Opinion Magazine
Number of visits: 9485587
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૯૪૨, ઓગસ્ટ : લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ

ઉષા ઠક્કર|Opinion - Opinion|29 August 2023

ડૉ. ઉષા ઠક્કર આપણી જમાતનાં એક વિદ્વાન અધ્યાપક છે. રાજ્યનીતિશાસ્ત્ર, ઇતિહાસ તેમ જ સમાજશાસ્ત્રનાં એક તજ્જ્ઞ તરીકે એમની નામના છે. એમણે અનેક સંશોધન આધારિત પુસ્તકો ય આપ્યાં છે. આઝાદીના આ 75માં વરસ અનુસંધાને આ અભ્યાસુ લેખ આપણને દિશા તો આપે છે, પણ સાથે સાથે આપણને ઇતિહાસ ભણી દોરી જઈ વિચારને માટે નક્કર વાતાવરણ પણ તૈયાર કરી આપે છે.

ઉષા ઠક્કર

૧૯૪૨નો ઓગસ્ટ મહિનો ભારતમાં અસાધારણ રાજકીય ઊથલ-પાથલનો મહિનો. દેશપ્રેમીનો સમર્પણ અને બલિદાનનો મહિનો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનું ૧૯૪રનું સૌથી છેલ્લું જન આંદોલન. આ સમયે આઝાદી માટેની અદમ્ય ઈચ્છા રાજકીય સમજૂતિઓની સીમા પાર કરી ગયેલી. શોષિત અને પીડિત પ્રજાએ બ્રિટિશ સરકાર સામે ખુલ્લો બળવો કરેલો. તે સમયને યાદ કરતાં ને સમયની ક્રાંતિરેખા અરુણા અસફઅલીએ જણાવેલું કે ‘ત્યારે તો લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ થયેલો અને તેમાંથી ફેંકાયેલ લાવારસનો હું તો એક ટુકડો માત્ર હતી.’ દેશની ધરતી પર આવા જ્વલંત ટુકડાઓ અને તણખાઓ હજારો-લાખોની સંખ્યામાં વેરાઈ ગયેલા. મુંબઈ (શહેર અને પ્રાંત), યુનાઈટેડ પ્રોવીન્સેઝ (યુ.પી.), સેન્ટ્રલ પ્રોવીન્સેઝ (સી.પી.), બિહાર અને ઓરિસ્સા જેવા ક્ષેત્રો આઝાદી માટેની પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠેલા.

૧૯૪૦ના દાયકાના આરંભના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રવાહોએ ૧૯૪૨ના આંદોલનના ઉદ્ભવમાં અગત્યનો ફાળો આપેલો. દેશમાં ગાંધી વિચાર અનુસાર વ્યક્તિગત સત્યાગ્રહ થયેલો, પણ તેનું સ્વરૂપ મર્યાદિત હતું. સર સ્ટેફર્ડ ક્રિપ્સના આગમને આશા જગાવેલી, પણ છેવટે તો નિરાશા જ મળી. ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો દેશના જાણીતા પક્ષોએ અસ્વીકાર કર્યો અને બીજું વિશ્વયુદ્ધ તો દેશની સીમાઓ સુધી પહોંચી ગયેલું. જાપાન તીવ્ર ગતિથી આગળ વધી રહેલું હતું. તેણે હોંગકોંગ, સિંગાપુર, મલાયા અને બર્મા પર વિજય મેળવી લીધેલો. અને તેની અસર ભારત પર પડી.

