Opinion Magazine
Number of visits: 9586427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યા દેવી સર્વભૂતેષુ

આશા બૂચ|Opinion - Opinion|15 March 2016

 

યા દેવી સર્વભૂતેષુ
બુદ્ધિ રૂપેણ સંસ્થિતા
નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમો નમ:

દેવી સૂકતમાં શિવની સાથે દેવીને પણ નમન કરતા શ્લોક છે જેમાં દેવીની બુદ્ધિ, ક્ષુધા, શક્તિ, શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, સ્મૃિત, દયા, છાયા, તૃષા અને માતૃ રૂપે આરાધના કરવામાં આવી છે.

જ્યારે પણ સમ ધર્મી અને અન્ય ધર્મીઓ સાથે ધર્મના મર્મની વાત નીકળે અને ધાર્મિક ગ્રંથો, પ્રાર્થના, પૂજા, તહેવારો વગેરે વિષે ઉલ્લેખ થાય ત્યારે હું કહેતી હોઉં છું કે ભઈ, અમારે હિંદુ ધર્મમાં ઈશ્વર માત્ર પુરુષ નહીં, સ્ત્રી રૂપે પણ હાજરાહજૂર હોય છે. શિવ-શક્તિ એક શબ્દ મનાય છે. એટલી હદે કે એક શરીરમાં નર-નારી બન્નેનો સમન્વય થયેલો બતાવાય છે. જેટલા ભગવાન અને દેવ તેટલા જ બલકે તેથી વધુ સંખ્યામાં સ્ત્રી શક્તિ અને દેવીઓની કલ્પના કરેલી છે. તેમનું સ્થાન ભગવાન જેટલું જ ઊંચું છે. તેમની મૂર્તિઓ બને, પૂજા-અર્ચના થાય, તેમની માનતાઓ મનાય અને તેમના માનમાં ઉત્સવો મનાય એ દર્શાવે છે કે દુનિયામાં હિંદુ ધર્મ એક જ માત્ર એવો ધર્મ છે જેમાં દેવ જેટલું જ દેવીઓનું ઊંચું સ્થાન છે અને તે નિર્વિવાદ છે. આમ કહી હું એમ પણ પ્રસ્થાપિત કરવા કોશિશ કરું કે આથી જ તો અમારી પ્રાર્થનાઓમાં પ્રથમ વંદન માતાને અર્પીએ, પિતાનું સ્થાન તેના પછી આવે. માતૃ શક્તિને લક્ષીને વિવિધ સાહિત્ય રચનાઓ સદીઓથી થતી આવી છે. અને આથી જ મને મારા ધર્મના સ્ત્રી સન્માન વિષેના ખ્યાલો પ્રત્યે આદર છે.

ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓ ભારત ભૂમિ પર પાકી. ઝાંસીની રાણી અને રાણી અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓ ધરતીને ઘમરોળીને દુશ્મનોનો સામનો કરવાનું શીખવી ગઈ. મધર ટેરેસા અને મીરાંબહેન જેવી વિદેશી પુત્રીઓએ ભારતને પોતાનો ગણીને તેનાં સંતાનોની મૂક સેવા કરીને સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું. સરોજિની નાયડુ અને પ્રતિભા પાટીલે રાજકારણ શોભાવ્યું. પ્રથમ હવાઈ જહાજ ચાલક સરલા ઠકરાલ અને પહેલી ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવે પુરુષો જે કામ કરી શકે તે બધાં સ્ત્રીઓ કરી શકે, માત્ર વધુ સારી રીતે, એ સાબિત કરી બતાવ્યું. એવરેસ્ટને સર કરનાર બચેન્દ્રી પાલ, પ્રથમ ઉચ્ચ દરજ્જાની પોલીસ ઓફિસર કિરણ બેદી અને અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન-ભારતીય કલ્પના ચાવલાએ ‘અશક્ય’ શબ્દને પોતાના શબ્દકોષમાંથી બાદ કરીને અજોડ સિદ્ધિ મેળવી, આધુનિક નારીઓ માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ હકીકતની સાદર અને ગૌરવ સાથે નોંધ લેવી રહી.

