
રમેશ ઓઝા
“વિરોધ પક્ષો વચ્ચે એકતા થશે ખરી? વિરોધ પક્ષો વચ્ચે એકતા થવી જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓએ પોતાનાં સ્વાર્થ બાજુએ રાખીને વ્યાપક દેશહિત માટે થોડું જતું કરવું જોઈએ. શું તેમને એટલું પણ નહીં સમજાતું હોય કે અત્યારે દેશ તેનું લોકતંત્ર અને તેની કલ્પનાનું ભારત ગુમાવી રહ્યો છે?” વગેરે વગેરે વગેરે. એક પ્રકારની અકળામણ સાથે કેટલાક લોકો આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. આવા પ્રશ્નો ત્યારે પણ પૂછાતા હતા જ્યારે દેશમાં કાઁગ્રેસની શાસકીય ઈજારાશાહી હતી અને અતિરેકો થવા માંડ્યા હતા. ત્યારે પણ લોકતાંત્રિક માનમર્યાદાની ચિંતા કરનારાઓ અકળાતા હતા.
સામાન્ય સમજ એવી છે કે ચૂંટણી એટલે મતોનું ગણિતશાસ્ત્ર. જો કૂલ પડેલા મતોમાંથી ૩૮ ટકા મત બી.જે.પી.ને મળતા હોય તો તેનો અર્થ એ થયો કે ૬૨ ટકા મતદાતાઓ બી.જે.પી.નો વિરોધ કરે છે. પણ જો વિરોધ પક્ષો સાથે મળીને બી.જે.પી. સામે એક જ ઉમેદવાર ઊભો રાખે તો એ ૬૨ ટકા મત એ ઉમેદવારને મળી શકે અને એ રીતે સહેજે બી.જે.પી.ને હરાવી શકાય.
પણ એવું બનતું નથી. એમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો તેને બહુ સફળતા મળી નથી. ૧૯૭૧ની સાલમાં વિરોધ પક્ષોએ મહાજોડાણ કર્યું હતું અને તેને સરિયામ નિષ્ફળતા મળી હતી. ડૉ રામ મનોહર લોહિયાએ ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવીને ગેર કાઁગ્રેસી પક્ષો વચ્ચે ચૂંટણીકીય સમજૂતી પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને મર્યાદિત સફળતા મળી હતી. સત્તામાં આવ્યા પછી એકતા ટકી પણ નહોતી અને તેણે ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડ્યું હતું. જે હિંદુ કોમવાદી પક્ષને નજીક પણ આવવા દેવામાં નહોતો આવતો, જેનું સ્થાન ભારતીય રાજકારણમાં હાંસિયામાં હતું એ ભારતીય જનસંઘને નજીક આવવા દેવામાં આવ્યો, બાથમાં લેવામાં આવ્યો અને પ્રતિષ્ઠા આપવામાં આવી. આજે હવે એમ લાગે છે કે એણે લોકતંત્રને વધારે મોટું નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ફાસીવાદીઓના સહારે લોકતંત્ર બચાવવા નીકળેલા કેટલા લોકશાહીવાદી છે એવો સવાલ ઇન્દિરા ગાંધીએ ત્યારે ઉઠાવેલો અને તેમના એ સવાલનો જવાબ ત્યારે કોઈએ આપ્યો નહોતો.
પહેલી વાત તો એ કે શા માટે આટલા બધા રાજકીય પક્ષો સ્થાપાયા છે? નાની નાની દુકાનો ખોલીને, લોકસભામાં બે-પાંચ સીટ અને વિધાનસભામાં દસ-વીસ સીટ મેળવીને સત્તા માટે કે પૈસા કમાવા માટે આમ કરવામાં આવે છે એવી જે માન્યતા છે એ સંપૂર્ણ સાચી નથી. તેની સ્થાપના થઈ ત્યારનું એ સત્ય નહોતું. મૂળમાં કેટલાક રાજકીય પક્ષોની સ્થાપના જે તે સમાજવિશેષના હિત માટે અને જે તે ભાષાઓની તેમ જ પ્રદેશોની અસ્મિતાઓના રક્ષણ માટે થઈ હતી. અંગત સ્વાર્થ માટે નહોતી થઈ. તેઓ બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ ભારતની કલ્પનાના વિરોધી નહોતા, તેઓ માત્ર એટલું કહેતા હતા કે બંધારણમાં અધોરેખિત કરવામાં આવેલું ભારત ત્યારે જ સાકાર થશે જ્યારે અમને પણ સાંભળવામાં આવશે અને અમને પણ એ ભારતમાં સ્થાન આપવામાં આવશે.