બિહાર અને યુ.પી. જેવા પ્રાંતોમાં લોકોને ચિંતા અને આશંકા થવા લાગી. બર્મા, સિલોન અને મલાયામાં ઘણા ભારતવાસીઓ ગયેલા. તેઓ નિયમિત રૂપે દેશમાં પોતાના કુટુંબોને પૈસા મોકલતા, જેથી કુટુંબોનો નિર્વાહ થઈ શકે અને આ રકમ નાની-સૂની નહોતી. ૧૯૪૦-૪૧ ના વર્ષમાં ૨,૦૩૮,૦૦૦ મની-ઓર્ડર તથા ૭ કરોડ ૨૫ લાખ જેટલા રૂપિયા આવેલા. ગોરખપુરના મોટા ભાગના રહેવાસીઓ હોંગકોંગ, બેંકોક, સિંગાપુર અને રંગૂનમાં કામ કરતા હતા. સગાં સંબંધીઓ દ્વારા મોકલાતા પૈસા પર જ આધાર રાખતા હતા. પણ હવે તો પરદેશમાં કામ કરના ભારતવાસીઓ જ પાછા ફરવા લાગ્યા, અંતે તે પણ નિરાશ્રિત થઈને. એક અંદાજ મુજબ લગભગ ૪,૦૫,૦૦૦ નિરાશ્રિતો કલકત્તા પહોંચ્યા, તેમાંથી ૩,૩૫,૦૦૦ ટ્રેનથી આવ્યા અને ૭૦,૦૦૦ સ્ટીમરથી ઘાયલ સિપાહીઓ થાકીને અને હારીને ઘરે પહોંચવા લાગ્યા. તેમની સ્થિતિ દયનીય હતી. આવી પરિસ્થિતિમાં અફવાઓનું બજાર ગરમ થયા લાગ્યું. એવી અફવાઓ થવા લાગી કે જાપાનનું સૈન્ય અજેય છે. બ્રિટિશ ઓફિસરો નાસી જવાના છે. આ સંજોગોમાં સામાન્ય પ્રજાનો બ્રિટિશ શાસનમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો.

આ ઉપરાંત, દેશની પ્રજાને અસહકાર આંદોલન અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોનો અનુભવ હતો. ૧૯૩૭ માં ચુંટાયેલી સાત પ્રાંતોમાં કાઁગ્રેસ સરકારની વિધેયાત્મક કામગીરીનો અનુભવ હતો અને સૌથી મહત્ત્વપૂર્ણ તો ગાંધીજીના અસાધારણ નેતૃત્વ હેઠળ કામ કરવાનો અનુભવ હતો.

ગાંધીજીના વિચારો અને વાતોએ પ્રજામાં હલચલ મચાવી દીધી. ગાંધીજીએ “હરિજન બંધુ”(૧૦-૦૫-૧૯૪૨)માં જણાવ્યું કે “હિંદુસ્તાનમાં અંગ્રેજોની હાજરી એ જાપાનને હિંદુસ્તાન પર ચડાઈ કરવાનું નોતરું છે. તેઓ ચાલ્યા જાચ તો લડાઈની લાલચ દૂર થાય.” અંગ્રેજોને ચાલ્યા જવાનું જણાવતાં તેમણે “હરિજન બંધુ”(૨૪.૫.૧૯૪૨)માં સ્પષ્ટ કર્યું કે “હિંદને ભગવાનના હાથમાં સોંપી દો અને આ શબ્દો વિચિત્ર લાગતા હોય તો કહું છું કે અરાજક્તાના હાથમાં સોંપો.”

કાઁગ્રેસના નેતાઓ ગાંધીજી સાથે હતા. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક વર્ધામાં જુલાઈ ૧૯૪૨માં યોજવામાં આવી. ૧૪ જુલાઈના મહત્ત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે રોજેરોજ બનતા બનાવોએ તથા હિંદની પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કાઁગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠરાવ્યો છે કે હિંદમાંથી બ્રિટિશ અમલનો અંત આવવો જ જોઈએ. “સારામાં સારો પરદેશી અમલ પણ સ્વતઃ એક અનિષ્ટ છે તથા તાબેદાર પ્રજાને માટે નિરંતર હાનિરૂપ છે. એટલા ખાતર જ નહિ, પણ પરાધીન હિંદ પોતાનું રક્ષણ કરી શકે તેમ જ માનવજાતનું નિકંદન કાઢી રહેલા યુદ્ધના ભાવિ ઉપર અસર પાડવામાં અસરકારક ભાગ ભજાવી શકે એટલા માટે પણ, બ્રિટિશ અમલનો હિંદમાંથી અંત આવવો જોઈએ.”

