
હેમન્તકુમાર શાહ
આજના સ્વતંત્રતા દિન નિમિત્તે દેશની સ્વતંત્રતાની ઉજવણી કરાય છે. પણ સ્વતંત્ર દેશ શા માટે જોઈતો હતો? વિચાર્યું છે ખરું કદી?
દેશ સ્વતંત્ર એટલા માટે જોઈતો હતો કે એમાં મનુષ્યો આઝાદ હોય. મહાત્મા ગાંધીએ ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં એ સાવ સ્પષ્ટ કરેલું. તેમણે કહેલું કે, “મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” શું આવું સ્વરાજ લાવવા તરફ આપણે આગળ વધીએ છીએ કે પછી દેશી-વિદેશી મહાકાય કંપનીઓની મિલીભગત સાથે ચાલતી સરકારોની ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ?
યાદ કરો જરા. એક ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી અને આપણે ગુલામ બની ગયા હતા. આજે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓનાં ભારતમાં કારખાનાં ચાલે છે અને ઓફિસો ધમધમે છે. દેશના શેરબજારમાં ૧૧,૨૦૦થી વધુ વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. શું આપણે ભ્રમમાં તો નથી ને કે આપણે આઝાદ છીએ? કેટલીક ગુલામી નરી આંખે દેખાતી હોતી નથી.
ભારતના બંધારણના આમુખમાં એક ઉદ્દેશ તરીકે મનુષ્યની આઝાદી સ્પષ્ટ કરવામાં આવી છે. એ આઝાદી છે વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની સ્વતંત્રતા.
સવાલ એ આપણી જાતને પૂછવો જોઈએ કે આમુખમાં લખવામાં આવેલી સ્વતંત્રતા આજે કેટલી છે? એમાં જે ધોવાણ થયું છે તે કેટલું છે, એ કોણે કર્યું છે અને એ શા માટે એણે કર્યું છે? શું આપણે નાગરિકની એ સ્વતંત્રતા માટે લડવું છે ખરું?
આઝાદ દેશમાં ગુલામ નાગરિકો હોય છે જ. ચીન અને રશિયા એનાં આજે સૌથી મોટાં ઉદાહરણો છે. ભારત આઝાદ જ છે, એ હવે જે રીતે અંગ્રેજોએ ગુલામ બનાવ્યો હતો તે રીતે કદી ગુલામ બનવાનો નથી. ઇતિહાસનું એવું પુનરાવર્તન નહીં થાય. એટલે દેશની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે જ નહિ. ચિંતા તો એની કરવાની જરૂર છે કે આઝાદીનું આંદોલન કેમ ચાલ્યું હતું? એ આઝાદી આપણે શા માટે મેળવેલી? એ તો દરેક માણસની આઝાદી માટે ચાલેલું.
મોટે ભાગે એની ચિંતા થતી જ નથી. તિરંગા યાત્રા આઝાદીનું પ્રતીક છે કે પછી સરકારો આદેશ આપે અને સ્કૂલો અને કોલેજો તિરંગા યાત્રાઓ કાઢે એ ચૂંટાયેલી સરકારો દ્વારા લાદવામાં આવતી ગુલામીનું પ્રતીક છે? જરા, વિચારજો.
આવી અનેક નાની નાની ગુલામી આ દેશના નાગરિકોના દિમાગમાં ઘૂસી રહી છે. સરકારની નીતિ કે કાર્યક્રમની કે નેતાના વર્તનની ટીકા કરનારાને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહેવામાં આવે એ પણ ગુલામીની માનસિકતા દૃઢ કરવા માટેનો માર્ગ છે. રાજકીય સત્તાનો ઇરાદો હંમેશાં મનુષ્યોને ગુલામ બનાવવાનો હોય છે. એવી ગુલામીમાંથી બહાર નીકળવા માટે મથીએ તો જ તિરંગો લહેરાવવાનો, તિરંગાને સલામી મારવાનો અને રાષ્ટ્રગાન કરવાનો કશો અર્થ છે. બાકી તો આ બધું સત્યનારાયણની કથા જેવી એક વિધિ બની રહે છે, એથી વિશેષ કશું જ નહીં.
માત્ર રાજકીય આઝાદી પૂરતી નથી. એકેએક મનુષ્ય ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે પણ આઝાદ હોય એ ભારતની સ્વતંત્રતાનો હેતુ હતો એ યાદ રાખીએ અને એને માટે લડીએ. ગુલામીમાં જ આનંદ અને સુખ ભોગવતાં થઈ જઈએ એ પહેલાં જાગીએ.
સ્વતંત્રતા દિન, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર