દિલ્હી શહેરમાં દિવાળી ટાણે ફટાકડા ફોડવા પર સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો એની સામે વાદ જાગ્યો છે.
કેટલાક લોકો દલીલ કરે છે કે અદાલતે અવાજ તેમ જ ધુમાડાનું વધારે પ્રદૂષણ પેદા કરનારા ફટાકડા પૂરતો જ પ્રતિબંધ મૂકવો જોઈતો હતો. આવી રીતે સમૂળગો પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ ખોટું છે. તેમને જાણ નથી કે એવા ફટાકડા પર આ પહેલાંથી જ પ્રતિબંધ છે, પરંતુ એની કોઈ અસર થતી નથી. વ્યવસ્થાતંત્ર શિથિલ અને ભ્રષ્ટ છે એટલે ગુણવત્તા આધારિત આંશિક પ્રતિબંધો કે આંશિક છૂટછાટો કામ કરતી નથી. આવડા મોટા શહેરમાં ફટાકડાની ગુણવત્તાનું મૉનિટરિંગ કરવું વ્યવહારુ પણ નથી. હજી આગળ જઈને પ્રચંડ અવાજ અને વધારે માત્રામાં ઝેરી હવા એમ બન્ને પ્રકારનું પ્રદૂષણ પેદા કરનારા ફટાકડાના ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એટલે ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ એવી દલીલ કેટલાક લોકો કરે છે. અહીં પણ વાસ્તવિકતા એ છે કે આવો પ્રતિબંધ આ પહેલાંથી જ કાયદામાં છે, પણ અમલમાં નથી.
ફટાકડા જ્યાં બને છે (મુખ્યત્વે શિવકાશી, તામિલનાડુ) ત્યાં કેવી અમાનવીય સ્થિતિ હોય છે અને નાનાં બાળકોનું કેવી રીતે શોષણ થાય છે એ વિશે દાયકાઓથી ઊહાપોહ થઈ રહ્યો છે, પરંતુ આજ સુધી ફટાકડા ફોડનારાઓએ એની તરફ નજર કરી નથી. વરસેદહાડે ઓછામાં ઓછાં ૧૦૦ બાળકોના ભોગે આપણાં બાળકો ફટાકડા ફોડે છે. એ બાળકો એટલા માટે મરે છે કે તેમનું પેટ ખાલી છે અને આપણે સભ્યતાની ઐસીતૈસી કરીને ફટાકડા એટલા માટે ફોડીએ છીએ કે આપણું પેટ અને ગજવું બન્ને ભરેલાં છે. ઝેરી ગૅસ પેદા થતો હોય તો વાંધો નહીં અને અવાજને કારણે વૃદ્ધો અને બીમાર લોકોને ખલેલ પડતી હોય તો વાંધો નહીં; કારણ કે તહેવાર છે અને તહેવારમાં છૂટછાટ લેવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે.
તહેવારોમાં છૂટછાટ લેવામાં આવે છે એ મોટી સમસ્યા છે અને આજના પ્રદર્શનના યુગમાં છૂટછાટ લેવાનું પ્રમાણ વધ્યું છે. કેટલાક લોકો ધનનું અને વૈભવનું પ્રદર્શન કરવા તહેવારોમાં છૂટછાટ લે છે. કેટલાક લોકો સંગઠિત તાકાતનું પ્રદર્શન કરવા છૂટછાટ લે છે તો બીજા કેટલાક ધાર્મિક કે સામાજિક અસ્મિતાનું પ્રદર્શન કરવા તહેવારોમાં છૂટછાટ લે છે. પહેલાં આ તત્ત્વ નહોતું એટલે તહેવારો ખાસ પ્રદર્શન કર્યા વિના ઊજવવામાં આવતા હતા. તહેવારો પોતાને માટે હતા, જ્યારે આજે તહેવારો બીજાને બતાવી આપવા માટે ઊજવવામાં આવે છે. નોંધી લો, હું શહેરનો શ્રીમંત માણસ છું અથવા નોંધી લો, અમે પણ અસ્તિત્વ ધરાવીએ છીએ. અમારી અસ્મિતા પ્રબળ છે અને અમે સંગઠિત છીએ.