આમ ચપટીભર નારીઓની સિદ્ધિઓની વાત કર્યા બાદ, મારી નજર વાસ્તવિક સમાજ જીવન, તેના પ્રશ્નો, દુરાચારો, ગુનાઓ અને સામાજિક અસમાનતાને કારણે પેદા થતી વિટંબણાઓ પર પડે અને સવાલ થાય, ઉપર કહી તે સુંદર વિભાવના અને આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે આવડું મોટું ગાબડું કેવી રીતે પડયું હશે, ભલા? તાજેતરમાં ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ. બહેનો હરખાઈ, ‘અમારું નામ બોલ્યા’! આમ જુઓ તો ઈ.સ. 1909માં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારોની રક્ષા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. જાહેર છે કે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઘણું નિમ્ન ગણાવા લાગેલું તેથી તેને તેના મૂળ સ્થાન અને માન ભરેલ સ્થાને પુન:સ્થાપિત કરવા આ અભિક્રમ યોજાયો. સામાન્ય રીતે આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે કશુંક ગણનાપાત્ર પ્રદાન કરનારનું સન્માન કરવા, તેમના કાર્યની પ્રશંસા કરવા અને તેમના પ્રત્યે આદર-પ્રેમ દર્શાવવા 8મી માર્ચનો દિવસ ફાળવવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય પ્રજા એ દિવસે પોતાના પરિવારની તેમ જ અન્ય બહેનો પ્રત્યે પોતાની આભાર અને પ્રેમની લાગણી દર્શાવતા કોઈ નાની સૂની ભેટ આપીને કૃતકૃત્ય થતા જોવા મળે છે. તેમ ઉપર ઉલ્લેખ કર્યો છે તેવી ભારતીય અને અનેક વિદેશી નારીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પામીને ઝળકી ઊઠી છે, પરંતુ જગતની તમામ મહિલાની ગણતરીમાં એ માત્ર એક બિંદુ સમાન છે અને એટલે જ બાકીની કરોડો બાળકીઓ અને મહિલાઓનાં ઉત્થાન માટે કોશિશ કરવાનું પ્રણ દર વર્ષે લેવાતું રહે છે.

નારીની સફળ કારકિર્દી અને કુટુંબ તથા બહોળા સમાજમાં તેનું સ્થાન એ સિક્કાની એક બાજુ છે, તો તેની બીજી બાજુ પણ જોઈ લઈએ. ખાસ કરીને ભારતમાં વસતી અને મૂળ ભારતની અન્ય દેશોમાં વસતી મહિલાઓ પેલા શ્લોકમાં ગવાય છે તેમ કયા સ્વરૂપે પૂજાય છે તે તપાસીએ. વાચકોમાંના ઘણા કબૂલ કરશે કે તેમની માતા અને  દાદી-નાનીનાં લગ્ન માત્ર તેમના મા-બાપ કે વડીલો દ્વારા ગોઠવાયેલાં હતાં એટલું જ નહીં પણ થનાર પતિ-પત્ની વચ્ચે બૌદ્ધિક કે વૈચારિક સામ્ય, જીવન પ્રત્યેનો અભિગમ કે વ્યક્તિગત શોખ, ગમા-અણગમાને ધ્યાનમાં લેવાનો તે વખતે ‘રિવાજ’ નહોતો. અરે, કેટલાક કિસ્સાઓમાં તો ઉંમરનો પણ ખાસ્સો તફાવત રહેતો અને એ બધું જ રિવાજ, સંસ્કૃિત, રૂઢિ અને પ્રતિષ્ઠાની જાળવણી કરવા ખાતર થતું તેમ સમજાવવામાં આવતું. પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાને પરિણામે દીકરી માટે શિક્ષણના દરવાજા બંધ કરી તેને માત્ર અને માત્ર ગૃહકાર્યની સીમામાં ઝકડી દીધી. આથી છોકરો નાનો હોય ત્યારથી જોતો આવે કે તેના બાપુ માની વાત કાને ન ધરે, તેને ધમકાવે, અન્ય દેખતા અપમાન કરે, માર મારે, કાઢી મુકે અને છેવટ જાન ગુમાવે તો પણ તેની પત્ની કે તેના કુટુંબીજનો સ્ત્રીનો બચાવ ન કરે કે પુરુષને તેમ કરતા ન રોકે તે તદ્દન સ્વાભાવિક છે. કેમ કે તેના સ્થાને બીજી સ્ત્રીને લાવી શકાય. અને એવી સ્ત્રીને પૂછો કે તું શા માટે આ ત્રાસ અને અન્યાય સહન કરે છે? તો કહેશે કે ‘ઈ તો એમ જ હોય, ભાઈ માણસ બે આકરાં વેણ કે, ધોલ ધપાટ કરે તો ઇમાં આપડે શું કરીએ? ક્યાં જઈએ? પિયરિયું તો લગન થિયાં તે દીનું છૂટ્યું, ન્યાં કાંઇ પાછું નો જવાય, એના કરતાં તો કૂવો અવાડો પુરવો સારો. પણ જો એમ કરું તો આ છોકરાંવનું કોણ?’

