળભૂત અધિકારો માનવ વ્યક્તિ માટે છે, દેવી-દેવતાઓ અને મૂર્તિઓ માટે નહીં. તેમણે કહ્યું હતું, "કાનૂન મૂર્તિ અથવા દેવતાને ન્યાયિક વ્યક્તિ માને છે, જે સંપત્તિ ધારણ કરી શકે અને કાનૂનની અદાલતમાં દાવો કરી શકે, પણ દેવતાને બંધારણીય અધિકારો છે કે નહીં, તે ભિન્ન મુદ્દો છે. દેવતાને કાનૂન હેઠળ ન્યાયિક વ્યક્તિના મર્યાદિત અધિકારો આપવામાં આવ્યા છે, તેનો મતલબ એ નથી કે તેમને બંધારણીય અધિકારો પણ છે."
દેવી-દેવતાઓને ન્યાયિક વ્યક્તિ માનવાનો વિચાર પૌરાણિક હોવો જોઈએ. દેવતાઓની કલ્પના હંમેશાં તેમની આરાધના કરનારા લોકો જેવી કરવામાં આવી છે. મતલબ કે ભક્તો ખુદનાં જેવાં જ લક્ષણો દેવતામાં જુએ છે. મંદિરોમાં ભગવાનને ઉઠાડવા, નવડાવવા, શણગાર પહેરાવવા, જમાડવા અને સુવડાવી દેવા, એ મનુષ્યોનાં જ લક્ષણો છે.
અંગ્રેજીમાં ‘પર્સન’ શબ્દ લેટિન ‘પર્સોના’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે નાટકમાં એકટરો દ્વારા પહેરવામાં આવતું મહોરું. સાઈંઠમી સદી સુધી આ શબ્દ, મનુષ્ય તેના જીવનમાં જે ભૂમિકા નિભાવે, તેના માટે વપરાતો હતો. તે પછીની સદીઓમાં તે જીવિત વ્યક્તિ માટે વપરાતો થયો. જ્યુરિસ્ટીક પર્સનાલિટી અથવા ન્યાયિક વ્યક્તિત્વ અહીંથી આવી હતી. જો કે ગુલામો રાખવાની પ્રથા હતી, ત્યારે ગુલામોને જ્યુરિસ્ટીક પર્સનાલિટી માનવાનો ઇન્કાર કરીને તેમને અધિકારો અને ફરજો આપવામાં આવતી ન હતી. તેવી જ રીતે, હિંદુ કાનૂનમાં સંસારનો ત્યાગ કરનાર સન્યાસીને સંપત્તિનો હકદાર ગણવામાં આવતો નથી અને તેની ન્યાયિક વ્યક્તિની અવસ્થા જતી રહે છે.
આ જ રીતે ન્યાયિક વ્યક્તિની વ્યાખ્યાને મૂર્તિઓ સુધી લંબાવવામાં પણ આવે છે. ઓડીશાના સાક્ષીગોપાલ મંદિરની દંતકથા એવી છે કે ભગવાન ગોપાલ તેના ભકત માટે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા તૈયાર થયા હતા, પણ શરત એવી હતી કે ભક્તે પાછું વળીને જોયા વગર ભગવાનને કોર્ટના રસ્તે દોરવાના. તેણે પાછું જોયું અને ભગવાન પૂતળું બની ગયા. જો કે તેમ છતાં તે કોર્ટ કેસ જીતી ગયો અને ભગવાન માટે મંદિર બનાવ્યું, જે સાક્ષીગોપાલ તરીકે ઓળખાયું.
ભારતમાં લોકો કરવેરો ભરવાને બદલે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આપે છે. ભારતમાં આજે પણ સિદ્ધિ વિનાયક અને સાંઈ બાબાનાં મંદિરો કરોડો રૂપિયાનો વહીવટ કરે છે. આ બધી સંપત્તિ દેવતાના નામે હોય છે અને ટ્રસ્ટીઓ તેની વ્યવસ્થા કરતા હોય છે. દૈવી કૃપાના બદલામાં દેવતાને દાન ચડાવવાની પરંપરા બહુ જૂની છે. બ્રિટિશરોના સમયમાં મંદિરો ચોક્કસ સમુદાયો માટે તિજોરી અથવા બેંકનું કામ કરતાં હતાં, જેમાં પૈસા મૂકી શકાય અને પૈસા કાઢી શકાય. તેનો વહીવટ કોણ કરે, તે પણ સામાજિક રીવાજો-અવસ્થાઓ પ્રમાણે નક્કી થતું.
