HIV અને કોરોના બંને પ્રકારના વાઇરસમાં ટેસ્ટ કે પરીક્ષણ અતિ મહત્ત્વનાં છે. ભારતમાં જેમ જેમ HIV ટેસ્ટ વધુ થયા અને એ માટે લોકો પણ આગળ આવ્યા, તેમ તેમ કેસ વધ્યા. સાથે ચેપને નિયંત્રિત કરવાની નવી દિશાઓ પણ ખૂલી. અત્યારે ભારતમાં કોરોના ટેસ્ટ ખૂબ ઓછા થઈ રહ્યા છે એટલે તેનો વ્યાપ કેવો અને કેટલો છે એ માપવું મુશ્કેલ બને છે.
સામાજિક આર્થિક ભેદભાવ HIVગ્રસ્ત વ્યક્તિઓ માટે શાપરૂપ બન્યો. પરિવારથી માંડી જાહેર જીવનમાં આવા લોકો સાથે અનેકવિધ ભેદભાવ કરવામાં આવ્યા. કોઈને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા, તો કોઈને મિલકતમાંથી દૂર કરવામાં આવ્યા. રોજગારી છીનવાઈ. તેમને કલંકિત કરવામાં આવ્યા. તેને કારણે અનેક HIV-પોઝિટિવ વ્યક્તિઓ ભૂગર્ભમાં જતી રહી. આવી સ્થિતિ આજે અને ભવિષ્યમાં કોરોના દરદીઓ સાથે ના થાય એ સામૂહિક જવાબદારી બની રહેશે.
HIVગ્રસ્ત વ્યક્તિઓનાં નામ જાહેર થાય ત્યારે તેમને સામાજિક બહિષ્કારનો સામનો પડયો હતો તેમ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનાં નામસરનામાં જાહેર થતાં, સહાનુભૂતિની જગ્યાએ દરદીઓ કલંકિત થયા, ધાર્મિક ધિક્કાર ફેલાવવા માટે પણ તેનો ઉપયોગ થયો. ડૉક્ટરો, પોલીસ અને આરોગ્યકર્મીઓ સામેનો વિરોધ પણ લોકોમાં જાગૃતિના અભાવ અને ડરનું પરિણામ છે. HIVની રસી નથી શોધાઈ. દવાઓ છે, પણ જનજાગૃતિ તેમ જ HIV-પોઝિટિવ વ્યક્તિઓ, સંગઠનો, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકાને કારણે એઇડ્સને નાબૂદ નહીં, પણ નિયંત્રિત કરી શકાયો .આ અનુભવો કોરોના સામેની લડતમાં પણ ઘણા ઉપયોગી છે.
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020