બીજું ભારતમાં રાજકારણ કરવું અને લોકપ્રતિનિધિગૃહમાં પ્રવેશ મેળવવો એ દુકાન ચલાવવા જેવું સરળ કામ નથી. ભારતમાં રાજકારણ ચોવીસ કલાકની પ્રવૃત્તિ છે. ખૂબ મહેનત કરવી પડે છે, પ્રવાસ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે, કાર્યકર્તાઓને સાચવવા પડે છે, ચિડાયા વિના કે મોઢું બગાડ્યા વિના લોકોને સાંભળવા પડે છે, અડધી રાતે લોકોની વચ્ચે જવું પડે છે. ટૂંકમાં ભારતમાં રાજકારણી અંગત સમય અને અંગત જીવન ધરાવતો નથી. જે કોઈ રાજકીય પક્ષોએ જગ્યા બનાવી છે તો તે સ્થાપનાના સમયે તેમ જ પ્રારંભનાં વર્ષોમાં તેના નેતાઓની વિચારનિષ્ઠા અને મહેનતનું પરિણામ છે. એ વાત જૂદી છે કે સમય જતા તેઓ ભટકી પડ્યા, સમાધાનો કરવા માંડ્યા, ભ્રષ્ટ થયા અને પરિવારવાદ પ્રવેશ્યો. સત્તા અને સ્વાર્થ માટે વિભાજનો થયાં અને આપણી નજરમાંથી ઊતરી ગયા.
ડૉ રામમનોહર લોહિયાએ જ્યારે ગેર કાઁગ્રેસવાદની થિસીસ વિકસાવી ત્યારે તેમણે એવા રાજકીય નેતાઓને અને પક્ષોને એકઠા કર્યા હતા જેઓ બંધારણ કલ્પિત ભારતમાં પ્રવેશ મેળવવાની મનશા ધરાવતા હતા અને એ માટે આંદોલિત હતા. ટૂંકમાં હિન્દુત્વવાદી અને સામ્યવાદીઓને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો એકંદરે એક જ ગોત્રનાં પક્ષો હતા. એ ગોત્ર હતું બંધારણ કલ્પિત ભારત જેનું સિંચન વેદોથી લઈને વિનોબા સુધીના લોકોએ કર્યું છે. હમણાં કહ્યું એમ હિન્દુત્વવાદીઓને બંધારણ કલ્પિત ભારત સ્વીકાર્ય નહોતું, પરંતુ તેઓ લોકશાહીનિષ્ઠાનો સ્વાંગ સજીને લોહિયા(અને પછી જયપ્રકાશ નારાયણ)ના રાવણામાં જોડાઈ ગયા હતા અને એ રીતે પ્રતિષ્ઠા મેળવી હતી.
સંઘપરિવાર અને ભારતીય જનતા પક્ષની કલ્પનાનું ભારત સામેના છેડાનું છે. ૧૮૦ ડિગ્રી સામેના છેડાનું. તે સંપૂર્ણપણે આયાતી છે અને આપણી માટીમાં તેને ઉછેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનો મુકાબલો કરવો હશે (અને ભારતનાં અસ્તિત્વ માટે એ અનિવાર્ય છે) તો મતોના ગણિત દ્વારા નહીં થાય. વીતેલાં વર્ષોનું કાઁગ્રેસ વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતમાં સ્થાન મેળવવા માટેનું હતું અને અત્યારનું ભા.જ.પ. વિરોધી રાજકારણ બંધારણ કલ્પિત ભારતને બચાવી લેવા માટેનું છે. ગેર કાઁગ્રેસવાદમાં પણ મતોનું ગણિતશાસ્ત્ર ખાસ સફળ નહોતું નીવડ્યું તો અત્યારે તો આપણી કલ્પનાના ભારતનાં અસ્તિત્વની જ લડાઈ છે. મોટી લડાઈ છે જે માત્ર વિપક્ષી એકતા દ્વારા જીતી શકાય એમ નથી.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. સમાજવાદીઓની આ ફિતરત છે. તેઓ બી.જે.પી.ને ખોળામાં બેસાડે, બી.જે.પી.ના ખોળામાં બેસે અને પાછા વિપક્ષી એકતા માટે પ્રયાસ પણ કરે. ડૉ રામમનોહર લોહિયાએ ૧૯૫૦ના દાયકામાં પક્ષ-બાંધણી કેમ કરાય અને લોકોની વચ્ચે કેમ જવાય અને રહેવાય એ વિષે જે માર્ગદર્શન આપ્યું હતું તેનું અનુસરણ તેમણે પોતે કર્યું હોત તો આજે દેશનો ઇતિહાસ જૂદો હોત. તેમણે એક પછી એક પરાજય પછી ધીરજ ગુમાવી દીધી હતી અને વિપક્ષી એકતાને નામે સમાધાનો કરવા માંડ્યા હતા અને એમાં એટલે સુધી હતાશ થઈ ગયા કે વિપરીત કૂળને પણ સ્થાન આપ્યું.
ભા.જ.પ.ની કલ્પનાના ભારતનું ગોત્ર અલગ છે. એનો મુકાબલો અતિ પ્રચલિત, અનેક વાર અજમાવાયેલ અને ભાગ્યે જ સફળ નીવડેલ વિપક્ષી એકતા દ્વારા શક્ય નથી. એનો મુકાબલો કેમ કરાય એનું રહસ્ય રાહુલ ગાંધીને જડી ગયું છે. એ શું છે એની વધુ ચર્ચા આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023