નવી શિક્ષણ નીતિની તાકીદ અને તીવ્રતા બાબત બેમત અલબત્ત નથી. ખાસ કરીને, અમદાવાદને તો ઈસરોને કારણે પરિચિત અને પોતાના લાગતા રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અવકાશવિજ્ઞાની કે. કસ્તૂરીરંગન જ્યારે કૉલેજને નામે ધોરણ વગરની ચાલતી હાટડીઓ પર, ‘નકલી કારખાનાં’ પર રોક લગાવવાની વાત કરે ત્યારે કોણ રાજી ન થાય. એમની ચિંતા ને ચેતવણી બિલકુલ વાજબી છે. પણ પ્રશ્ન એ છે કે એના અમલ માટે રાજકીય સંકલ્પ શક્તિ ક્યાં છે? જો કે, કસ્તૂરીરંગન અને સાથીઓ જ્યારે વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય શિક્ષા આયોગ (નૅશનલ એજ્યુકેશન કમિશન) નામની સર્વોચ્ચ સંસ્થાની ભલામણ કરે છે ત્યારે એક સાથે બે પરસ્પરવિરોધી સંકેતો મળે છે. એક સંકેત, નવી શિક્ષણ નીતિમાં અમલની દૃષ્ટિએ શાસનના સર્વોચ્ચ સત્તાસ્તરેથી હોવા જોઈતા દાયિત્વનો છે. સંભવતઃ કસ્તૂરીરંગન અને સાથીઓને અભિમત પણ એ જ હશે. પરંતુ, બીજો સંકેત સંમિશ્ર છે. અને તે એ કે જે ક્ષેત્રમાં સ્વાયત્તતાની ખાસી બધી, બલકે કહો કે પ્રાણવાયુ શી જરૂરત છે તે ક્ષેત્રમાં વડાપ્રધાનનું અધ્યક્ષપદ સ્વાયત્તતાને ગ્રસવાની રીતે સત્તાના કેન્દ્રીકરણનું સૂચક તો નથી ને.
જે બધાં નકલી કારખાનાં બાબતે નવી શિક્ષણ નીતિના મુસદ્દાકારો ચિંતિત કે આશંક્તિ જ નહીં પણ આતંકિત હોવાની છાપ આપે છે એ કારખાનાં આપણા રાજકીય-શાસકીય અગ્રવર્ગ સાથે સીધા નહીં તો આડકતરા મેળાપીપણાથી ચાલે છે. રાજકારણીઓ અને સત્તાપુરુષોની સંદિગ્ધ ડિગ્રીઓ વિશે વખતોવખત ઊઠતા અવાજો અને સેવાતી ચૂપકીદી કે પછી આવી તેવી વિગતોને માહિતી અધિકારની બહાર જાહેર કરવાનો રવૈયો તો ખરું જોતાં હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું જ માત્ર છે. આ હાટડીઓ ખાનગી માલિકોને સારુ તેમ જ એમના પક્ષનિરપેક્ષ મળતિયાઓ સારુ ભરપેટ તગડમસ્ત થવાની રીતે (પછી ભલે એથી શિક્ષિત બેરોજગારો કે અશિક્ષિત શિક્ષિતોનો ફાલ સુંડલામોંઢે ઉતરે) એક જીવાદોરીની ગરજ સારે છે.
એક રીતે, નવી શિક્ષણ નીતિએ વાજબીપણે સેવેલી આ ચિંતાની જરી બહાર જઈને કહીએ તો ‘ફેક’ નહીં એવી શિક્ષણસંસ્થાઓ પણ જે તે રાજ્યના કથિત નિયમન તંત્રની રહેમનજરી છટકબારી હેઠળ ફીનાં ઉઘરાણાંમાં મલાઈવાળી કરી શકે છે એ આપણું તંત્ર કઈ હદે અવદશાને પામેલું છે એની દ્યોતક બીના છે.
૨૦૧૭ના, એટલે કે હજુ હમણાંના આંકડાની રીતે જોઈએ તો આપણે જી.ડી.પી.ના આખા ૨.૭ ટકા માત્ર જ શિક્ષણમાં નાખીએ છીએ. ટચૂકડું બ્રાઝિલ છ ટકા નાખે છે, જ્યારે ઇંગ્લંડ-અમેરિકામાં પાંચ ટકાનો નિયમિત જેવો રવૈયો માલૂમ પડે છે. અહીં જી.ડી.પી.ની વિગત જાણી જોઈને આગળ કરી છે; કેમ કે સરકાર જ્યારે નકલી કારખાનાં સામે લોકતરફી બાંયચડાઉ મુદ્રામાં આગળ વધવાનો વાસ્તવિક નિર્ણય લે ત્યારે શિક્ષણક્ષેત્રે રોકાણ બાબતે સરકારની પોતાની જવાબદારી એક ચાવીરૂપ તપાસમુદ્દો બનીને સામે આવે છે.
શિક્ષણને એક ‘ઉદ્યોગ’ તરીકે ખાનગીકરણ અને બજારીકરણને હવાલે થવા દેવામાં આવે ત્યારે શું થાય એ અજાણ્યું નથી. એથી દાયિત્વ અને ઉત્તરદાયિત્વ એમ બેઉ છેડેથી આવે વખતે સરકાર પોતે જી.ડી.પી.માંથી ધોરણસરનું રોકાણ શિક્ષણમાં ફાળવવા તૈયાર છે કે નહીં એ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.