બ્રિટિશરોના કાયદાઓ કરતાં, આ બહુ જટિલ હિંદુ વ્યવસ્થા હતી અને એમાં ઊભા થતા વિવાદો જેમ જેમ બ્રિટિશ સંચાલિત કોર્ટોમાં આવતા ગયા, તેમ તેમ બ્રિટિશ ન્યાયાધીશો દેવતાને ન્યાયિક વ્યક્તિ ઠેરવવાનો અનોખો રસ્તો શોધી લાવ્યા. એમાં મંદિરની સંપત્તિની માલિકીનો ઝઘડો એક ઝટકામાં પતી ગયો.
અયોધ્યા વિવાદમાં પણ ત્રણ પક્ષકાર હતા : નિર્મોહી અખાડો, સુન્ની વકફ બોર્ડ અને રામ લલ્લા બિરાજમાન. અલ્હાબાદ હાઈ કોર્ટની ત્રણ જજની બેન્ચે ૨૦૧૦માં ૨.૭૭ એકરની વિવાદી જમીનને આ ત્રણ પક્ષકારો વચ્ચે વહેંચી આપી હતી, પણ એમાં એકેય પક્ષકારને સંતોષ ના થયો અને મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે પૂરી જમીન રામ લલ્લાને સોંપી દીધી, વકફ બોર્ડને અયોધ્યામાં જ ઉચિત જગ્યાએ ૫ એકર જમીન આપી અને નિર્મોહી અખડાનો માલિકીનો દાવો ખારીજ કરી દીધો.
દેવી-દેવતાઓને ન્યાયિક વ્યક્તિ ગણવાનો કાનૂન સંપત્તિ પૂરતો માર્યાદિત નથી. તેઓ કરદાતા તો બની જ ગયા છે. સબરીમાલાના કિસ્સામાં તો એ દેવના બ્રહ્મચર્યને સ્પર્શી ગયો હતો. શક્ય છે કે ભવિષ્યમાં કોઈ ટ્રસ્ટી કોર્ટમાં જઈને દેવતા માટે મતાધિકાર પણ માગે!
https://www.facebook.com/permalink.php?story_fbid=2429859530675425&id=1379939932334062&__tn__=K-R
![]()



લોકસાહિત્ય પરના તેમના લેખો અને વિખ્યાત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય’માં વાંચવા મળે છે. ફોકલોર માટે મેઘાણીએ વર્ષો લગી આખા સૌરાષ્ટ્રમાં કરેલા રઝળપાટ અને તેમાં તેમને મળેલા માનવીઓનાં, માત્ર લસરકા જ કહી શકાય તેવાં સંભારણાં ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’, ‘સોરઠને તીરે તીરે’ અને ‘પરકમ્મા’ પુસ્તકોમાં લખ્યાં છે, જે અકાદમીની શ્રેણીમાં ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ નામના સોળમા ગ્રંથમાં મળે છે. ગુજરાતી લખાણોનાં અંતિમ એટલે કે સત્તરમા ગ્રંથ તરીકે ‘સોરઠી સંતો અને સંતવાણી’ છે જેમાં ‘સોરઠી સંતો’, ‘પુરાતન જ્યોત’ અને ચાર લેખો છે. મેઘાણીએ ભજનોને લોકવાણીનો અંતિમ પરિપાક કહ્યો છે. એમના સાહિત્યજીવનનું એ અંતિમ કર્મ હતું.