આવી પ્રદર્શનવૃત્તિને કારણે તહેવારો બે રીતે અભડાયા છે. એક તો તહેવારોનું વલ્ગરાઇઝેશન (વિકૃતીકરણ) થયું છે અને બીજું તહેવારોનું પૉલિટિસાઇઝેશન (રાજકીયકરણ) થયું છે. શ્રીમંતો વૈભવનું પ્રદર્શન કરીને તહેવારોનું વલ્ગરાઇઝેશન કરી રહ્યા છે અને ધર્મના ઠેકેદારો તહેવારોનું પૉલિટિસાઇઝેશન કરી રહ્યા છે. આ બન્ને પ્રકારના લોકોને ધર્મ સાથે, પરંપરા સાથે, સંસ્કૃિત સાથે, સામાજિક આપ-લે સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. તહેવારોનો એક ઉપયોગ સામાજિક સંબંધો વિકસાવવા માટેનો પણ હતો. લોકો એકબીજાને મળતા હતા, સંબંધો જોડતા હતા, બગડેલા સંબંધોને પાછા સાંધતા હતા અને વેપારીઓ નાણાકીય લેવડદેવડ કરીને જૂનાં ખાતાં બંધ કરતા હતા અને નવાં ખાતાં શરૂ કરતા હતા. આમાં ધર્મ આડો નહોતો આવતો. મુસ્લિમોના તહેવારોમાં હિન્દુઓ અને હિન્દુઓના તહેવારોમાં મુસ્લિમો ભાગીદાર બનતા હતા.
આમ વલ્ગરાઇઝેશન અને પૉલિટિસાઇઝેશન માટે તહેવારોમાં છૂટછાટ લેવાનું શરૂ થયું અને હવે એની કોઈ સીમા જ રહી નથી. એક ધુળેટી છોડીને કોઈ તહેવારમાં વિકૃતિ નહોતી. ધુળેટીમાં ગાળો આપવાનો રિવાજ મનનો મેલ કાઢવા માટે છે એવો બચાવ મને ગળે ઊતરતો નથી. ઊંચનીચના ભેદભાવવાળા ગ્રામીણ હિન્દુ સમાજમાં નીચે હોય તેને ઉપરવાળાને ગાળો આપવાની ક્યાં છૂટ હતી, જ્યારે સૌથી વધુ આગ તો નીચેવાળાના મનમાં રહેતી હશે. આ તો બેવડી વિકૃતિ થઈ, પણ એની વાત જવા દઈએ. સારું છે કે ધુળેટીમાં ગાળો દેવાનો રિવાજ હવે લગભગ બંધ થઈ ગયો છે. બાકી મને તો આશ્ચર્ય થાય છે કે હિન્દુ કોમવાદીઓ ધુળેટીનો અવસર કેમ ચૂકી ગયા.
તો સમસ્યા તહેવારોના વલ્ગરાઇઝેશનની અને પૉલિટિસાઇઝેશનની છે. આ વાત સમજવી હોય તો સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા પર મૂકેલા પ્રતિબંધના વિરોધમાં જે દલીલો થઈ રહી છે એની તરફ એક નજર કરી જુઓ. દિવાળીમાં લાખ બે લાખ રૂપિયાના ફટાકડા ફોડીને દિવાળીના તહેવારનું વલ્ગરાઇઝેશન કરનારા કુબેરપતિઓ તહેવાર ઊજવવાના અધિકારની દલીલ કરી રહ્યા છે અને તહેવારોનું પૉલિટિસાઇઝેશન કરનારાઓ પરંપરા, ધાર્મિક લાગણી અને ધાર્મિક ભેદભાવની દલીલ કરી રહ્યા છે. આ લોકો ગજ અને ત્રાજવાં ખિસ્સામાં રાખીને ફરે છે. આ હિન્દુઓની પરંપરા છે અને એમાં રાજ્યની કે અદાલતની દખલગીરી ચલાવી લેવામાં નહીં આવે. પરંપરાસંરક્ષકોએ જરાક પરંપરાનો અભ્યાસ કરવો જોઈએ. એમ કહેવાય છે કે ભારતમાં ફટાકડા ફોડવાનો રિવાજ મુસ્લિમો આવ્યા એ પછી શરૂ થયો હતો અને તેઓ લઈ આવ્યા હતા, બાકી ભારતમાં ફટાકડા