૨૦૦૯માં તે વખતની સરકારે આર.ટી.ઈ. કહેતાં શિક્ષણના અધિકારને અન્વયે ૬થી ૧૪ના વયજૂથ માટે સાર્વત્રિક શિક્ષણનું ધોરણ બંધારણની પરંપરામાં સ્વીકાર્યું હતું જેમાં હજુ આટલે વરસે (એન.ડી.એ.નાં પાંચ વરસ પછી પણ) ખાસું અંતર કાપવું રહે છે. હવે નવી નીતિ મુજબ આ વયજૂથમાં સાત વરસનો વધારો કરવાની વાત છે. ૬થી ૧૪ને બદલે, ૩થી ૧૮ વરસની જવાબદારી આર.ટી.ઈ. અન્વયે બને છે. સાફ જાહેર છે કે જી.ડી.પી. અંતર્ગત હાલની ફાળવણી, કમસે કમ, બેવડાવવી જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્ અને શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ સરકારમાં આ બાબતે આગ્રહપૂર્વક અમલ કરાવી શકશે કે કેમ તે જોવાનું રહે છે.
બાય ધ વે, કસ્તૂરીરંગન પૂર્વે જે.એન.યુ.ના ચાન્સેલર હતા અને નિર્મલા સીતારામન્ તેમ જ વિદેશ પ્રધાન જયશંકર પણ ટુકડે ટુકડે જે.એન.યુ.ની જ પેદાશ છે. આ જોગાનુજોગમાં જે કટાક્ષસુવિધા છે એનો લાભ આ લખનારે જરૂર લીધો છે. પણ એટલી એક ચૂક માફ કરીને વાચકે વિચારવાનું એ છે કે જે નવી નીતિ આપણે ત્યાં વિશ્વસ્તરની યુનિવર્સિટીઓને આમંત્રવા ઇચ્છે છે તેના અમલકારો, ખાસ કરીને સત્તાપક્ષ, જે.એન.યુ.ને શા માટે પોતે કબજે કરવા જોગ અગર ધ્વસ્ત કરવા જોગ કિલ્લા તરીકે જુએ છે. જે.એન.યુ. ટીકાપાત્ર ન હોઈ શકે એમ કહેવાનો આશય નથી; પણ જે નકલી યુનિવર્સિટીઓ અને નકલી કૉલેજો વિશે કસ્તૂરીરંગને કકળતી આંતરડીએ ને જલતા જિગરે રાડ નાખી છે એની વચ્ચે રણદ્વીપ જેવું અને દેશ બહાર લેવાતાં જૂજ નામો પૈકીનું એક ઠેકાણું જે.એન.યુ. છે એ હકીકત છે.
જે.એન.યુ., એના આરંભ સમયની સ્થાપિત ને સુખ્યાત જે થોડીકેક યુનિવર્સિટીઓ હશે એના કરતાં ગુણાત્મકપણે જુદો પડતો એક પ્રયોગ હતો અને છે. અહીં એ સંભારવાનું કારણ નવી શિક્ષણ નીતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ૨૦૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓને આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ કેન્દ્રો ખોલવા માટે બોલાવવાની વાત છે. માનવીય શિક્ષાકર્મી અનિલ સદ્ગોપાલે માર્મિક ટિપ્પણી કરી છે કે આ વિદેશી યુનિવર્સિટીઓનું ‘ઉચ્ચ’ એવું રૅન્કિંગ ત્યાંનાં ઉદ્યોગ સંસ્થાનો પોતાને ધોરણે કરતાં હોય છે. (આ ધોરણોએ ૧૯૬૮માં આંતરરાષ્ટ્રીય કૅમ્પસો પર યુવા અજંપો જગવ્યો હતો.) આ બધું પણ વિચારવું રહેશે.
એક બીજી વાત. આપણે સૌને માટે શિક્ષણના ખયાલ સાથે આગળ વધીએ છીએ એ સાચું; પણ આપણે ત્યાં એક અંદાજ મુજબ સાડાત્રણ કરોડ જેટલા યુવાનો (૧૫થી ૨૪ વયજૂથ) અશિક્ષિત છે અને જો ૧૫થી વધુ વયના સૌ એટલે કે બધા પ્રૌઢોને ગણતરીમાં લઈએ તો જુમલો ખાસા ૨૬.૫ કરોડે પહોંચે છે. દેખીતી રીતે જ, એમને માટે જુદી રીતે વિચારવું રહે. મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ પ્રૌઢશિક્ષણને અગ્રતાની જે કોશિશ શરૂ થઈ હતી તેને નવેસર મૂલવી આગળ લઈ જવા ઉપરાંત ગુજરાતના માઈધાર જેવો પ્રયોગોને પણ અવકાશ આપવો જોઈશે.
વસ્તુતઃ અહીં તો સહેજસાજ જિકર કેવળ કરી છે. વ્યાપક ચર્ચાની ખાસી જરૂર છે. દેશને માત્ર એક જ મહિનાનો સમય સૂચનો માટે અપાયો તે ઓછો, અત્યંત ઓછો છે. ચાલુ પખવાડિયે રાજ્યોના શિક્ષણમંત્રીઓ પોતપોતાનાં સૂચનો સાથે મળવાના છે ત્યારે વધુ મુદ્દત બાબતે વિચારે તેમ જ પોતપોતાનાં રાજ્યોમાં સ્થાપિત સંસ્થાનો અને સરકારી બાબુઓ ઉપરાંત નાગરિક સમાજ સાથે પણ ચર્ચા કરે તે ઇષ્ટ લેખાશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 13 તેમ જ 15