courtesy : BBC, Hindi : 11 July 2017
courtesy : BBC, Hindi : 11 July 2017
સાંપ્રત સમાજ વિશે અભ્યાસપૂર્ણ પ્રસ્તુત સંશોધનો આપનારા, સમાજશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ડૉ. એડવીન મસીહીનું ૬ જૂન, ૨૦૧૭ના રોજ ચોર્યાંશી વર્ષેની વયે ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં અવસાન થયું. મસીહીસાહેબ સ્પર્ધા કે પ્રસિદ્ધિથી દૂર રહીને પ્રગતિશીલ અભિગમ સાથે પોતાના ક્ષેત્રમાં દિશાપૂર્વક એકાગ્ર રહીને જ્ઞાનરાશિમાં દૂરગામી મહત્ત્વનું પ્રદાન કરનાર વિદ્વાનોમાંના હતા.
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના સમાજશાસ્ત્ર વિભાગમાં ત્રણ દાયકા અધ્યાપન કરીને ૧૯૯૪માં નિવૃત્ત થયા. ત્યાર બાદ તેઓ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ’ નામની પોતે જ શરૂ કરેલી સંસ્થા થકી સમાજ-અભ્યાસ અને સંશોધકોના માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહ્યા. જાહેર સામાજિક બાબતો સાથે બુદ્ધિજીવી વર્ગના જોડાણને લગતો તેમનો અભ્યાસ ‘સોશ્યલ એન્ગેજમેન્ટસ ઑફ ઇન્ટેલેકચ્યુઅલ્સ ઇન સિવિલ સોસાયટી’ (૨૦૦૬) પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન કરનાર નારીવાદી સંસ્થા ‘અવાજ’ના ઉપક્રમે ગુજરાતમાં આત્મહત્યાઓ અંગે જે અભ્યાસ કરવામાં આવ્યો તેના મુખ્ય માર્ગદર્શક મસીહીસાહેબ હતા. ‘ઓલવાયેલા દીવા’ (૨૦૧૧) નામે બહાર પડેલા આ અભ્યાસમાં ઇલાબહેન પાઠક અને નલિનીબહેન ત્રિવેદી સહસંશોધકો હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનની સ્થાપનામાં પહેલ કરનાર ગાંધીવાદી અધ્યાપક તારાબહેન પટેલનાં માર્ગદર્શનમાં તેમણે ૧૯૭૬માં ‘ટ્રેડ યુનિયન લીડરશીપ ઇન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઑફ અહમદાબાદ’ વિષય પર ડૉક્ટરેટ મેળવી. ગુજરાતનાં કોમી રમખાણો દરમિયાન તેમણે નાગરિક સમાજનાં કેટલાંક જૂથોને માહિતી એકત્રીકરણ-વિશ્લેષણમાં મદદ કરી. ‘અભિદૃષ્ટિ’ના ઉપક્રમે અધ્યાપકો માટેની સંશોધન તાલીમની કાર્યશાળાઓમાં પણ તેમનો સહયોગ મળતો રહ્યો હતો. તેમનું સંતુલિત છતાં ક્રિટિકલ પિંકિંગ ગુજરાતના પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષક’માં તેમણે ગયા દસેક વર્ષ દરમિયાન લખેલા લેખોમાં જોવા મળે છે.
જંબુસરમાં જન્મ અને ત્યાંની મ્યુિનસિપલ હાઇસ્કૂલમાં શાળાનું શિક્ષણ લેનારા મસીહીસાહેબને પોતાને ‘ડૉક્ટર થવાની આકાંક્ષા હતી’ એમ તેમણે ‘સમાજકારણ’ સામયિકના આ વર્ષના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા એક લાંબા સ્વકથનાત્મક લેખમાં નોંધ્યું છે. તેમાં આગળ તેઓ જણાવે છે કે મૅટ્રિકમાં વિજ્ઞાનના વિષયમાં ઓછા ગુણ આવતાં તે વિનયનના વિષયો તરફ વળ્યા. તેમાં તેમને તેમના શિક્ષક અને આપણા અગ્રણી કર્મશીલ ભાનુભાઈ અધ્વર્યુનો પત્ર મળ્યોઃ ‘તું ભાષા અને વિનયનના વિષયોમાં હોશિયાર હતો તેથી આર્ટસમાં ગમે તે વિષય લઈશ તે તારા માટે સારું રહેશે.’ મસીહી લખે છે કે ‘સમાજશાસ્ત્ર વિષયની પસંદગી વિષય અંગેની જાણકારીમાંથી થઈ નહોતી’, એક મિત્રએ સલાહ આપી હતી કે સમાજશાસ્ત્ર ‘નવો વિષય છે તેથી તેમાં આગળ વધવાની તકો વધારે રહેશે’. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં અનુસ્નાતક થયા તે વર્ષોમાં ત્યાં એમ.એન. શ્રીનિવાસ, આઈ.પી. દેસાઈ અને પી.કે. મિશ્રા જેવા નામાંકિત અધ્યાપકો હતા. આ ત્રણેયમાંનું ઉત્તમ એડવીને આત્મસાત્ કર્યું. તદુપરાંત ગણિતના પ્રોફેસર રાવજીભાઈ પટેલ ‘મોટા’ની પહેલથી નડિયાદમાં ચાલતી રેનેસાન્સ ક્લબની રૅશનાલિસ્ટ વિચારધારાની અસર પણ તેમણે ઝીલી. વડોદરાની યુનિવર્સિટીમાં દેશના અનેક ભાગમાંથી વિદ્યાર્થીઓ આવતા હોવાને કારણે કૉસ્મોપોલિટન વાતાવરણનો લાભ મળ્યો. ‘સ્ટુડન્ટ ક્રિશ્ચિયન મૂવમેન્ટ’માં સામેલ થયા, ‘રૅડિકલ હ્યૂમાનિસ્ટ’ વિચારપત્ર મગાવીને વાંચતા થયા. આઈ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ રૉકફેલર ફાઉન્ડેશનના અનુદાનથી મહુવાની કુટુંબ વ્યવસ્થા વિષયના અભ્યાસના પ્રોજેક્ટમાં જોડાયા. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ અને નવસારીની ગાર્ડા કૉલેજમાં અધ્યાપક તરીકેનાં કુલ પાંચેક વર્ષના હળવા અનુભવો મસીહીએ ઉપરોક્ત લેખમાં વર્ણવ્યા છે.
તેઓ ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. અહીં સમાજશાસ્ત્ર વિભાગમાં તેમને ઉત્તમ સાથી અધ્યાપકો, સમૃદ્ધ ગ્રંથાલય, જુદાં જુદાં પ્રશ્નપત્રો ભણાવવાની તક અને એકંદર અનુકૂળ બૌદ્ધિક વાતાવરણ મળ્યાં. તેની વાત એડવીન સર માંડીને કરે છે. ધીરુભાઈ દેસાઈની સાથે ત્રણ પ્રોજેક્ટ કર્યાઃ નર્મદા યોજનાના ભાગરૂપે નડિયાદ-માતર તાલુકાનો બેન્ચમાર્ક સર્વે, પશ્ચિમ વિભાગની યુનિવર્સિટીઓની હૉસ્ટેલોનો અભ્યાસ અને અમદાવાદમાં નશીલા પદાર્થોનાં સેવન તેમ જ વ્યસનમુક્તિ કેન્દ્રોનું સર્વેક્ષણ. નિવૃત્તિનાં નજીકનાં વર્ષોમાં બંધ મિલોના કારીગરો અંગેનો પ્રોજેક્ટ તેમણે પૂરો કર્યો. સ્વકથનાત્મક લેખમાં દરેક તબક્કે તેમણે ઉપયોગમાં લીધેલાં પુસ્તકોની વાત આવે છે જે અત્યારના દિવસોમાં ખાસ નોંધપાત્ર લાગે છે. પ્રાધ્યાપક મસીહીએ તેમનાં વર્ગશિક્ષણનાં સંભારણાં પણ ટાંક્યાં છે. તેમાં નોટસ-ગાઈડસના પ્રાદુર્ભાવ તેમ જ વિદ્યાર્થીઓની મહેનતના અભાવનો પણ તે ઉલ્લેખ કરે છે. અણગમતા થવાના ડર વિના તે લખે છે : ‘ … વિદ્યાર્થી સમૂહનો પ્રતિભાવ ઘણો નબળો રહેતો. દર વર્ષે એકાદ-બે વિદ્યાર્થી સિવાય મોટા ભાગનાનો રસ પાસ થવા પૂરતો જ રહેતો.’ આમ છતાં, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં સમાજશાસ્ત્રના સંશોધકો-શિક્ષકોની જે અનેક પેઢીઓ તૈયાર થઈ તેમાં અન્ય અધ્યાપકો સાથે મસીહી સાહેબનો ફાળો નોંધપાત્ર છે.
આ વિભાગે ગુજરાતની બધી યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્ર વિભાગો, સમાજશાસ્ત્ર અધ્યાપક મંડળ, ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ જેવાં સમૂહોના સંયુક્ત ઉપક્રમે ૨૦ જૂનના મંગળવારે અમદાવાદના સમાજવિદ્યા ભવનમાં મસીહીસાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેની સભાનું આયોજન કર્યું હતું. તેમાં મસીહીસાહેબના નિવૃત્ત સાથીઓ ઉપરાંત વિભાગના અત્યારના તેમ જ અન્ય કૉલેજોના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ સભામાં સ્વાભાવિકપણે જ મસીહીની અનેક ક્ષમતાઓ અને સ્વભાવ લક્ષણોને યાદ કરવામાં આવ્યાં. સોશ્યોલૉજી થિયરી જેવો અઘરો વિષય ભણાવવાની તેમ જ મહત્ત્વના અંગ્રેજી ગ્રંથો વાંચીને ગુજરાતીમાં સમજાવવાની તેમની હથોટીની વાત થઈ. તેઓ વિદ્યાર્થીઓ માટે અપ્રોચેબલ હતા. તેમની સાલસતાને કારણે એ બધાં તેમને ભાર રાખ્યા વિના મળી શકતા. વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથો વાંચતા કરનારા સર ભાષાશુદ્ધિના આગ્રહી હતા. ખેડા પંથકના નવાગામના સંદર્ભે સમાજ પરિવર્તનનો અભ્યાસ હાથ ધરનાર માત્ર એમ.એ.ની એક વિદ્યાર્થિની માટે થઈને મસીહી સર ખસૂસ એ ગામ જઈ આવ્યા હતા. તેમની પાસે ડૉક્ટરેટ કરતી એક વિદ્યાર્થિનીને તેમણે કેટલી ય વખત જાતે ચા બનાવીને પીવડાવી હતી. આંબાવાડી વિસ્તારમાં હિમ્મતલાલ પાર્ક પાસે આવેલી તેમની સંસ્થામાં નિવૃત્તિ પછી ય કેટલાય વિદ્યાર્થીઓને કામ કરવા માટે માર્ગદર્શન અને જગ્યા પૂરાં પાડ્યાં હતાં. સાથે વિદ્યાર્થીઓમાં એક નાસ્તિક કે નિરીશ્વરવાદી, રૅશનલ, સેક્યુલર, નૉનકન્ફર્મિસ્ટ વિચારો તરફની દિશા પણ આપી હતી.
મસીહીસાહેબ કોઈ પણ કામ પુષ્કળ સિન્સિયારિટીથી કરતા, એ વાત તેમના તમામ સહઅધ્યાપકો, સહસંશોધકો અને સમવ્યાવસાયિકોએ જણાવ્યું. સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા વિમલભાઈ શાહે જણાવ્યું કે ‘ઍક્ટિવિસ્ટ પ્રકારની વિચારસરણી ધરાવતા મસીહી’ સંસ્થા ખૂબ કરકસરથી ચલાવતા. તેમની ઑફિસ અમદાવાદના ઉનાળામાં પણ એક જ પંખે ચાલતી અને ચોમાસામાં તેમાં ઠેકઠેકાણેથી પાણી ટપકતું. તેમના સ્વકથનનો ઉલ્લેખ કરીને જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીએ કહ્યું કે નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવેલો એક નીતિમાન માણસ ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે કેવી રીતે પ્રગતિ કરે તેનો આલેખ તે લખાણમાંથી મળે છે. વિદ્યુતભાઈના શબ્દોમાં ‘એ એથિસ્ટ હતા, પણ ચર્ચમાં જતા; રગે રગમાં લેફ્ટિસ્ટ હતા, પણ રાઇટિસ્ટ સાથે પનારો પાડતા’.
સમાજશાસ્ત્ર વિભાગના એક પૂર્વ અધ્યાપક ધીરુભાઈ દેસાઈ મસીહીસાહેબના ખૂબ નજીકના મિત્ર. મસીહીસાહેબે તેમના – પીએચ.ડી.ના મહાનિબંધના ઋણ સ્વીકારમાં પોતાના ‘ટેન્શન મૅનેજર’ કહ્યા છે. દેસાઈસાહેબે કહ્યું : ‘મસીહી યુનિવર્સિટીમાં સહુથી પહેલા આવે અને સહુથી છેલ્લા જાય. તે મૂર્ખ લાગે તેટલા સાદા – સિમ્પલટન હતા. પોતાને તકલીફ થાય તો પણ વેઠી લે, પણ બીજાને દુઃખી ન થવા દે. અનેક નાની બાબતમાં તેમની બિનસાંપ્રદાયિકતા દેખાતી. જેમ કે, એ પ્રાર્થનાનો વિરોધ કરતા, અને સીધા જ કામે લાગી જવામાં માનતા. કૉલેજ ગુરુવારે જ શા માટે શરૂ કરવી તેવો સવાલ તે ઉઠાવતા. એ રીતે તે સાચા અર્થમાં મેથોડિસ્ટ હતા. તેઓ વિટી એટલે કે ચાતુરીભરી રમૂજ કરવાની સૂઝ ધરાવતા હતા. એ કહેતા કે જો બાઇબલની રીતે ભૂગોળ ભણાવવામાં આવે તો બધા ભૂગોળશાસ્ત્રીઓએ આપઘાત કરવો પડે. સરળ હતા એટલે ન સમજાય તે ચોખ્ખું કહી દેતા. પૈસાની બાબતમાં તેમની ચીવટ કંજૂસ કહેવાય તેટલી હતી, પણ એને કારણે જ તેમની સંસ્થા લાંબો સમય ટકી. સાદામાં સાદા માણસે તેમનું કામ કર્યું હોય કે તેમને મદદ કરી હોય તો તેના માટે મસીહીસાહેબ ઊંડી સેન્સ ઑફ ઍકનૉલેજમેન્ટ – કૃતજ્ઞતાની લાગણી ધરાવતા. આપણે એક સારો પ્રામાણિક સમાજશાસ્ત્રી અને મેં એક નજીકનો મિત્ર ગુમાવ્યો છે.’
જાહેર જીવનના બૌદ્ધિક પ્રકાશ ન. શાહે સંભાર્યું કે મસીહીએ ગુજરાતમાં સમાજશાસ્ત્રના પ્રતીમાપુરુષ એવા આઈ.પી. દેસાઈનો એટલો વિશ્વાસ સંપાદન કર્યો હતો કે જૂનાગઢમાં અધ્યાપક તરીકે નોકરી કરતા એડવીનને દેસાઈસાહેબે એમ.એસ. યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રોજેક્ટમાં જોડાવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું. પ્રકાશભાઈના મતે મસીહી ‘સમાજશાસ્ત્ર વિષયના લોકોની વચ્ચેના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ઍકેડેમિક દૃષ્ટિકોણથી ચાલ્યા’. ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈના કહેવા મુજબ ‘ધર્મએ સેલ્ફ-એનાલિસિસ કરવું જોઈએ તો જ એ ટકે’ એવી મસીહીની માન્યતા હતી. તે ‘નિરીક્ષક’માં ૨૦૦૨માં હિંદુત્વ અને ગાંધીવિચારની ચર્ચામાં મસીહીએ લખેલા લેખોમાં મળી.
‘નિરીક્ષક’ના લેખોમાં અસલ રૅશનલ, તટસ્થ, વ્યાસંગી અને ઇવન વિવાદાસ્પદ મસીહીસાહેબ જોવા મળે છે. તેમની બૌદ્ધિક તાકાત, તેમનો જુસ્સો અને ગુસ્સો અભિવ્યક્તિના સંયમ સાથે વ્યક્ત થાય છે. ‘સૂર્યનમસ્કારઃ સમ્યક અભિગમ કે કેસરીકરણનો પ્રયાસ?’ (‘નિરીક્ષક’, ૧/૪/૨૦૦૭) લેખમાં તે કહે છે કે સૂર્ય એક કુદરતી તત્ત્વ છે, મનુષ્ય તેને નમસ્કાર કરે છે, પણ આજે ઈશ્ચરને વિજ્ઞાનમાં ખપાવવું એ ‘બેહુદો પ્રયાસ’ છે. તેમને મતે ‘મનુષ્યના દેહ માટે સૂર્યના પ્રકાશની જરૂર છે, પણ નમસ્કારની જરૂર નથી.’ આ લેખમાં ‘ભાજપ દ્વારા કેસરીકરણ’ના તે દાખલા આપે છે – યોજનાઓનું ‘અષ્ટાવક્ર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘સુજલામ સુફલામ’ તરીકે નામકરણ; ભૂકંપ પછી ધરતી પૂજન કે એચ.આઈ.વી. નિવારવા માટે રામનામ જેવાં ગતકડાં. લેખનું છેલ્લું વાક્ય છેઃ “વૈજ્ઞાનિકના અંચળા હેઠળ સૂર્યનમસ્કાર દાખલ કરી અને જરૂરી બાબતોને દૂરના નમસ્કાર કરવા વધારે સહેલું છે.”
સામાજિક વિજ્ઞાનના દસમા ધોરણ માટેના પાઠ્યપુસ્તક પરના લેખ(નિરીક્ષક ૧૬/૧૦/૨૦૦૬)માં તે બાર ભાષાંતરકારો સહિત અઠ્ઠાવન વિદ્વાનોના કાફલાએ બહાર પાડેલા અંગ્રેજી અનુવાદમાં ગાબડાં અને પ્રતિશબ્દો ઉપરાંતની અનેક ખામીઓ બતાવે છે. પુસ્તક “કોઈપણ જાતની ઝીણવટ અને ચોકસાઈના આગ્રહ વિના બહુ જ ઉપરછલ્લી રીતે તૈયાર કરવામાં આવ્યું છે” એમ તે નોંધે છે. પુસ્તકના લેખકોમાં પરિભાષાનું અજ્ઞાન અને વ્યાખ્યાઓ કરવાની અણઆવડત, એથ્નોસેન્ટ્રીઝમ – સ્વજૂથવાદ, ઝેનોફોબિયા – વિદેશીઓનો વધારે પડતો ડર અને ગર્ભિત કોમવાદ પ્રવર્તે છે તે મસીહી દાખલા સાથે બતાવી આપે છે. તેમને મતે આ પુસ્તક “કાલ્પનિક સમાજનું ખોટું અને ખોખલું ચિત્ર ઊભું કરે છે”. તેમાં “સત્યને અસત્ય અને અસત્યને સત્ય તરીકે રજૂ કરવાનો પ્રયાસ’ થયો છે.”
ગુજરાતી ડાયસ્પોરા વિશેના એક પુસ્તક પરના લેખ (નિરીક્ષક ૧૬/૧૨/૧૦)માં મસીહી પુસ્તકનાં મહત્ત્વ અને તેની ઉપયોગિતાને નકારતા નથી, પણ તેના મર્યાદિત, બિનતટસ્થ અભિગમની અને સંશોધન-લેખન પદ્ધતિની કચાશો દાખલા સાથે બતાવે છે. તેના બે લેખકોએ બ્રિટનના ભેદભાવો માટે ‘રંગભેદ’ને બદલે વાપરેલો ‘આભડછેટ’ શબ્દ કેવો ખોટો છે તે બતાવે છે. ગેરકાયદે પ્રવેશ, ઘરેલૂ હિંસા જેવી બાબતોમાં દેખાતી ગુજરાતી ડાયસ્પોરાની બીજી બાજુ બતાવવાનું લેખકો ચૂકી ગયા છે એમ મસીહી કહે છે. લેખકોએ ‘સાઠ જણની’ વ્યક્તિગત મુલાકાત લીધી તેમાં લેખકોની અંગ્રેજી સમજવાની ક્ષમતા અંગે મસીહી શંકા વ્યક્ત કરે છે. વળી તે કહે છેઃ ‘ગુજરાતીઓની વધુ પડતી પ્રશંસા કરતાં લેખકો કેટલાંક વહિયાત વિધાનો કરે છે’. આવું એક વિધાન મસીહી ટાંકે છેઃ ‘બ્રિટિશ ગુજરાતીઓએ બ્રિટનમાં વસતા તમામ નબળા અને કચડાયેલા માણસોને બેઠા કરવાની જરૂર છે, અને આવું કપરું કામ ગુજરાતીઓ સિવાય બીજું કોઈ કરી શકે નહીં.’ આની સામે મસીહી સવાલ કરે છે : ‘જે ગુજરાતીઓ ભારતમાં, આફ્રિકામાં અને બ્રિટનમાં નાત, જાત, ધર્મ, સંપ્રદાય અને કોમના વાડામાં આનંદવિભોર છે તેમની પાસે તેમના સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા લેખકો કેમ રાખે છે?’
હિંદુ સહિતના ધર્મો અંગે ટીકાસ્પદ લખાણોનો એક સિલસિલો ‘નિરીક્ષક’માં ૨૦૦૩ના મધ્યમાં ચાલ્યો હતો. તેમાંના એક લેખ(૧/૬/૨૦૦૩)માં મસીહી ખંડન-મંડન સાથે લખે છેઃ “હિંદુ ધર્મ ભારતનો મુખ્ય ધર્મ છે. તેની માન્યતાઓ, રીતરિવાજો, સંસ્થાઓ, મૂલ્યો વગેરે આ દેશની લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને વિકાસ માટે સહુથી વધારે મહત્ત્વનાં છે. આ સંદર્ભમાં ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ કરતાં તેમાં સુધારાની જે આવશ્યકતા છે તેની પર ધ્યાન આપવું જરૂરી છે અને તે ટીકાઓનો અસ્વીકાર કરવાથી શક્ય બનવાનું નથી.” ‘ધર્મ અને ધર્માંતર’ (નિરીક્ષક ૧૬/૪/૨૦૦૬) લેખમાં મસીહી લખે છેઃ “ધર્માંતરનો વિરોધ હકીકતમાં એટલા માટે છે કે પોતાના ધર્મમાં જેમને છેવાડાનું સ્થાન છે તેવા ઘણાંના ધર્માંતરથી સંખ્યા ઘટે છે. બીજું એ કે જેમ ભારતમાંથી અમેરિકા જવા લોકો ખાસ પ્રયત્ન કરે છે, કારણ કે અમેરિકા વધારે સગવડવાળા જીવનની તક આપે છે તેમ ધર્માંતરમાં એક સરખામણી રહેલી છે જે સ્વીકારવી ગમતી નથી.”
‘માતૃભાષા બચાઓ આંદોલન અને સંબંધિત મુદ્દાઓ’ (નિરીક્ષક ૧૬/૮/૨૦૧૦) લેખમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની વધતી સંખ્યા માટેનો ભય તેમને વધારે પડતો લાગે છે. તદુપરાંત દુનિયાના જ્ઞાન માટેની અભ્યાસ સામગ્રી ગુજરાતી માધ્યમમાં પૂરતાં પ્રમાણમાં નહીં હોવાની હકીકતની પણ તે છણાવટ કરે છે. લેખનું સહુથી મૌલિક વિધાન આ છે : “પ્રશ્ન માધ્યમ તરીકે માતૃભાષા હોવી જોઈએ કે નહીં એટલો સાદોસીધો નથી. શિક્ષણ લેવા માટે માતૃભાષા સિવાય ઘણી બાબતો મહત્ત્વની છે અને તેની સરખામણીમાં માતૃભાષાનો મુદ્દો તો ઘણો ગૌણ બની જાય છે. મારી દૃષ્ટિએ તે મુદ્દો મહત્ત્વનો રહેતો નથી.” આવાં નમૂનારૂપ અવતરણોથી રખે એવો ખ્યાલ બંધાય કે મસીહી વિવાદ કે ઉશ્કેરણી માટે લખતા હતા. લેખોને જો ધીરજપૂર્વક વાંચવામાં આવે તો તે ડિસ્કોર્સ-ડિબેટ-ડિસેન્ટ એટલે કે વિમર્શ-વિવાદ-વિરોધના ઉત્તમ દૃષ્ટાન્તો હોવાનું સમજાય છે. તેમાં જરૂરી અભ્યાસ, તટસ્થતા અને રિગર કહેતાં આકરાપણું જોવા મળે છે.
આ જ ગુણવત્તા જાહેર સામાજિક બાબતો સાથે ગુજરાતના બુદ્ધિજીવીઓનાં જોડાણ વિશેના તેમના અભ્યાસમાં જોવા મળે છે. આ લખનારને તે (ખુદના મર્યાદિત વાચન મુજબ) સમાજશાસ્ત્રીય અભ્યાસનો સાધારણ વાચકને સમજાય તેવો નોંધપાત્ર નમૂનો લાગ્યો છે. આ અભ્યાસ ‘વિથ સ્પેશ્યલ રેફરન્સ ટુ પ્રોફેશનલ્સ ઑફ ગુજરાત’ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલાં રમખાણો પછી તરતના ગાળામાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેમાં ગુજરાતના પાંચ શહેરોના છસો દસ વ્યાવસાયિકોના પ્રતિભાવો રૂબરૂ મુલાકાત અને લાંબી પ્રશ્નોત્તરી દ્વારા મેળવવામાં આવ્યા હતા. આ શહેરો હતાંઃ અમદાવાદ, ભાવનગર, ગોધરા, પાલનપુર અને નસવાડી. વ્યાવસાયિક વર્ગો હતાઃ શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પત્રકાર અને સમાજસેવક. આ અભ્યાસનાં તારણો ચિંતાજનક છે. તેમને અહીં ખપ પૂરતાં વધારે પડતી સપાટ અને સરળ રીતે મૂક્યાં છે, અને જે દરેક તારણમાં અલબત્ત અપવાદ છે. તારણો આ મુજબ છેઃ ગુજરાતના વ્યાવસાયિકો પોતાનાં વ્યાવસાયિક જૂથમાં જ સંકોચાયેલાં રહે છે. તેમનાં અન્ય જોડાણોમાં મુખ્યત્વે જ્ઞાતિના કે ધર્મના વિવિધ પ્રકારના સમૂહો હોય છે. સામાજિક સમસ્યાઓનો તેમનો ખ્યાલ ગરીબી-બેકારી-નિરક્ષરતાથી આગળ વધીને અસમાનતા-શોષણ-સામાજિક ભેદભાવ ભણી પહોંચેલો હોતો નથી. વંચિતતા કે વંચિત વર્ગોની વિભાવના તેમને બહુ સ્વીકાર્ય હોતી નથી. તેમનું વાચન મર્યાદિત હોય છે. તેમના ઘડતર પર પ્રભાવ પાડનારાં પરિબળોમાં દેશ કે દુનિયાના બનાવો કે વૈચારિક અગ્રણીઓ હોતા નથી. કલ્યાણરાજ્યના લાભાર્થી એવા બુદ્ધિજીવીઓમાંથી મોટા ભાગના, સમાજના વ્યક્તિ પરના ઋણના ખ્યાલને સ્વીકારતા નથી. આ બુદ્ધિજીવી વર્ગો એવા સમાજનો નિર્દેશ કરે છે જે આર્થિક રીતે ચોક્કસ વાઇબ્રન્ટ હોય તો પણ તે વિદ્યાકીય અને સામાજિક રીતે ખાસ વાઇબ્રન્ટ નથી.
વાઇબ્રન્ટ ગુજરાતમાં મસીહી સાહેબ જેવા બૌદ્ધિકોને આપણે વેળાસર પારખીને જાહેરજીવન પરનાં તેમનાં મંતવ્યોને બહોળા વાચકવર્ગ તેમ જ નીતિ ઘડનારાની સામે મૂકવા જોઈએ. તે તરફનું પહેલું પગથિયું કદાચ નજીકમાં મસીહીસાહેબના લેખોનો સંચય પ્રગટ કરવો એ હોઈ શકે.
૪ જુલાઈ ૨૦૧૭
’સામગ્રી સૌજન્ય : કેતન રૂપેરા
શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, જુલાઈ 2017; પૃ. 13-16
વલ્લભ વિદ્યાનગરને પોતાની કર્મભૂમિ બનાવી જેમણે શિક્ષણ તેમ જ સાહિત્યક્ષેત્રે પરિણામલક્ષી કામ કર્યું છે તેવા નરેશ વેદનાં નામકામથી શિક્ષણ, સાહિત્યજનો ભાગ્યે જ અજાણ હશે. વિશ્વ તેમ જ ભારતીય સાહિત્યના બહોળા વાચન-લેખનથી અને નોખી અભિવ્યક્તિથી તેમણે સાહિત્યજગતને ઘણું ઘણું આપ્યું છે. સાહિત્ય, શાસ્ત્રો, વિદ્યાઓ, સાયન્સ વિશે તેમને સાંભળવા એ પણ એક લહાવો ગણાય. હું અને મારા જેવા અનેક વિદ્યાર્થી સદ્ભાગી રહ્યાં છીએ કે વેદ સાહેબ પાસે અમને ભણવાનો લાહવો મળ્યો. ઉમાશંકર જોશીએ ‘વર્ગ એ જ સ્વર્ગ’ની જે વાત કરેલી તેવા સાહિત્યશિક્ષણ વર્ગ-સ્વર્ગનાં અમે સાક્ષી બન્યા છીએ. અમે ક્યારે ય વેદ સાહેબનો ક્લાસ મિસ કર્યો નથી. વર્ગખંડમાં એમનો પ્રવેશ થતાં વેંત અમારા સૌમાં એક જુદા પ્રકારનો માહોલ વ્યાપી વળતો. આજે ય વર્ગમાં પ્રવેશતો તે વેળાએ સહેજ ગંભીર પણ તેજસ્વી ભાસતો ચહેરો આ લખું છું ત્યારે મારા ચિત્તમાં જીવંત બની ઊઠે છે. એ ભણાવવાની શરૂઆત કરે ને અમે એટલા બધા તલ્લીન થઇ ઊઠીએ કે વર્ગ હંમેશાં વહેલો પૂરો થયાનો અમને વસવસો રહી જતો. આગલા દિવસે જે ભણાવ્યું હોય તેનાં રિવિઝન સાથે એ નવા મુદ્દાનો આરંભ કરે. તેઓ પાશ્ચાત્ય મીમાંસા વિશે, ભારતીય સાહિત્ય વિશે, ઉમાશંકર જોશી, સુરેશ જોષી વિશે વાત કરે, તેમની વાતમાં એટએટલા સંદર્ભો, અંગત અનુભવો ગૂંથાતાં-વણાતા આવે કે અમે એમના વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની સાંભળ્યા કરી ધન્યતાનો અનુભવ કરીએ. ઘણાં વર્ષોથી મુંબઈમાં ચાલતી એમની વ્યાખ્યાનમાળા સાંભળવા પ્રબુદ્ધજનો ઉમટી પડે એ વાત જ એમની ઊંડી પરિપક્વ સમજની સાહેદી પૂરે છે.
વર્ગમાં આરંભથી જ તેમણે અમને જણાવી દીધેલું કે શરૂ વર્ગે તમને ન સમજાય તેવા પ્રશ્નો મને અટકાવીને પણ તમે પૂછી શકો છો અને જરૂર જણાય ત્યારે બેઝિઝક તમે મારી કેબીનમાં આવીને પણ વાત કરી શકો છો. સાહેબને શરૂ વ્યાખ્યાને તો નહિ પણ ટોપિક પૂરો થયા પછી અમે ખૂબ પ્રશ્નો પૂછતા અને સાહેબ ભાવપૂર્વક એના જવાબો વાળતા. એમની સાથેનો મારો એક અવિસ્મણીય પ્રસંગ એવો છે કે નવલકથા સંદર્ભે વાતચીત કરવા હું એમની કેબીનમાં પરવાનગી મેળવીને અંદર પ્રવેશ્યો. ત્યાં ત્રણેક મહેમાનો એમની સાથે વાતચીત કરતા હતા. હું જેવો અંદર પ્રવેશ્યો તેવું જ સાહેબે મીઠું સ્મિત કરી ને મને પૂછ્યું કંઈ કામ છે? મેં હકારમાં માથું હલાવતાં મારે નવલકથા વિશે જાણવું છે એમ જણાવ્યું. તરત જ મળવા આવેલા મહેમાનોને આપણે થોડી વાર પછી વાત કરીએ એમ જણાવી તેઓ સીધા જ મારી સાથે નવલકથા વિશે લગભગ પોણા કલાક સુધી વાર્તાલાપ કરતા રહેલા. એક અધ્યાપક તરીકેની તેમની ઊંચી નિષ્ઠાનાં દર્શન આપણને અહીં અવશ્ય થશે. મને બરાબર યાદ છે એક ઠેકાણે મારો ઇન્ટર્વ્યુ કરવા કુલપતિના પ્રતિનિધિ તરીકે તે હાજર હતા. કોઈએ તેમને પ્રશ્ન પૂછવાનું કીધું, તેમણે પ્રશ્નો પણ કર્યા ને તરત જ ઉમેર્યું “આ તો મારો વિદ્યાર્થી છે મને એની ઉપર વિશ્વાસ છે.” પોતાના વિદ્યાર્થીઓ માટેનો તેમનો આ ખુલ્લો પ્રેમ હતો. વિદ્યાર્થીઓ માટે અનહદ પ્રેમ મેં હંમેશાં તેમની આંખોમાં નિહાળ્યો છે. એ કહે છે પણ ખરાં કે અધ્યાપક કાળમાં સૌથી વધુ પ્રેમ મને વિદ્યાર્થીઓ પાસેથી સાંપડ્યો છે. એક શિક્ષકની ખરી પૂંજી તેના વિદ્યાર્થીઓ હોય છે એમ તેઓ સ્પષ્ટ માને પણ છે.
વિદ્યાર્થીઓને પુષ્કળ પ્રેમ કરનારા અને વિદ્યાર્થીઓની અઢળક ચાહના મેળવનારા નરેશ વેદનું મૂળ વતન મોરબી. પણ તેમનો જન્મ મોસાળમાં નાનાને ત્યાં થયો હતો. નાના વેપારી હતા. કહેવાય છે તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. સાહેબના મામા ખૂબ મોટા તત્ત્વચિંતક અને વાંચનના જબરજસ્ત શોખીન એટલે ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફીના ગ્રંથો તેઓ વાંચતા. ને રોજ સવારે વહેલા ઊઠી નિયમિત કોઈ એક વિષય ઉપર લેખન કાર્ય કરતા. સાહેબના માતૃશ્રી પણ વિદ્યા, વાંચનપ્રિય જીવ. ચુસ્ત વૈષ્ણવ હોવાને કારણે ઘરમાં વૈષ્ણવ સંપ્રદાયનું સાહિત્ય અને હસ્તપ્રતોનો એમણે સંગ્રહ કરેલો. પિતાજી વેપારી છતાં તેઓ પણ વાંચનના એટલા જ શોખીન. વિશેષ કરીને નવલકથાઓ તે વાંચતા એટલે નાનપણથી જ પિતાજી માટે લાઈબ્રેરીમાંથી નવલકથાઓ લાવવાનું કામ વેદ સાહેબના શિરે રહેતું. એટલે આ અરસામાં નવલકથાઓ વાંચવાનું વિશેષ થયું. મોટાભાઈ સારા એસ્ટ્રોલોજર ને ગોંડલમાં વકીલાત પણ કરતા એટલે ત્યાંની ભગવતસિંહજી લાયબ્રેરી અને મોરબીની લખધીરસિંહજી લાયબ્રેરીમાંથી સાહેબે પુષ્કળ વાંચન કર્યું. મેટૃિક થયા ત્યાં સુધીમાં તો તેમણે આપણા મોટા ગુજરાતી નવલકથાકારોની સાથોસાથ ટાગોર, શરદબાબુ, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, પ્રેમચંદ, કાલીચરણ પાણિગ્રહી, કૃષ્ણચંદર જેવા ભારતીય સર્જકોની ઉત્તમોત્તમ કૃતિઓનું રસપાન કરી લીધું હતું. માતૃપિતૃ ઉભયપક્ષે જે સાહિત્ય-ધર્મ-અધ્યાત્મનું વાતાવરણ નિર્માણ પામ્યું હતું તેનો વિશેષ પ્રભાવ વેદ સાહેબ પર પડ્યો છે.
ધોરણ ચાર સુધીનું પ્રાથમિક શિક્ષણ મોરબીની ખાનગી ધૂળી શાળામાં તેમણે લીધું ત્યાં તેમને શિક્ષક તરીકે છગનલાલ રામજી મળ્યા. અહીં સંગીત, રમત સાથે તેઓ આઝાદીનાં ગીતો શીખ્યાં. પછીથી તેમણે મોરબીની સમૃદ્ધ ગીબસન મોડેલ સ્કૂલમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો. તે સમયે શિસ્ત તેમ જ વિદ્યા માટેનાં ધોરણો ઘણા ઊંચાં હતાં. તેવા સમયે આ પ્રકારની ખ્યાત સ્કૂલમાં એડમિશન લેવું અને ત્યાં સબળ શિક્ષકો મળવા એ પણ એક વિદ્યાર્થીકાળનું સદનસીબ હોય છે. અહીં તેમની પર બે-એક શિક્ષકોનો પ્રભાવ રહ્યો. તેમાં ગુજરાતી ભણાવાતા ડી.જે. પંડ્યા તેમ જ ગણિતના સી.એસ. સંઘવી હતા. આ જ ગાળામાં તેમણે બાળકોનાં છાપાં, ગીજુભાઈ તેમ જ તારાબહેનને વાંચ્યાં. નાના ટુચકાઓ, જોડકાંના લખવાનો આરંભ પણ સ્કૂલ કાળથી જ શરૂ થઇ ગયો હતો. વિદ્યાર્થીકાળમાં તેમણે સારંગા નામે નવલકથા લખેલી. થોડી વાર્તાઓ પણ કરેલી. પણ ઉત્તમ સાહિત્યના પરિશીલનને પરિણામે આરંભનું આ લખાણ પોતાને જ ફિક્કુંને ફિસ્સું લાગવા માંડ્યું હતું. તેઓ અધ્યાપક થયા પછી જ તેમની પાસેથી વિવેચનાત્મક-સર્જનાત્મક લખાણો આપણને પ્રાપ્ત થયા છે.
કોલેજમાં પ્રવેશ થતાં તેજસ્વી સબળ અધ્યાપકો દુર્ગાશંકર પંડ્યા, પ્રભાશંકર તેરૈયા, જયંતીભાઈ રાવલ, એચ. એલ. દવેના સંસર્ગમાં આવ્યા. જ્યાં ભાષાશુદ્ધિ ને વક્તવ્યના પાઠ શીખવાનો મોટો લાભ મળ્યો. કોઈ કોઈ વાર તો અધ્યાપકની અવેજીમાં એ વર્ગો પણ લઈ લેતા. જેથી કરી વાંચીને ભણાવવામાં એમને એ વખતથી જ રસ પડવા માંડ્યો હતો. એમ.એ.નો અભ્યાસ રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાંથી લીધો. જ્યાં વિદ્યાગુરુ તરીકે અસાધારણ વિદ્વત્તા ધરાવનાર ઉપેન્દ્ર પંડ્યાથી તેઓ વધુ આકર્ષાયા. નક્કી કર્યું કે અધ્યાપક થવું તો ઉપેન્દ્ર પંડ્યા જેવું. મનમાં વાળેલી આ ગાંઠ એમણે ક્યારે ય ઢીલી થવા ન દીધી. એ ક્ષમતા એ પ્રતિભા તેમનામાં હતી. અધ્યાપક તો થયા જ થયા, પણ ત્રણ ત્રણ યુનિવર્સિટીના તેઓ સફળ-કુશળ કુલપતિ પણ રહ્યા. કુલપતિ રહ્યા હોવા કરતાં એમને અધ્યાપક હોવાનું સવિશેષ ગર્વ છે. એ કહે છે પણ ખરા કે “જે આનંદ મને કુલપતિ તરીકે નથી મળ્યો તે ભણવા-ભણાવવામાં વિશેષ મળ્યો છે.”
એમના પિતાજી વેપારી હોવાના નાતે એવું ઈચ્છતાં કે તેઓ કોમર્સનો અભ્યાસ કરે પણ તેમણે પોતાને ગમતું એવું આટ્ર્સનું ક્ષેત્ર સ્વીકાર્યું. છતાં ય આરંભની નોકરી તો વેદ સાહેબે બેંક ઓફ બરોડામાં જ કરી. નોકરીને માંડ થોડો વખત થયો હશે ત્યાં એક ઘટના બની કે ધ્રાંગધ્રાની કોલેજ બંધ થવાની આરે આવી પહોંચી હતી. ત્યાં જ અધ્યાપકોએ તેનો વહીવટ હાથમાં લીધો અને ગુજરાતમાં પ્રથમ વખત પ્રયોગ રૂપે અધ્યાપકો સંચાલિત મેનેજમેન્ટ આરંભાયું જેથી આ કોલેજ ટકી. તેમાં માત્ર એકવીસ વર્ષની નાની વયે સાહેબ બી. એ. ફસ્ટ ક્લાસની રૂએ અધ્યાપક તરીકે જોડાય છે. બીજી બાજુ એમ.એ.નો અભ્યાસ શરૂ છે. ત્યાં પોતાને ગમતાં, પોતે સેવેલા ક્ષેત્રમાં પ્રવેશ તેમને અને તેમના પરિવારને સુખનો અનુભવ કરાવે છે. જો કે છ મહિના સુધી તો અહીં પગાર નહોતો મળ્યો પણ પછીથી તે મળ્યો. ખૂબ ઓછા સમયમાં સાહેબની યુવાન તેજસ્વી અધ્યાપક તરીકેને ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વ્યાપી ચૂકી હતી. પરિણામે કોલેજોમાં આચાર્ય બનવાની ઓફરો મળવા લાગી. જો કે, આ જ સમયમાં તેમનું પીએચ.ડી.નું કાર્ય ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં આરંભાઈ ચૂક્યું હોવાને કારણે આવી ઓફરો, વધારાના ઇજાફાની તકોને તેમણે જતી કરી. પોતે જ્યાં ભણેલા તે યુ.એન. મહેતા આટ્ર્સ કોલેજ, મોરબીમાં જોડાવાનું સ્વીકાર્યું. તે છેક આઠ વર્ષ લગી ત્યાં જોડાયેલા રહ્યા. જે આશય સાથે ત્યાંના સંચાલક મંડળે તેમની પસંદગી કરી હતી તેમાં તેઓ સંપૂણ સાચા ઊતર્યા.
પોતે ઝડપેલા, ધારેલા કાર્યને યોગ્ય રીતે, યોગ્ય સ્થિતિએ પહોંચાડવાની તેમની અધ્યાપકીય નિષ્ઠાની સૌને જાણ થઇ ચૂકી હતી. આ પ્રકારના વાતાવરણ નિર્માણને કારણે તેઓ જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર પદ આરૂઢ હતા, ત્યાંથી સીધા સરકારે વહીવટ માટે પસંદ કર્યા. પોતાની ઈચ્છા સાવ ઓછી હોવા છતાં ય સરકારના સતત દબાણ તેમ જ પોતાના મોટાભાઈની સમજાવટને આદર આપી તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાયબ કુલપતિપદનો સ્વીકાર કરેલો. આગળ કહ્યું તેમ સાહેબના મોટાભાઈ સિદ્ધપુરુષ હતા તેથી તેમની હૂંફ ને પીઠબળ ડગલેને પગલે મળતા રહ્યા છે. તેઓ અધ્યાપક તરીકે જોડાયા ત્યાંથી લઇને કુલપતિપદ સુધીના કેટલાક મહત્ત્વના, જરૂરી નિર્ણયો વેદ સાહેબે મોટાભાઈનું માર્ગદર્શન મેળવ્યા બાદ જ લીધા છે. પરિણામે તેમણે ક્યાં ય અટકવાનું કે પસ્તાવાનું બન્યું નથી. પોતાની અધ્યાપકીય અને વહીવટી કામગીરી દરમ્યાન અનેક એવી આકરી સ્થિતિમાંથી પણ તેઓ આત્મબળે વધુ પારદર્શી બનીને નીકળી આવ્યા હતા.
પછીથી તો પોતાની આગવી સૂઝસમજ ને પરિણામે તેઓ ક્રમશઃ ગુજરાત અને ભાવનગર યુનિવર્સિટીઓના પ્રભાવક કુશળ કુલપતિ તરીકે તેમ જ સરદાર પટેલ યુનિવર્સિટીના એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેકટર જેવા પદે પોતાની અમૂલ્ય સેવાઓ આપી ચૂક્યા છે. કુલપતિ કાળ દરમ્યાન તેમણે જ્યાં જ્યાં યુનિવર્સિતીના હિતાર્થે આકરા થવાનું લાગ્યું ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારના દબાણની પરવાહ કર્યા વિના તેમણે કામ કર્યું. વહીવટી કામગીરી દરમ્યાન એક વાત તેમણે મનમાં નિશ્ચિત રાખેલી કે યુનિવર્સિટીને બને તેટલી રાજકારણથી અળગીને અલગ રાખવી તેમ જ આર્થિક રીતે બને તેટલી તેને સદ્ધર કરવી. કેમ કે એ સમયમાં યુનિવર્સિટી પાસે ફંડ, સરકારી ગ્રાન્ટના પ્રશ્નો રહેતા. આજે છે તેવી ને તેટલી સમૃદ્ધિ જો તે વેળા હોત તો ચિત્ર થોડું અલગ હોત. આજે યુનિવર્સિટી પાસે કરોડોની સંપત્તિઓ સિલકમાં હોવા છતાંય દુઃખ સાથે કહેવું પડે છે કે જે કામ પહેલાંના સમયે જેવી જેટલી નિષ્ઠાથી થતું એ કરવામાં આજે ક્યાંકને ક્યાંક આપણે ઉણા ઉતરી રહ્યાં છીએ. ઘણુંઘણું ખૂટીછૂટી રહ્યું છે તેની ચર્ચા, રજૂવાત કરનારા નિષ્ઠાવાન માણસો ઓછા રહ્યા છે. ત્યારે અહીં નોધવું પડશે કે એ જમાનામાં વેદ સાહેબ યુનિવર્સિટી શિક્ષણના કાર્યોને વધુ અસરકારક બનાવવા સતત યુ.જી.સી, સરકારના સંપર્કમાં રહેતા. પોતાને જરૂર જણાય ત્યારે સરકાર સાથે વાતચીત કરીને પણ યુનિવર્સિટી, અધ્યાપકોને લાભ થાય તેવાં કામો તેમણે કરેલાં. ૧૯૯૪માં જ્યારે તે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે અધ્યાપકોની રિટર્ન-રીકવરીનો મોટો પ્રશ્ન ઊભો થયેલો તે ઘડીએ સરકાર સાથે તેમણે વાટાઘાટો કરીને અધ્યાપકોને આવી પડેલી સ્થિતિમાંથી રાહત અપાવી હતી. કોમી રમખાણ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ લેવાના મુદ્દે અનેકોનો વાંધાવચકા હતા છતાં ય આયોજનપૂર્વક તેમણે પરીક્ષાઓ લેવડાવી વિદ્યાર્થીઓનું વર્ષ, મહેનત નિષ્ફળ ન જાય તેનો ઉત્તમ દાખલો બેસાડેલો. હું મક્કમ પણે માનું છું કે અમુક પ્રકારનાં કામો કરવા કરાવવા માટે વિશેષ પ્રકારની સજ્જતા કુલપતિમાં હોવી જોઈએ. વેદ સાહેબમાં એ ભરપૂર હતી. પરિણામે સેનેટ-સિન્ડિકેટ સાથે કેમ કામ પાર પાડવું તે જાણતા ને ખૂબ સરળતાથી તે કરી પણ લેતા. કોઈના તાબામાં કે પ્રભાવમાં એમણે ક્યારે ય કામ નથી કર્યું. જ્યારે જ્યારે એમની સામે ચેલેન્જ ઊભી થઈ છે ત્યારે ત્યારે એમણે છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ યુનિવર્સિટીમાં ખોટો ચીલો, ખોટી ગરેડ ના પડી જાય તે માટે થઈને મોટાખોટા વકીલોને પણ એમણે માત આપી છે.
આવી વહીવટી કુશળતા, પારદર્શિતા ધરાવતા વેદ સાહેબનું સાહિત્યક્ષેત્રે પણ ખૂબ મોટું કામ છે. નવલકથા, તેનું કથાકથન તેમના અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો છે. ઓગણીસો સીત્યોતેરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા પછીના થોડાં વર્ષોમાં તેઓ સંશોધન તરફ સક્રિય બન્યા. ૧૯૮૭માં યુ.જી.સી.નો કેરિયર એવોર્ડ તેમણે મેળવ્યો તેના સુફળ સ્વરૂપે ‘ઇન્ડેક્ષ્ય સ્ટડી ઓફ એન્સીયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર’નું બૃહદ્ કાર્ય તેઓ કરી શક્યા. સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ તેમ જ જૂની ગુજરાતીમાં જે વૃતાન્તાત્મક સાહિત્ય હતું તેનો એક ઇતિહાસ આ નિમિત્તે તૈયાર કરીને યુ.જી.સી.ને સોંપ્યો. આ કાર્ય નિમિત્તે દેશમાં ભ્રમણ કરવાનું, ગ્રંથભંડારોની મુલાકાત લેવાનું, દેશભરનું વાંચાવનું બન્યું. જેના થકી તેમને ખ્યાલ આવ્યો કે આ કથાકથનનું આખું – આગવું શાસ્ત્ર વિકસાવવું જોઈએ. એ દિશામાં એમણે કામ કર્યું ને આપણે એ વાતનો ગર્વ લઇ શકીએ કે સમગ્ર ભારતમાં કથાકથનનાં શાસ્ત્ર પર માત્ર જે બે વ્યક્તિઓ એ કામ કર્યું છે તેમાં એક, જે.એન. યુ.ના પ્રેમચંદજી અને બીજા નરેશ વેદ છે. આ ઉપરાંત પણ યુ.જી.સી.ના બીજા સંશોધન પ્રોજેક્ટ સાહેબે કરેલા. કુલપતિ હતા તે સમય દરમ્યાન તેમણે ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા ‘એન્સાઈકલોપીડિયા ઓફ હિન્દુઇઝમ’ અને ‘એન્સાઈકલોપીડિયા ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશ્યલ સાઈન્સીસ’માં ગુજરાતની જવાબદારી તેમના શિરે હતી. વહીવટની સમાંતર જ એમનું સંશોધન કાર્ય ચાલ્યું છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમય રહીને ધર્મ, અધ્યાત્મ, ચિંતન તરફનું વાંચન તેઓ વિશેષ કરી રહ્યા છે. સેવા કાર્ય સાથે સંકળાયેલા હોય તેવા ત્રણેક મંડળોમાં જવાબદાર વ્યક્તિ તરીકે જોડાઈને સમાજ-સેવાલક્ષી કાર્યો પણ વાંચન-લેખનની સાથોસાથ તે કરી રહ્યા છે. પુષ્કળ પુસ્તકો દાન આપી ચૂક્યા પછી પણ અત્યારે તેમની પોતાની લાયબ્રેરીમાં પચ્ચીસ હજારથી પણ વધુ ગ્રંથો મોજૂદ છે. સાહિત્યનું વાંચન હાલ ઘટાળી અધ્યાત્મ વાંચનમાં તેમને વધુ રસ પડ્યો છે. હાલ અગિયારથી પાંચ એ નિયમિત સાહિત્ય-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનને સાંકળીને લેખો કરી રહ્યા છે.
એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ, ભાલેજ રોજ, આણંદ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, જુલાઈ 2017; પૃ. 03-06