થોડા સમય પહેલાંની વાત છે. ભારતના ઉત્તરે શિરોમણીની જેમ શોભતું કાશ્મીર ! હિમાલયની ગોદમાં લપાઈને બેઠેલું કાશ્મીર ! ભારતના શિરદર્દસમું કાશ્મીર, ભારતીય વીરોના બલિદાનથી રક્તરંજિત કાશ્મીર, વારે ઘડીએ રણમેદાને ચડતું કાશ્મીર, કારગિલની યુદ્ધની કળમાંથી બેઠું થઈ રહેલું કાશ્મીર. તેની આ નાનકડી વાત !
પાકિસ્તાનના સૈનિકો દ્વારા મશીનગન અને રોકેટ લોન્ચર મારફતે કરવામાં આવેલા હુમલાને ભારતીય શૂરવીર સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ગોળીઓના વરસાદની રમઝટ બે કલાક પહેલાં જ શમી હતી. કાશ્મીરની સરહદે દેશની રક્ષા કાજે, જીવન કુરબાન કરનાર સૈનિકોની છાવણીમાં અજંપો હતો. એ વીસ જ જણાની ટુકડીઓમાંથી એક શૂરવીરે દેશના રક્ષણ કાજે હંમેશ માટે વિદાય લીધી હશે, એવી દહેશત સૌના મનમાં હતી. અનેક શંકા-કુશંકાથી ઘેરાયેલો સોલ્જર મોહન ભાટિયા પોતાના મિત્રને શોધવા નીકળી પડ્યો હતો.
કાળજું ઠારી નાખે એવી કાતિલ ઠંડી હતી. બરફથી છવાયેલી ધરતી પર દર્દથી પીડાતા અર્ધ બેહોશ જેવા મિત્રની શોધમાં નીકળી પડેલા સૈનિકની છાતીના ધબકારા વધતા જતા હતા. કડકડતી ઠંડીમાં અબ્દુલની ભાળ કાઢવા એને એના કાન સરવા કર્યા. એની આંખો જાણે વીજળીના ગોળા બનીને અંધારાને ચીરતી સૈનિક મિત્ર અબ્દુલને શોધી રહી હતી. એના પગમાં ગતિ હતી. સમગ્ર શરીરમાં શક્તિનો સ્રોત વહી રહ્યો હતો. દોસ્ત અબ્દુલ માટે, તેની સલામતી માટે, તે મનોમાન ઈશ્વરને પ્રાર્થી રહ્યો હતો.
અબ્દુલ કહીને એણે બૂમ પાડી. એ નીરવ વાતાવરણમાં એના એ શબ્દો પાછા ફર્યા. મોહને ફરી ફરીને બૂમ પાડી ત્યાં જ એક બરફીલી કેડીપર એનો પગ લપસ્યો ! મોહન ગબડતો ગબડતો મોટા વૃક્ષ સાથે અથડાયો. એના મોઢામાંથી એક ચીસ નીકળી પડી, પણ પોતાના દર્દને છુપાવીને એણે જોશથી બૂમ પાડી “અબ્દુલ … અબ્દુલ … તું ક્યાં છે ?”
“હું અહીં છું, મોહન,” એક દર્દ ભર્યો અવાજ આવ્યો.
“અબ્દુલ …” કહીને મોહન લગભગ ત્યાં બેસી પડ્યો.એણે અબ્દુલને પોતાના મજબૂત શરીરનો સહારો આપીને બેઠો કર્યો.માત્ર મોહનને સંભળાય એમ ધીમે અવાજે અબ્દુલ બોલ્યો,
“આ ગયા મોહન, મુઝે પતા થા, મેરે દોસ્ત ! મેરે મરને સે પહેલે તું જરૂર આયેગા !”
“ઐસા મત બોલ, મેરે યાર, મેં તુઝે લેને આયા હું .”
“નહીં દોસ્ત, અબ વખ્ત આ ગયા હૈ. તુઝે દેખ કે બડી ખુશી હુઈ, મુઝે પતા થા તું જરૂર આયેગા …! તું જરૂર આયેગા … “
થોડા સમય માટે શાંતિ ફેલાઈ.
અબ્દુલ બોલ્યો, “સુન,…મેરી મા કો બોલના …… યા ખુદા,…મા કા ખયાલ રખના …! જય હિન્દ , જય હિન્દ !!”
મોહન થોડીવાર શૂન્યવત બેસી રહ્યો. એણે ઊભા થઈને મિત્રને સેલ્યુટ મારી ! હળવેકથી એના મૃતદેહને ઉપાડ્યો અને તે ભારે પગલે છાવણી તરફ ચાલવા લાગ્યો. છાવણીના પ્રવેશ દ્વારા આગળ વાંકા વળીને અબ્દુલનો દેહ એણે નીચે મુક્યો. શિસ્ત પ્રિય ને કડક સ્વભાવના મેજર ખુશવત સિંગ છાવણીની બહાર સિગારનો દમ મારીને ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરતા હતા.
મોહનને ઉદ્દેશીને અબ્દુલના મૃતદેહ સામે જોઈને તે બોલ્યા, “મિસ્ટર ભાટિયા કયા પાયા તુમને ? હમ તો બોલે થે, ઉસકે બચનેકી કોઈ ઉમ્મીદ નહીં હૈ. ભોર હોતે હી ઉસે ઢુંઢ કે લિયે આયેંગે.”
મોહને ઉદાસ ચહેરે દૃઢતાથી સરને સેલ્યુટ મારતા કહ્યું, “મૈને બહોત કુછ પાયા સર ! આખરી દમ તોડતે વખ્ત વહ બોલા થા,મુઝે વિશ્વાસ થા તું જરૂર આયેગા ,…ઔર મૈંને ઉસ કે વિશ્વાસ કો તુટને નહીં દિયા !”
મોહનની આંખો ભરાઈ આવી. લોહીથી ખરડાયેલો કોટ કાઢતા તે બોલ્યો, “જય હિન્દ!!”
બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com