વોલ્ટર લિન્ડનર એવા મસ્ત મજાના રાજદૂત છે કે દેશવિદેશની સરકારને એમના જેવા કાબેલ અફસરની ભારત જેવા દેશમાં નિમણૂક કરવી ગમે. એમને ભારત પ્રત્યે પ્રેમ છે, અને ભારત વિષે ઉત્સુકતા અને જિજ્ઞાસા બતાવી છે. જયારે એ યુવાન હતા ત્યારે એમણે ભારતભર પીઠ પર એક જબરજસ્ત થેલો ઊંચકી પ્રવાસ કરેલો; કેશ એમના લાંબા, મોંમાં વાંસળી, અને ક્યારેક ગિટાર હાથે પકડી અલગારી રખડપટ્ટી પર નીકળી પડેલા. અંગ્રેજ સંગીતસમૂહ બીટલ્સને પગલે પગલે એમણે યાત્રા કરી હતી; મહેશ યોગીના આશ્રમે ય જઈ આવ્યા હતા. એવો તો એ જમાનો હતો જયારે પશ્ચિમી જગતના યુવકોને ત્યાંની સમૃદ્ધિ પ્રત્યે વૈરાગ્ય ઊભો થયો હતો અને પૂર્વની આધ્યાત્મિકતા સમજી જીવનનો ‘ખરો’ અર્થ સમજવો હતો. આજે પણ એમના વાળ છે લાંબા, જેની એ પોનીટેલ (રામદેવ જેવી ચોટલી) બાંધી ફરે છે.
રાજદૂત એટલે એમ્બેસેડર, અને લિન્ડનર સાહેબની ગાડી પણ પાછી એમ્બેસેડર છે – હતો એવો એક વખત જ્યારે ભારતના નેતા-બાબુ-લોક સફેદ એમ્બેસેડરમાં જ ફરતા – એમની પદવી અને એમની મહત્તાનું ચિહ્ન એ ગાડી હતી – પણ પછી નરસિંહ રાવ અને મનમોહન સિંહે એ વૈવિધ્ય વગરના જમાનાનું ખેદાનમેદાન કરી નાખ્યું અને ૧૯૯૧ના નવી આર્થિક નીતિ જાહેર કરી હતી, જે પછી ભારતના રસ્તાઓ પર આધુનિક ગાડીઓ ફરવા મંડી – જો કે ખાડા ટેકરા વાળા રસ્તાઓને લીધે એ ગાડીઓ ઢચુપચુ થઈને માંડમાંડ ચાલતી, અને જાહેરાતમાં દેખાય તેમ એ ગાડીઓને કોઈ પૂરપાટ ભગાવી નહોતું શક્યું.
લિન્ડનર સાહેબને પોતાની એમ્બેસેડર વ્હાલી છે – એમણે એનું નામ પાડ્યું છે આન્ટી એમ્બી, એટલે આપણી ભાષામાં કહીએ તો અંબીમાશી. ને એ કંઈ રંગ વગરની ફિક્કી કે સફેદ નથી, એમની અંબીમાશી તો છે લાલમલાલ!
લિન્ડનરની પ્રતિભા બહુમુખી છે; તેઓ સંગીતકાર પણ છે – એક ભારતીય પત્રકાર જોડે મુલાકાતમાં એમણે પિયાનોના સૂર સંભળાવ્યા અને એક વીડિયોમાં એમની વાંસળી પણ સંભળાઈ – એમણે એ પણ કહ્યું કે એમને જાઝ સંગીતમાં ખૂબ રસ છે. એ જ્યારે પોતાનું ઓળખપત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપવા ગયા ત્યારે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વાતચીત કરી હતી. એમને ભારતની સંસ્કૃતિ સમજવી છે – ભારતનો આત્મા, એના સૂક્ષ્મ અણુમાં છુપાયેલા ગહન અર્થને ગ્રહણ કરવો છે.