આમ તો મેઘાણીનાં સમગ્ર સાહિત્યનું જયંતભાઈનું સંપાદનકાર્ય એ ગુજરાતી સાહિત્યનાં સંપાદનકાર્યનાં કદાચ એક સર્વોચ્ચ શિખર જેવું છે. તેની સરખામણીમાં અકાદમીના ઉપક્રમે કે એકંદરે જે સંપાદનો થાય છે તેમાંથી મોટાં ભાગનાં સંપાદકોની દૃષ્ટિહીનતા તેમ જ સાચાં-ખોટાં કારણોસર થતી કામચોરીને કારણે વામણાં લાગે છે. જયંતભાઈનું સંપાદનકાર્ય પિતૃસાહિત્ય માટેની સમર્પિતતાથી આગળ વધીને સાહિત્ય માટેનો ઊંડો લગાવ તેમ જ સંપાદનકળાની જાતે કેળવેલી સમજ અને વંદનીય કર્તવ્યનિષ્ઠા બતાવે છે. લોકો નિવૃત્ત થાય તે વયે અને એટલે કે અઠ્ઠાવનમાં વર્ષે તેમણે સમગ્ર મેઘાણી સાહિત્યની દસ હજાર પાનાંની યોજના મેઘાણી જન્મશતાબ્દીના 1996નાં વર્ષમાં ઊપાડી અને પછીની જ સાલમાં અસલ સોના જેવું પુસ્તક ‘સોના-નાવડી’ આપ્યું. મેઘાણી પરિવારની આ યોજનાનો મુખ્ય હેતુ ‘લેખકનાં સાહિત્યની પ્રમાણભૂત વાચના’ લોકો સમક્ષ મૂકવાનો હતો. અનેક કારણોસર મેઘાણીનું સર્જન-સંશોધન પુસ્તકો, તેમની અનેક આવૃત્તિઓ, અખબારી લખાણો, સંશોધનનાં ટાંચણો, વ્યાખ્યાનો જેવાં વિવિધ સ્વરૂપે વેરવિખેર હતું. લખાણોમાં લેખકે પોતે કરેલાં સુધારા-વધારા, પુસ્તકોની આવૃત્તિઓમાં ઉમેરણો-બાદબાકીઓ, પ્રસ્તાવનાઓ અને ટિપ્પણો, તખલ્લુસો, લેખકની ઓળખ, પ્રકાશનસાલ, જેવા સંખ્યાબધ પ્રશ્નો તર્કપૂર્ણ રીતે હલ કર્યા છે. અગ્રંથસ્થ લખાણો ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’ અખબારોની જૂની-પુરાણી ફાઇલો ઉપરાંત ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ જેવાં સામયિકોનાં અંકોમાંથી શોધી છે. આ બધાં થકી જયંતભાઈએ મેઘાણી-સાહિત્યનો અધિકૃત પાઠ તૈયાર કર્યો છે. તેની માહિતી તેમણે દરેક ગ્રંથનાં લાક્ષણિક રીતે મીતભાષી તટસ્થ નિવેદનોમાં આપી છે, અને તેમાંના પડકારો સંશોધકે બિટ્વિન ધ લાઇન્સ વાંચવા પડે છે.
સંશોધક ન હોય એવા વાચનપ્રેમી માટે સહુથી નોંધપાત્ર બાબત તે જયંતભાઈ પુસ્તકને સુરુચિપૂર્ણ રીતે આકર્ષક કેવી રીતે બનાવે છે તેની છે. અકાદમીની આ ગ્રંથમાળાનાં પાકાં પૂંઠાંનાં આવરણો તો મેઘધનુષી છે. રેખાંકનો અને તસવીરોની જયંતભાઈને આગવી સૂઝ છે. પૂરક સામગ્રી તરીકે તે કેટલીક જગ્યાએ મેઘાણીના હસ્તાક્ષરનો પણ તે ઉપયોગ કરે છે જે વાચકને રોમાંચિત કરી દે છે. દરેક પુસ્તકને શક્ય એટલું યુઝર-ફ્રેન્ડલિ બનાવવા માટે જયંતભાઈ જે પૂરક સામગ્રી આપે છે તે આપવાની તસદી અન્ય સંપાદકો ભાગ્યે જ લે છે. જયંતભાઈ લોકબોલીના અને રૂઢિપ્રયોગોનો નાનકડો કોશ તો આપે જ છે, પણ સાથે પુસ્તક પ્રકાશનની સાલવારી અને ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ પુસ્તકમાં નકશો પણ આપે છે. સૂચિઓ એમની અનોખી સિદ્ધિ છે. પુસ્તકો માટે તેમના હાથે તૈયાર થયેલી સ્થળસૂચિ, પાત્રસૂચિ, ગીતો/કવિતાઓની સ્મરણપંક્તિઓની સૂચિ, અનુકૃતિઓની તેમ જ તેમની મૂળ કૃતિઓની સૂચિ અને ઉલ્લેખસૂચિ ખાસ અભ્યાસવા જેવી છે.



