હિમાલયે વિહરતા પેલા અશ્વત્થામાની જેમ
લોકવાયકા પ્રમાણે
હનુમાનજીનીયે જેમ –
રાજા દશરથના મહેલની મંથરા દાસી
હજી આજે ય જીવે છે … મંથરા …
હા, એ નથી વનમાં –
નથી હિમાલયમાં –
નથી કોઈ-કોઈ કોતર-કંદરાઓમાં
કે નથી રહસ્યમય ગુફાઓમાં –
એ તો છડેચોક
હાજરાહજૂર છે આ મહાનગરોમાં –
ઘરોને ખંડેર કરતી,
ભવ્ય મહાલયોને ઉજાડતી,
ગામડાંઓની ગલીઓમાં રઝળતી,
આખું જગત માથે લીધું છે તેણે!
શું ? નથી દેખાતી તમને મંથરા?
અરે … અરે … તમારામાંથી આરપાર દોડી ગઈ
ને તમને દેખાઈ પણ નહીં !
આર્ષદૃષ્ટા કવિ ઉમાશંકરે એની વાણીનો
ફુસફૂસાટ સાંભળેલો ને નોંધેલી એ વાત :
‘કાલે જો સૂર્ય કાળોમેશ ન ઊગે તો કહેજો મને !’
– અને જુઓ …
એ મંથરાએ શી દશા કરી.
સીધું સરળ … સપાટ ચાલતું’તું જીવન
એને કરી દીધું ખરબચડું … ગાંઠોવાળું … બરછટ
હા, એ જ ફરે છે રાજકારણના રણમાં
બહુરૂપી થઈ.
સમયની પળેપળને કરે છે તરબતર થઈ …
એની આધુનિક હિંમત તો જુઓ …
મૂંગાં પ્રાણીઓને મારવા સુધી
વિના વાંકે પેલો સુલતાન ગયો …
વિના વાંકે ગાય વઢાઈ!
બસ, આ જ છે –
આ રાજકારણના રણમાં
હણાય નિર્દોષો
વધારાય પશુ-પંખી-ગરીબડાં
માણસ નામથી ગંધાય છે દેવસ્થાનો
હે ઈશ્વર!
જો તું હોય, તો
હવે મંથરા નામનું હથિયાર
જે ફરે છે
તેને લઈ દબાવી દે
– જો તારામાં હિંમત હોય તો …
– તો બધું સમુંસૂતરું થાય
જીવવાનો
હવે તો એ જ માત્ર ઉપાય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 05
![]()



રાયપુરમાં છત્તીસગઢની ઉદ્દાત્ત વ્યક્તિઓની બેઠકમાં ભારતીય જનતાની પક્ષના અધ્યક્ષ અમિત શાહે ગાંધીજીને એક ‘ચતુર વાણિયા’ તરીકેના કરેલા વિધાનની સામે ઘણી પ્રતિક્રિયાઓ આવી. પરંપરા મુજબ કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોએ નારાજગી દર્શાવી માફી માગવા જણાવ્યું. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ યોગ્ય જ જણાવ્યું કે અમિત શાહની ચતુર વાણિયાની ટિપ્પણી અભદ્ર અને અશોભનીય શબ્દછાયા ધરાવતી છે. અંગ્રેજી અખબારોમાં આ મુદ્દે ટીકા-ટિપ્પણી ચાલુ છે, જેમાંનો મુખ્ય સૂર ભાજપ જ્ઞાતિગત રાજનીતિ છોડી નથી શકતી તે રહ્યો છે. પરંતુ અમિત શાહની આ ટિપ્પણીના કેટલાક નિહિતાર્થો પણ છે, તેથી એક વાણિયાભાઈ બીજા વિશે કયા સંદર્ભે અને અર્થમાં કહે છે તે જોઈએ. એક ચોખવટ જરૂરી છે. અમિત શાહના ઉચ્ચારો લેખિત નથી. તેઓ લખેલું ભાષણ નહોતા વાંચતા. જે બોલ્યા તે પૂર્વકલ્પના વગરના ઉદ્ગારો જણાય છે. તેઓ હિંદીમાં બોલ્યા છે. તે ઉદ્ગારો ઇન્ડિયન ઍક્સપ્રેસમાં ઉતારવામાં આવ્યા છે.