
સંગીતા પટેલ
“મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાં હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારા પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિન્દી જાણું અને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડાર જોઇએ. અને તમે ન જાણતા કે એકલી અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. મારે તો ફ્રાન્સ જવું છે, અને ફ્રેન્ચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેન્ચ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઇશે ને જર્મન પણ શીખી લઇશ.”
મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા “સત્યના પ્રયોગોમાં” આ વાત મૂકીને જુદા જુદા આંચલિક પરિવેશનો અભ્યાસ કરવા માગતા નારાયણ હેમચંદ્રનો અનોખો પરિચય આપ્યો છે. સાદી સરળ બાનીના હિમાયતી ગાંધીજી પર નારાયણ હેમચંદ્રનો ઘણો પ્રભાવ હતો.
એ પછી તો યુગ શરૂ થયો ઝીલી શકાય તેટલી ગાંધી અસર ઝીલવાના ગાંધીયુગનો. પંડિત યુગ આથમ્યો અને આઝાદીના આંદોલન સાથે સાહિત્ય લખાતું ગયું અને યુગપ્રવર્તક ગાંધી અસર સાહિત્યમાં વરતાવા માંડી. આ પ્રવાહ લાંબો ચાલ્યો અને તેમાં ઘણાં નામ ઉમેરાતાં ગયા.
દેશ આઝાદ થયો 1947માં, યોગાનુયોગ એ જ વર્ષે પન્નાલાલ પટેલ “માનવીની ભવાઇ” લઇને આવ્યા. એક ખાસ સ્થાનિક પ્રદેશનું યથાતથ જાનપદી નિરૂપણ કરતી આ બેનમૂન કૃતિ છે. 1899 થી 1900ના એ છપ્પનિયા દુકાળ સામે ઝઝૂમતા જોશીલા પાત્રો આપણા સ્વાતંત્ર્ય સેનાની જેટલા જ શૂરવીર છે. આંચલિક પરિવેશનું નિરૂપણ કરતા પન્ન્લાલે ખાસ શાળા અભ્યાસ કર્યો ન હતો પણ, જીવનના અભ્યાસમાં આગળ નીકળી ગયા. ધરતીના મનેખનું તેમણે જે નિરૂપણ કર્યું તેનું જ્ઞાન તો જિંદગીની નિશાળમાંથી જ મળે. જીવનને સંવેદનાથી ભરી દો તો કલમ આપોઆપ બોલતી થઈ જાય છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની ભૂમિ પર દુકાળ સામે આકરું તપ કરતાં એ હાડમાંસનાં ધબકતાં પાત્રો પન્નાલાલ પટેલની કલમે એવા તો અવતર્યાં કે તત્કાલીન કાળક્રમ યથાતથ આપણી સામે આવીને ઊભો. પુત્ર જન્મની આશ રાખતા સાઠ વર્ષના વાલજી ડોસાથી શરૂ થતી વાર્તામાં કાળુ-જીવીનો પ્રવેશ થયો અને એની આજુબાજુના પાત્રોની વણથંભી વણઝાર ચાલી. માલી, પરમો, નાથો, શંકર, ફૂલ ડોશી, ભગો, કોદર, રણછોડ, મનોર, પેથા પટેલ, ભલીથી આખો એક વિશિષ્ટ સમુદાય ઊભો થયો.
ભવાઈનો અર્થ થાય છે મિલકત. એ મિલકતમાં આવે છે આસપાસનો પરિવેશ, જીવતા જાગતા માણસો અને સમગ્ર કાળક્રમ. એમાં ય નાત પંચાયતના મેળાવડા, લોકમેળા, મેળામાં હરખાતા માણસો, એમનાં મિલન, પહેરવેશ, યુવાનોનો તરવરાટ આ બધું મળીને આપણી સામે ખડું થતું ચિત્ર એની અમીટ છાપ છોડી જાય છે. અને આ બધાની વચ્ચે છે છપ્પનિયા દુકાળની વિપદા અને જીવનની એ સૌથી કરમી કહાણી. એ કારમા દિવસોમાં સ્ત્રી દેહવિક્રય, મૃત પશુનું માંસ ખાવું, પોતાના મૃત બાળકને ખાતી માતા અને એની સામે કાળુનો સખાવતી અનાજ લેવાનો ઇનકાર. આ તમામ ઘટનાઓમાંથી પન્નાલાલની કલમે અવતરતું વાક્ય “ભૂંડામાં ભૂંડી ભીખ નહિ પણ ભૂખથી યે ભૂંડી ભીખ છે” જીવનસૂચક બની ગયું. કાળુ અને રાજુની વસમી જુદાઇથી આગળ જતી આ વાર્તામાં તેમના સ્નેહ મિલનમાં સુખાન્ત એક મોરલ સ્ટોરી પણ બની જાય છે.
લગભગ આ જ સમયકાળમાં કોશો દૂર કાકેસસની પહાડીમાં કાસ્પિયન સમુદ્ર તટે “દાઘેસ્તાનની” વાત આકાર પામે છે. માંડ પાંત્રીસ-ચાલીસ લાખની વસતી ધરાવતા આ મુલકમાં જુદી જુદી ચાળીસેક ભાષાઓ બોલાય છે, તેમાં સૌથી પ્રચલિત ભાષા છે “અવાર” . અવાર ભાષામાં દાઘનો અર્થ થાય છે પર્વત, સ્તાન અર્થાત સ્થળ, પહાડી મુલક, ગર્વીલો દેશ દાઘેસ્તાન.
દાઘેસ્તાનના પર્વતોની તળેટીમાં વિસ્તૃત વનરાજીના એક છેડે ત્સાદા નામનું અવાર ગામ છે. ગામમાં એક ઘર છે. એ આજુબાજુના ઘરથી જુદું નથી, પણ આ પહાડી ઘરના બે કવિઓના નામે ઊડીને દુનિયામાં દૂરદૂર વિહાર કર્યો. પહેલું નામ છે દાઘેસ્તાનના જનકવિ હમજાત ત્સાદાનું અને એમની વિરાસત ઝીલતા બીજા કવિ રસૂલ હમજાતોવનું.
રસૂલ હમજાતોવની અવાર કલમે તેમના મલકની ભાષા, સંસ્કૃતિ, વેશ, પરિવેશની કોઇપણ વાત સ્પર્શયા વગર રહી નથી. પારણાં-બારણાં વિષેની કહેવતો, પહાડો, પવન, મ્યાન, કટાર, અવાર સ્ત્રીઓના ખાટાંમીઠાં ઝઘડાં, અવાર ટોપી, જડચેતન કશું જ રસૂલથી છાનું રહ્યું નથી. 8 સપ્ટેમ્બર 1923માં જન્મેલા રસૂલની કલમે અવતરેલું દાઘેસ્તાન તો માનવીય લાગણીઓથી ધબકતું હતું પણ, 3 નવેમ્બર 2003એ તેમનો દેહ વિલય થયો ત્યાં સુધીમાં તો હિંસાની ઝપેટમાં આવી ગયું.
આત્મકથા લખતી વેળા લેખક ઘણી અસમંજસમાંથી પસાર થયા છે. એમને ખબર છે કે મારી આ કથા મારા જીવનની જ નથી પણ મારા માદરે વતનની, મારી માતૃભાષાની અસ્મિતાની છે. એક સુંદર રૂપક સાથે તે આગવી ઓળખની વાત કરે છે. “વિષય તો ભરી સંદૂક જેવા છે શબ્દ એ સંદૂકની ચાવી છે પણ, એ સંદૂકમાં દોલત પોતાની હોવી જોઇએ. કોઇની નહિ.” રસૂલ બે પક્ષીની પણ વાત કરે છે. “એક તો સાગર પક્ષી જેનો મનગમતો વિષય છે નીલસાગર અને બીજું છે કાગ, એનો વિષય છે યુદ્ધના મેદાને પડેલી લાશો. સાહિત્યને પણ પોતાનું પક્ષી છે જટાયું.”
લેખકે રવીન્દ્રનાથ ટાગોરના પક્ષીનો પણ વિહાર જોયો છે. તે કહે છે, રવીન્દ્રનાથના આત્મામાં પોતાનું એક પક્ષી હતું જે, બીજા પક્ષીઓથી જુદું હતું અને પહેલા તેનું ક્યારે ય અસ્તિત્વ ન હતું. તેમણે કલા ક્ષેત્રે તેને સ્વતંત્રપણે એવી ઉડાન ભરવા દીધી અને બધાયે જોયું કે આ ટાગોરનું પક્ષી છે.
લેખક પહેલી વાર ઘર છોડી સફરે નીકળેલા. માએ બારીએ દીવો પ્રગટાવી રાખેલો. થોડું ચાલે અને પાછું વળી જુએ, પાછા આગળ વધે. ઝાકળની ધૂંધળાશમાં એમના ઘરના ચિરાગની નાની થતી ઝલક જોતા તેઓ પ્રવાસે આગળ વધ્યા. નાનકડી બારીમાં રાખેલો ચિરાગ વિશ્વસફરમાં એમની આંખ સામે ટમટમતો રહ્યો. ઘરે પહોંચી બારીએ જોયું તો એ ઘૂમી વળ્યા હતા એ દુનિયા બારીએ આવી ગઇ. ગુજરાતીમાં ઉમાશંકર જોશીએ આ જ કહ્યું છે, “વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની”.
ગરૂડને લેખક પૂછે છે – ગરૂડ, તારું મનગમતું ગીત કયું ? તો ગરૂડનો જવાબ છે ઊંચા પહાડો. લેખક કહે છે પહાડી સ્ત્રી કે આંસુમાં પણ આગ છે. બંદૂકની નળી અને મ્યાનમાંથી કાઢેલા ખંજરમાં પણ આગ છે. માના હ્રદયમાં, દરેક ઘરના ચૂલામાં આગ છે. બે પહાડી સ્ત્રીઓ વચ્ચે કલહ થાય તો એકબીજાને બૂમો પાડીને કહે – તારા ચૂલામાં ક્યારે ય આગ ન રહે. તારા ચૂલામાં સળગતી આગ હોલવાઇ જાય. પહાડોની બર્ફીલી ઠંડીમાં ઉષ્માની આવશ્યકતાનું દ્યોતક છે, આ કહેવતો. ભાષા અને ભૂગોળનો નાતો જ અનેરો છે. કલમની શક્તિની વાત લેખક વેધક શબ્દોમાં કહેતા જણાવે છે કે, “શસ્ત્રની જરૂર એક જ વાર પડે પણ સાથે રાખવું પડે. કવિતાઓ જીવનભર ગવાતી રહે પણ લખાય એક જ વાર.”
શબ્દશક્તિનો મહિમા તેમના આ વાક્યોમાં છે – “દુનિયામાં શબ્દ ન હોત તો, આજે છે એવી ન હોત. ભાષાજ્ઞાન વગર કવિતા કરતો કવિ એવો પાગલ છે કે જાણે તરતા આવડતું ન હોય તો પણ તોફાની નદીમાં કૂદી પડવું.” એકવાર પેરિસમાં દાઘેસ્તાનના ચિત્રકાર સાથે લેખકનો ભેટો થઇ ગયો. તે ચિત્રકારને ઇટાલીની છોકરી સાથે પ્રેમ થયેલો અને તેની સાથે લગ્ન કર્યા. ચિત્રકાર જ્યાં જતો ત્યાં એને ઘરની યાદ આવતી રહી. લેખકે એનું એક ચિત્ર જોયેલું. ચિત્રનું નામ હતું – માતૃભૂમિની યાદ. ચિત્રમાં હતી તેની ઇટાલિયન પત્ની. જૂના અવાર પોશાકમાં. કાંગરી વાળી ગાગર લઇને પહાડી ઝરણા પાસે ઊભી હતી. પાસે પહાડના ઢોળાવ પર પત્થરોનું ઉદાસ અવાર ગામ ચિતરેલું અને ગામ પરનો પહાડ તો એથી ય ઉદાસ હતો.
સ્થળકાળ બદલાય, ભૂપૃષ્ઠ બદલાય, ભાષા લખનાર બદલાય, પણ અચળ તો છે માનવ સંવેદના. વિવિધ ભાષાના તરજુમાઓથી ઐક્ય સાધવાનું કહેતા નારાયણ હેમચંદ્રથી પ્રેરિત થઇને ગાંધીજીએ કોશિયો સમજે તેવી ભાષા આત્મસાત કરીને સંવાદી સાહિત્ય આપ્યું. ગાંધીવાદી અસર હેઠળ ઉમાશંકર જોશીએ વિશ્વશાતિનું ગાન કર્યું. આ હતી ભારતીય ઉપખંડની વાત અને એ જ વાતનો પડઘો રસૂલ હમજાતોવના દાઘેસ્તાનમાં સંભળાયો. પન્નાલાલ પટેલે તેમના પાત્રો કાળુ અને રાજુમાં આવી જ નૈતિકતા ભાળી. આ તમામના સૂરોનો એક રાગ લોકજીભે ગુંજે તો, સર્વજન હિતાય, સર્વજન સુખાયની સ્થિતિ ખાસ દૂર નથી.
આજે યુદ્ધોના ખપ્પરમાં હોમાતા વિશ્વને જોતાં આ આશા સાવ ઠગારી તો નહિ નિવડે ને?
e.mail : sanita2021patel1966@gmail.com