કાઁગ્રેસના નેતાઓને અને ગાંધીજીને લાગવા માંડેલું કે અંગ્રેજો સત્તાપલ્ટા માટે તૈયાર નથી અને યુદ્ધ સમાપન થયા પછી પણ તેમ થવાની શક્યતા નથી. પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ભારતને મળેલા રોલેટ કાયદો, લશ્કરી કાયદો અને રક્તરંજિત જલિયાનવાલા બાગ. આ વાતોને પ્રજા ભૂલી નહોતી. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીનું ઐતિહાસિક અધિવેશન ૭ અને ૮ ઓગસ્ટના મુંબઈમાં યોજવામાં આવેલું. વર્ધાના ઠરાવ અને આ અધિવેશન વચ્ચેનો સમય જનમત તૈયાર કરવા માટે ઘણો મહત્ત્વપૂર્ણ હતો. ઘણી સભાઓ અને ભાષણો ગોઠવાયા, જેમણે જનજાગૃતિ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો. મુંબઈમાં ચોપાટી પર ૨ ઓગસ્ટના વલ્લભભાઈ પટેલની એક મોટી મીટિંગ થઈ. તેમાં ૫૦,૦૦૦ જેટલા લોકો ભેગા થયેલા. ગુજરાતીમાં બોલતા તેમણે કહ્યું કે આ ચળવળ ગાંધીજીએ ઉપાડેલી છેલ્લી ચળવળ છે. બ્રિટિશ સરકાર મલાયા, સિંગાપુર અને બર્માની બાબતમાં નિષ્ફળ ગઈ છે. તેમણે પ્રજાજનોને લડતમાં પૂરો સાથ આપવા માટે અસરકારક અપીલ કરી અને સ્કૂલ – કોલેજ – ફેક્ટરી અને વેપાર બંધ રાખવાનું સૂચવ્યું. મુંબઈના ગવર્નર સર આર.એલ. લમ્લેએ વાઈસરોય લોર્ડ લીનલીથગોને લખ્યું કે પટેલની મીટિંગ પછી વાતાવરણ પૂર્ણતઃ બદલાઈ ગયું, દૃષ્ટિકોણ જ ક્રાંતિકારી બની ગયો.

મુંબઈના ઓગસ્ટના અધિવેશને દેશવાસીઓ માટે નવી દિશા ઉઘાડી. દેશના વિભિન્ન ભાગોમાંથી નેતાઓ અને કાર્યકરો આ સુયોજિત અધિવેશનમાં આવેલા. વર્ધાની ૧૪ જુલાઈની મીટિંગમાં લેવાયેલા ઠરાવનું સમર્થન કરતાં અહીં નિર્ણય લેવાયો કે ભારત માટે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સફળતા માટે પણ દેશમાં બ્રિટિશ શાસનનો અંત આવશ્યક છે. ભારતની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ વ્યાપક સ્તર પર અહિંસક સામૂહિક સંઘર્ષ કરવાનો નિર્ણય લેવાયો.

સભાપતિ મૌલાના અબ્દુલ કલામ આઝાદે કાર્યવાહી શરૂ કરેલી. જવાહરલાલ નેહરુએ ઠરાવ રજૂ કરેલો અને સરદાર પટેલે તેનું સમર્થન કરેલું. ૮ ઓગસ્ટના ભાષણમાં ગાંધીજીએ આવા શબ્દોમાં પોતાનું હૈયું ઠાલવ્યું, અને લોકોને કહ્યું કે “આ ઘડીથી સૌ કોઈ માને કે આપણે આઝાદ છીએ અને હવે તમે આ સામ્રાજ્યની એડી નીચે નહીં પણ આઝાદ છો એમ માનીને વર્તજો … ગુલામ જે ઘડીએ એમ માને કે હું સ્વાધીન છું તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી … હું તમને એક ટૂંકો મંત્ર આપું છું એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો એ મંત્ર છે “કરેંગે યા મરેંગે’. હિંદને કાં તો આઝાદ કરીશ નહીં તો મરી ફીટશું. કાયમી ગુલામી જોવા જીવતા નહીં રહીએ.” ગાંધીજીએ ભારપૂર્વક કહ્યું કે કાયર અને ડરપોક માટે આઝાદી નથી.