આમ થવાનું કારણ એ પણ છે કે જેમ દીકરાને વધુ મહત્ત્વ અપાય, ભણવા દેવાય અને મોટા થઈને કમાઈને લાવવાની મહત્ત્વાકાંક્ષા રોપીને ઉછેરવામાં આવે છે તેમ દીકરીને બધાના કહ્યામાં રહેવું, ઊંચે સાદે સામે ન બોલવું, ઘરનું બધું કામ કરવું, ઘરની બહાર નોકરી કરવાની શું જરૂર, તારો વર કમાઈને દે એટલે બસ વગેરે શીખ આપીને કેળવવામાં આવી હોય એટલે ધણી પોતાનું ધાર્યું કરે અને ધણિયાણી તેના વશમાં રહે એટલે સમાજ સુચારુ રૂપે ચાલે. એમાં કશું કરવાપણું ન રહે. પત્ની એટલે ઘરનું બૈરું, ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર એવી એક પ્રચલિત ધારણા છે તો સામે પક્ષે પતિ એટલે ઘરનો માલિક, મુખ્ય કમાનાર વ્યક્તિ અને સમાજની માન્યતા પ્રમાણે પોતાની સત્તા જમાવનાર જમાદાર એવો ખ્યાલ સદીઓથી જડ ઘાલી ગયો છે. ‘પુત્રવધૂ’ કહીને કંકુએ પગ રંગીને ઘરમાં પારકી દીકરીને લાવીએ ત્યારે તે તમારા પુત્રની સહધર્મચારિણી, સ્વતંત્ર ઈચ્છા અને વિચાર ધરાવનારી વ્યક્તિ છે એમ સ્વીકાર્યું? ‘કુલવધૂ’ના સ્વાંગમાં આવેલ સ્ત્રી તમારા કુળને દીપાવનાર સંતાનોની માતા થશે, તેને એ જવાબદારી નિભાવવા મોકળાશ આપવાની ચેષ્ટા કરી જોઈ?

આખર દીકરીને શું જોઈએ છે? દીકરાની જેમ પોષક ખોરાક, સારું શિક્ષણ, કળીમાંથી ફૂલ બનવાની મોકળાશ અને પોતાનાં સ્વપ્નને સાકાર કરવા જરીક અમથો ટેકો. એ શું વધુ પડતું છે? લગ્ન પછી પત્નીને કપડાં, ઘરેણાં, સારું ઘર અને સંતાનો આપી દીધાં એટલે વાર્તા પૂરી? કદાચ તેના ત્રાજવામાં ઘરના તમામ કામની સામે વહાલના બે શબ્દ મૂકો તો વહાલનું પલ્લું નમી જશે. કોર્ટ કચેરીમાં કામ કરતા પ્રતિષ્ઠિત વકીલ કે જજે કોઈ દિવસ પોતાની પત્ની કોઈ મુદ્દા વિષે શું વિચારે છે એ જાણવાની પરવા કરી હોય તો એ કેટલી ખુશ થાય એ જોયું છે? જે પોતાનાં સંતાનોની જનેતા છે, જેમને ઉછેરીને સંસ્કાર આપી સમાજને ચરણે ધરે છે તે પોતાની ફરજનું ચુકવણું નથી માગતી, પણ કદીક પોતાને સમકક્ષ ગણી તેની સાથે વાત કરવી, સમાજમાં તેના અસ્તિત્વનું અને તેના પ્રદાનનું મૂલ્ય આંકવાનું ચુકી જનાર પુરુષોને શું કહેવું? પોતાની પત્ની ન હોય તેવી સ્ત્રી તરફ કામુક દ્રષ્ટિથી જોઈ તેનું શોષણ કરતા પુરુષો તરફ સમાજ અને કંઈક અંશે કાયદો પણ આંખ આડા કાન કરે છે, તેની પાછળ પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા છે. જ્યારે પોતાની કામવાસના સંતોષવી હોય ત્યારે પોતાની કે અન્યની સ્ત્રીનો તેની ઈચ્છા કે અનિચ્છાએ ભોગવટો કરવો એ શું સંસ્કૃત સમાજનું લક્ષણ છે? તો એ જ રીતે પોતાની પત્નીને પણ માત્ર જાતીય ઈચ્છાઓ પૂરી કરવાનું અને પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાનો પેદા કરવાનું પાત્ર ગણવું એ પણ કંઈ શોભાસ્પદ નથી જ.