ફોડવાનો રિવાજ જ નહોતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રવક્તાએ દલીલ કરી હતી કે આવતી કાલે અદાલત દીવા પ્રગટાવવા સામે પણ પ્રતિબંધ મૂકી શકે છે. હા, મૂકી શકે છે જો એ દીવા તેલ, ઘી, મીણ કે કપૂરની જગ્યાએ આરોગ્યને નુકસાન પહોંચાડનારા પદાર્થના બનેલા હોય. વીજળીના એવા દીવા હોય જે જોનારની આંખને નુકસાન પહોંચાડનારા હોય. એવા દીવા જે તાપમાનમાં ઉષ્ણતાનો વધારો કરતા હોય. ચિંતા નહીં કરો, આવું નથી બનવાનું. કારણ એ છે કે દીવા ઘરને ઉંબરે મૂકવામાં આવે છે, જ્યારે ફટાકડા ઘરની બહાર ફોડવામાં આવે છે. ભારતીય માનસ પબ્લિક ગુડમાં હિસ્સેદારી કરવા જેટલું ટેવાયેલું નથી. ઘરનો કચરો પાડોશીને બારણે ધકેલી દેનારો ભારતીય પોતાને નુકસાન ન થાય એની (અને એટલી જ) ખબરદારી રાખે છે. હું ખાતરીપૂવર્કો કહું છું કે મોટા ભાગના ભારતીયો બીજાના ઘરે જાજરૂ વાપરીને પાણી રેડવા જેટલી તસ્દી નથી લેતા. ફ્લશ હોય અને ચાલતું હોય તો ઠીક છે, નહીંતર ઘરધણી જોઈ લેશે. આમ ઝેરી રસાયણોના દીવા આવવાના નથી એટલે અદાલતોએ પ્રતિબંધ મૂકવો પડે એવું બનવાનું નથી માટે હિન્દુિહતના રખેવાળોએ ચિંતા કરવાની જરૂર નથી.
ટૂંકમાં કહીએ તો, સમસ્યા એ છે કે નવશ્રીમંતોએ અને સમાજના તેમ જ ધર્મના ઠેકેદારોએ તહેવારોનું અનુક્રમે વલ્ગરાઇઝેશન અને પૉલિટિસાઇઝેશન કર્યું છે. તેઓ આ બન્નેનું પ્રદર્શન કરવા તહેવારોનો ઉપયોગ કરી રહ્યા છે પછી એ દિવાળી હોય, ગણેશોત્સવ હોય, નવરાત્રિ હોય, છઠ હોય કે મોહરમ હોય. સ્થિતિ એટલી હદે વકરી છે કે હવે પબ્લિક ગુડ (સૌના સારા) માટે અદાલતોએ દરમ્યાનગીરી કરવી પડે છે. ઇલાજ આપણે શોધવાનો છે, અદાલતો તો બિચારી સૌના સારા માટે થીગડાં મારતી રહે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 અૉક્ટોબર 2017
![]()


લંકાના દાનવ રાજા રાવણનો વધ કરીને રામ 14 વર્ષના વનવાસ પછી લક્ષ્મણ અને સીતા સાથે વતનમાં પાછા ફર્યા ત્યારે અયોધ્યાની જનતાએ તેની ખુશીમાં નગરના માર્ગો ઉપર લાઇનમાં દીવાઓ અને આતશબાજી પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. એ કારતક મહિનો હતો. તે દિવસથી શરૂ કરીને ભારતમાં દિવાળી અથવા દીપાવલી(દીપ એટલે દીવો અને આવલી એટલે લીટી)ની ઉજવણી કરવામાં આવે છે, એવી પ્રચલિત કથા છે. દિવાળી એટલે દેવનો દાનવ ઉપર અને અચ્છાઈનો બૂરાઈ ઉપર વિજય, એ એનો સાર. આને લઈને બે પ્રકારના મતમતાંતર કે બહસ છે. એક, દિવાળીની શરૂઆતને લઈને છે, અને બે, એના ચિંતનાત્મક અર્થને લઈને. બંને એકબીજામાં ગૂંથાયેલાં છે.