૯ ઓગસ્ટના કાઁગ્રેસના અનેક નેતાઓને બ્રિટિશ સરકારે જેલમાં ધકેલ્યા. ગાંધીજીને આગાખાન મહેલ, પૂનામાં કારાવાસ અપાયો. હવે દેશની પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો. દેશના વિભિન્ન ભાગોમાં ક્રાંતિની જ્વાળા પ્રગટી. સ્થાનિક સ્તર પર ચળવળના સ્વરૂપ વિશે લોકો નિર્ણય લેવા લાગ્યા. નવી નેતાગીરીનો ઉદય થયો. કાઁગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી, ફોરવર્ડ બ્લોક અને અન્ય ક્રાંતિકારી જૂથો સક્રિય બન્યા. વિદ્યાર્થીઓએ મહત્ત્વ ની ભૂમિકા ભજવી. સ્રીઓએ સભા સરઘસો અને હડતાલોમાં તેમ જ જેલમાં ગયેલા સાથીઓના કુટુંબોની સારસંભાળમાં અગત્યનું યોગદાન આપ્યું.

બ્રિટિશ શાસનના બધા જ પ્રતીકો સામે જનતાનો આક્રોશ ફૂટી નિકળેલો. બ્રિટિશ સરકારના પ્રતીકો, જેમ કે સરકારી ઈમારતો, પોસ્ટ ઓફિસો, અને પોલિસ સ્ટેશનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ફેક્ટરીઓ અને શિક્ષણ સંસ્થાઓ સામે હડતાલો થઈ. રેલવેના પાટાઓ તથા સંદેશ વ્યવહારના સાધનોની તોડફોડ કરવામાં આવી. હિંસાનો માર્ગ અપનાવવામાં કોઈ ક્ષોભ ન રહ્યો. કેટલાય નેતાઓ, જેમ કે જયપ્રકાશ નારાયણ અને સુચેતા કૃપલાણી ભૂમિગત થયાં. ડો. રામમનોહર લોહિયા, આચાર્ય નરેન્દ્ર દેવ, અચ્યુત પટવર્ધન, શંકરરાવ દેવ અને યુસૂફ મેહરઅલી જેવા નેતાઓ સક્રિય રહ્યા. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ અને બર્લિન રેડિયોથી પ્રસારિત થતી માહિતી જેવા પરિબળોએ પ્રજાનો ઉત્સાહ વધાર્યો. મુંબઈથી ચાલતા ભૂગર્ભ કાઁગ્રેસ રેડિયોના સમાચારોને શહેર તથા અન્ય ભાગોમાં લોકો ઉત્સાહથી સાંભળતા. ઉષાબહેન મહેતાને આ રેડિયોની ક્રામગીરીમાં ભાગ લેવા માટે ચાર વર્ષની જેલની સજા મળેલી.

થોડા સમય માટે તો લોકોએ સાતારા (મહારાષ્ટ્ર), મેદિનીપુર (બંગાલ) અને બલિયા(યુ.પી.)માં પોતાની સમાંતર સરકાર પણ સ્થાપી દીધેલી. સાતારાનો પત્રી (પ્રતિ) સરકારને પ્રયોગ થોડો લાંબો ચાલેલો. સમાજના વિભિન્ન વર્ગો ૧૯૪૨ના આંદોલનમાં સહજ રીતે જોડાઈ ગયેલા, અને તેઓ પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરતા. ભૂગર્ભવાસી નેતાઓ યથાસંભવ માર્ગદર્શન અને મદદ કરતા. ભૂગર્ભ ચળવળનું કેન્દ્ર સેન્ટ્રલ ડિરેક્ટોરેટ મુંબઈમાં હતું. સરકારી બંધન હોવા છતાં ‘ક્વીટ ઇન્ડિયા’, ‘વંદે માતરમ્‌’, ‘રિવોલ્ટ’, ‘નાઈન્થ ઓગસ્ટ’ અને કાઁગ્રેસ પત્રિકાઓ છપાતી રહેતી. અમદાવાદમાં વિદ્યાર્થી સંગ્રામ સમિતિએ લડતના સમાચાર લોકોને પહોંચાડવા તથા કાર્યક્રમોની જાહેરાત કરવા વિદ્યાર્થી પત્રિકા ગુપ્ત રીતે પ્રગટ કરેલી. દરરોજની પાંચ હજાર જેટલી પત્રિકાઓ છાપીને વહેંચવામાં આવતી.

‘ભારત છોડો’ આંદોલન બ્રિટિશ સરકાર માટે પ્રચંડ આહ્વાન બનેલું વાઈસરોય લોર્ડ લીનલીથગોએ ઈગ્લંડના વડા પ્રધાન ચર્ચિલને ૩૧ ઓગસ્ટના લખ્યું કે “૧૮૫૭ના બળવા પછીના સૌથી ગંભીર વિદ્રોહનો હું સામનો કરી રહ્યો છું. અત્યાર સુધી મિલીટરી સલામતીને કારણે આપણે આ વાતના ગાંભીર્ય અને વ્યાપને દુનિયાથી છુપાવ્યા છે.”

આંદોલનકારીઓ જુદી-જુદી વિચારસરણીઓ ધરાવતા હતા. પણ ગાંધીજીનું નેતૃત્વ સર્વ સ્વીકૃત હતું. ફ્રાંસીસ જી. હચીન્સ નામના લેખકના મત મુજબ ગાંધીજી વિના દરેક જણે પોતાના સત્તાધીકાર મુજબ કામ કર્યું અને ગાંધીજીનું પોતાની ઈચ્છા અને દૃષ્ટિથી અર્થઘટન કર્યું. અનિશ્ચિત પત્રિકાઓમાં ગાંધીજીનું નામ મુક્તપણે લેવાતું હતું અને તેમની અસ્પષ્ટ સામાન્ય સૂચનાઓ ભાંગફોડની વિગતવાર યોજનાઓમાં મોખરે મુકાતી હતી. દેશના ભૂમિગત નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધીજીથી ફક્ત પ્રભાવિત જ નહોતા, તેઓ ગાંધીજી સાથે સ્નેહ અને આદરના ગાઢ બંધનમાં જોડાયેલા હતા.

૧૯૪૨ના આંદોલનના સહભાગીઓ સાથેની મુલાકાતો અને વાતચીતો દર્શાવે છે કે ૧૯૪૨ના સંઘર્ષે પ્રજાક્રાંતિનું સ્વરૂપ લીધેલું. આંદોલનમાં જોડાવા માટેના કારણ પૂછતાં ઉષાબહેન મહેતા જેવાં સ્વાતંત્ર્ય સેનાનીઓ ઘણી વાર તેમના જવાબમાં ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ કહેતાં –

“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે. ખબર છે આટલી કે માતની હાકલ પડી છે”. અને જ્યારે માતની હાકલ સાંભળીને દેશપ્રેમીઓ સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની આહૂતિ આપે, ત્યારે લોક પ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ જ થાય.”

e.mail : ushathakkar@yahoo.com

Loading

29 August 2023 Vipool Kalyani
← શબ્દોની નગ્નતા ઢાંકવાનો સર્વોચ્ચ અદાલતનો પ્રયાસ
જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved