(1) સહિષ્ણુતા
પહેલો અક્ષર પાડવા જાઉં છું
ત્યાં જ
એ શબ્દ
મહાકાય બની જાય છે
દરેક કાળના
અનેક સમૂહોએ
ભર્યા તે અર્થના
છેડા ખોવાઈ જાય છે
જોતજોતામાં
ટોળેટોળાં ઊમટે છે
એ શબ્દ જે નથી તે
જેની સાથે કદાપિ જોડાયેલ નથી તે
અનર્થ પ્રત્યર્થ લઈને
તેના અર્થને દબાવી
તેને ફુલાવી
ફોડી નાખવા
ટોળેટોળાં ઊમટે છે
શબ્દવિહીન અવાજોના
ચહેરાવિહીન માણસોના
બેબાકળી થઈને હું
ટી.વી. ચેનલો ફેરવી ફંફોસું છું
છાપાંમાં શોધું છું
ક્યાંક ખરા અર્થમાં વાપર્યો હોય
તો બચી શકે
એ શબ્દ
ફેસબુકની શેરીઓમાં
ચિતરાયેલી દીવાલો પર
મળી તો આવ્યો
પણ
એ જ ટોળાં ઊમટ્યાં હતાં
°°°°
(2) ટોળાં
સિક્ સિક્ સિક-ક્યૂલર
સુડો સુડો સુડો
ટોળાંવાસી એ શબ્દ પર
થૂંકતો હતો
શબ્દકોષની બહારના ઉચ્ચારો
ફૂંકતો હતો
એને ફરી માત્ર શબ્દકોષમાં ઘકેલી
કેદ કરવા જાણે ફતવો
મૂકતો હતો
ઘણાં ચૂપચાપ ઊભાં હતાં
શહામૃગની જેમ
ટોળું પસાર થઈ જવાની રાહ જોતાં
કોઈ જાતભાઈની જીભ કાપી આણવા
ઈનામ જાહેર થાય કે
દૂર દેશમાં કોઈ ફયાદને મૃત્યુદંડ થાય
જગભરની શેરીઓમાં
ફાટી નીકળતાં ટોળાંને શેં પહોંચાય ?
સામનો ન કરતા હોય
તેમને એ ટોળાંની સાથે કેમ ગણાય ?
°°°°
(3) પરિણામ
મૃત સમયની
આંખો ફોલતાં ફરે છે
તે ટોળાં
શહીદોનાં સુકાયેલાં લોહી ચાટી
ત્રિશુલથી ઇતિહાસ ખોદતાં ફરે છે
તે ટોળાં
ટીપુના રેશમી વસ્ત્રને
મરજી મુજબ વેતરે છે
તે ટોળાં
મહાત્મા-વિચારકોની હત્યાઓને
સકારણ સત્કૃિત ઠેરવે છે
તે ટોળાં
હવે બેખોફ બેફામ રક્તરંજિત કમંડળ
ઉઘાડેછોગ ફેરવે છે
તે ટોળાં.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ડિસેમ્બર 2015; પૃ. 23