વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધUરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.

ચિરંતના ભટ્ટ
વક્ફ બોર્ડ આજકાલ સતત ચર્ચામાં છે અને તે અંગે મત-મતાંતર સતત આવતા રહે છે. આખરે આ વક્ફ બોર્ડ છે શું? એક એવી સંસ્થા જે દેશમાં સૌથી વધુ જમીન પર માલિકી ધરાવતાઓની યાદીમાં ત્રીજા ક્રમાંકે છે અને ન તો સરકાર એનો વાળ વાંકો કરી શકે એમ છે કે ન તો કોર્ટ-કચેરીનું એની પર કંઇ ચાલે એમ છે.
વક્ફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. વક્ફની સંપત્તિની દેખરેખ મુતાવલી કરે – જે મૂળે એક વહીવટકર્તા કે મેનેજર જેવી વ્યક્તિ હોય છે. તે એ જમીનમાં ન કોઇ ફેરફાર કરી શકે કે ન તેને વેચી શકે. અંગ્રેજી ટ્રસ્ટના કાયદા સાથે આ વક્ફના કાયદા મળતા થોડાઘણા સમાન છે, પણ વક્ફમાં અપાયેલી જમીન કાયમી ધોરણે વક્ફ બોર્ડની જ રહે, તેનો ઉપયોગ ધર્મ કે ધર્માદા સિવાય બીજી કોઇ રીતે ન જ થઇ શકે – જ્યારે અંગ્રેજી ટ્રસ્ટના કાયદા આટલા કડક નથી હોતા. વક્ફ પણ ત્રણ જાતના હોય જેમાં પહેલો છે કે વક્ફ સંપત્તિનો ઉપયોગ જાહેર જનતા માટે થાય, બીજામાં જાહેર જનતા અને મૂળ માલિક પરિવારના કલ્યાણ માટે તેનો ઉપયોગ વહેંચાય અને ત્રીજા પ્રકારમાં કોઇ પરિવારના કલ્યાણ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે પણ જ્યારે તે વંશવેલાનો અંત આવે તો એ જમીન સાર્વજનિક અથવા ધર્મના કામ માટે વપરાશમાં લેવાય. વક્ફની પ્રથા 1,000 વર્ષ જૂની છે. કોઈ જમીન પર આંગળી ચિંધીને વક્ફ બોર્ડ કહે કે આ અમારી જમીન છે તો તમે કંઇ કરી પણ ન શકો, જો કે એક સરવે કમિટી હોય છે જેના રિપોર્ટ વગર વક્ફ બોર્ડ આવું ન કરી શકે.
વક્ફનો ઇતિહાસ અને વર્તમાન
એક રસપ્રદ માહિતી એવી છે કે ઇ.સ. 1327માં એક વક્ફ બનાવવામાં આવ્યો હતો. આ દમાસ્કસ, સિરિયની વાત છે. જો હોટેલના વેઇટરથી પોર્સેલિનના વાસણ તૂટી જાય તો તેનો બોજ વેઇટરને માથે નહીં આવે પણ વક્ફની સંપત્તિનો ઉપયોગ કરી તે ખર્ચ સરભર કરાશે અને નવા વાસણ લવાશે. વકફની મિલકતનો ઉપયોગ કરવાનો આ એક ઉમદા વિકલ્પ હતો. પણ આ તો ઈસ. 1327ની વાત છે. સમયાંતરે ધર્માદા કરનારાઓ પોતાનું ભલું પહેલા વિચારવા માંડે એટલે પછી ત્યાં ભ્રષ્ટાચાર અને રાજકારણ બન્ને પગપેસારો કરે. ભારતમાં પણ કંઇક આવું જ થયું છે. વક્ફના કાયદા આપણે ત્યાં એકથી વધુ વાર સુધારામાંથી પસાર થયા છે અને છેલ્લે એ સુધારો 1995માં આવ્યો હતો જે અત્યારે અમલમાં છે. અત્યારે અલગ અલગ રાજ્યોમાં કુલ 32 વક્ફ બોર્ડ છે, વળી તેમાં શિયા અને સુન્ની મુસલમાનોના વક્ફ બોર્ડ જુદા હોય છે. આ બોર્ડની જવાબદારી છે કે રાજ્યની વક્ફ કરાયેલી સંપત્તિઓનો વહીવટ કરવો, તેનો ઉપયોગ કરી જે પણ કમાણી થાય તેનો દાન-ધર્માદા માટે ઉપયોગ કરવો. આ બધાંની ઉપર એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ તો છે જ. આખા દેશમાં 9.4 લાખ એકર જમીન વક્ફ બોર્ડની છે, જેમાંથી 8.7 લાખ અચળ સંપત્તિઓ – મસ્જિદ, કબ્રસ્તાન, દુકાનો અને ખેતીલાયક જમીન – છે.
વક્ફમાં ગરબડ શું છે?
દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વક્ફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠન ઠન ગોપાલ છે. 2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12,000 કરોડની આવક મેળવી શકે પણ એવું કંઇ છે નહીં. વક્ફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. ધર્માદા આમાં તો નેવે મુકાઇ જાય તે સ્વાભાવિક છે. પણ આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વક્ફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વક્ફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇપણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વક્ફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે.
વક્ફની ચર્ચા અત્યારે કેમ?
શું સરકારના સુધારા આ સમસ્યા ઉકેલીને વક્ફની મિલકતનો જે મૂળ ઉદ્દેશ છે તે પાર પાડી શકશે? વક્ફ બોર્ડને અને સરકારને એકબીજા પર વિશ્વાસ બેસશે? અત્યારે જે ચર્ચા ઉપડી છે એનું કારણ છે કે મોદી સરકારે જાહેર કર્યું કે વક્ફના કાયદા અંગે સંશોધન કરાશે, એમાં સુધારા કરાશે જેને લીધી વક્ફ બોર્ડ મન ફાવે એ રીતે જમીનો પર દાવો ન માંડે. 8 ઑગસ્ટે સંસદના સત્રમાં ભા.જ.પા.ના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ વક્ફ એમેન્ડમેન્ડ બિલ 2024 જાહેર કર્યું. આ પગલાં સામે વિરોધ પક્ષે એમ કહ્યું છે કે આવા બહાનાં કરીને ક્યાંક સરકાર જ વક્ફની જમીનો પર કબજો કરી લે એવું ન થાય. અવાજો ઉઠ્યા એટલે આ બિલ એક સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દેવાયું. આ સમિતિના અધ્યક્ષ ભા.જ.પા.ના સંસંદ સભ્ય જગદંબિકા પાલ છે. તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું જેથી અલગ અલગ પક્ષોની સુધારા સામેની નારાજગીને સંબોધી શકાય. સરકાર તો એમ જ દાવો કરે છે કે આ ફેરફારથી કોઇની ધાર્મિક સ્વતંત્રતામાં દખલ નથી થવાની, કોઇનો અધિકાર છીનવી નહીં લેવાય વગેરે પણ આમાંનું કંઇપણ લોકોને ગળે નથી ઊતરી રહ્યું. સરકારે ધારેલા ફેરફાર થઇ જશે તો વક્ફ એક્ટ 1995નું નામ યુનાઇટેડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશ્યન્સિ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ – UMEED – તરીકે ઓળખાશે.
શું વક્ફ પર સરકારની કોઇ પકડ નથી?
હવે આ બદલાવ તો થશે પૂરેપૂરા લાગુ થાય ત્યારની વાત છે પણ ભૂતકાળમાં તમિલનાડુમાં આખે આખું ગામ વક્ફનું હોવાના દાવા થયા છે અને કોર્ટે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળી તાજેતરમાં બિહારમાં પણ એક ગામ પર વક્ફના દાવાને લઇને કડાકૂટ ચાલી રહી છે. આ બધાંની વચ્ચે સરકારના UMEED – વાળા સુધારાનો વિવિધ વક્ફ બોર્ડ વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે એમને ડર છે કે સરકાર સરવે વગેરેની કામગીરી કલેક્ટર સ્તરે આપી દેશે તો તેમની પાસે એ જમીનો નહીં રહે. તંત્રની અંદર તંત્રની માફક ચાલનાર વક્ફ બોર્ડે એક વાત સમજવી પડશે કે એ લોકો ધારે એ જમીનને વક્ફ નહીં કરી શકે. વળી કોઈ માણસ માત્રને માત્ર પોતાની જમીનને વક્ફ કરવાનો નિર્ણય લઇ શકે છે, એ બીજાની જમીનને વક્ફ ન કરાવી શકે. પણ 1995ના સુધારામાં એવી વાત હતી કે વક્ફ બોર્ડને લાગે કે કોઇ જમીન કદાચ વક્ફ છે તો તેઓ સરવે કરાવીને પરિણામને આધારે જમીન વક્ફની છે કે નહીં એ તપાસ કરાવી શકે છે. આ વળી સહેલું નથી કારણ કે આ માટેનો સરવે કમિશનર સરકાર નિમે જે કાગળિયાં વગેરેની તપાસ કરે, પણ ઇસ્લામી કાયદા અનુસાર માણસ લખાપટ્ટી વિના પણ માત્ર બોલીને-વચન આપીને પણ જમીન વક્ફ કરાવી શકે છે જે આખી બાબતને પેચીદી બનાવે છે. સ્ટેટ વક્ફ બોર્ડમાં સરકારી માણસોની પણ નિમણૂંક થતી હોય છે. ટૂંકમાં વક્ફ બોર્ડમાં સરકારનું પ્રતિનિધિત્વ નથી હોતું એ વાત સાવ ખોટી છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં પણ સરકાર જ બધા સભ્યોની નિમણૂંક કરે છે. વળી એ ચોખવટ પણ જરૂરી છે કે વક્ફ બોર્ડના નિયમો-કાયદાઓ ભારતના સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર જ કામ કરે છે અને તેના અધિકૃત વિવાદોનો નિવેડો લાવવા માટે વક્ફ ટ્રાઇબ્યુનલ હોય છે જેમાં સભ્યો સરકારના નિમેલા જ હોય છે. વળી આ સભ્યોમાં મુસલમાન કાયદાઓ સમજનાર વ્યક્તિ મુસલમાન ન હોય અને પારસી કે હિંદુ હોય તો પણ તેની નિમણૂંક સરકાર કરી જ શકે છે. એટલે કે વક્ફ બોર્ડ કંઇ સ્વાયત્ત નથી. ટ્રાઇબ્યુનલની કામગીરી પર સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે એ રીતે મંજૂરી કે નામંજૂરીની મહોર મારી જ શકે છે. વક્ફને વળી બધા કરવેરા પણ ભરવાના જ આવે જ છે. ટૂંકમાં વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધૂરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.
