
રજૂ થાય છે
પ્રધાનમંત્રીના દીર્ઘદર્શન મસાલાથી તરબતર
નવી જ તળેલી યોજના,
‘પકોડા રોજગાર યોજના’… ઢેન ટેણણ …
‘હમારી સરકાર, પકોડા સરકાર’
‘ઘોડા હોય કે ગધેડાં, બેચો રોજ પકોડાં’ …
ટાઢાબોળ થઈ ગયેલાં જુવાનિયાઓ માટે
ખાસ ગરમાગરમ યોજના …
જાહેરાત મોટી છે, અક્ષરો નાના છે, ધ્યાનથી વાંચો,
વિવિધ પકોડાં માટે વિવિધ ડિગ્રીગિરિધારીઓની તાકીદે જરૂર છે.
બહુસાંસ્કૃતિક બહુધાર્મિક આ યોજનામાં
માસ્ટર્સડિગ્રી ફરજિયાત છે
પણ બેચલર હશે તો બેચલર ચાલશે!
વચ્ચેવાળાઓની સ્થિતિ હાલ તુરત વિચારણા હેઠળ છે!
તમને નોટબંધીની લાઇનમાં, જી.એસ.ટી.ની લહાયમાં, મોંઘવારીના મારમાં,
અમારા સ્વયંસેવકોએ પકોડાં પહોંચાડેલા જ છે!
ડૉક્ટર હો કે હો એમ.બી.એ.
પકોડાં રોજગારયોજનાનો લાભ લો, લોન લો, ફ્રૅન્ચાઈઝી ખોલો,
‘શરતો લાગુ’ બરાબર વાંચી લેવું
પકોડાં બનાવનારે બનાવતાં-બનાવતાં,
વેચનારે વેચતાં-વેચતાં, ખાનારાઓએ ખાતાં-ખાતાં
પ્રધાનમંત્રીનો હસતો ફોટો નિહાળવો ફરજિયાત છે!
બીફ પકોડાં ખાવાં હોય કે શીખવાં હોય, તો
ગોવા કે પૂર્વોત્તરમાં અમારી જ શાખા છે!
કોઈ પણ પક્ષમાંથી કૂદી આવો,
‘પકોડે પકોડે પે લિખા હૈ હમને ખાનેવાલે કા નામ!’
સાવ જ ચિલ્લર છે એમના માટે
કારકિર્દી ઘડવાની સોનેરી તક છે
અમારી ‘પકોડાં શિશુ કૌશલ કેન્દ્ર યોજના’
તત્કાળ નામ નોંધાવી દો. રજિસ્ટ્રેશન બંધ પણ થઈ શકે!
શું કહ્યું ? ડિગ્રી જ ખોવાઈ ગઈ છે? પ્રધાનમંત્રીની જેમ સ્મૃતિમાં નથી?
ગભરાવ નહીં, તમારી ખાસ અલગ-અલગ જોગવાઈ છે.
કલમ ચારસો ઓગણીસ ને એક પ્રમાણે તમને
‘પ્રધાનમંત્રી વિશેષ પકોડા યોજના’ હેઠળ સમાવાશે!
વિશ્વગુરુ ભારતના, વિશ્વસમસ્તને પહોંચાડવાનાં પકોડાઓ
નીરવ-વિજય-લલિતની જેમ ખોવાઈ ન જાય તે માટે
તમને ચોકીદાર બનવાનો પૂરો ચાન્સ છે.
સરદારની કરોડીમલ મૂર્તિ પછી
વિશ્વનું સૌથી મોટું પકોડું બનાવવાનો દૃઢસંકલ્પ
નવા ઘોષણાપત્રનો એકમાત્ર અને અનન્ય ઉમેરો છે!
ઓહ્હ! વાઉઉ! કવિ છો? પ્રધાનમંત્રીની જેમ જ!
તો આવી જાવ મેદાનમાં :
માત્ર મહામાત્રને પકડો, ‘પકોડાં રાષ્ટ્રગીત યોજના’ અંતર્ગત ભાગ લો!
અકાદમી આવાગમન વત્તા પાંચહજાર પુરસ્કાર તો આપશે જ
પણ પ્રમુખશ્રીના ક્રાંતિકારી સૂચનથી
પ્રત્યેક કવિનું પકોડાંના પડીકાથી સ્વાગત કરવું એ નવા બંધારણમાં ઉમેર્યું છે!
શું? પકોડામાં રસ જ નથી?
‘ઝખ મારવા ભણ્યો’ એમ ન બોલો.
ક્યાંક તમે દેશદ્રોહી, પાકિસ્તાની કે અડબંગ નક્સલ તો નથીને?
તમે ભણેલાં છો એ નેહરુનો ગુનો છે.
પણ ઠીક છે, તમે ચટણી બનાવો, પકોડાંની સાથે પાત્રામાં કામ લાગે,
ચૅનલે-ચૅનલે તીખી, તમતમતી, ગળચટ્ટી, ખટમધુરી, લાલ, લીલી, ભગવી
ચટણીની જાહેરાત કરીશું!
તમને બરાબર વાટતાં આવડે તો પાક્કું!
ચટણી-અધિકારીની જોગવાઈ અલગ છે ને
ઇન્ક્રિમેન્ટ ખાસ્સું છે!
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 09
![]()


૧૬ માર્ચે વિલિયમ કોનોલી નામના લબરમૂછિયાએ મેલબોર્નમાં પત્રકારોને સંબોધી રહેલા સેનેટર ફ્રેઝર એનિંગના માથે ઈંડું ફોડ્યું. વાઇરલ થયેલા વીડિયોમાં, ભુરાયેલો આધેડ, પડછંદ એનિંગ, કોઈ પણ જાતની તપાસ કે પૃચ્છા કર્યા વિના સીધો સાંઠીકડી જેવા છોકરા પર તૂટી પડે છે. અંડાફોડ પાછળનું કારણ હતું, એનિંગે ૧૫ માર્ચના રોજ ન્યુઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધે કરેલી મુસ્લિમ અને મુસ્લિમ-સ્થળાંતરવિરોધી ટિપ્પણી. શરણાર્થીઓ પ્રત્યે સકારાત્મક નીતિ હેઠળ ન્યુઝીલૅન્ડના વડાપ્રધાને ૨૦૨૦ સુધીમાં શરણાર્થીઓનો વાર્ષિક કોટા ૧૦૦૦થી ૧૫૦૦ કરવાની જાહેરાત કરી હતી. દેખીતી રીતે, કોનોલીનું અંડાફોડ ગૌર સર્વોચ્ચવાદી માનસિકતા અને વૈકલ્પિક દક્ષિણપંથી વિચારધારા પરત્વે નોંધાવેલો સાંકેતિક વિરોધ હતો. પરિણામ- સ્વરૂપે સોશિયલ મીડિયામાં કોનોલીની તરફેણમાં અને ટીકામાં સાઇબર સૈનિકોની સેના અને મીમ મિસાઇલો ખડકાઈ ગઈ. કોઈકે કોનોલીને ‘હીરો’ કહ્યો તો કોઈકે એની સાધન-પસંદગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. પણ પ્રશ્ન એ છે કે ક્રાઇસ્ટચર્ચ જેવી ઘટના સંબંધે ફ્રેઝર જેવા લોકપ્રતિનિધિ પાસે આમઆદમીને શી અપેક્ષા હોય? સામાન્ય રીતે તો નેતાઓ આવી ઘટનાને વખોડી કાઢે, પોતાની દિલગીરી વ્યક્ત કરે, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે અને પછી બૅંક ટુ બિઝનેસ. જો કે અસામાન્ય સંજોગોમાં આત્માની જગ્યાએ મતપેટી ધરાવતા રાજકારણીઓ મૂંગા મરે, ટાંટિયા ઢસડે અને બધું ટાઢું પડી જાય તેની રાહ જુએ. લોકો અને મીડિયા તરફથી વધારે દબાણ આવે, તો પછી ટોકનિઝમ જેવું મોળું-મોળું કંઈ બોલે.
“અહીંયાં ન્યુઝીલૅન્ડમાં અમે તમને સાંભળી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે સઘન કાર્યવાહી કરવી પડશે અને થઈ પણ રહી છે. પણ તમે જે કાંઈ કરી રહ્યા છો, તેનાથી પણ અમને ખાસ્સી મદદ મળશે, કેમ કે લોકોના સાથ અને સહકાર વિના અમે આ જંગ જીતી નહિ શકીએ.”
આર્થિક અને અન્ય નીતિઓના ઘડતર અને તેમની અસરકારકતા તપાસવા માટે સંબંધિત ક્ષેત્રના વિશ્વાસપાત્ર આંકડા આધારસામગ્રી બની રહે છે. એ જ રીતે સામાજિક શાસ્ત્રોમાં રજૂ થતા સિદ્ધાંતોની ચકાસણી માટે ભરોસાપાત્ર આંકડાઓની ઉપલબ્ધિ જરૂરી થઈ પડે છે. આ માટે સ્વતંત્ર કે સ્વાયત્ત સંસ્થાઓ એ કામગીરી બજાવતી હોય તે આવશ્યક છે. તેથી દેશમાં આયોજનના આરંભ સાથે નૅશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન(એન.એસ.એસ.ઓ.)ની રચના કરવામાં આવી હતી. એ પછી નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાઓ પોતાની રીતે કામ કરવા અને એના આધાર પર પ્રાપ્ત થતી માહિતી પ્રગટ કરવા મુક્ત હતી. ‘હતી’ એમ લખવું પડે છે કેમ કે સરકારે તેમની કામગીરીમાં હસ્તક્ષેપ શરૂ કર્યો છે. એની શરૂઆત જી.ડી.પી.ના વૃદ્ધિદરથી થઈ.