એમને ભારતનાં બજારોમાં ફરવું ગમે છે – ભારતના બેકાબૂ ટ્રાફિકમાં એમને શિસ્ત દેખાય છે, કારણ કે અકસ્માત થતા પહેલાં જ કોઈ ડ્રાઇવર બ્રેક મારે છે અને અકસ્માત થતો અટકી જાય છે – અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં એમને સ્થિરતા દેખાય છે. જયારે જોન કેનેડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેનેથ ગાલબ્રેથને ભારત એમણે મોકલેલા રાજદૂત તરીકે. એમના મતે ભારતની અવ્યવસ્થામાં એક પ્રકારની શિસ્ત હતી, એટલે એમણે ભારતને એક ‘ફંકશનિંગ એનાર્કી’, એટલે કે ‘કાર્યરત અરાજકતા’ કહી વર્ણવ્યું હતું. લિન્ડનરનું મંતવ્ય છે કે ભારતમાં જર્મની જેવી જ શિસ્તબદ્ધતા છે, જે સાંભળી ઘણા ભારતીયોને નવાઈ જરૂર લાગે!
થોડા દિવસો પહેલાં લિન્ડનરસાહેબ નાગપુર ગયા હતા. ત્યાં એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખ્યાલયની મુલાકાત લીધી. આજે આર.એસ.એસ. પ્રતિબંધિત સંસ્થા નથી, પણ ૧૯૪૮, ૧૯૭૫, અને ૧૯૯૨માં ભારત સરકારે એ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. જવા દો એ વાર્તા, એ તો જૂની થઈ વાત – આજે તો આર.એસ.એસે. ભારત પર ગજબનું વર્ચસ્વ જમાવ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંસ્થાના સદસ્ય છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં અને ઊંચા અમલદારોમાં ઘણા નેતા અને બાબુ આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. આજના રાજકીય નેતૃત્વ પર આર.એસ.એસ.ની અસર ગાઢ છે. આર.એસ.એસ.નો દૃષ્ટિકોણ સ્વતંત્રતા સંઘર્ષની વિચારસરણીથી હંમેશ જુદો હતો – સ્વાતંત્ર્યસંગ્રામ વખતે ભારતનું સ્વપ્ન હતું એક બિનસાંપ્રદાયિક લોકશાહી રચવી, જ્યારે આર.એસ.એસ.ને એવો દેશ બનાવવો હતો કે જેમાં હિન્દુ બહુમત પાયામાં જડાયેલ હોય, અને જ્યાં લઘુમતી કોમો, પ્રજાઓ, જાતિઓ અને ભાષાઓએ વિનમ્રપણે બહુમતીએ ઘડેલા નિયમો પાળવા પડે.
આર.એસ.એસ.નું ધ્યેય છે એકમાત્ર – કે ભારતની પ્રજામાં એક એવી વિચારસરણી પ્રચલિત કરવી, જે ભારતના મૂળભૂત સિદ્ધાંતો અને પરંપરાઓથી વિમુક્ત હોય – જેથી ભારત ‘જિસકી-લાઠી-ઉસકી-ભેંસ’ જેવો દેશ બને, જ્યાં બહુમત લઘુમતને કચડી શકે, નમાવી શકે, અને ભારત બની જાય પાકિસ્તાનનું પ્રતિબિંબ – એ જ પાકિસ્તાન, આખો દિવસ આર.એસ.એસ.ના નેતાઓ વખોડતા હોય, અને પાકિસ્તાન જેવા અમે નથી, એવી બડાશ રોજબરોજ માંડતા હોય. પાકિસ્તાની કવિ ફેહમિદા રિયાઝે એક સચોટ નઝ્મ લખી હતી આ બાબતેઃ
તુમ બિલકુલ હમ જૈસે નીકલે
અબ તક કહાં છુપે થે ભાઈ
વો મૂર્ખતા, વો ઘમંડપન
જિસમેં હમને સદી ગંવાઈ
એક ભારતીય પત્રકાર સાથે મુલાકાતમાં લિન્ડનરે કહ્યું હતું કે ભારતને જો સમજવું હોય તો આર.એસ.એસ.ની વિચારધારા સમજવી જરૂરી છે. એ વાત વાજબી છે. પણ એ પણ વાત વાજબી છે કે લિન્ડનરે સ્પષ્ટપણે જણાવવું રહ્યું કે આર.એસ.એસ. વિશે એમનો અભિપ્રાય શું છે.
ટ્વીટર પર એમણે પોતાની મુલાકાત વિષે લખ્યુંઃ
“Visit to Headquarters of RSS in Nagpur and long meeting with its Sarsanghchalak Dr Mohan Bhagwat. Founded 1925, it is world’s largest voluntary organization – though not uncontroversialy perceived throughout its history …”
“નાગપુરમાં આર.એસ.એસ.ના મુખ્યાલયે ગયો અને સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જોડે લાંબી મુલાકાત લીધી. ૧૯૨૫માં સ્થાપિત (આર.એસ.એસ.) વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે – જો કે એના ઇતિહાસમાં એ સંસ્થાને લોકોએ બિનવિવાદાસ્પદરૂપે નથી જોઈ કે સમજી પણ.”
ધારો કે જો તમે ભારત વિશે કશું જ ન જાણતા હો અને લિન્ડનરનો ટૂંકો અહેવાલ વાંચો તો તમને થાય કે હશે, કોઈ નાનોઅમથો મતભેદ થયો હશે. રાજદૂતે મુત્સદ્દી હોવું અલબત્ત જરૂરી છે, એટલે કદાચ બધું જાહેરમાં ન પણ કહે. પણ લિન્ડનર શરમાળ નથી. લેબનોનમાં હેઝબોલાને મદદ કરનાર ઈરાનને અને યુરોપથી છૂટા થવા મત આપનાર અંગ્રેજ મતદારોને એમણે વખોડ્યા છે. લિન્ડનરને રાજદૂતની પ્રણાલિકાઓમાં બહુ રસ નથી – એમને રાજદૂતોની મિજબાનીઓથી કંટાળો આવે છે. પણ પરંપરાઓને ફગાવવા તત્પર એવા લિન્ડનર એમણે ભાગવત સાથે શું વાતો કરી એ બાબત કહેતા અચકાય છે.
જર્મની અને ભારતના સંબંધ જૂના છે અને એ વિષય પર ઘણાં રસપ્રદ, વિચારવિમર્શ થઇ શકે -જર્મન તત્ત્વજ્ઞાની મેક્સ મુલરના ઉપનિષદના અનુવાદો, કે એમનું બ્રહ્મો સમાજ પર વિશ્લેષણ અને હિન્દુ ધાર્મિક સુધારા વિષે વિચારો પર પ્રેરણાદાયક ચર્ચા કરી શકાય.
પણ આ બે દેશને જોડતી બીજીપણ એક કડી છે જે તકલીફ ઊભી કરે છે અને આર.એસ.એસ.ની વિચારધારા વિશે સમસ્યા પેદા કરે છે. ભાગવતના એક પુરોગામી એટલે માધવ સદાશિવ ગોળવલકર, જે એક ‘બિનવિવાદાસ્પદ ન ગણાય’ એવા એક જર્મન નેતા, એડોલ્ફ હિટલરના પ્રશંસક હતા. એમના પુસ્તકમાં એમણે હિટલરના રાષ્ટ્રવાદના વખાણ કર્યા હતા, કારણ કે પહેલા વિશ્વ યુદ્ધ પછી તારાજ થયેલા જર્મનીમાં હિટલરે નવો જુસ્સો પેદા કર્યો હતો.
