સવાલ સ્વાયત્તતાનો : કાં સરકારગત, કે પછી કોર્પોરેટગ્રસ્ત !
રે અક્ષરકર્મી, ઉમાશંકર પૂછે છે, દેશ તો આઝાદ થાતાં થઈ ગયો … તેં શું કર્યું?
શુક્રવારે સવારે છાપાંમાં જોઉં છું તો અભિનેતા અનુપમ ખેરની એ ટિપ્પણી સહેજે ધ્યાન ખેંચે છે કે ભારત સરકારે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષપદે જેમની નિયુક્તિ કરી છે એમનો આ કામગીરી અને જવાબદારી માટેનો અધિકાર અને પાત્રતા મુદ્દલ નથી. અનુપમ ખેરની આ ક્ષેત્રે જે મહારત છે. એ જોતાં ખેરની વાતને વજન આપવાપણું છે. કિરણ અને અનુપમ ખેર વિચારધારાકીય રીતે સંઘ પરિવારની રાજકીય પાંખ ભણી સંધાન તેમ ઝુકાવ સારુ જાણીતાં છે. એટલે ગજેન્દ્ર ચૌહાણને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં ધરાર બેસાડવા પાછળ દેખીતી રીતે જ વિચારધારાકીય સંધાન ઉપરાંત કહ્યામાં રહી શકતી મીડિયોકર મહાનુભાવતા માટેનું વલણ ઢેકો કાઢ્યા વગર રહેતું નથી.
વિશ્વપ્રતિષ્ઠ અમર્ત્ય સેને પોતે આ દિવસોમાં નાલંદામાં અપ્રતિમ આધુનિક વિદ્યાતીર્થ ઊભું કરવા માટેના પ્રકલ્પમાં કેન્દ્રમાં નમો સરકાર બન્યા પછીની રૂકાવટ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું છે. પોતે સંકેત સમજી ચૂપચાપ ખસી જઈ શક્યા હોત, પણ એમણે શૈક્ષણિક સ્વાતંત્ર્ય અને લોકશાહી મૂલ્યોના દાયરામાં આખો મુદ્દો મૂકવાનું પસંદ કર્યું એ સૂચક છે. આઈ.આઈ.એમ.ની ટાપુલોક તાસીર બેલાશક બહસની બાબત છે, પણ એની સ્વાયત્તતા પર સરકાર તરફથી શરૂ થયેલી તરાપ ચેષ્ટા વિશે શું કહેવું, સિવાય કે મોદી શાસનમાં તમે કાં તો સરકારગત હો કે પછી સરકારતરફી કોર્પોરેટગ્રસ્ત હો, એ જ તમારી નિયતિ છે અને એમાં જ તમારી ‘મુક્તિ’ છે.
વસ્તુત: વ્યાપક અને મૂળભૂત સમજને ધોરણે નિ:સંકોચ કહી શકાય કે સત્તાનું કેન્દ્રીકરણ તે શાસનમાત્રના હાડમાં પડેલું લક્ષણ છે. લોકશાસને સ્વાયત્ત અને બંધારણીય સંસ્થાઓનો મહિમા કરીને શાસનમાત્રમાં પડેલ આ લક્ષણનો ડંખ કાઢવાની રૂડી પ્રયુક્તિ નિપજાવી જાણી છે. અલબત્ત, પ્રયુક્તિ માત્રને મેદ અને કાટ ન ચડે તે જનતંત્રને જણનારી જનતાએ જોવાનું રહે છે. એમાં પણ ઇન્દિરા ગાંધીની કક્ષાએ વ્યક્તિગત સત્તાકાંક્ષા પ્રગટ થાય ત્યારે અગર તો એકહથ્થુ વિચારધારાવાદ અને વ્યક્તિગત એકાધિકારવાદ એકત્ર આવે ત્યારે લોકની જવાબદારી વધી જાય છે, કેમ કે તે જનમનારી એટલે કે પ્રજા નથી પણ જણનારી એટલે કે જનતા છે.
રવિવારે અમદાવાદમાં મળી રહેલા સ્વાયત્તતા સંમેલનને આ વ્યાપક સંદર્ભમાં જોવામૂલવવાની જરૂર છે. એનું તત્કાળ નિમિત્ત અલબત્ત એક સ્વાયત્ત હોઈ શકતી અકાદમીના સરિયામ સરકારીકરણથી લાગેલા ધક્કાનું છે, પણ વાત માત્ર આટલી જ નથી. જમણે અંગૂઠેથી એકવાર કળિ પેઠો અને આપણે જોયું ન જોયું કર્યું એટલે આખર જતાં કામથી ગયા સમજો. અમર્ત્ય સેન અને રામચંદ્ર ગુહાથી માંડીને પ્રતાપભાનુ મહેતાએ મોદીના વડાપ્રધાનકાળમાં શૈક્ષણિક ને સર્જનાત્મક ક્ષેત્રો પર કબજો જમાવવાનું જે વલણ નોંધ્યું છે એની ગુજરાતને નવાઈ નથી. મુખ્યમંત્રી મોદીનો પૂર્વાર્ધ 2002ની જવાબદારીની રીતે ચર્ચામાં રહ્યો અને ઉત્તરાર્ધ ‘વિકાસ’ના વૃંદવાદનની રીતે સુરખીઓમાં રહ્યો.
બાકી, 2003માં જ એમણે સ્વાયત્ત અકાદમીને સુષુપ્ત કે મૂર્છિત જેવી કરી નાખીને પોતાની પ્રતિભા પ્રકાશિત કરી જ હતી. હાલના મુખ્યમંત્રી સ્વાભાવિક જ ‘એક કદમ આગે’ના ખયાલમાં હશે કે ગમે તેમ પણ એમણે ખાસાં બાર વરસને અંતરે પરબારી અધ્યક્ષનિયુક્તિનો રાહ લીધો છે. ભાઈ, અકાદમીની એક ‘જનરલ બોડી’ હોય અને એ પોતે અધ્યક્ષ ચૂંટે એટલો સાદો વિવેક પણ કોઈને ન સૂઝયો? વસ્તુત: ઉમાશંકર-દર્શકની પરંપરામાં જે તે સરકાર સાથે જરૂરી મંથનમુકાબલાથી બની આવેલી સ્વાયત્ત અકાદમી એક મોટી વાત હતી. તે ગઈ એટલું જ નહીં ઉઘાડે છોગ બંધારણ ભંગ અને મૂલ્યહ્ાસની આ પ્રક્રિયા સાથે જોડાનારા અક્ષર કર્મીઓ પણ મળી રહ્યા. બને કે, એમને કદાચ ખયાલ જ ન હોય કે સોસાઈટી એકટ મુજબ રજિસ્ટર્ડ સંસ્થા (અકાદમી) પરત્વે સરકાર કને આવો કોઈ અખત્યાર જ નથી.

આ ચર્ચામાં ઉમાશંકર અને દર્શકનાં નામ વાજબીપણે જ આગળ ધરાતાં રહ્યાં છે. પણ 1987માં ધરાર સરકારી અકાદમીમાંથી સરપ ધ્રુવ, વીનેશ અંતાણીથી માંડીને રમણલાલ જોશી સહિતનાં જે નવેક રાજીનામાં ઉપરાછાપરી પડ્યાં હતાં એણે આગળ ચાલતાં અકાદમીના લોકશાહીકરણનો પથ પ્રશસ્ત કર્યો હતો. કાશ, હાલ જોડાઈ ગયેલા અક્ષરકર્મીઓને આટલોયે ઇતિહાસબોધ હોય! જ્યાં સુધી રાજ્ય સરકારનો સવાલ છે, એને પોતાની મનમાની બાબત કાં તો ગતાગમ નથી કે પછી ધોરાજી હંકારવાનું ફાવી ગયું હશે. નિરંજન ભગત અને ધીરુ પરીખ જેવાને સામેથી મળવાનું તો છોડો, મુલાકાત આપી સાંભળવાનું સામાન્ય સૌજન્ય દાખવવાનુંયે અઠવાડિયાંના અઠવાડિયાં વીત્યાં છતાં એને સૂઝતું નથી.
ખબર નથી, પંદરમી ઓગસ્ટની અવધ સુધીમાં સરકારને એ વાતનો અંદાજે અહેસાસ જાગશે કે આપણે કોઈ સામંતી સામ્રાજ્યશાહી ગાદીએ બેઠેલ નથી પણ પ્રજાસત્તાક સ્વરાજની ગાદીએ બેઠા છીએ. બાકી, સરેરાશ અક્ષરકર્મીમાં જરીકે નાગરિક સુધબુધ હોય તો રવિવારનું સંમેલન એને ઉમાશંકરી પરંપરામાં કદાચ ઝંઝેડી શકે કે દેશ તો આઝાદ થાતાં થઈ ગયો તે શું કર્યું: અમર્ત્ય, રામચંદ્ર, પ્રતાપભાનુ, થોભો અને રાહ જુઓ … ગુજરાત સળવળી પણ શકે!
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 જુલાઈ 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-uma-shankar-asks-if-the-country-has-been-liberated-5048864-NOR.html
 


 સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં  બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે.
સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં  બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે. વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ  જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !
વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ  જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !