તમે સૌ
તાળું મારી ભરાયા છો ઘરમાં
કોરોનાના ભયથી
ધ્રૂજતા થરથરતા
ત્યારે
હું તમે નાખેલો કૂડો-કચરો
વાળું છું,
ભેગો કરી લારીમાં નાંખું છું.
દૂર.
ડર તો મને ય છે.
કોરોનાનો તમારી જેમ
મને ય છે ચિંતા મારાં બીબીબચ્ચાંની
તમારી જેમ.
તો ય ઝાડુ મારું છું.
આમ તો તમે મને અતિશૂદ્ર કહેતા
કંઈ કેટલાં ય નામોથી ધિક્કારતા
હવે સફાઈ કામદાર
કહો છો.
તમે નથી કદી હાથ મિલાવ્યો
કે નથી કદી કર્યા નમસ્કાર.
કાયમ કર્યો તિરસ્કાર.
હવે તમે
તમારા રક્ષણ માટે
લડતો લડવૈયો કહો છો !
વૉરિયર કહો છો !
ધન્યવાદ !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020