ભા.જ.પા. સરકારના સુધારા અને વક્ફ બોર્ડની ચિંતા
અત્યારે સરકાર ઇચ્છે છે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બે મુસલમાન સ્ત્રીઓ ફરજિયાત હોવી જોઇએ એ સારી બાબત છે. તેમાં બે બિન-મુસલમાન સભ્યો પણ હોવા જોઇએ – જે પણ યોગ્ય છે. હવે વિરોધપક્ષો એમ કહે છે કે હિંદુ મંદિરોના બોર્ડમાં પણ બિન હિંદુ સભ્યો હોવા જોઇએ.
હાલમાં સૂચવેલા સુધારા અનુસાર વક્ફ બોર્ડ પોતાની મરજી પ્રમાણે જમીનની માલિકી વક્ફની છે કે નહીં તે અંગેની તપાસ કરવા ન જઇ શકે અને એ તપાસ કલેક્ટર કરશે. અહીં એ વાતે વિરોધ છે કે સરવે અધિકારી સરકારી જ છે તો પછી વક્ફ બોર્ડ જમીન પચાવી લેશે એવું તો થવાનું નથી. સાથે મોટી ચિંતા એ છે કે સરવે કમિશનરનું કામ કલેક્ટરના હાથમાં જાય એટલે વક્ફની સંપત્તિ પારખવાની સત્તા પૂરેપૂરી સરકાર પાસે જાય પછી કલેક્ટર સરકાર વિરોધી નિર્ણયો તો નહીં લે તો પછી ક્યાંક એમ ન થાય કે જમીન વક્ફની હોય તો પણ તે વક્ફની નથી એવું એ કહી દે.
વક્ફની સંપત્તિનું ડિજિટલ રજિસ્ટ્રેશન જો છ મહિનામાં ન થાય તો તેને વક્ફની સંપત્તિ નહીં ગણાય એવો સુધારો પણ સરકાર સૂચવે છે જેમાં આખી ન્યાયિક સમીક્ષાની પ્રક્રિયાનો છેદ ઊડી જાય છે. આપણે ત્યાં મિલકતના સરવે, ડિજિટાઇઝેશન વગેરે છ મહિનામાં નથી જ થતા એ આપણે જાણીએ જ છીએ. આવામાં રેઢિયાળ તંત્રનો ઉપયોગ કરીને હોંશિયાર સરકાર ડિજિટાઇઝેશન અને કલેક્ટર રાજ વાપરીને વક્ફ બોર્ડની પકડ ઢીલી કરવાનો કારસો રચી રહી છે એવું દૃઢતાપૂર્વક મનાઇ રહ્યું છે.
બાય ધી વેઃ
ટૂંકમાં વક્ફ બોર્ડને મજબૂત કરવાને બદલે, જમીન પચાવનારાઓ સામે પગલાં લેવાની વાતને બદલે સરકાર કંઇ બીજા જ સુધારા કરવાની વાત કરી રહી છે. સચ્ચર કમિટીના રિપોર્ટના બહુ ઓછા મુદ્દાઓ નવા સુધારામાં ગણતરીમાં લેવાયા છે. ખરેખર તો વક્ફ બોર્ડ પર રાજકારણ ખેલાતું હોય તો તેનુ કારણ તેમની રેઢિયાળ માનસિકતા છે કારણ કે વક્ફ બોર્ડ સમય સાથે બદલાયા નહીં, ન તો વક્ફની ખરબોની સંપત્તિઓનો ઉપયોગ કરી આવક વધારી. જ્યાં તડ હતી ત્યાં સરકારે તક જોઇ એ વક્ફ બોર્ડને સમજાય તો સારું. સ્વાર્થ સાધવામાં વક્ફ બોર્ડે લોકોનું ભલું જોવાનું ટાળ્યું અને હવે આ નોબત આવી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024