આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …
ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.
આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.
વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …
[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]
e.mail : ramansoni46@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12