એવા જ છે બીજા એક હિન્દુ રાષ્ટ્રવાદી – બાલકૃષ્ણ મુંજે, જે આર.એસ.એસ.ના સ્થાપક કેશવ બળીરામ હેગડેવારના મિત્ર હતા. ૧૯૩૧માં લન્ડનની ગોળમેજી પરિષદને અંતે એ ઇટાલી ગયા અને ઇટાલિયન સરમુખત્યાર મુસોલિનીથી પ્રભાવિત થયા અને એમને મળ્યા હતા. પાંચ વર્ષ પછી જવાહરલાલ નહેરુ પણ ઇટાલીની રાજધાની રોમ હતા, અને મુસોલિનીએ એમને નિમંત્રણ પણ આપ્યું, તો ય નહેરુએ એ નિમંત્રણ નકાર્યું.
લિન્ડનર અને ભાગવતની ચર્ચામાં શું આ વિષય પર કોઈપણ પ્રકારની વાતચીત થઇ હતી?
વિચાર કરી જુઓ – ધારો કે કોઈ ભારતીય નેતાને આજના જર્મનીનો પ્રવાસ કરવો હોય અને જર્મન વ્યક્તિત્વનું સત્ત્વ સમજવું હોય – તો એ નેતાએ નાઝી જર્મનીના અત્યાચાર અને યહૂદી પ્રજાનો નરસંહાર સમજવો જરૂરી છે; એ નરસંહાર કાલ્પનિક છે એવો દાવો કરનારા લેખકો અને અતિરાષ્ટ્રવાદી નેતાઓને મળવામાં પણ કોઈ વાંધો નહીં. પણ મને ખાતરી છે કે લિન્ડનર આપણા ભારતીય પ્રવાસીને ચેતાવશે તો ખરા જ, કે આવા રાષ્ટ્રવાદનાં પરિણામ શું આવે છે. કદાચ લિન્ડનર એમ પણ કહેશે કે જો જર્મનીનો અર્થ સમજવો હોય તો બર્લિનમાં યહૂદી મ્યુઝિયમ અને યુરોપમાં યહૂદી હત્યાકાંડનાં સ્મારક ખાસ જોવા જવું.
આ અનુભવ સમજવા પાછળ એક હેતુ છે – બીજા વિશ્વયુદ્ધ પછી કઈ રીતે જર્મનીએ પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો, એ સમજવું જરૂરી છે. કાન્ટ, ગથે, શીલર, બિથોવન, શોપનહાવર જેવી પ્રતિભાશાળી વ્યક્તિઓના દેશની પ્રજા કઈ રીતે ડેનિયલ ગોલ્ડહેગનના શબ્દોમાં કહીએ તો “હિટલરના સ્વૈચ્છીક જલ્લાદ” (Hitlers Willing Executioners) બનવા તૈયાર થઇ ગઈ? ભાગવત સાથે વાતચીત વખતે લિન્ડનરે ઈયન બુરૂમાના પુસ્તક, “Wages of Guilt”, અપરાધની રોજી-નો ઉલ્લેખ કરેલો ? જે દોષનો બોજ જર્મન પ્રજાએ પોતાને પોતાને ખભે એટલા વર્ષથી ઊંચક્યો છે, અને જેના પ્રાયશ્ચિત્ત રૂપે જર્મન ચાન્સેલર વિલી બ્રાન્ટે ૧૯૭૦માં પોલેન્ડની રાજધાની વૉરસો શહેરમાં જ્યાં યહૂદી પ્રજાની વસાહત હતી એ વિસ્તારમાં, કે જ્યાં યહૂદીઓ પર અત્યાચાર શરૂ થયા હતા, ત્યાંના દરવાજે આવી, ઘૂંટણે પડી, નમીને ક્ષમા માંગી હતી – એ વાત કરી હતી?
ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતમાં આર.એસ.એસ. એક માત્ર સંસ્થા નથી જે હિટલરને મહાન ગણે છે. હિટલરની આત્મકથા માઇન કાંફ (મારી લડતો) ભારતમાં ઠેરઠેર વેચાય છે. શિવસેનાના ભૂતપૂર્વ પ્રમુખ બાલ ઠાકરે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કૉંગ્રેસી નેતા જ્ઞાની ઝૈલ સિંહ – એ બન્ને નેતાઓએ હિટલર વિષે પ્રશંસા વ્યક્ત કરી છે. ઇતિહાસના વિષય વખતે વર્ગમાં ધ્યાન ન આપ્યું હોય એવા વેપારીઓએ નાઝી ચિહ્નોનો માર્કેટિંગમાં અને જાહેરાતોમાં ઉપયોગ પણ કર્યો છે. (જ્યારે યુરોપ અને અમેરિકાના કસ્ટમર તરફથી ટીકા થાય ત્યારે છાનામાના એ જાહેરાતો પાછી ખેંચી પણ લીધી છે).
ભારતની ઐતિહાસિક સ્મરણશક્તિ આટલી નબળી હોવાનું એક કારણ એ પણ ખરું કે ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ જર્મની અને જાપાન ગયા હતા અને ત્યાંના સરમુખત્યારો સાથે સમજૂતી કરેલી કે બોઝ સિંગાપુરમાં એકત્ર થયેલી આઝાદ હિન્દ ફોજના નેતા બનશે અને જાપાનની મદદ લઈને ભારતને આઝાદ કરવા ભારત પર પૂર્વ દિશાથી આક્રમણ કરશે. જે માર્ગ બોઝ અપનાવવા તૈયાર હતા એ માર્ગ ગાંધીને નામંજૂર હતો, કારણ કે બોઝ હથિયાર ઉપાડવા તૈયાર હતા, જયારે ગાંધીની ચળવળનાં ત્રણ ‘શસ્ત્ર’ હતા અસહકાર, અહિંસા, અને લોકશાહી વિરોધી નિયમોનો ભંગ. બોઝ નિષ્ફ્ળ રહ્યા, પણ ભારતમાં બોઝની ગણના દેશપ્રેમી નેતાઓમાં થાય છે.
ગાંધીને ગયે ૭૧ વર્ષ થયા; એમને જન્મ થયે દોઢસો વર્ષ થયાં – એ પછી જે પેઢીઓ જન્મી છે જેમણે નથી ગાંધીને જોયા અને નથી એમને ગાંધીનીતિ વિષે જ્ઞાન. એને કારણે સ્વાભાવિક છે કેટલાક એમ માને ય ખરા કે ગાંધીની અહિંસા એટલે નૈતિક હિમ્મત નહીં, પણ કાયરતા; અને બોઝનું આક્રમક વલણ વધારે અસરકારક હતું. પણ એ તો થઇ રોમાંચક દંતકથા, જેને હકીકત જોડે કોઈ નિસબત નથી.
પણ હિન્દુ રાષ્ટ્રવાદીઓને આવી દંતકથાઓની અત્યંત જરૂરત છે, બિન કૉંગ્રેસી અને નહેરુ પરિવાર સાથે ન સંકળાયેલા નેતાઓની, કારણ કે એમના ઇતિહાસમાં શૂરવીરો દેખાતા નથી. સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આર.એસ.એસે. જરા ય પોતાના હાથપગ હલાવ્યા નહોતા. એટલે સંઘ પરિવાર અહર્નિશ શોધમાં છે એવા વિકલ્પોની, જેથી એ ભારતનો નવો ઇતિહાસ રચી શકે. આર.એસ.એસ. એવો તો દાવો ન કરી શકે કે સ્વયંસેવકો આઝાદીની ચળવળમાં લડ્યા હતા, એટલે બોઝ એમને માટે ઘણા કામના છે – સરદાર પટેલ, વિનાયક સાવરકર, બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહની જેમ – કારણ કે એમની અટક નથી નહેરુ અને નથી ગાંધી.
લિન્ડનરને આ બધુ ખબર તો હોય જ – એ વરિષ્ઠ રાજદૂત છે. અને એટલે જ તો આટલી નવાઈની વાત છે કે એમણે ભાગવત જોડે શું વાત કરી? એ વિષય પર કૈં કહેતા એટલો બધો સંકોચ શાનો?
જર્મનીના બીજા વિશ્વયુદ્ધના અનુભવથી ભારત શું શીખી શકે? જાતીય શુદ્ધતાના પાયે જે રાજનીતિ જન્મે એનું અંતિમ પરિણામ શું હોય? કોઈ બીજી પ્રજાનું નિકંદન? એવાં કારમાં કૃત્યો પછી કઈ રીતે જર્મનીએ એવી બદનામ વિચારધારાઓનો ત્યાગ કર્યો? અને કેવી તપસ્યા કરી જેથી દુનિયાના બધા દેશનો વિશ્વાસ ફરીથી મેળવ્યો? જયારે કોઈ એક જાતિ, ધર્મ, કે કોમની પ્રજાને જુદી ગણાય, એ પ્રજાના નાગરિકોની ગણતરી કરાય, એમનો આર્થિક બહિષ્કાર થાય, એમને રહેવા ના મળે ઘર અને ના અપાય નોકરી, એમની રીક્ષા કે ટેક્સીમાં બેસવા કોઈ તૈયાર ન હોય, એ પ્રજાના એકલદોકલ વ્યક્તિને ઘેરી વળી ટોળાં એને મારે, ક્યારેક તો મારી નાખે, એમને વિદેશી કહી હદપાર કરવાની ધમકીઓ આપે – આ બધાં કૃત્યો જર્મન પ્રજા માટે પ્રાચીન ઇતિહાસ નથી; માંડ એંશી વર્ષ પહેલાં આવી વિકરાળ ઘટનાઓ બની હતી. જર્મન દેશ વિરાટ હતો, એ વામણો બન્યો. પોતાની સંસ્કૃતિ અને સુશીલતા એ પ્રજા ભૂલી ગઈ હતી.
એવી ભયાનક ખીણમાંથી જર્મની ફરીથી પોતાને પગે ઊભો થયો છે; પોતાની જૂની પ્રણાલી અને સિદ્ધાંત ફરી એક વાર સજીવન કરી રહ્યો છે એ દેશ. નૈતિક પાતાળમાંથી કેવી રીતે દુનિયાને ફરીથી મનાવવી કે એ ક્રૂર ભૂતકાળ જર્મનીએ દબાવીને દાટી દીધો છે અને પ્રગટવા નહિ દે? જર્મનીએ આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે એ અનુભવ સમજવાની અને શીખવાની આવશ્યકતા છે. જર્મનીના રાજદૂત લિન્ડનરની એક ખાસ જવાબદારી છે કે એ બીજા દેશોને સમજાવે – કે અહંકાર ખોટો છે, અન્યાય કર્યા પછી ક્ષમાયાચના આવશ્યક છે.
કલાપીએ કહ્યું હતું –
હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે
અને કલાપી જર્મન કવિ નહોતા.
બે દેશના સંબંધમાં વેપાર અને ધંધો અગત્યના છે; અંતઃકરણ પણ.
કોને મળવું ને કોને નહીં એ તો રાજદૂતની મરજી પર આધાર રાખે છે, અને એ એમનો અધિકાર છે. એક લેખકની ફરજ છે પ્રશ્ન પૂછવાની – કે તમારા દેશના ઇતિહાસને ધ્યાનમાં લઇ, ભારતની આજની પરિસ્થિતિ પર નજર કરી, તમે જે પગલું લીધું, એનો અર્થ શું?
તમારો ઉત્તર, કે તમારું મૌનવ્રત અમારે માટે પૂરતું છે; અમે જે સમજવાનું હશે તે સમજી લઈશું.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 08, 09 તેમ જ 11