પશ્ચિમી જગતમાં સ્ત્રીનું સ્થાન પૂર્વીય દેશો કરતાં અલગ છે. પશ્ચિમના સમાજમાં વર્ષો પહેલાં દીકરીને ઓછું શિક્ષણ અપાતું એ ખરું અને આજે પણ તેને સમાન વેતન મેળવવા લડવું પડે છે. તેને મતાધિકાર પણ મોડો મળ્યો. તેના પ્રત્યે ઘરેલુ હિંસા આચરાતી જોવા મળે છે એ પણ જાણીએ છીએ. પરંતુ જાણે કે પૂર્વની સંસ્કૃિત પોતાના ધર્મ અને સામાજિક ધોરણોના ઓઠે સ્ત્રીઓને તેના માનવીય અધિકારોથી વંચિત કરી રહી હોય તેવું ભાસે. નહીં તો ભ્રુણહત્યા, ડાવરી જેવા અન્ય સામાજિક કુરિવાજોના ભોગ બની હજારો સ્ત્રીઓ જાન ગુમાવે અને ત્રાસના માર્યા કુટુંબ વિછિન્ન થઇ જાય તેવું ન બનતું હોત. અહીં ભારતના સમગ્ર પુરુષ વર્ગને રૂઢિચુસ્ત કે અન્યાયી ઠરાવવાનો આશય લગીરે નથી, પરંતુ બહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પ્રત્યે તથા અત્યાચારો અને અન્યાયો પાછળ પુરુષોનું અધિપત્ય અને અહંકાર યુક્ત વલણ જવાબદાર હોવાનું સાબિત થયું છે. જો કે હું તો એમ કહીશ કે મા જ પોતાનાં સંતાનોને ઉછેરે છે, તો દીકરાને ગોળ અને દીકરીને ખોળ આપે, એકને નિશાળે મોકલે અને બીજીને વાસણ સાફ કરવા બેસાડે, દીકરાની કાન ભંભેરણી કરી વહુને ત્રાસ કરે, માર ખવડાવે અને દીકરીને ‘દુખી થાય તો પણ સાસરે પડી રહે’ એવી શીખ આપનાર પણ એક સ્ત્રી જ છે એટલે એ પણ એટલી જ જવાબદાર છે. તો શું આધુનિક સમાજમાં બને છે તેમ દીકરી અને વહુના અધિકારોની જાળવણી કરવા જતાં જેમ સ્ત્રી અને તેના પરિવાર જનોને અન્યાય થતો, તેમ હવે પુરુષ અને તેના કુટુંબને અન્યાય થવા લાગ્યો છે એ પરિસ્થિતિ ઇચ્છનીય છે?

સ્ત્રી-પુરુષ વચ્ચે ખરું સામંજસ્ય અને સમાનતા તો ત્યારે આવશે જ્યારે દીકરા અને દીકરીના ઉછેર અને કેળવણીમાં લૈંગિક ભેદને ભૂલી જઈને તેમને એક માનવ બાળ ગણી બંનેને ભાગે આવતા તમામ પ્રકારની શિક્ષા અને કાર્યની તાલીમ અપાશે અને કુટુંબ અને સમાજના સ્ત્રી અને પુરુષનાં સ્થાન અને માનના ખ્યાલો બદલાશે. તે માટે કોઈ સાલ નિશ્ચિત ન કરી શકાય, પણ જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની માફક ‘‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ ઉજવાશે અને બંનેના સામાજિક, કૌટુંબિક, આર્થિક, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અપાયેલ ફાળાની નોંધ લેવાશે ત્યારે સમાનતાનું પલ્લું સરભર થયું ગણાશે. એ માટે બધાએ સહિયારો પ્રયત્ન આદરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

15 March 2016 admin
← આઝાદી : બલરાજ સાહનીની, અફઝલ ગુરુની અને કનૈયાની
રાજદ્રોહનો ધર્મ →

Search by

Opinion

  • હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે !
  • વિનોદ કુમાર શુક્લઃ એ માણસ જેણે ભીંતોમાં બારીઓને જીવાડી અને ક્ષણોનાં પંખી પસવાર્યાં
  • કુલદીપ સેંગર ભારતકુલનો દીપ કહેવાય, એને કંઈ જેલમાં રખાય?
  • જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો ?
  • સ્ફુલ્લિન્ગ (6) સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત વિશે 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved